નવીદિલ્હી : રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ્યારે નિતિશકુમારનું નામ ચર્ચામાં આવ્યું હતું ત્યારે તેઓ ચૂપ રહ્યા હતા. એમને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની વાત થઈ ત્યારે તેઓ તૈયાર થયા નહોતા. હવે નિતિશકુમાર રાજ્યસભાના સાંસદ બનવા તૈયાર થઈ ગયા છે. ૨૦ વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી રહેલા નિતિશકુમારના આ નિર્ણયથી ઘણા ચોંકી ગયા છે. જોકે આમા કઈ ચોંકવા જેવું નથી. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ સાથે આ ગોઠવણ કરવામાં આવી હતી. ભાજપના દબાણને કારણે નિતિશકુમારે ફરીથી ૩૭ વર્ષ પછી ફરીથી દિલ્હી આવી રહ્યા છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર ચંદ્રાબાબુ નાયડુ અને નિતિશકુમારના સાંસદોને કારણે ટકી છે. એમ મનાય છે કે, નિતિશકુમારે મુખ્યમંત્રીપદ છોડવાનું તો જ નક્કી કર્યું હોય કે જ્યારે કેન્દ્રમાં એમને મોટો હોદ્દો મળવાનો હોય. રાજ્યસભાના સાંસદ બનીને નિવૃત્તી લેવાનું આયોજન તો તેમણે નહીં જ કર્યું હોય. દિલ્હીમાં એમ મનાય છે કે કદાચ એમને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ બનાવવામાં આવે. તેઓ અગાઉ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
'યુદ્ધ આપણા ઘર સુધી આવી ગયું, છતા તમે કેમ ચૂપ' : રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી સંભળાવ્યું છે. હિન્દ મહાસાગરમાં ઇરાનના એક જહાજ પર હુમલો થવાથી ડુબી ગયું હતું. એમ મનાય છે કે શ્રીલંકા નજીક એક અમેરિકાની સબમરીનએ આ જહાજ પર હુમલો કર્યો હતો. આ બાબતે નરેન્દ્ર મોદીએ કોઈ ટીપ્પણી નહીં કરવાથી રાહુલ ગાંધી બગડયા છે. રાહુલ ગાંધીએ મોદીને કેટલાક સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, પશ્ચિમ એશિયાનું ઘર્ષણ હવે ભારતના દરવાજા સુધી પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું સ્વમાન અને સ્વાયત્તતા છોડી દીધા છે. આવા સમયમાં દેશને એક સ્થિર નેતૃત્વની જરૂર છે. વડાપ્રધાનના આ મોનને કારણે એમનો ડર બહાર આવી ગયો છે. આ ઇરાની યુદ્ધ જહાજ આઇરીસ ડેના વિશાખા પટ્ટનમ ખાતે આયોજીત એક યુદ્ધ કવાયતમાં ભાગ લઈને પરત જઈ રહ્યું હતું.
'બિહારમાં નેતૃત્વ પરીવર્તન જનાદેશ સાથે દગો' : કોંગ્રેસ
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન ભરવાથી રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. નિતિશકુમારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકીને આ જાણકારી આપી હતી. નિતિશના આ નિર્ણય પછી કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશએ આને બિહારમાં નેતૃત્વ પરીવર્તનનો પ્રયાસ ગણાવ્યો છે. એમના કહેવા પ્રમાણે આ નિર્ણય બિહારના લોકો સાથે વિશ્વાસઘાત છે. જયરામ રમેશે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે બિહારની ચૂંટણી વખતે કોંગ્રેસ જે વાત કહી રહી હતી એ હવે સાચી પુરવાર થઈ રહી છે. નિતિશકુમારએ એક્સ પર લખ્યું હતું કે તેઓ રાજ્યસભાના સભ્ય બનવા માગે છે પરંતુ બિહારના લોકો સાથે એમનો સંબંધ પહેલા જેવો જ રહેશે. બિહારના વિકાસ માટે તેઓ લોકો સાથે મળીને કામ કરશે.
ટીએમસીના ગઢમાં તીરાડ, પક્ષે રણનીતિ બદલવાની જરૂર
પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં એસઆઇઆર અભિયાનને કારણે જે ફેરફાર થયો છે એને કારણે તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. એસઆઇઆરના અભિયાનની સૌથી મોટી અસર મુસ્લિમ મતદારોની બહુમતીવાળા ક્ષેત્રો ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણા પર પડી છે. આ વિસ્તાર ટીએમસીનો ગઢ ગણાય છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ હવે વધુ મતદાન, બંગાળની અસ્મિતા અને મહિલા તેમજ લઘુમતી મતદારોની એકતા પર ભાર મૂકે છે. એસઆઇઆર અભિયાનને કારણે થયેલું નુકસાન આનાથી ઓછુ થઈ શકે છે. એસઆઇઆર અભિયાને ઉત્તર ચોવીસ પરગણા અને દક્ષિણ ચોવીસ પરગણા ઉપરાંત મુર્શીદાબાદ, માલદા, ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુરની રણનીતિ બદલી નાખી છે. મુર્શીદાબાદના ૧૧ લાખ જેટલા મતદારો શંકાસ્પદ ગણાયા છે.
દિલ્હીમાં રાયસિના ડાયલોગમાં 110 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે
દિલ્હીમાં વર્ષ દરમિયાન કોઈને કોઈ સેમિનારો કે પ્રદર્શનો ચાલતા જ રહે છે. હવે દિલ્હીમાં રાયસિના ડાયલોગના નામથી સંમેલન યોજાઈ રહ્યું છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં દુનિયાભરના નેતાઓ આવશે, ચર્ચા કરશે અને છૂટા પડશે. વૈશ્વિક પડકારો વિશે જાતભાતની વાતો થશે. ફિનલેન્ડના પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ આ ડાયલોગમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે. મુખ્ય ભાષણ પણ તેઓ જ આપવાના છે. આ કાર્યક્રમનું આયોજન ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ) અને ભારતના વિદેશ મંત્રાલયની ભાગેદારીમાં થયું છે. આ સંમેલનમાં દુનિયાભરની સરકારો અને થીન્કટેન્ક ભાગ લેશે. આ વખતે રાયસિના ડાયલોગ ૨૦૨૬ની થીમ સંસ્કાર અને ઉન્નતી રાખવામાં આવી છે. ત્રણ દિવસ દરમિયાન છ મુખ્ય વિષયો પર ચર્ચા થશે.
કોંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને વફાદારીનું ઇનામ આપ્યું
કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીઓ માટે છ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણીઓ ૧૬મી માર્ચે ૧૦ રાજ્યોમાં થવાની છે. કોંગ્રેસ તરફથી સુપ્રિમ કોર્ટમાં હંમેશા આક્રમકતાથી રજૂઆત કરનાર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીનું નામ પણ આ ઉમેદવારોની યાદીમાં છે. તેંલગાણાના મુખ્યમંત્રીના સલાહકાર વેમ નરેન્દ્ર રેડ્ડી, ફુલો દેવી નેતામ, કરમવીર સિંહ બૌદ્ધ, અનુરાગ શર્મા અને કિસ્ટોફર તિલક હવે રાજ્યસભા માટે ઉમેદવારી કરશે. સિંઘવીને નરેન્દ્ર રેડ્ડી સાથે તેંલગાણામાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ફુલો દેવી નેતામ, કરમવિર બૌદ્ધ અને કિસ્ટોફર તિલકને ક્રમશ: છત્તીસગઢ, હરિયાણા અને તામિલનાડુના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેંલગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નજીકના ગણાતા એમના ખાસ સલાહકાર નરેન્દ્ર રેડ્ડીને પણ વફાદારીનું ફળ મળ્યું છે.
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટરો કેમ લાલઘુમ
મહારાષ્ટ્રના હજારો ટ્રાન્સપોર્ટરોએ રાજ્ય વ્યાપી ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રાન્સપોર્ટરો વિવિધ કારણોથી નારાજ છે. ઇ-ચલણ પદ્ધતિ તેમજ સરકારના બીજા નિર્ણયોને કારણે ટ્રાન્સપોર્ટરો ગુસ્સે થયા હતા. મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ એક્સન કમીટી (એમટીએસી)ના પ્રતિનિધિઓ મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશનરને મળ્યા હતા. જોકે થયેલી વાતચીતથી સમસ્યાનો ઉકેલ આવ્યો નહોતો. ત્યાર પછી હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમટીએસીના કહેવા પ્રમાણે મનમરજીથી તેમજ વધુ પડતા કરવેરાને કારણે ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સંકટમાં છે. ટ્રાન્સપોર્ટરો કોર્મિશયલ વાહનો પર લગાડવામાં આવેલા વધુ પડતા ટોલ અને ટેક્સથી કંટાળી ગયા છે. ઇ-ચલણને કારણે ફક્ત કોર્મિશયલ વાહનો નહીં ખાનગી વાહન ચાલકોને પણ તકલીફ પડે છે. હમણા ટ્રાન્સપોર્ટરોએ ૪૫ દિવસની અંદર ઇ-ચલણનો દંડ ભરવો પડે છે આ સમય મર્યાદા વધારવાની માંગણી પણ એમની છે.


