નવીદિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશકુમારને પત્ર લખ્યો છે. પત્રમાં એમણે મતદાર યાદી સુધારણા માટે ચાલુ થયેલા સર અભિયાનને અટકાવી દેવા ચેતવણી આપી છે. એમનું કહેવું છે કે, મોટી સંખ્યામાં મતદારોના મતાધિકાર છીનવાઈ શકે છે. લોકશાહીને મોટુ નુકશાન થઈ શકે એમ છે. એસઆઇઆર અભિયાન દરમિયાન ગેરરીતીઓ થઈ છે અને ભારે અન્યાય થયો હોવાથી પોતે ચિંતીત છે. એસઆઇઆરનું અભિયાન ખૂબ ઉતાવળે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ પત્રમાં લખ્યું છે કે, 'એસઆઇઆરની પ્રક્રિયા દરમિયાન કેટલીક ભૂલો બહાર આવી છે જેને કારણે બંધારણના હકનું ધોવાણ થાય છે. જો એસઆઇઆર અભિયાનને એમના હમણાના સ્વરૂપે ચાલુ રાખવામાં આવે તો ઘણાખરા મતદારોના મતાધિકાર છીનવાઈ જશે. મનમાની અને આયોજન વગરના આ અભિયાનને રોકવું જરૂરી છે.'
આપના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ થરૂરને રસ્તે
ફૂડ અને કરિયાણાની ડીલીવરી કરતા ગીગ વર્કર્સો માટે તૈયાર કરવામાં આવેલા સોશ્યલ સિક્યુરીટી ડ્રાફ્ટના નિયમોથી આપના સાંસદ રાઘવ ચઢ્ઢા ખુશ થઈ ગયા છે. આ બાબતે એમણે સરકારના ભરપૂર વખાણ કરીને કહ્યું છે કે આ વાત ભલે નાની લાગે પરંતુ ગીગ ઇકોનોમી સાથે જોડાયેલા લાખો કામદારો માટે સકારાત્મક શરૂઆત છે. રાઘવ ચઢ્ઢાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને ગીગ વર્કર્સોને અભિનંદન આપ્યા છે અને કહ્યું છે કે, 'હવે એમની કામગીરીને ઓળખ મળશે. લાંબા સમય સુધી ગીગ વર્કર્સ કોઈપણ સામાજીક સુરક્ષા વગર કામ કરી રહ્યા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાશે. પહેલા કેટલીક કંપનીઓએ કર્મચારીઓની ચિંતાઓ અવગણી હતી, પરંતુ હવે સરકારની પહેલને કારણે એમને સન્માન મળશે.' રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, છેલ્લા કેટલાક સમયથી આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા ભાજપ તરફે કુણા પડયા છે. તેઓ નરેન્દ્ર મોદીથી અભીભુત થઈ ગયા હોય એવું દેખાડે છે. દાળમાં જરૂર કઈક કાળુ છે.
ન્યુઝીલેન્ડના સ્થાનિક નાગરીકો એકાએક શીખ વિરોધી કેમ થઈ ગયા
ન્યુઝીલેન્ડની ગણના એક શાંત દેશ તરીકે થાય છે. કુદરતી સૌંદર્યથી ભરપુર ન્યુઝીલેન્ડમાં ભાગ્યે જ ગુનાખોરી થાય છે. હવે એકાએક ન્યુઝીલેન્ડમાં હિન્દુઓ અને ખાસ કરીને શીખો સામે નિવેદન બાજી ચાલુ થઈ ગઈ છે. કેટલાક લોકોએ શીખો દ્વારા થતા કિર્તનને રોકીને એ વિશે સોશ્યલ મીડિયામાં લખ્યું છે. આ વર્ષે ન્યુઝીલેન્ડમાં સમાન્ય ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા કેટલાક લોકો રાજકીય ફાયદો મેળવવા માટે શીખોને નિશાન બનાવે છે. જોકે આ લોકોનું કહેવું છે કે અમે શીખોનો વિરોધ નથી કરતા, પરંતુ ખાલિસ્તાનની માગણી કરનારા શીખો જે રીતે ખાલીસ્તાની ઝંડા ફરકાવે છે અને એક જ દેશમાં બે કાયદા લાગુ કરવાની વાત કરે છે એની સામે અમને વિરોધ છે. ચર્ચા સાથે જોડાયેલા કેટલાક જૂથો શીખો ઉપરાંત હિન્દુઓ અને મુસ્લિમો વિરુદ્ધ પણ અભિયાન ચલાવી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં બનેલા મોટા મંદિરો સામે પણ એમને વિરોધ છે. સ્થાનીકોનું કહેવું છે કે શીખો માટે ટ્રાફિક નિયમો પણ બદલી નાખવામાં આવ્યા છે. એમના માટે હેલ્મેટ પહેરવી ફરજીયાત નથી.
મહારાષ્ટ્રને યુપી - બિહાર બનાવી રહ્યા છે : ઠાકરે બંધુઓ
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એમના પિતરાઇ ભાઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઈ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ઠાકરે ભાઈઓએ સત્તાધારી પક્ષો પર શાબ્દિક હુમલા કર્યા છે. રાજ ઠાકરેનો આક્ષેપ છે કે સરકાર મહારાષ્ટ્રને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા બનાવી રહી છે. હમણાની સરકાર કાયમ ટકવાની નથી. જો એમને લાગતુ હોય કે એમને કોઈ હટાવી નહીં શકે તો એમણે થોડુ વિચારવું જોઈએ. મહારાષ્ટ્રએ દેશને દિશા બતાવી છે. એમણે મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીઓમાં બીનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો બાબતે પણ સરકારને સંકજામાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ કાવતરા માટે એમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવારને જવાબદાર ઠેરવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું હતું કે, દેશમાં આજે એવું વાતાવરણ છે કે લોકતંત્રને બદલે ભીડતંત્ર લાગે છે. જોકે સ્થાનીક હકીકત જાણનારાઓનું માનવું છે કે, ઉદ્ધવ ઠાકરેએ છેલ્લા થોડા વર્ષો દરમિયાન જે રીતે હિન્દુત્વ ત્યજી દીધુ છે એની અસર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને થઈ છે. રાજ ઠાકરેએ પણ ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મેળવ્યા હોવાથી હવે બીનસાંપ્રદાયીક વલણ અપનાવવું પડે છે.
કતલખાનાના માલિકોએ ડીએસપીને એસયુવી ગીફટ આપી, સામાજીક સંગઠનોનો વિરોધ
હરિયાણાના નૂહમાં વધતા કતલખાનાઓની સંખ્યા વિરુદ્ધ કેટલાક સામાજીક કાર્યકરો આંદોલન કરી રહ્યા છે. નૂહ જિલ્લાના ફિરોઝપુર ઝીરકાની પોલીસે કતલખાનાના માલિકો પાસેથી એસયુવી કાર ભેટમાં લીધી હતી. મીટ ફેક્ટરીના કેટલાક સંચાલકોએ કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી (સીએસઆર)ના નામે ફિરોઝપુર ઝીરકાના ડીએસપી અજાયબ સિંહને બોલેરો કાર ગીફટમાં આપી હતી. નવાઇની વાત એ છે કે કારની ચાવી લેતા ડીએસપીના ફોટોગ્રાફ્સ પણ વાયરલ થયા હતા. જ્યારે સ્થાનીક સામાજીક કાર્યકરોને આ વાતની ખબર પડી ત્યારે એમણે વિરોધ શરૂ કર્યો હતો. કતલખાના બંધ કરાવવા માટે આંદોલન ચલાવી રહેલા સભ્યોએ આ ભેટને પોલીસ કાર્યવાહી અટકાવવા માટેની લાંચ ગણાવી છે. જોકે મેવાત ફેક્ટરી સંગઠનના પ્રમુખ અશફાક આલમએ એવો બચાવ કર્યો હતો કે જો મેવાતની પ્રગતી કરવી હોય તો મેવાતની મૂળભૂત જરૂરીયાતોના વિકાસ માટે ખર્ચ કરવો જોઈએ.
છેતરપીંડીના આરોપ હેઠળ મહિને પાંચ હજાર ગીગ વર્કર્સને નોકરીમાંથી છૂટા કરાય છે
છેતરપીંડી કરવા બદલ ઝોમેટો દર મહિને લગભગ પાંચ હજાર ગીગ વર્કર્સને નોકરીમાંથી રૂખસદ આપે છે. દોઢ થી બે લાખ કર્મચારીઓ પોતાની મરજીથી ફાસ્ટ ફૂડ ડીલીવરી પ્લેટફોર્મ છોડી દે છે આ વાત ઝોમેટોની પેરેન્ટ કંપનીના સ્થાપક અને સીઇઓએ કહી હતી. એક યુ-ટયુબર સાથે કરેલા પોડકાસ્ટમાં એમણે કહ્યું હતું કે જે લોકો નોકરી છોડે છે તેઓ ગીગ વર્કને કામચલાઉ નોકરી માને છે. કામનું વાતાવરણ સુધારવા અને વધુ સારી પરિસ્થિતિ માટે ગીગ વર્કર્સે ગયા વર્ષના અંત ભાગમાં હડતાળ કરી હતી. હવે કેન્દ્ર સરકારે ગીગ વર્કર્સ માટે નવા નિયમો પ્રકાશીત કર્યા છે. ગીગ વર્કર્સને હવે લઘુત્તમ વેતન, આરોગ્ય અને વ્યવસાયીક સુરક્ષા તેમજ સામાજીક સુરક્ષાનું કવરેજ આપવામાં આવશે. અહીં સૌથી અગત્યની વાત એ છે કે, કંપનીના સીઇઓ જે કહે છે તે વાત એટલે કે પાંચ હજાર જેટલા ગીગ વર્કર્સ દર મહિને છેતરપીંડી કરે છે એ શંકાસ્પદ છે. આનો કોઈ આધાર કે પુરાવો નથી. એમ લાગે છે કે ગીગ વર્કર્સ સાથે કંપનીઓનો વિવાદ ઝડપથી પુરો થવાનો નથી.
કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા મોહમદ મુકીમ રાહુલ ગાંધી પર કેમ ભડક્યા
કોંગ્રેસના ધારાસભ્ય મોહમદ મુકીમને કોંગ્રેેસે હાંકી કાઢયા છે. મોહમદ મુકીમ રાહુલ ગાંધીથી ખુબ નારાજ છે. એમનું કહેવું છે કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધી જો સુધરશે નહીં તો નીચેનું સંગઠન પણ નહી સુધરે. મોહમદ મુકીમે સોનિયા ગાંધીને પત્ર લખીને ખડગે અને રાહુલના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. એમણે લખ્યું હતું કે ખડગેની ઉંમર વધી ગઈ છે તેથી તેમને બદલવા જોઈએ. રાહુલ ગાંધી જમીની હકીકતથી દુર છે. એમના બદલે પ્રિયંકા ગાંધીને આગળ લાવવા જોઈએ. આ પત્રની હકીકત જાહેર થયા પછી મુકીમને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જોકે મુકીમનું કહેવું છે કે, 'આવતા છ મહિનામાં કોંગ્રેસ નેતાગીરીમાં મોટો ફેરફાર થવાનો છે.' એમની મુખ્ય ફરિયાદ છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓને મળવા માટે સમય આપતા નથી.


