Get The App

દિલ્હીની વાત : આરએલએમના ઉપેન્દ્ર કુશવાહાનો વિચિત્ર ખેલ

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આરએલએમના ઉપેન્દ્ર કુશવાહાનો વિચિત્ર ખેલ 1 - image

નવીદિલ્હી : બિહારની નવી સરકારમાં પોતાના પુત્ર દિપક પ્રકાશ કુશવાહાના મંત્રી બનાવ્યા પછી ચર્ચામાં રહેલા રાજ્યસભાના સાંસદ ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના પક્ષ રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ)ના ત્રણ ધારાસભ્યો સાથે વિધાનસભાના અધ્યક્ષ પ્રેમકુમારને મળવા એકલા પહોંચ્યા હતા. પક્ષના ચોથા ધારાસભ્ય સચેતક તેમજ ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા અને એમના મંત્રી પુત્ર દિપક પ્રકાશ કુશવાહા આ મુલાકાત વખતે સાથે રહ્યા નહોતા. મંત્રી નહી બનાવાથી પક્ષના નેતા માધવ આનંદ નારાજ છે. એક નવી રાજકીય રમત શરૂ થઈ ગઈ છે. માધવ આનંદ, આલોક સિંહ અને રામેશ્વર મહંતો એક જૂથમાં દેખાઈ રહ્યા છે. કુશવાહાની પક્ષની ટિકિટ પર મધુબનીથી ચૂંટાયેલા ધારાસભ્ય માધવ આનંદ દિનારાના ધારાસભ્ય આલોક સિંહ અને બાજપટ્ટીના ધારાસભ્ય રામેશ્વર મહંતો સ્પિકરને અભિનંદન આપવા એમની કેબિનમાં ગયા હતા. આ મિટિંગના ફોટોગ્રાફસ માધવ આનંદએ પોતે સોશ્યલ મીડિયામાં શેર કર્યા હતા. આ તસવીરોનું રાજકીય અર્થઘટન થઈ રહ્યું છે. એવી ચર્ચા થાય છે કે, સ્નેહલતાને બાદ કરતા રાલોમોના ચાર ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યોએ ઉપેન્દ્ર કુશવાહાના વંશવાદ વિરુદ્ધ હાથ મેળવીને એક અલગ જૂથ બનાવ્યું છે.

મમતાની મુશ્કેલી વધી, હુમાયુ કબીર બંગાળના ઓવૈસી નહીં બની જાય

પશ્ચિમ બંગાળના ધારાસભ્ય અને તૃણમુલ કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતા હુમાયુ કબીરએ કહ્યું છે કે, એમને હવે તૃણમુલ કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી. હુમાયુએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ છઠ્ઠી ડિસેમ્બરે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરશે. હવે એમણે ૨૨ નવેમ્બરે પોતાનો નવો પક્ષ સ્થાપવાની જાહેરાત કરી છે. કબીરના કહેવા પ્રમાણે એમને પક્ષના જિલ્લા પ્રમુખે મિટિંગ માટે બોલાવ્યા હતા. એમણે કહ્યું હતું કે, 'મને પક્ષમાંથી કાઢવામાં આવ્યો છે, ધારાસભ્ય તરીકે નહીં.' અગાઉ કબીરે જ્યારે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નાખવાની વાત કરી હતી ત્યારે એમને મમતાએ પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. ટીએમસીના પ્રવક્તાઓએ કહ્યું હતું કે, હુમાયુએ અચાનક બાબરી મસ્જિદ બનાવવાનું નિવેદન શા માટે કર્યું. અમે એમને પહેલા પણ ચેતવણી આપી હતી. હુમાયુ કબીરના રાજકારણથી તૃણમુલ કોંગ્રેસની સમસ્યા વધી શકે છે. અસદુદ્દીન ઓવૈસીની માફક એમનો પક્ષ પણ તૃણમુલ કોંગ્રેસના મુસ્લિમ મતોમાં ભાગ પડાવી શકે એમ છે.

આતંકીની તપાસમાં અલ-ફલાહ યુનિ.નું નામ આવતા વિદ્યાર્થીઓ તકલીફમાં

અલ-ફલાહ યુનિવર્સિટી અને એની સાથે જોડાયેલી મેડિકલ કોલેજને ટેરર હબ સાથે જોડાયેલી યુનિવર્સિટી ગણવામાં આવે છે. આ કારણે યુનિવર્સિટીની ઇમેજ ધૂળમાં મળી ગઈ છે. યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને ડર છે કે યુનિવર્સિટીના નામ સાથે જોડાયેલું કલંક એમના માથે નહીં ચોટીં જાય. દેશ તેમજ વિદેશમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી મેળવેલી ડિગ્રીને હવે શંકાની નજરે જોવામાં આવશે. યુનિવર્સિટીને અપાયેલી માન્યતા ગમે ત્યારે રદ થઈ શકે એમ છે. વિદ્યાર્થીઓને ચિંતા છે કે એમની આટલા વર્ષોની મહેનત નકામી થઈ જશે. જેમ જેમ પોલીસ તપાસમાં કૌભાંડો બહાર આવી રહ્યા છે તેમ તેમ અલ-ફલાહ યુનિવર્સિટીની કોઠીમાંથી વધુને વધુ કાદવ બહાર નીકળી રહ્યો છે. યુનિવર્સિટીમાં ચાલતા કૌભાંડોના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. યુનિવર્સિટીમાં ભણતા કુટુંબીઓએ હવે વડાપ્રધાન સહિત બીજા કેન્દ્રીય પ્રધાનોને પણ પત્ર લખીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

લોરેન્સ ગેંગમાં આર્મ્સ સપ્લાયર ઉપરાંત લીગલ ટીમ પણ સામેલ

ભારતનો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ૨૦૧૬ થી જેલમાં કેદ છે. શરૂઆતમાં એને રાજસ્થાનથી પકડીને ભરતપુર જેલમાં રાખવામાં આવ્યો હતો. હમણા લોરેન્સ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે. લોરેન્સ બિશ્નોઇની ગેંગ વિશ્વ આખામાં કાર્યરત છે. લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઇની ધરપકડ કરીને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો ત્યારે એમ મનાતું હતું કે હવે લોરેન્સની ગેંગ તૂટી ગઈ છે. જોકે આ ધારણા ખોટી સાબિત થઈ છે. ડિસેમ્બર મહિનામાં ચંદીગઢ ખાતે ઇન્દ્રપ્રિત પૈરીની હત્યા કરાવ્યા પછી લોરેન્સ ગેંગે ફરીથી પોતાની સુપ્રીમસી સાબિત કરી દીધી છે. લોરેન્સની ગેંગ કોર્પોરેટ સ્ટાઇલથી કામ કરે છે. ગેંગનું તમામ કામકાજ ડિજીટલ છે. લોરેન્સની ગેંગ પાસે રેકી પર્સન, આર્મ્સ સપ્લાયર, શૂટરની સાથે સાથે આઇટી સેલ અને લીગલ ટીમ પણ છે.

મુનીર આજીવન યુનિફોર્મમાં રહેશે : ધરપકડ પણ નહીં થાય

પાકિસ્તાનના લશ્કરના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને હવે ચીફ ઓફ મિશન ફોર્સિસ તરીકે નિમવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શહબાજ શરીફની ઓફિસ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુનીરને સીએએએફ બનાવવાનો પત્ર મંજૂરી માટે રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીને મોકલી આપવામાં આવ્યો છે. આ નિમણૂક પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. આ નવી નિમણૂકને કારણે મુનીરની સત્તા બેફામ વધી ગઈ છે. હવે તેઓ જીવે ત્યા સુધી લશ્કરનો યુનિફોર્મ પહેરી શકશે. એમની સામે કોઈ કેસ દાખલ નહીં થઈ શકે કે એમની ધરપકડ પણ નહીં થઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો હવે પાકિસ્તાનના સર્વેસર્વા વડાપ્રધાન નહીં પરંતુ અસીમ મુનીર બની ગયા છે.

'એસઆઇઆરની આડમાં બંગાળના ડિટેન્શન કેમ્પ ખુલવા નહીં દઉં'

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એવો આક્ષેપ કર્યો છે કે, એસઆઇઆરની પ્રક્રિયા રોકવા માટે જો એમની સરકારે પ્રયત્ન કર્યો હોતતો કેન્દ્ર સરકાર વિધાનસભાની ચૂંટણી યોજવાને બદલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેત. પરંતુ એમની સરકાર અમીત શાહની ચાલાકીમાં ફસાઈ નહીં. મમતાએ કહ્યું હતું કે, 'ભાજપ એસઆઇઆરને બહાને બંગાળના ડિટેન્શન કેમ્પ ખોલવા માગે છે. જોકે હું એવું થવા દઈશ નહીં. બંગાળમાં કોઈપણ રીતે હું એસઆઇઆર લાગુ કરવા દઈશ નહીં. બંગાળને રોહિગ્યા મામલે બદનામ કરવામાં આવે છે, પરંતુ રોહિગ્યાઓ બંગાળમાં નથી પરંતુ ભાજપશાસિત રાજ્યમાં છે. ભાજપ આ બહાને લઘુમતિઓને ભગાડવા માંગે છે. મમતાએ કહ્યું હતું કે એમણે હજુ સુધી એસઆઇઆર માટે ભરવાનું ફોર્મ ભર્યું નથી, કારણ કે એમને એસઆઇઆર પર ભરોસો નથી.'