ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭માં યોજાવાની છે. લોકસભાની ચૂંટણીના નબળા દેખાવ પછી ભાજપે અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે પક્ષના સંગઠનની મિટિંગ મળી હતી. મિટિંગમાં તમામ હોદ્દેદારોને કહેવામાં આવ્યું હતું કે, ઘરે ઘરે પહોંચીને નવા મતદારો બનાવવાના અભિયાનમાં લાગી જાય. પક્ષની ખાસ નજર ૧૮ વર્ષ પૂરા કરનાર પહેલીવાર મતદાર બનનારા યુવાનો પર છે. હોદ્દેદારોને દરેક બુથ પર ૧૦૦ અને વિધાનસભા ક્ષેત્રમાં ૧૦ થી ૧૫ હજાર નવા મતદારો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. યોગીએ કહ્યું હતું કે, આ ફક્ત સરકારી નહીં, પરંતુ રાજકીય જવાબદારી પણ છે.
'સમૃદ્ધ લોકો સીધા સુપ્રિમ કોર્ટ કેમ આવે છે'
ફોજદારી કેસોમાં રાહત મેળવવા માટે સમૃદ્ધ લોકો સીધા સુપ્રિમ કોર્ટ પાસે આવતા હોવાના ટ્રેન્ડની ટીકા સુપ્રિમ કોર્ટે કરી હતી. કોર્ટે છત્તિસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બહેલ અને એમના પુત્ર ચૈતન્ય બહેલને કેન્દ્રીય એજન્સીઓની તપાસ બાબતે હાઇકોર્ટ જવાનું કહ્યું હતું. આ કિસ્સો છત્તિસગઢના લિકર ગોટાળા અને અન્ય કેસો સંબંધિત છે. જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ જાયમાલ્યા બાગચીની બેન્ચે પૂછયુ હતું કે, ધરપકડ અને રિમાન્ડ તેમ જ મનીલોન્ડરીંગ નિવારણ કાયદા (પીએમએલએ)ના ઉપયોગ સામે એમની અરજી પર ઉચ્ચ અદાલતે શા માટે વિચાર કરવો જોઈએ? બેન્ચે સવાલ કર્યો હતો કે, 'અરજી કરનાર હાઇકોર્ટ શા માટે નહીં ગયા. એ પણ બંધારણીય કોર્ટ છે અને આ મુદ્દે ચૂકાદો આપી શકે છે. આ જ સમસ્યાનો અમે સામનો કરી રહ્યા છીએ. હાઇકોર્ટ આ કેસમાં ચૂકાદો શા માટે આપી શકે નહીં ? આવી કોર્ટોનો ફાયદો શું? ભૂપેશ બહેલ અને ચૈતન્ય બહેલએ તપાસ એજન્સીઓની કાર્યવાહી અને પીએમએલએના ઉપયોગને પડકાર આપતા સુપ્રિમ કોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરી હતી.'
જમીન પર આવ્યા ચિરાગ પાસવાન
લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન બિહારના રાજકારણમાં સક્રિય બનીને મોટો હોદ્દો મેળવવા માટે પ્રયત્નશીલ હોવાની વાતો બિહારમાં થઈ રહી હતી. જોકે હવે ચિરાગ પાસવાનએ ખુલાસો કર્યો છે કે મહત્વાકાંક્ષા હોવી ખોટુ નથી, પરંતુ મારી મહત્વાકાંક્ષા મારા ગઠબંધનથી ઉપર નથી. હું એનડીએમાં છું અને રહીશ. ચિરાગએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્ર્પિત છે અને તેઓ જ્યાં સુધી વડાપ્રધાન હશે ત્યાં સુધી એમના ટેકેદાર જ રહેશે. ચિરાગએ કહ્યું હતું કે, 'એનડીએ સાથે મળીને અમે બિહારનો વિકાસ કરીશું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના તમામ પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે. માતા-પિતા સિવાય એવી કોઈ વ્યક્તિ નથી કે બીજાને આગળ વધતા જોવા માંગે. દરેક વ્યક્તિએ મહત્વાકાંક્ષી હોવું જોઈએ.'
દરરોજ રાત્રે 9 વાગ્યે અખિલેશ યાદવના નિવેદનો ઓનએર થશે
ઉત્તર પ્રદેશમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે. આ તૈયારીના ભાગરૂપે સપા પ્રમુખ અખિલેશ યાદવની ઓફિશ્યલ યુટયુબ ચેનલ સમાજવાદી પાર્ટી ટીવી પર હવે રાજકીય ગતિવિધિઓ બતાવવામાં આવશે. સપા પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ નિવેદન આપ્યું છે કે લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા પક્ષ દિવસભરની પ્રવૃત્તિઓ પોતાની યુટયુબ ચેનલ મારફતે બતાવશે. સપા ટીવી નામની આ ચેનલ પર અખિલેશ યાદવએ દિવસ દરમિયાન આપેલા મહત્વપૂર્ણ નિવેદનો અને સૂચનો દરરોજ રાત્રે ૯ વાગ્યે ઓનએર કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન રેડિયો એન્કર નાવેદ સિદ્દીકી કરશે. પક્ષની નિતિ અને કામગીરીની માહિતી રોજે રોજ લોકો સુધી પહોંચતી રહેશે.
સાંસદના બંને પગ નકામા કરનારને ભવ્ય વિદાય
કેરળના કન્નુર વિસ્તારનો એક વિડિયો વાયરલ થયો છે જેને કારણે રાજ્યના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. આ વિડિયો સીપીઆઇ (એમ) દ્વારા આયોજીત એક 'સન્માન કાર્યક્રમ'નો છે. રાજ્યસભા સાંસદ સી સદાનંદ પર ૧૯૯૪માં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના આરોપીઓ જ્યારે જેલમાં જઈ રહ્યા હતા ત્યારે એમના માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સી સદાનંદ ભાજપના રાજ્યસભા સાંસદ છે. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને એમણે બંને પગ ગુમાવી દીધા હતા. આ હુમલાના આરોપીઓ સીપીઆઇ (એમ)ના કાર્યકર્તાઓ હતા. રાજકીય દુશ્મનાવટને કારણે હુમલો કરવામાં આવ્યો હતો. વિદાય સમારંભ કન્નુરની ઠાલશેરી કોર્ટના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો.
મમતા બેનર્જીની 12 મિનિટની ઓનલાઇન મિટિંગથી ખળભળાટ
પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી પક્ષ તૃણમુલ કોંગ્રેસમાં આતંરીક ખેંચતાણ વધતી જાય છે. આની અસર દિલ્હી સુધી દેખાઈ રહી છે. અભિષેક બેનર્જીને સંસદીય બાબતોની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ સિવાય બીજી એક ટીમ પણ બનાવવામાં આવી છે જે મમતાના ભત્રિજા સાથે મળીને કામ કરશે. સૂત્રોનું કહેવું છે કે પક્ષમાં એવી ચર્ચા થઈ રહી છે કે ટીએમસી અને બંગાળની ઇમેજ દિલ્હીમાં ખરાબ થઈ રહી છે. ઇમેજ સુધારવા તેમ જ પાર્ટીલાઇન નક્કી કરવા માટે એક સિનિયર નેતાની જરૂર છે જે પરીપક્વ પણ હોય. મમતા બેનર્જીએ આ નિર્ણય પોતાની સ્ટાઇલમાં લીધો હતો. ફક્ત ૧૨ મીનીટની ઓનલાઇન મિટિંગમાં એમણે નક્કી કરી નાખ્યું હતું કે જવાબદારી કોને સોપવી. સંસદીય બાબતોના નેતા તરીકે સુદીપ બંદોપાધ્યાયને હટાવી દેવામાં આવ્યા છે.
નિતિશકુમારનું બોગસ રહેઠાણ પ્રમાણપત્ર બનાવવા બાબતે એફઆઇઆર દાખલ
બિહારમાં સિસ્ટમને છેતરીને ખોટી રીતે રહેઠાણ પ્રમાણપત્ર બનાવવાના કેસો વધી રહ્યા છે. કાવતરાબાજોએ મુખ્યમંત્રી નિતિશકુમારને પણ નથી છોડયા. એમનું બોગસ રહેઠાણ પ્રમાણપત્ર બનાવવાનો પ્રયાસ થયો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આની પાછળ કોઈ રાજકીય ષડયંત્ર છે કે નહીં એની તપાસ પોલીસ કરી રહી છે. સરૈયા અંચલના સિનિયર અધિકારી અભિષેક સિંહએ આ મામલે એફઆઇઆર દાખલ કરાવી છે. એમનો આક્ષેપ છે કે મુખ્યમંત્રીની ઇમેજ ખરાબ કરવા માટે કાવતરૂ રચવામાં આવ્યું હતું જે પકડાઈ ગયું છે. ઓનલાઇન અરજી આપનારની પોલીસ તપાસ કરી રહી છે. આ પહેલા પટણામાં શ્વાનનું બોગસ રહેઠાણ પ્રમાણપત્ર બનાવવાનો કિસ્સો બહાર આવ્યો હતો. બિહારના વિરોધપક્ષના નેતાઓએ પણ આ બાબતે સરકારની ટીકા કરી હતી.


