નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મહાગઠબંધનના દરેક પક્ષો વધુ બેઠકની ફાળવણી માટે દબાણ કરી રહ્યા છે. ખેંચતાણને કારણે હજી સુધી કયા પક્ષને કેટલી બેઠકો ફાળવવામાં આવશે એની જાહેરાત થઈ નથી. સામ્યવાદી પક્ષો સીપીઆઇ અને સીપીએમએ ઝડપથી આ બાબતે નિર્ણય લેવાની વાત કરી હતી. આ બંને પક્ષના નેતાઓનું કહેવું છે કે, એમને સન્માનજનક બેઠકો મળવી જોઈએ. વિધાનસભાની ચૂંટણીમાં સીપીઆઇએ ૨૪ બેઠકો અને સીપીએમએ ૧૧ બેઠકોની માંગણી કરી છે. આમ બંને પક્ષો મળીને કુલ ૩૫ બેઠકો માંગી છે. નાનુ બાળક પણ સમજી શકે છે કે, ડાબેરી પક્ષોની આ માંગણી પુરી થવાની નથી. સીપીએમના મહામંત્રી લલન ચૌધરી અને સીપીઆઇના મહામંત્રી રામ નરેશ પાંડેએ એવી દલીલ કરી છે કે મોટા પક્ષોએ ત્યાગની ભાવના રાખવી જોઈએ. આ બંને પક્ષોને એવી આશા છે કે, એમને સન્માનજનક બેઠકો મળશે, પરંતુ બિહારના રાજકારણને જાણનારાઓ માને છે કે, આ બંને પક્ષને મહાગઠબંધનના નેતાઓ પાંચ બેઠકથી વધુ આપે એમ નથી.
સંઘના કાર્યક્રમમાં ડો. આંબેડકર શા માટે છવાયા
છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત સામાજીક એકતા પર વધુ ભાર આપી રહ્યા છે. એમ મનાય છે કે વિરોધીઓ જ્યારે આરએસએસની વિચારધારા બાબતે ટીકા કરે છે ત્યારે ખાસ મુદ્દો દલીતનો હોય છે. હવે આ ટીકાને કાઉન્ટર કરવા માટે આરએસએસની શતાબ્દી નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન થયું હતું એમા બંધારણના ઘડવૈયા અને દલિત ચિંતક ડો. ભીમરાવ આંબેડકરની વિચારધારાનો વારંવાર ઉલ્લેખ થયો હતો. મોહન ભાગવત ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદએ આંબેડકરની સિદ્ધિઓ વર્ણવી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજયેપીએ એમના ભાષણમાં એવું કહ્યું હતું કે એમની સરકાર મનુસ્મૃતિથી નહીં પરંતુ ભીમસ્મૃતિ (બંધારણ)થી ચાલશે. બીજા કેટલાક વક્તાઓએ પણ પોતાને 'ભીમવાદી' ગણાવ્યા હતા.
'સીજેઆઇએ બુલડોઝર કાયદા'ની આકરી ટીકા કરી
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી આર ગવઇએ ફરીથી કહ્યું છે કે, ભારતની ન્યાય વ્યવસ્થા બુલડોઝર કાયદાથી નહીં, પરંતુ કાયદાકીય શાસનથી ચાલે છે. સીજેઆઇએ બુલડોઝર કાયદાની ટીકા કરીને પોતે આપેલા ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. સીજેઆઇ ગવઇએ કહ્યું હતું કે, 'મારા ચૂકાદાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, ભારતની ન્યાય વ્યવસ્થા બુલડોઝર કાયદાથી નહીં ચાલે. દરેકે કાયદાનો અમલ કરવો પડશે. અપરાધીઓના ઘરોને બુલડોઝરથી તોડવાની કામગીરી કાયદાની પ્રક્રિયાથી વિપરીત છે. આ પ્રકારની કામગીરી કાયદાના શાસનનો ભંગ કરે છે. બંધારણની કલમ ૨૧ હેઠળ દરેકને રહેઠાણનો અધિકાર છે એનો પણ ભંગ થાય છે.' સુપ્રિમ કોર્ટની વારંવારની ટીકાઓ પછી પણ કેટલાક રાજ્યોમાં ગુનેગારોના રહેઠાણો ઉપર હજી પણ બુલડોઝર ફેરવવામાં આવે છે.
યુપીના બોલકા મંત્રીએ ક્વોટામાં ક્વોટાની રેકોર્ડ ફરીથી વગાડી
ઉત્તર પ્રદેશની યોગી સરકારના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરએ ફરીથી અનામત મુદ્દે ક્વોટામાં ક્વોટા રાખવાની માંગણી કરી છે. આ માટે એમણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા પ્રમુખ માયાવતી, આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને પત્ર લખ્યા છે. પત્ર જોકે એમણે અપનાદલના પ્રમુખ અનુપ્રિયા પટેલને સંબોધન કરીને લખ્યો છે, પરંતુ એને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને નિષાદ પાર્ટીના પ્રમુખ ડો. સંજય નિષાદને પણ મોકલ્યો છે. મોકલેલા આ પત્રથી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાકએ રાજભરના ઇરાદા વિશે પણ શંકા વ્યક્ત કરી છે. પત્રમાં રાજભરે માંગણી કરી છે કે જસ્ટીસ રાઘવેન્દ્રસિંહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી સામાજીક ન્યાય સમીતીના રીપોર્ટનો અમલ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે. આ સમીતીએ ૨૦૦૧માં ઓબીસીને મળનાર ૨૭ ટકા અનામતની વહેચણી કરીને બીજા વર્ગોને આપવાની ભલામણ કરવામાં આવી હતી.
કાશીરામને શ્રદ્ધાંજલી આપવાના દિવસે બસપા તાકાત બતાવશે
કાશીરામની મૃત્યુતિથિએ એક શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે બસપા પોતાની રાજકીય તાકાત બતાવવાની તૈયારી કરી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે માયાવતીએ દરેક સિનિયર નેતાઓને આદેશ આપ્યા છે. પક્ષના સિનિયર હોદેદ્દારો આ બાબતે ગંભીર છે. તમામ નેતાઓ કાશીરામ સ્મારક સ્થળ પર પહોંચ્યા હતા અને કેવી તૈયારી ચાલી રહી છે એનું નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમય પછી કાશીરામની મૃત્યુતિથિએ બસપાએ મોટા પાયે કાર્યક્રમ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે ૨૦૨૧માં મોટા પાયે કાર્યક્રમનું આયોજન થયું હતું. હમણા બસપા એના રાજકીય ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે હવે બસપાના ટોચના નેતાઓ તૈયારી કરીને પોતાના જૂના મતદારોને ફરીથી પક્ષ તરફ આકર્ષવા પ્રયત્ન કરશે.
બાંગ્લાદેશની યુનુસ સરકારને ભારતનો ટોણો
ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સત્તાવિમુખ થયા પછી પણ બાંગ્લાદેશમાં શરૂ થયેલી હિંસા અટકી નથી. હિંસા રોકવામાં નિષ્ફળ બાંગ્લાદેશની સરકાર ભારત પર દોષનો ટોપલો ઢોળે છે. જોકે ભારતએ બાંગ્લાદેશને પ્રતિઉત્તર આપીને એમની લવારી બંધ કરવા કહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના એક સિનિયર અધિકારીના દાવાને જૂઠો અને આધારહીન ગણાવ્યો છે. આ અધિકારીએ એવું નિવેદન કર્યું હતું કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા માટે ભારત જવાબદાર છે. ગયા અઠવાડિયે બાંગ્લાદેશના પહાડી વિસ્તાર ચટગાવમાં થયેલી હિંસા પછી ગૃહમંત્રી જહાંગીર આલમ ચૌધરીએ આરોપ મૂક્યો હતો કે, બાંગ્લાદેશની હિંસાને ભારત પ્રોત્સાહન આપે છે. શેખ હસીનાની સરકાર સામે થયેલા હિંસક દેખાવો પછી બાંગ્લાદેશની આર્થિક અને સામાજીક સ્થિતિ બગડી છે. અશાંતિને કારણે બાંગ્લાદેશની નિકાસ પર પણ મોટી અસર થઈ છે.
અમેરિકાના ભૂતપૂર્વ અધિકારીની રાહુલ ગાંધીને સલાહ
અમેરિકાના ભૂતપૂર્વ અધિકારી રેન્ડ વિકરીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સલાહ આપી છે. આ અમેરિકન અધિકારીનું કહેવું છે કે ભારતના નેતા કોઈપણ પક્ષના હોય, પરંતુ એણે ભારતના હિતની તરફેણ કરવી જોઈએ. એમના કહેવા પ્રમાણે અમેરિકા અને ભારતમાં બે પક્ષની વ્યવસ્થા તૂટી પડી છે. રાહુલ ગાંધી હમણા વિદેશ પ્રવાસે છે. ગાંધીએ કોલમ્બિયા જઇને કહ્યું હતું કે ભારતમાં લોકશાહી જોખમમાં છે. આ બાબતે રેમન્ડને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે જવાબ આપ્યો કે, 'હું આશા રાખું છું કે બંને પક્ષોના ભારતીય નેતાઓ ભારતના હિતને ધ્યાનમાં રાખીને નિવેદન આપશે. અમે વિશ્વ સમક્ષ અમેરિકાના હિતની વાતો કરીએ છીએ. અમારે ત્યા રીપબ્લિકન અને ડેમોક્રેટ એમ બંને પક્ષ રાષ્ટ્રહિતની વાત કરે છે. જોકે કેટલાક રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે, રેન્ડ વિકરીને વણમાંગી સલાહ આપવાનો અધિકાર નથી.


