નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે? એનડીએની કે મહાગઠબંધનની? દેશમાં આજે આજ ચર્ચા ચાલી રહી છે. વિવિધ સર્વેમાં અલગ અલગ પરિણામો બતાવવામાં આવે છે. રાજસ્થાનના જાણીતા ફલોદી સટ્ટાબજારએ પણ બિહાર વિધાનસભાની ચૂંટણી વિશે અનુમાન લગાડયું છે. સટ્ટાબજારમાં નિતિશકુમારના એનડીએ અને તેજસ્વી યાદવના મહાગઠબંધન પર જુદા જુદા ભાવ લગાડવામાં આવ્યા છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ફલોદી સટ્ટાબજારમાં નિતિશકુમારના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી સત્તા પર આવશે એવી ધારણા થઈ રહી છે. એટલે કે તેજસ્વી યાદવના નેતૃત્વવાળા મહાગઠબંધનએ સત્તાથી દુર રહેવું પડશે. સટોડિયાઓનું માનવું છે કે, બિહારમાં એનડીએ સત્તા ટકાવી રાખશે. એનડીએને ૨૪૩ માંથી ૧૨૮ કે ૧૩૪ જેટલી બેઠકો મળી શકે છે. બિહાર વિધાનસભામાં બહુમતી માટે ૧૨૨ બેઠકો જીતવી જરૂરી છે.
તેજપ્રતાપને કારણે મહુઆના મતદારો દ્વિધામાં
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દરેકની નજર મહુઆ બેઠક પર છે. વૈશાલી જિલ્લાના મુખ્યમથક હાજીપુરથી લગભગ ૩૦ કી.મી. દુર આવેલા મહુઆની ચર્ચા દેશ - દુનિયામાં થઈ રહી છે. લાલુ પ્રસાદ યાદવના કુટુંબથી દુર થયેલા મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ આ વખતે મહુઆથી ચૂંટણી લડી રહ્યા છે. તેજપ્રતાપએ પોતાના પક્ષ જનશક્તિ જનતાદળની સ્થાપના કરી છે. દેશભરના પત્રકારો આ બેઠક કવર કરવા માટે આવે છે. છેલ્લી ચૂંટણીમાં જેડીયુના ઉમેદવાર રહેલા ડો. આસ્મા પરવીન બળવો કરીને ચૂંટણીમાં ઉભા રહ્યા છે. આરજેડીએ અહીંથી પોતાના ધારાસભ્ય ડો. મુકેશ રોશન અને એનડીએએ લોજપા (રામવિલાસ પાસવાન)ના સંજયસિંહને મેદાનમાં ઉતાર્યા છે. મહુઆમાં ચતુષ્કોણીય જંગ છે. ખાસ કરીને તેજપ્રતાપ યાદવને કારણે આ સ્પર્ધા ચર્ચાસ્પદ બની છે.
'જ્યારે અતિ આત્મવિશ્વાસને કારણે હું કેસ હારી ગયો હતો'
દેશના ભાવિ સીજેઆઇ સૂર્યકાંતે પોતાની કારકીર્દીનો એક કિસ્સો જણાવ્યો છે. જસ્ટીસ સૂર્યકાંતએ એક અગત્યની વાત કહી છે કે વકીલો માટે બુમબરાડા નહીં પરંતુ પુરતી તૈયારી જરૂરી હોય છે. એકવાર અતિ આત્મવિશ્વાસમાં તેઓ કેસ હારી ગયા હતા. ત્યાર પછી એમને શીખવા મળ્યું કે કેસનો અભ્યાસ ઝીણવટથી કરવો જોઈતો હતો. શીખવું એ એક કાયમી પ્રક્રિયા છે. કદી શીખવાનું બંધ નહીં કરવું જોઇએ અને દરેક બૌદ્ધીક બાબતે પ્રશ્ન થવા જોઈએ. જસ્ટીસએ કહ્યું હતું કે, 'હું ખાતરી સાથે કહી શકું છું કે, વકીલાતનો વ્યવસાય તમે એટલે પસંદ નહીં કર્યો હોય કે તમારી સમક્ષ એ એક માત્ર વિકલ્પ હતો. તમે આ વ્યવસાય એટલે પસંદ કર્યો છે કે, તમે એવા રસ્તે છો કે તે બદલવા માટે પુરી રીતે તૈયાર છે.' બે ભાઈઓ વચ્ચે પીતૃક સંપત્તી બાબતે થયેલા ઝઘડાનો કેસ તેઓ અતિ આત્મવિશ્વાસને કારણે હારી ગયા હતા.
સુપ્રિમ કોર્ટે નેપાળ સરકારને આંચકો આપ્યો
નેપાળની સુપ્રિમ કોર્ટે સરકારને આંચકો આપ્યો છે. ચીન, અમેરિકા, બ્ર્રિટન, રશીયા અને જાપાન સહીત ૧૧ દેશોના રાજદુતોને પાછા બોલાવવાના નિર્ણય પર સુપ્રિમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. નેપાળ સરકારની કેબીનેટે ૬ઠ્ઠી ઓક્ટોબરે આ નિર્ણય લીધો હતો. જસ્ટીસ સારંગા સુબેદી અને જસ્ટીસ શ્રીકાંત પોડેલની બેન્ચે વચગાળાનો હુકમ આપ્યો છે. કોર્ટે ચેતવણી આપી છે કે આ નિર્ણયને કારણે નેપાળ સાથેના વિવિધ દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી શકે એમ છે. ચૂકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ તમામ રાજદુતોનો કાર્યકાળ હજી સુધી પુરો થયો નથી. કેબીનેટએ લીધેલા નિર્ણય પાછળ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. આ રાજદુતોને સ્થાને કયા રાજદુતોને મુકવામાં આવશે એ વિશે પણ કોઈ જાણ કરવામાં આવી નથી.
'મોદી સરકાર હિન્દી લાદી રહી છે, અમારી સાથે સાવકો વ્યવહાર'
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કેન્દ્ર સરકાર પર ગુસ્સે થયા છે. સિદ્ધારમૈયાએ કેન્દ્ર પર કન્નડની અવગણના કરવાનો અને હિન્દી લાગુ કરવાનો આક્ષેપ કર્યો છે. એમણે રાજ્યના લોકોને કન્નડ વિરોધીઓનો વિરોધ કરવાની અપીલ કરી છે. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, 'કેન્દ્ર સરકાર કર્ણાટક સાથે સાવકો વ્યવહાર કરી રહી છે. રાજ્ય કેન્દ્રને ૪.૫ લાખ કરોડ રૂપિયા આપે છે, પરંતુ એમાંથી એમને યોગ્ય હિસ્સો મળતો નથી. અમારા પર હિન્દી લાદવાની વારંવાર કોશિષ થાય છે. હિન્દી અને સંસ્કૃત ભાષાના વિકાસ માટે ફંડ આપવામાં આવે છે જ્યારે દેશની બીજી ભાષાઓને અવગણવામાં આવે છે. કન્નડના વિકાસ માટે ફંડ ફાળવવામાં આવતું નથી. આપણે તમામનો વિરોધ કરવો જોઇએ જેઓ કન્નડ વિરોધી છે.'
કર્ણાટકનો ટીપુ સુલતાન સમર પેલેસ વિચિત્ર કારણસર ચર્ચામાં
કર્ણાટકની રાજધાની બેંગ્લુરુની બહાર નંદીહીલ્સ છે. આ પહાડીઓની વચ્ચે ઐતિહાસીક ટીપુ મહેલ છે. અહીં આવેલા પ્રવાસીઓ જ્યારે ટીપુ મહેલની મુલાકાતે ગયા ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ટીપુ મહેલની દિવાલ પર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું નામ લખવામાં આવ્યું હતું. ૧૮મી સદીનું આ સ્મારક એએસઆઇ હેઠળ સુરક્ષીત સ્થળ છે. કર્ણાટકના એક સૌથી લોકપ્રિેય પર્યટન સ્થળની સુરક્ષાની ઢીલાસ બહાર આવી છે. પોલીસએ કેસ દાખલ કરીને આરોપીની તપાસ શરૂ કરી છે. ટીપુ પેલેસની બહારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના કહેવા પ્રમાણે વીકએન્ડમાં અહીં પ્રવાસીઓની સંખ્યા ૨૦ હજાર સુધી પહોંચી જાય છે. એમ મનાય છે કે નંદી હીલ્સની ટોચ પર વારંવાર તોડફોડ અને ગેરવ્યવહારની ફરિયાદ થતી રહે છે.
'ફિલ્મી પાત્ર અને મારી વચ્ચે ચાર બાબતે સમાનતા'
આઇઆરએસ અધિકારી સમીર વાનખેડેએ શાહરૂખ ખાનની કંપની રેડ ચીલીઝ સામે બદનક્ષીનો દાવો કર્યો છે. રેડ ચીલીઝએ બનાવેલી વેબ સીરીઝ બેડસ ઓફ બોલીવુડમાં વાનખેડે જેવું દર્શાવેલું એક પાત્ર વિવાદનું કેન્દ્ર બન્યું છે. વાનખેડેનો આક્ષેપ છે કે, આ સીરીઝ દ્વારા એમની ઇમેજને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો છે. વાનખેડે જ્યારે એનસીબી અધિકારી હતા ત્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ ડ્રગ કેસમાં કરી હતી. એ કિસ્સો વેબ સીરીઝમાં બતાવવામાં આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટમાં કરેલી રજુઆત પ્રમાણે વાનખેડેએ કહ્યું છે કે ચાર બાબતે ફિલ્મી પાત્ર અને એમની વચ્ચે સમાનતા છે. સીરીઝમાં બતાવેલા પાત્રનો ચહેરો અને શરીરની બનાવટ એમના જેવી છે. એ ઉપરાંત પાત્ર જે રીતે બોલે છે અને કામ કરે છે એ પણ વાનખેડેને મળતા આવે છે. સૌથી ગંભીર વાત એ છે કે, આ પાત્ર વારંવાર સત્યમેવ જયતેનો ઉપયોગ કરે છે. આર્યન ખાનની ધરપકડ કરી ત્યારે વાનખેડેએ પણ મીડિયા સમક્ષ સત્યમેવ જયતે બોલતા હતા.


