Get The App

દિલ્હીની વાત : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા હોવાની શક્યતા

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા હોવાની શક્યતા 1 - image

નવીદિલ્હી : લોકસભા ચૂંટણી ૨૦૨૪ પછી ભાજપમાં સંગઠન ક્ષેત્રે ફેરફાર થઈ રહ્યા છે. પક્ષના નવા રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ભાજપના આંતરીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપને પ્રથમ મહિલા રાષ્ટ્રીય પ્રમુખ મળી શકે એમ છે. દેશભરના મહિલા મતદારોને આકર્ષવા માટે ભાજપ આ નિર્ણય લઈ શકે છે. છેલ્લા થોડા વર્ષોમાં ભાજપને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં મહિલા મતદારોએ સહકાર આપ્યો છે. ત્રણ મહિલાઓના નામ રેસમા આગળ છે. વર્તમાન નાણામંત્રી અને પૂર્વ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ મજબૂત દાવેદાર ગણાય છે. તેઓ દક્ષિણ ભારતના હોવાથી દક્ષિણ ભારતના મતદારો પર વધારે પ્રભાવ પાડી શકે છે. આંધ્રપ્રદેશ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડી ડી પૂરણદેશવરી અનુભવી છે અને બહુભાષી છે. ઓપરેશન સિંદુરના આયોજનમાં પણ એમની સલાહ લેવામાં આવી હતી. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા વનાથી શ્રીનિવાસન પણ રેસમાં છે.

દિલ્હી વિધાનસભાની સમિતિઓમાં આપના ધારાસભ્યોનો પણ સમાવેશ

દિલ્હી વિધાનસભાએ સાત વિભાગોની સ્થાયી સમિતિ બનાવી છે. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની મંજૂરી પછી આ સમિતિઓની રચના થઈ છે. દરેક સમિતિમાં નવ સભ્યોની પસંદગી થઈ છે. આ સમિતિઓની અવધી ૨૦૨૬ સુધી રહેશે. આગલા નાણાકીય વર્ષમાં ફરીથી સમિતિઓના સભ્યોની પસંદગી થશે. આ તમામ સમિતિના પ્રમુખ તરીકે બીજેપીના ધારાસભ્યો છે. જોકે સમિતિના સભ્ય તરીકે આપના ધારાસભ્યોને પણ સમાવવામાં આવ્યા છે. વિધાનસભાની શિક્ષણ સમિતિના પ્રમુખ તરીકે ધારાસભ્ય ઉમંગ બજાજ છે. વહીવટી બાબતોની સમિતિની જવાબદારી ભાજપના ધારાસભ્ય કૈલાસ ગહેલોટને આપવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે ભાજપના ધારાસભ્ય રાજકુમાર ચૌહાણ છે. કેટલીક સમિતિઓમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને ઇમરાન હુસૈન સહિત બીજા ધારાસભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ઓવૈસીનો પક્ષ મહાગઠબંધનમાં જોડાવા તલપાપડ

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ એઆઇએમઆઇએમ મહાગઠબંધન સાથે જોડાણ કરવા તલપાપડ છે. પક્ષના પ્રદેશ પ્રમુખ અખ્તરૂલ ઇમાનએ આરજેડીના સુપ્રિમો લાલ પ્રસાદ યાદવને પત્ર લખ્યો છે. આ પત્રમાં એમણે એઆઇએમઆઇએમને આરજેડી, કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો સાથેના ગઠબંધનમાં જોડવા માટે રજુઆત કરી છે. જોકે લાલુ અને તેજસ્વી યાદવના પક્ષએ હજી સુધી એમને કોઈ જવાબ આપ્યો નથી. ઓવૈસીના પક્ષે એવી જાહેરાત કરી છે કે જો તેઓ મહાગઠબંધનનો હિસ્સો નહી બનશે તો બિહારમાં ત્રીજો મોરચો બનાવશે. અખ્તરૂલ ઇમાને કહ્યું છે કે હજી સુધી એમના પત્રનો કોઈ જવાબ મળ્યો નથી. તેઓ પત્રના જવાબની રાહ જોઈ રહ્યા છે. જો મહાગઠબંધનમાં સમાવેશ નહીં થાય તો જ તેઓ ત્રીજો મોરચો બનાવશે.

જજોની પસંદગી બાબતે કેન્દ્ર સરકાર મનમાની કરે છે

એડવોકેટ રામાસ્વામી નીલકંદનએ તમામ બ્રીફ એમના અસીલોને પરત કરી દીધી હતી. એમણે હાઇકોર્ટના જજ તરીકે કામ કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. ૨૦૨૩માં સુપ્રિમ કોર્ટના કોલેજિયમએ એમના નામ સહિત એલસી વિક્ટોરિયા ગૌરી સહિત બીજા ચાર નામોની ભલામણ પણ મદ્રાસ હાઇકોર્ટના જજ તરીકે કરી હતી. કેન્દ્ર સરકારે નીલકંદનને બાદ કરતા તમામને જજ તરીકે નિયુક્ત કર્યા હતા. ઓબીસી જ્ઞાાતિના નીલકંદન બીજા ૨૮ એડવોકેટ જેવા જ હતા કે જેમના નામ ૨૦૨૩માં કોલેજિયમએ સરકારને મોકલ્યા હતા. જોકે કેન્દ્ર સરકારે પોતાની પસંદગીના જજો પર મહોર મારવાથી ઘણાને આશ્ચર્ય થયું છે. હવે નીલકંદન દ્વિધામાં છે કે શું એમણે ફરીથી વકીલાત શરૂ કરવી જોઈએ કે હાઇકોર્ટના જજ બનવા માટે રાહ જોવી જોઈએ. નીલકંદન ફક્ત એક માત્ર વ્યક્તિ એવા નથી કે સરકારની મનમાનીને કારણે જજ બની શક્યા નથી.

બિહારમાં વોટર લિસ્ટના વેરીફિકેશન બાબતે ધમાસાણ

થોડા મહિના પછી બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. હવે બિહારમાં ધમાસાણ એટલા માટે મચ્યુ છે કે ચૂંટણી કમિશને મતદાર યાદીનું વેરીફિકેશન કરવાનું નક્કી કર્યું છે. વિરોધપક્ષો ઇલેકશન કમિશનના આ નિર્ણયની નારાજ થઈ ગયા છે. વિરોધપક્ષના નેતાઓ ચૂંટણી કમિશનને મળ્યા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ફક્ત વિરોધપક્ષો જ નહીં એનડીએ સાથે જોડાયેલા કેટલાક પક્ષો પણ આ બાબતે ચિંતીત છે. વિરોધપક્ષોનું કહેવું છે કે મતદાર યાદીનું વેરીફિકેશન છેલ્લા ૨૨ વર્ષથી નથી થયું તો હવે એકાએક કેમ. ચૂંટણીને થોડા મહિનાઓ બાકી છે ત્યારે મતદારો પાસે વિવિધ દસ્તાવેજો માંગવામાં આવે છે. જો આમ થાય તો બિહારમાં બે થી ત્રણ કરોડ મતદારો મતદાન કરી શકશે નહીં.

મુખ્યમંત્રીપદની સ્પર્ધામાંથી ડી કે શિવકુમારની પીછેહટ

કર્ણાટક કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયાને દુર કરીને ડી કે શિવકુમારને નવા મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા થતી હતી. જોકે હવે ડી કે શિવકુમારએ પીછેહટ કરી છે. કોંગ્રેસના મહામંત્રી રણદિપ સુરજેવાલાએ સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે સમાધાન કરાવ્યું છે. સુરજેવાલાએ પત્રકારોને કહ્યું છે કે કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી રહેશે. એ વખતે ડી કે શિવકુમાર પણ હાજર હતા. ડી કે શિવકુમારનું મૌન પૂરવાર કરે છે કે શિવકુમાર હમણા તો મુખ્યમંત્રી પદની રેસમાંથી પાછળ હટી ગયા છે. એમ મનાય છે કે મુખ્યમંત્રી બનવા માટે ડી કે શિવકુમારને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો હોદ્દો છોડવા માટે કહેવામાં આવ્યું હતું. ડી કે શિવકુમારની એ માટે તૈયારી નહોતી.

કાવડ યાત્રા બાબતે નરેશ ટિકૈતએ શું કહ્યું

ભાકીયુના રાષ્ટ્રીય પ્રમુખ નરેશ ટિકૈતએ કાવડ યાત્રા બાબતે પ્રતિભાવ આપ્યો છે. ટિકૈતએ કહ્યું છે કે, કાવડ યાત્રા બિનસાંપ્રદાયીકતા અને સદભાવનાનું પ્રતિક છે. જોકે મોટા અવાજે વગાડવામાં આવતી મ્યુઝિક સિસ્ટમ તેમ જ વધુ ઊંચાઈ અને રોશની પર અંકુશ મૂકાવો જોઈએ. કાવડ યાત્રામાં કોઈ ધર્મ કે જાતિ વિરુદ્ધ ગીત વગાડવા જોઈએ નહીં. ટિકૈતનો આગ્રહ છે કે કાવડ યાત્રામાં કાવડની ઊંચાઈ નક્કી કરેલી ઊંચાઈ કરતા વધુ હોવી જોઇએ નહીં. મ્યુઝિકના મોટા અવાજ અને ઊંચાઈને કારણે અકસ્માતો થાય છે. હૃદયરોગના દર્દીઓને સૌથી વધારે તકલીફ પડે છે. હોટલના સંચાલકોને એમના નામની પ્લેટ લગાડવાની ફરજ પાડી શકાય નહીં.

તેલંગણા ભાજપના બ્રાહ્મણ નેતા સામે મોટો પડકાર

જૂથવાદ અને ઝઘડાથી ત્રસ્ત તેલંગણા યુનિટમાં પ્રભાવી રેડ્ડી અને ઓબીસી નેતાઓ નિયંત્રણ  માટે લડી રહ્યા છે ત્યારે ભાજપ હાઈ કમાન્ડે એક બ્રાહ્મણ નેતા એન.રામચંદર રાવની પાર્ટી ચીફ તરીકે પસંદગી કરીને દક્ષિણના રાજ્યમાં નેતાગીરી સાથે પ્રયોગ કરવાનું તેનું વલણ ચાલુ રાખ્યું છે. ૨૦૧૪માં તેની રચના થયાથી તેલંગણામાં આ પદ બે ઓબીસી કે.લક્ષ્મણ એ બાંદી સંજય પાસે હતું. બંને પ્રભાવી મુન્નુરુ કાપુ સમુદાયના હતા જ્યારે ત્રીજા ચીફ જી.કિશન પ્રભાવી રેડ્ડી જ્ઞાાતિના હતા. ૨૦૨૩માં પાર્ટીને રાજ્યમાં સત્તા હાંસલ કરવામાં નિષ્ફળતા મળી પણ હાલ સંખ્યાના સંદર્ભમાં તેનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે. તેના આઠ સાંસદો, આઠ વિધાયકો, ત્રણ રાજ્ય પરિષદના સભ્યો અને એક રાજ્ય સભાના સભ્ય છે. આથી જ્યારે ૨૦૨૮ની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે ભાજપ સામે તમામને સાથે રાખવાનો મોટો પડકાર છે. રાવ માસ અપીલ ન ધરાવતા હોવા છતાં અન્ય અગ્રણીઓ સાથે તેઓ પણ ભાજપ હાઈ કમાન્ડની ગણતરીમાં હતા.

- ઈન્દર સાહની