નવીદિલ્હી: કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર વચ્ચે તણખા ઝરતા રહે છે. જોકે હવે સરકારનો એક એવો રીપોર્ટ આવ્યો છે કે જેથી ભાજપને સેર લોહી ચઢે. કર્ણાટક સરકારની એક એજન્સીએ એના રીપોર્ટમાં કહ્યું છે કે, રાજ્યના ૯૧ ટકા લોકો માને છે કે ભારતમાં ચૂંટણી સ્વતંત્ર રીતે થાય છે અને ઇવીએમમાં કોઈ ગોટાળા થતા નથી. આ રીપોર્ટ કર્ણાટક મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન ઓથોરીટી (એએમઇએ)એ જાહેર કર્યો છે. આ સ્થિતિ કોંગ્રેસ માટે હાસ્યાસ્પદ છે. એક તરફ રાહુલ ગાંધી ભાજપ પર મત ચોરીનો આરોપ મૂકે છે અને ઇવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગણી કરે છે. રાહુલ ગાંધીએ સંસદ ઉપરાંત કર્ણાટકમાં જઈને કલબુર્ગી ખાતે મત ચોરીનો આક્ષેપ કર્યો હતો. આ રીપોર્ટને આધારે હવે ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે.
ઇરાનના રાષ્ટ્રગીતને હિન્દીમાં જાણશો તો ચોંકી જશો
ઇરાનના રાષ્ટ્રગીતમાં ઇસ્લામી ગણરાજ્યની ક્રાંતિ અને ઇમામ ઓમેનીનો સંદેશો છે. આ કારણથી કેટલાક ઇરાની લોકો વચ્ચે વિવાદ છે. ચળવળકારો અને એથ્લેટો રાષ્ટ્રગીત ગાતા નથી કારણ કે રાષ્ટ્રગીતને સરકાર સાથે જોડવામાં આવ્યું છે. એને બદલે આ લોકો 'એ ઇરાન' ગાય છે જે ઇરાનમાં ખૂબ જ લોકપ્રિય છે. ઇરાનના રાષ્ટ્રગીતનું નામ 'સરૂદ - એ મેલ્લી-એ જુમ્હુરી- એ ઇસ્લામી - એ ઇરાન' છે. ૧૯૯૦માં ઇરાને આ રાષ્ટ્રગીત અપનાવ્યું હતું. રાષ્ટ્રગીતમાં પુર્વ દિશામાં ઉગતા સૂર્યની વાત છે જે ન્યાયમાં વિશ્વાસ કરનારાઓની આંખમાં ચમક લાવી દે છે. રાષ્ટ્રગીતમાં ઇરાનના ઇસ્લામી ગણ રાજ્ય ઇરાનને બતાવવામાં આવ્યું છે અને ત્યાંની શાસન વ્યવસ્થા ઇસ્લામી હોવાનું વર્ણન છે. આ રાષ્ટ્રગીતમાં ૧૯૮૯માં ઇસ્લામી ક્રાંતિને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ ક્રાંતિને કારણે દેશને નવી ઓળખ મળી છે.
હિરોઇન પર ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ કેમ નારાજ થયા
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હિરોઇન નુસરત ભરુચાએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. પૂજા-વિધિ કરી રહેલી હિરોઇનની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા પછી ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલીએ એની નિંદા કરીને એને ગુનેગાર ગણાવી છે. એમણે નિવેદન આપ્યું છે કે નુસરત આ માટે પશ્ચાતાપ કરે અને માફી માંગી કલમા પઢે. નુસરતે કરેલું કામ શરિયતની દ્રષ્ટિએ ગુનો છે. એમના કહેવા પ્રમાણે નુસરતે શરિયતનું ઉલ્લઘન કર્યું છે તેથી તેના પર શરિયતનો હુકમ લાગુ પડે છે. જોકે જાણકારો કહી રહ્યા છે કે નુસરત ભરૂચાએ પ્રસિદ્ધી માટે નાટક કર્યું હોય શકે અને શાહબુદ્દીન રીઝવી ફરીથી એની ટીકા કરીને એને મફતની પ્રસિદ્ધી આપી રહ્યા છે. દરેક ધર્મના આવા કટ્ટરવાદી નેતાઓ નાની બાબતોને પણ મોટુ સ્વરૂપ આપી બીન જરૂરી વિવાદ ઉભો કરે છે.
ખાલીદાના પતિના શબને ફરીથી શા માટે દફનાવવામાં આવ્યું હતું
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને નેશનાલીસ્ટ પાર્ટી (બીએનપી)ના પ્રમુખ રહેલા ખાલીદા ઝીયાના શબને ઢાકાના શેરે-એ-બાંગ્લાનગરમાં એમના દિવંગત પતિ ઝીયા ઉર રહેમાનના કબર પાસે દફનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મુક્તિ યુદ્ધના કમાન્ડર ઝીયા ઉર રહેમાનની હત્યા ૧૯૮૧માં થઈ હતી. એમના શબને ચટગાંવના રંગુનીયા પહાડી વિસ્તારમાં દફનાવવામાં આવ્યું હતું. તત્કાલીન સરકારે ત્યાર પછી એમના શબને ઢાકા લાવીને તત્કાલીન શેર-એ-બાંગ્લા પાર્કમાં રાજકીય સન્માન સાથે દફનાવ્યું હતું. ઝીયા ઉર રહેમાનની હત્યા સૈન્યના કેટલાક અધિકારીઓએ જ કરી હતી. તેઓ ચટગાંવ સરકીટ હાઉસમાં હતા ત્યારે આ અધિકારીઓએ એમને ઠાર માર્યા હતા. એમની હત્યા પછી તરત જ એમના વિરોધીઓએ એમની દફનક્રિયા કરી હતી. જોકે ત્યાર પછી સરકાર બદલાતા એમને રાજકીય સન્માન સાથે ફરીથી દફનાવવામાં આવ્યા હતા.
ઢાકા જઈને પણ જયશંકર મોહમદ યુનુસને કેમ ન મળ્યા
બાંગ્લાદેશના બીએનપી પ્રમુખ ખાલીદા ઝીયાના મૃત્યુ પછી એમને શ્રદ્ધાંજલી આપવા ભારતના વિદેશમંત્રી બાંગ્લાદેશ ગયા હતા. જયશંકરે જોકે બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર તોહીદ હુસૈન સાથે હાથ મેળવ્યા હતા, પરંતુ એમની સાથે કોઈ મીટીંગ કરી નહોતી. ભારત સરકારે મોકલેલા શોક સંદેશા બાબતે પણ બાંગ્લાદેશમાં ચર્ચા થઈ હતી. મોહમદ યુનુસે પાકિસ્તાનની સંસદના સ્પિકર તેમજ નેપાળના વિદેશ મંત્રી સાથે મીટીંગ કરી હતી. જોકે ભારત, ભૂતાન, શ્રીલંકા અને માલદીવના પ્રતિનિધિઓને તેઓ મળ્યા નહોતા. સામાન્ય સંજોગો જોઈએ તો બાંગ્લાદેશના વડાપ્રધાન હોય કે બીજા વડા હોય તેઓ ભારતના વિદેશમંત્રીની મુલાકાતને અવગણવાની હિંમત કરતા નથી. બાંગ્લાદેશના પ્રવક્તાઓનું કહેવું છે કે, જયશંકર ભલે મોહમદ યુનુસને મળી શક્યા નહીં પરંતુ બીજા કેટલાક બાંગ્લાદેશના નેતાઓને તેઓ મળ્યા હતા. આ એક લુલો બચાવ છે. જો બાંગ્લાદેશને ભારત સાથેના સંબંધની ચિંતા હોત તો મોહમદ યુનુસ સમય કાઢીને ભારતના વિદેશ મંત્રીને ચોક્કસ મળત. જયશંકર સાથે થયેલા વ્યવહારને કારણે બાંગ્લાદેશની દાનત ખુલ્લી પડી ગઈ છે.
પશ્ચિમ બંગાળની 'મંદીર રાજનીતી'થી ફાયદો કોને
પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ વિધાનસભા ચૂંટણી પહેલા ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક પ્રતિકોને લગતી રાજનીતિ તેજ બની ગઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારે મંદિર અને સાંસ્કૃતિક સ્થાનો સાથે જોડાયેલા ઘણા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. આ કારણથી હિન્દુ મતોનું ધુ્રવીકરણ કરવા માંગતા ભાજપના પેટમાં ફાળ પડી છે. મમતા બેનર્જીએ કોલકત્તાના ન્યુ ટાઉન વિસ્તારમાં 'દુર્ગા આંગણ ' નામના સાંસ્કૃતિક સ્થળનું શિલારોપણ કર્યું હતું. આ સિવાય ૧૭ એકરમાં દુર્ગા મંદિર બનાવવાની જાહેરાત પણ તૃણમુલ કોંગ્રેસે કરી છે. ભાજપએ મમતાની યોજનાઓને ચૂંટણીલક્ષી ગણાવી છે. જોકે ભાજપ પણ હિન્દુઓને ખુશ કરવાની એક પણ તક ગુમાવતો નથી. ખાસ કરીને બાંગ્લાદેશી મુસ્લિમોની ઘુસણખોરીનો મુદ્દો ભાજપના એજન્ડામાં છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, પશ્ચિમ બંગાળના મુસ્લિમ મતદારો કોઈપણ હિસાબે ભાજપને મત આપવાના નથી. બીજી તરફ મમતા બેનર્જી હિન્દુઓને ખુશ કરીને ભાજપના મતમાં ગાબડુ પાડી શકે એમ છે.
કેરળના મુખ્યમંત્રીનો કોંગ્રેસને ભીડવાનો પ્રયત્ન
શબરી માલા મંદિરમા થયેલા સોનાની ચોરીના કિસ્સા બાબતે કેરળના મુખ્યમંત્રી પીનરઇ વિજયનએ સામ્યવાદી લોકતાંત્રિક મોરચા (યુડીએફ)ના સંયોજક અને કોંગ્રેસના સાંસદ અદુર પ્રકાશ પર ગંભીર આરોપ મૂક્યા છે. આ આરોપ ચર્ચામાં આવેલા એક ફોટોગ્રાફને કારણે છે. આ ફોટોગ્રાફમાં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનીયા ગાંધી, શબરી માલા મંદિરની ચોરીના મુખ્ય આરોપી ઉન્ની કૃષ્ણન કોટ્ટી અને અદુર પ્રકાશ એક સાથે દેખાય છે. મુખ્યમંત્રી વિજયનએ પૂછયું છે કે કોટ્ટી સોનીયા ગાંધી સુધી કેવી રીતે પહોંચ્યા. એમણે એવો પણ ઇશારો કર્યો છે કે આરોપીનો સંબંધ અદુર પ્રકાશ કિશોર સાથે છે. અદુર પ્રકાશનું નામ આ કિસ્સામાં બહાર ત્યારે આવ્યું જ્યારે આ ફોટોગ્રાફ વાયરલ થયો. વિજયનએ કહ્યું હતું કે છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં એમણે આ ફોટોગ્રાફનો ઉલ્લેખ કર્યો હતો. વિશ્લેષકો જોકે કેરળના મુખ્યમંત્રીની વાતને હાસ્યાસ્પદ ગણાવે છે. જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ ઘણી વ્યક્તિઓ સાથે ફોટોગ્રાફ પડાવે છે અને તેઓ જેમની સાથે ફોટોગ્રાફ પડાવે છે


