નવીદિલ્હી : જેપી નડ્ડા પછી ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ કોણ હશે એ વિષે ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહે કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા પછી પ્રમુખનું નામ જાહેર થશે. નવા પ્રમુખની પસંદગી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, બીએલ સંતોષ વચ્ચે સંસદભવનમાં એક મિટિંગ થઈ હતી. લગભગ એક કલાક ચાલેલી આ મિટિંગમાં ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ તેમજ ઉત્તરપ્રદેશ ભાજપના પ્રમુખના નામ બાબતે ચર્ચા થઈ હતી. ભાજપ પ્રમુખ નડ્ડાનો કાર્યકાળ ૨૦૨૪ લોકસભાની ચૂંટણી પહેલા જ પૂરો થઈ ગયો છે. છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજસિંહ ચૈહાણ સહિત કેટલાક નેતાઓના નામ ચર્ચાયા હતા. છેલ્લા થોડા વર્ષોમાં ભાજપ એવા નિર્ણય લે છે કે જેને ચોંકાવનારા કહી શકાય. ભાજપના હવે પછીના રાષ્ટ્રિય પ્રમુખ કોણ હશે એ વિશે કોઈ ખાતરીથી કહી શખતું નથી. જો કે રેસમાં ધર્મેન્દ્ર પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, નિર્મલા સિતારમણ, વિનોદ તાવડે વગેરેના નામ આગળ છે.
વક્ફ કાયદા બાબતે મમતા વિરુદ્ધ એમના જ મંત્રી ભડક્યા
રાજ્યા સરકારના વક્ફ સુધારણા કાયદા બાબતે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શરુઆતમાં ખુબ વિરોધ કર્યો હતો. થોડા દિવસો પહેલા મમતા બેનર્જીએ વકફ સુધારણા કાયદાને લીલી ઝંડી આપી દીધા પછી બંગાળના રાજકારણમાં હલચલ મચી જવા પામી છે. બંગાળની ટીએમસી સરકારના મંત્રી અને જામિયા-ઉલેમા-એ-હિંદના પ્રમુખ સિદ્દિકુલ્લાહ ચૌધરીએ નારાજ થઈને કહ્યું છે કે જો વકફની મિલકતો ઝુટવવામાં આવશે તો મુસલમાન ચૂપ નહીં રહેશે. સિદ્દિકુલ્લાહ પશ્ચિમ બંગાળમાં જનશિક્ષા વિસ્તાર અને પુસ્તકાલય સેવા મંત્રી છે. ચૌધરીએ કહ્યું હતું કે એર કન્ડિશન્ડ રૂમમાં બેસીને ઘણી વાતો કહી શકાય છે. પરંતુ કોઈ ગામડામાં જઈને લોકોને કહિ શકે છે કે વક્ફની મિલકત હવે એમની નથી રહી? આ નિર્ણય મુસલમાનો પર જબરદસ્તીથી લાદવામાં આવ્યો છે. અમે આ નિર્ણયને યોગ્ય માનતા નથી. રાજ્ય સરકારે મહિનાઓ સુધી આ કાયદો લાગુ કરવાનો ઈનકાર કર્યો હતો પરંતુ ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળ સરકારે પોતાનો નિર્ણય બદલીને કેન્દ્રની વાત માની લીધી છે. ૮૨૦૦૦ વક્ફની મિલકતોનો સર્વે રિપોર્ટ કેન્દ્રના પોર્ટલ પર અપલોડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજકિય નિરિક્ષકો માનતા હતા જ કે મમતાના યુ-ટર્નના કારણે મોટો વિવાદ થવાનો છે.
રામપુર જેલમાં કેદ આઝમ ખાને કુટુંબીઓને મળવાની ના કહી
ઉત્તરપ્રદેશના રામપુર જીલ્લાની જેલમાં કેદ સમાજવાદી પક્ષના સીનીયર નેતા મહોમ્મદ આઝમ ખાન અને એમના પુત્ર તેમજ ભૂતપુર્વ ધારાસભ્ય અબદુલ્લાહ આઝમને મળવા માટે એમના કુટુંબના સભ્યો બીજી વખત જેલ ગયા હતા. જો કે આઝમ ખાને ફરીથી કુટુંબીઓને મળવાની ના કહી દીધી હતી. લગભગ એક કલાક રાહ જોયા પછી આઝમ ખાનના પત્ની ડો. તન્જીન ફાતિમા, બહેન નીખત અખલાખ અને મોટા પુત્ર અદિબ ખાને પરત ફરવું પડયું હતું. આઝમ ખાન અને અબદુલ્લાહ ૧૭ નવેમ્બરથી રામપુર જિલ્લા જેલમાં કેદ છે. જ્યારે એમના કુટુંબીઓને પુછવામાં આવ્યું કે મુલાકાત શા માટે નથી થતી ત્યારે એમણે કહ્યું હતું કે પિતા-પુત્ર બન્નેએ મળવાની સાફ ના કહી દીધી હતી. આ બાબતે સ્થાનિક રાજકારણમાં વિવિધ વાતો થઈ રહી છે. બધાને નવાઈ લાગે છે કે પિતા-પુત્ર કુંટુંબીઓને શા માટે મળી રહ્યા નથી. જેલના સત્તાધીશોએ પણ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. થોડા મહિના પહેલા આઝમ ખાન જેલમાંથી છૂટયા હતા ત્યાર પછી અલગ કેસમાં એમની ફરીથી ધરપકડ થઈ છે.
બંગાળની ઓબીસી યાદીમાંથી 35 જાતિઓને દૂર કરવાની ભલામણ
પશ્ચિમ બંગાળની ઓબીસી યાદીમાં મુસ્લિમોનો સમાવેશ કરવા બાબતે સપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. રાષ્ટ્રિય પછાત વર્ગ આયોગ (એનસીબીસી) એ કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે પશ્ચિમ બંગાળની ઓબીસી યાદીમાંથી ૩૫ જાતિઓને દૂર કરવામાં આવે. આમાંથી મોટા ભાગના મુસ્લિમ જાતિના છે. એમસીબીસીના તત્કાલિન પ્રમુખ હંશરાજ ગંગારામ આહિરના કહેવા પ્રમાણે રાજ્યની ઓબીસી યાદીમાં મુસ્લિમ જાતિઓની સંખ્યા વધુ હોવાથી આ ભલામણ કરવામાં આવી છે. આ ૩૫ જાતિઓમાંથી મોટા ભાગના મુસ્લિમ છે. એક-બે જાતિ બિનમુસ્લિમ પણ હોઈ શકે છે. આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂટંણી થવાની છે. સામાજીક ન્યાય મંત્રાલયે સંસદને જણાવ્યું હતું કે આયોગે આ ભલામણ ૨૦૨૫ના જાન્યુઆરી મહિનામાં કેન્દ્રને કરી હતી. એ વખતે આયોગમાં ફક્ત એક પ્રમુખ અને એક સભ્ય હતાં. ઉપપ્રમુખનું પદ ખાલી હતું. બંધારણના આર્ટિકલ ૧૦૨ પ્રમાણે યાદીમાં કોઈપણ જાતિને દાખલ કરવા કે બહાર કરવા માટે આયોગની સલાહ જરૂરી હોય છે. આ ભલામણ પર પ્રમુખ, ઉપપ્રમુખ અને બાકીના સભ્યની સહી જરૂરી હોય છે.
નહેરુ બાબતે રાજનાથસિંહના નિવેદન પછી વિવાદ
રક્ષામંત્રી રાજનાથ સિંહે એવું નિવેદન કર્યું હતું કે જવાહરલાલ નહેરું બાબરી મસ્જીદનું બાંધકામ સરકારી ખર્ચે કરવા માંગતા હતા. જો કે સરદાર વલ્લભભાઈ પટેલના વિરોધને કારણે નહેરુંએ નમતું જોખવું પડયું હતું. રાજનાથ સિંહના આ નિવેદન પછી કોંગ્રેસના પ્રવક્તાઓએ ભારે વિરોધ કર્યો હતો. એમનું કહેવું હતું કે ઈતિહાસમાં કોઈ પણ જગ્યાએ આવો ઉલ્લેખ નથી. બીજી તરફ ભાજપે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પટેલે લખેલા પુસ્તક 'ઈનસાઈડ સ્ટોરી ઓફ સરદાર પટેલ, ડાયરી ઓફ મણીબેન પટેલ' નો હવાલો આપીને રાજનાથ સિંહની વાતને વ્યાજબી ઠેરવવાનો પ્રયત્ન કર્યો હતો. પક્ષે એમ પણ કહ્યુ હતું કે નહેરુ એમ પણ કહેતા હતા કે દક્ષિણ ભારતના કેટલાક મંદિરો અતિ સુંદર હોવા છતાં અરુચિકર લાગે છે. કોંગ્રેસે આ બન્ને દાવાને વોટ્સઅપ યુનિવર્સિટીની વાર્તા ગણાવી હતી. એમણે ટોણો માર્યો હતો કે રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસ્તે જવું જોઈએ નહીં.
જમ્મુ-કાશ્મિરના મુખ્યમંત્રી માને છે કે ઈવીએમને કારણે વોટચોરી શક્ય નથી
જમ્મુ-કાશ્મિરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહના કહેવા પ્રમાણે ઈવીએમ પર શંકા થાય છે. પરંતું હું માનું છું કે ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે નહીં અને ઈવીએમની મદદથી વોટચારી કરવી શક્ય નથી. જો કે ચૂંટણીને બીજી રીતે પ્રભાવીત કરી શકાય છે. એસઆઈઆર બાબતે રાજકીય પક્ષોની ચિંતા વ્યાજબી છે અને એ ચિંતા દૂર કરવાની જબાબદારી ચૂંટણી કમિશનની છે. એસઆઈઆરને બહાને જમ્મુ કાશ્મિરમાં ૩ વર્ષ પહેલા થયેલા પુનઃસિમાંકન બાબતે એમણે પ્રશ્ન કર્યો હતો અને આરોપ મુક્યો હતો કે તે વખતે ઘણા ગોટાળા થયા હતા. આ ગોટાળા એક પક્ષને ફાયદો કરવા માટે કરવામાં આવ્યા હતા. આવા કિસ્સાઓને કારણએ એસઆઈઆર સંદર્ભે કેટલાક લોકોને શંકા છે. જમ્મુ-કાશ્મિર પુનર્ગઠન અધીનીયમ ૨૦૧૯ હેઠળ ૨૦૨૨માં પુનાઃસિમાંકન કરવામાં આવ્યું હતું. પુનાઃસિમાંકનને કારણે જમ્મુ વિસ્તારમાં ૬ તેમજ કાશ્મિર વિસ્તારમાં ૧ બેઠક વધારવામાં આવી હતી.
સુપ્રિમે ઉમર ખાલિદ, સર્જીલ...ને સ્થાયી રહેઠાણના પુરાવા રજુ કરવા કહ્યું
દિલ્હીમાં થયેલા કોમવાદી હુલ્લડોના કેસમાં જામિન અરજી પર સુનાવણી ટાળી દઈને સુપ્રિમ કોર્ટે અરજી કરનારાઓના સ્થાયી સરનામા માંગ્યા છે. જસ્ટીસ અરવિંદ કુમાર અને જસ્ટીસ એન.વી.અન્જારીયાની બેન્ચ ઉમર ખાલિદ, સર્જીલ ઈમામ, ગુલફિશા ફાતિમા, મિરા હૈદર, શિફા-ઉર-રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને સાબાદ અહમદની જામિન અરજી પર સુનાવણી કરી રહી હતી. દિલ્હી હાઈકોર્ટે બીજી સપ્ટેમ્બરે આરોપીઓની જામિન અરજી ફગાવી દીધી હતી. આરોપીઓ યુએપીએના કાયદા હેઠળ છેલ્લા ૫ વર્ષથી જેલમાં છે. કોર્ટે કહ્યું હતું કે અરજી કરનારાઓએ દરેક આરોપીદીઠ દલીલ કરવાનો સમય ૧૫ મિનિટ સુધી મર્યાદિત રાખવો જોઈએ. કોઈ નવા કેસની દલીલ કરતા હોય એ રીતે દલીલ થવી જોઈએ નહીં.


