નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ બિહારના રાજકીય સમિકરણો બદલાઈ રહ્યા છે. દરેક રાજકીય પક્ષ બીજા પર હાવી થવાનો પ્રયત્ન કરે છે. ભાજપના અતિપછાત મોરચાના પ્રદેશ પ્રવક્તા સુરેશ પ્રસાદ ચૌરસિયા પોતાના ટેકેદારો સાથે આરજેડીમાં જોડાઈ ગયા છે. આરજેડીના મુખ્ય કાર્યાલય ખાતે જઈને જ્યારે તેઓ પક્ષમાં જોડાયા ત્યારે પ્રદેશના મહામંત્રી ફૈયાદ આલમ કમાલ અને સંજય યાદવ પણ હાજર હતા. એ વખતે પ્રદેશ પ્રવક્તા ઐઝાઝ અહમદ એ કહ્યું હતું કે પ્રદેશના ઉપપ્રમુખ ડો. તનવીર હસનએ ભાજપના નેતા પ્રસાદ ચૌરસિયા અને એમના ટેકેદારોને ભાજપ છોડવાના ફાયદા જણાવ્યા હતા. તેઓ જ્યારે આરજેડીમાં જોડાયા ત્યારે એમને લાલુપ્રસાદ યાદવની બાયોગ્રાફી 'ગોપાલગંજ સે રાયસિના' પણ ભેટ આપવામાં આવી હતી.
ભાજપમાં જોડાતા જ પંજાબના નેતા પર એજન્સીનો દરોડો
સામાન્ય રીતે જે કોઈ રાજકારણી ભાજપ છોડીને અન્ય પક્ષમાં જોડાય છે અને કોઈ એજન્સી એમના પર કાર્યવાહી કરે છે તો આક્ષેપ થાય છે કે ભાજપ એમને ખોટી રીતે ફસાવવાની કોશિષ કરે છે. જોકે પંજાબમાં ઉલટી ગંગા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પંજાબના કદાવર નેતા રણજીતસિંહ ગીલ ભાજપ સાથે જોડાયા એના ગણતરીના કલાકમાં જ વીજીલન્સ બ્યુરોએ એમના ચંદીગઢના ઘર પર તેમ જ ખરડ ખાતે આવેલી એમની ઓફિસ પર દરોડા પાડયા હતા. રણજીતસિંહ ગીલ સીરોમણી અકાલીદળમાં હતા અને પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા. હવે તપાસ એજન્સીઓની ટીકા કરવાનો વારો ભાજપનો છે. ભાજપએ વીજીલન્સ બ્યુરોની કામગીરીની આકરી ટીકા કરીને કહ્યું છે કે, પંજાબની સરકાર રાજકીય બદલો લેવા માટે કાર્યવાહી કરી રહી છે. પંજાબમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ પણ ભગવંત માનની સરકાર સામે તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કરવાનો આક્ષેપ કરે છે.
'તમે ડુક્કર સાથે કુસ્તી લડી શકો નહીં'
તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ મહુઆ મોઇત્રા એમના આખા બોલા સ્વભાવને કારણે જાણીતા છે. બંગાળ ભાજપના નેતા કલ્યાણ બેનર્જી સાથે એમને વારંવાર ઝઘડો થતો રહે છે. કેટલીકવાર તો બંને ખુલ્લેઆમ સામસામે આવી જાય છે. હવે મહુઆ મોઇત્રાએ કલ્યાણ બેનર્જી પર શાબ્દિક હુમલો કર્યો છે. મહુઆ મોઇત્રાએ કલ્યાણ બેનર્જીને આડકતરી રીતે ડુક્કર કહી દીધા છે. મહુઆ મોઇત્રાએ બીજેડી નેતા પીનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા એ બાબતે કલ્યાણ બેનર્જીએ એમની ટીકા કરી હતી. આ બાબતે એક પત્રકારે જ્યારે એમને સવાલ પૂછયો ત્યારે મહુઆ મોઇત્રાએ જવાબ આપ્યો હતો કે 'તમે ડુક્કર સાથે કુસ્તી લડી શકો નહીં. કારણ કે ડુક્કરને ગંદકી પસંદ છે અને તમે ગંદા થાવ છો. ભારતમાં કેટલાક ઘોર સ્ત્રી વિરોધી, સેક્સ્યુઅલી હતાશ અને ભ્રષ્ટ પુરુષો છે અને સંસદમાં પણ દરેક પક્ષોમાં એમનું પ્રતિનિધિત્વ કરનાર પુરુષો છે.'
દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે
ભારતના હવે પછીના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૯મી સપ્ટેમ્બરે છે. આ માટેની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદ અને સિનિયર નેતા શશી થરૂરએ આ ચૂંટણી સંદર્ભે કહ્યું છે કે ચૂંટણીમાં વિરોધપક્ષોની હાર નક્કી છે. સત્તાધારી પક્ષ જેને ઉમેદવાર બનાવશે તેઓ નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. થરૂરએ કહ્યું હતું કે, 'નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે એની ખબર નથી. આ ચૂંટણી ફક્ત લોકસભા અને રાજ્યસભાના લોકો મળીને કરે છે. આપણે પહેલેથી જાણીએ છીએ કે બંને ગૃહોમાં કોની બહુમતી છે.' ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાનો હિસ્સો હોતો નથી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના આર્ટીકલ ૬૬ હેઠળ કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો વોટીંગ કરે છે. મતદાન ગુપ્ત બેલેટ પદ્ધતીએ થાય છે. ચૂંટણી કમિશનએ જાહેર કર્યું છે કે, ચૂંટણી જાહેર થવાની સાથે જ મતદારોની યાદી સાર્વજનીક કરવામાં આવશે.
'મે પ્રધાનમંત્રીને બે પત્ર લખ્યા હતા'
પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા કાનપુરના સુભમ દ્વિવેદીના પિતા સંજય દ્વિવેદીએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની મુલાકાત લીધી હતી. એ પહેલા સંજય સિંહે કહ્યું હતું કે સરકારે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિત પરિવારોને વળતરની રકમ તેમ જ નોકરી આપી દેવી જોઈતી હતી. એ બાબતે ખૂબ મોડું થઈ ગયું છે. આપના સાંસદે કહ્યું હતું કે એમણે સંસદમાં પણ આ મુદ્દાના ચર્ચા કરી છે. પીડિત પરિવારોની માંગણી છે કે મૃત્યુ પામેલા દરેકને શહીદ જાહેર કરવામાં આવે. સુભમના પિતાની પણ માંગણી છે કે જે દુઃખદ ઘટના બની છે એનું વળતર તો જિંદગી મળી શકે એમ નથી, પરંતુ વડાપ્રધાન અને સરકાર જે કઈ કરી શકે છે એ કરવું જોઈએ. સરકારે બહુ મોડું કરી નાખ્યું છે. સંજય દ્વિવેદીએ આ બાબતે વડાપ્રધાનને બે પત્ર પણ લખ્યા છે.
રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશ ભાજપને નવા પ્રમુખ મળશે
ઉત્તરપ્રદેશ ભાજપના પ્રમુખનો હોદ્દો ખૂબ અગત્યનો ગણાય છે. ઉત્તરપ્રદેશ ભાજપના નવા પ્રમુખ કોણ બનશે એ હજી સુધી નક્કી નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી કયારે થશે એ હજી સુધી નક્કી થયું નથી. એમ મનાય છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજાશે. ભાજપએ ૨૮ રાજ્યોના સંગઠનની ચૂંટણી પૂરી કરી છે. રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટે ૧૯ રાજ્યોમાં ચૂંટણી જરૂરી છે. રાજકીય વર્તુળો એમ માની રહ્યા છે કે ઉત્તર પ્રદેશના નવા પ્રમુખ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પછી જ જાહેર થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ પ્રમુખની દોડમાં સામેલ નેતાઓને કહી દેવામાં આવ્યું છે કે, રાજ્યમાં કામ કરવાનું ચાલુ રાખો જે નિર્ણય લેવામાં આવશે એની ખબર તમને પડવાની જ છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ ઉત્તરપ્રદેશમાં ઠીક રહ્યો નહોતો એટલે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ખૂબ વિચારીને થશે.
ખબર પડી ગઈ, ફૂટપાથ પર કોનો હક છે
પગે ચાલનારાઓના ફૂટપાથના હકનું રક્ષણ કરવા માટે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને ગાઇડલાઇન તૈયાર કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રિમ ર્કોર્ટના જસ્ટીસ જે બી પારડીવાલાની આગેવાની હેઠળ બેન્ચે એવું કહ્યું છે કે, પગે ચાલનારાઓ માટે ફૂટપાથનો હક આર્ટીકલ ૨૧ મુજબ સુરક્ષીત છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે અરજી પગે ચાલનારાઓના હક સંબંધીત છે અને જો કેન્દ્ર સરકાર આ બાબતે કોઈ માર્ગદર્શિકા તૈયાર નહીં કરે તો કોર્ટ પોતે વકીલોની મદદથી યોગ્ય પગલા ભરશે. સુપ્રિમ કોર્ટના કહેવા પ્રમાણે નાગરીકોના ઉપયોગ માટે યોગ્ય ફૂટપાથ હોવી જરૂરી છે. આ ફૂટપાથ એવી હોવી જોઈએ કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ તે સરળ હોય અને ગેરકાયદેસર દબાણો ફૂટપાથ પર નહીં હોય. સિનિયર વકીલ ગૌરવ અગ્રવાલ આ કિસ્સામાં એમીકસ ક્યુરી બન્યા છે.


