Get The App

દિલ્હીની વાત : યુદ્ધનો શીપીંગ કંપનીઓએ ફાયદો ઉઠાવતા વિવાદ

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : યુદ્ધનો શીપીંગ કંપનીઓએ ફાયદો ઉઠાવતા વિવાદ 1 - image

નવીદિલ્હી : ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલએ કરેલા હુમલા પછી ખાડીના દેશોના સમુદ્રી રસ્તાઓ જોખમી બની ગયા છે. વધી રહેલા જોખમને કારણે કેટલીક શીપીંગ કંપનીઓએ ખાડી અને આસપાસના દેશોમાં માલ પરીવહન કરવા માટે દરેક કન્ટેનર પર બે હજારથી ચાર હજાર ડોલરનો ઇમર્જન્સી ટેક્સ લાગુ કર્યો છે. આ ટેક્સને કારણે ભારતની નિકાસ પર મોટી અસર પડી શકે એમ છે. ભારતનું કોમર્સ મંત્રાલય જોકે પરિસ્થિતિ પર નજર રાખી રાખ્યું છે. આમ છતાં પરિસ્થિતિ બગડી રહી છે. શીપીંગ કંપનીઓએ એવો ખુલાસો કર્યો છે કે પશ્ચિમ એશિયાના સંવેદનશીલ દરિયાઇ રસ્તાઓ પર જોખમ વધી ગયું હોવાથી અમે વધારાનો ટેક્સ લાગુ કર્યો છે. આની સામે નિકાસકારોનું કહેવું છે કે સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કમર તોડી નાખે છે ત્યારે હવે આ વધારાનો ટેક્સ અમને ખતમ કરી નાખશે. ભારતથી ઇરાક, બહેરીન, કુવૈત, યમન, કટાર, ઓમાન, યુએઇ, સાઉદી અરેબિયા, જોર્ડન, મિશ્રના આઇન શોખાના પોર્ટ, જીબુટી, સુડાન અને હરીટ્રીયા જનારા માલ પર આ ટેક્સ લાગશે.

તામીલનાડુમાં ડીએમકે - કોંગ્રેસનું ગઠબંધન સંકટમાં

તામીલનાડુમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ડીએમકે બેઠકોની વહેંચણી બાબતે વાતચીત કરી રહ્યા છે. કોંગ્રેસ અને ડીએમકેનું ગઠબંધન નક્કી ગણાય છે, પરંતુ કોંગ્રેસની માંગણી ડીએમકેને સ્વિકાર્ય નથી. ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી નક્કી કરવા માટે જે ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી એ પુરી થઈ ગઈ છે. હજી સુધી બંને પક્ષ વચ્ચે સમજૂતી શક્ય થઈ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીએમકેએ કોંગ્રેસને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે એક નક્કી સમયમર્યાદામાં નિર્ણય કરી લે. ડીએમકે ઝડપથી બેઠકોની વહેંચણી કરીને પ્રચાર શરૂ કરવા માંગે છે. ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે - કોંગ્રેસના ગઠબંધનમાં કોંગ્રેસને ૨૫ બેઠકો આપવામાં આવી હતી. ડીએમકે આ જૂની ફોર્મ્યુલા ચાલુ રાખવા માગે છે, પરંતુ કોંગ્રેસને વધુ બેઠકો જોઈએ છે.

નિતિશકુમારના પુત્ર નિશાંતકુમારની રાજનીતિમાં એન્ટ્રી નક્કી

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નિતિશકુમારના પુત્ર નિશાંતકુમાર સમાચારમાં ચમક્યા હતા. તેઓ ચૂંટણી લડે એવી શક્યતા હતી પરંતુ કોઈપણ કારણસર નિતિશકુમારે નિશાંતકુમારના રાજકીય પ્રવેશ પર બ્રેક મારી દીધી હતી. હવે બિહારમાં વિધાન પરિષદના રસ્તે નિશાંતકુમાર રાજકારણમાં પ્રવેશે એવી શક્યતા છે. જેડીયુના કેટલાક મંત્રીઓએ આ વાત ઓફ ધ રેકોર્ડ કરી છે. એમ કહેવાય છે કે આ બાબતે નિતિશકુમારની પણ સહમતી છે. નિશાંતકુમારને નિતિશકુમાર પછી જેડીયુના પ્રમુખ બનાવવાની વાત પણ થઈ રહી છે. એક તરફ નિતિશકુમાર પરિવારવાદની ટીકા કરે છે ત્યારે પોતાના પુત્રને રાજકારણમાં લાવવા માટે તેઓ કયુ બહાનુ આગળ કરશે એ બધા જોઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે કે નિતિશકુમારને રાજ્યસભામાં પણ મોકલી શકાય એમ છે. મુખ્યમંત્રી નિતિશકુમારના નજીકના ગણાતા બિહારના મંત્રી શ્રવણકુમારે કહ્યું છે કે, નિશાંતકુમાર નજીકના ભવિષ્યમાં રાજકારણમાં આવશે.

તીરૂપ્પરનકુદ્રમ પાંચ વ્યક્તિઓને 15 મિનિટ સાંકેતિક પૂજાનું કોર્ટનું સૂચન

તામીલનાડુના તીરૂપ્પરનકુદ્રમ ડુગર પર કાર્તીગઈ દીપમ પ્રગટાવવાનો વિવાદ ચાલુ છે. આ બાબતે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે કોર્ટની અવમાનનાની અરજી પર સુનાવણી કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, પાંચ લોકોને ડુગર પર આવેલા થાંભલા પાસે ૧૫ મીનીટ સાંકેતિક પૂજા કરવા માટે છૂટ આપવામાં આવી શકે છે. આ પાંચ વ્યક્તિઓના નામ કોર્ટ નક્કી કરશે. દીપથુન પર કાર્તીગઈ દીપમ પ્રગટાવવા માટેના હુકમનું પાલન નહીં કરાતા અવમાનનાની અરજી કરવામાં આવી હતી. જસ્ટીસ જી આર સ્વામીનાથનની બેન્ચે કહ્યુ હતુ કે જો સરકાર જૂના હુકમનું સન્માન કરવા માંગતી હોય તો દીપ પ્રગટાવ્યા વગર ફક્ત સાંકેતીક પૂજાની અનુમતી આપી શકાય છે. કોર્ટે કહ્યું કે આ ફક્ત એક સૂચન છે. કોઈ હુકમ નથી. એ વખતે દીપક પ્રગટ કરવાની વાત કહેવામાં આવી નહોતી. ફક્ત સાંકેતિક પ્રાર્થનાની અનુમતી આપવાનો સંકેત આપવામાં આવ્યો હતો.

કેરળ અને તામીલનાડુમાં કોંગ્રેસ સીમાંકનનો મુદ્દો બનાવશે

કેરળ અને તામીલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. બંને રાજ્યોમાં રાજકીય વાતાવરણ ઉત્તેજીત છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશએ ભાજપ પર નિશાન તાંક્યું છે. એમણે સિમાંકનનો મુદ્દો છંછેડયો છે. એમની દલીલ છે કે દક્ષિણના રાજ્યો વધતી વસ્તીને નિયંત્રણમાં રાખે છે. આ રાજ્યોને ઓછી સંસદીય બેઠકો સાથે દંડીત નહીં કરવા જોઈએ. કેન્દ્ર સરકાર દક્ષિણના રાજ્યોને ગ્રાંટ ફાળવવામાં પણ ભેદભાવ કરે છે. અમે આ બંને મુદ્દા કેરળ અને તામીલનાડુની ચૂંટણીમાં ઉઠાવવાના છીએ. તામીલનાડુમાં સિમાંકનનો મુદ્દો મોટો છે. હમણાની પરિસ્થિતિમાં કેરળ, કર્ણાટક, તામીલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં બેઠકોની સંખ્યા ઓછી થશે. આ ચિંતાનો વિષય છે. હજી વસ્તી ગણતરી થવાની બાકી છે. આવતા વર્ષે એપ્રિલ સુધીમાં વસ્તી ગણતરી પુરી થશે એવી શક્યતા છે. એવું નહીં થવું જોઈએ કે દક્ષિણ ભારતના રાજ્યોએ કુટુંબ નિયોજનના કાર્યક્રમોમાં સફળતા મેળવી હોવાથી એમને દંડીત કરવામાં આવે.

અજીત પવારના પરિવારે વીએસઆર પર પ્રતિબંધની માંગણી કેમ ન કરી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારનું મૃત્યુ વિમાન અકસ્માતમાં થયું હતું. તેઓ જે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા એ વીએસઆર વેન્ચર્સ કંપનીનું હતું. હવે અજીત પવારના પુત્ર જય પવારએ સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયોની સાથે એમણે વીએસઆર વેન્ચર્સની ફલાઇટ્સ તાત્કાલીક રોકવાની માંગણી કરી છે. આ વિડિયોમાં વીએસઆર વેન્ચર્સના માલિક રોહિત સિંહ પાયલટની સીટ પર ઉડાન દરમિયાન સુતેલા દેખાય છે. જય પવારે લખ્યું છે કે 'આકાશમાં આવી બેદરકારી ચલાવી લેવાય નહીં. મે મારા પિતા ગુમાવ્યા છે. મારી પીડા આખી જિંદગી મારી સાથે રહેશે. આ અત્યંત ગંભીર અને આંચકાજનક વાત છે. હું ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન (ડીજીસીએ) પાસે માંગણી કરું છું કે આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવે.'

હોળી અને ડોલ યાત્રા પર કોલકત્તામાં ભારે સુરક્ષા 

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી થોડા સમય પછી યોજાવાની છે. પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણ તંગ છે. તહેવારોના દિવસો દરમિયાન કોલકત્તા પોલીસે કડક બંદોબસ્ત રાખ્યો છે. હોળી અને ડોલ યાત્રાના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહી બને એ માટે ડોલ યાત્રાને દિવસે કોલકત્તામાં ૩૯૮ પોલીસ ચોકીને એલર્ટ રાખવામાં આવી છે. આમાંથી ૮૬ ચોકીઓ વિશેષ હશે. આ વિશેષ ચોકીઓ ખન્નામોડ, પાર્ક સરકસ, સેવન પોઇન્ટ ક્રોસીંગ અને શ્યામ બાઝાર જેવા સ્થળોએ અને સંવેદનશીલ વિસ્તારોમાં રાખવામાં આવી છે. બાકીની ૩૧૨ ચોકીઓમાં ૩-૩ પોલીસ ડયુટી કરશે. સૌથી વધુ ૭૨ ચોકીઓ કોલકત્તા બદરગાહ ક્ષેત્રોમાં બનાવવામાં આવી છે. એ સિવાય દક્ષિણ - પૂર્વ દક્ષિણ ઉપનગર ડિવિડઝનમાં ૩૬-૩૬ ચોકીઓ સુરક્ષા કરશે. આખા શહેરમાં ૬૨ પીસીઆર વાન ફરતી રહેશે. ગુંડાગીરી અને છેડતી રોકવા માટે પોલીસ મોટર સાઇકલ પર પણ ફરતા રહેશે.