નવીદિલ્હી : ગયા વર્ષે વિશ્વના ૭૦ દેશોના લોકોએ સરકાર ચૂંટવા માટે મતદાન કર્યું હતું. ચૂંટણીના કેટલાક પરિણામોએ વિશ્વને ચોંકાવ્યું હતું અને કેટલાક અપેક્ષીત જ હતા. વિશ્લેષકો માની રહ્યા છે કે ૨૦૨૬માં પણ વિશ્વની કેટલીક ચૂંટણીના પરિણામાં આંચકાજનક હશે. ખાસ કરીને અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પના આવ્યા પછી વૈશ્વિક રાજકારણની પરિસ્થિતિ બદલાઈ રહી છે. ૨૦૨૬ના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં યુગાન્ડા, પોર્ટુગલ, બેનામ, ઓસ્ટારીકા, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, નેપાલ, વિયેટનામ, કોન્ગો અને સ્લોવેનિયામાં ચૂંટણી થવાની છે. એ જ રીતે એપ્રિલથી જૂન મહિનામાં લિંબીયા, પેરૂ, બેનીમ, સાઇપ્રસ, કોલંબીયા, ઇથોપિયા, આર્મેનિયા, અલજીરીયા અને આઇસલેન્ડમાં ચૂંટણી થવાની છે. જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ઝાંબીયા, હૈતી, સ્વિડન, મોરોક્કો, રશિયામાં ચૂંટણી થશે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં બ્રાઝીલ, ઇઝરાયલ, બલ્ગેરિયા, ડેનમાર્ક, ગામ્બિયા, દક્ષિણ સુદાન અને ન્યુઝીલેન્ડમાં ચૂંટણી થશે.
આઇપીએલમાં બાંગ્લાદેશના ક્રિકેટરની મુદ્દે ભાજપનું બેવડુ ધોરણ
દેશમાં દર વર્ષે યોજાતી આઇપીએલ ક્રિકેટ સ્પર્ધા પર બીસીસીઆઇનું સંપૂર્ણ પ્રભુત્વ છે. બીસીસીઆઇની મરજી વગર દેશમાં ક્રિકેટ બાબતે કોઈ પાંદડુ પણ હાલતું નથી. જે પક્ષ કેન્દ્રમાં સત્તા પર હોય એનો પ્રભાવ બીસીસીઆઇ પર રહે છે. હમણા કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાથી સ્વાભાવીક છે કે બીસીસીઆઇ પર ભાજપનું વર્ચસ્વ હોય. હવે ભાજપ ધર્મ સંકટમાં મૂકાયો છે. આઇપીએલમાં બાંગ્લાદેશના ક્રિકેટરને ૯.૨ કરોડ રૂપિયા આપીને શાહરુખ ખાનની કે કે આર મેનેજમેન્ટે ખરીદ્યો છે. આ બાબતે જાણીતા ધર્માચારીઓ રામભદ્રાચાર્ય અને દેવકીનંદને કડક વિરોધ કર્યો છે. રામભદ્રાચાર્યએ કહ્યું છે કે, 'શાહરૂખ ખાન હિરો નથી. એનું કોઈ ચરીત્ર નથી.' દેવકીનંદનએ પણ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ એટલો પથ્થરદીલનો કઈ રીતે થઈ શકે કે જે દેશમાં હિન્દુઓ પર અત્યાચાર થતા હોય એને ખરીદે છે. હવે મજાની વાત એ છે કે બીસીસીઆઇએ બાંગ્લાદેશના ક્રિકેટરને ખરીદવાનો બચાવ કરતા એવું કહ્યું છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી. ટીકાકારો કહી રહ્યા છે કે, એક તરફ ભાજપના કેટલાક નેતાઓ શાહરૂખ ખાનનો વિરોધ કરે છે ત્યારે બાકીના શક્તિશાળી નેતાઓને વાંધો નથી કે બાંગ્લાદેશી ક્રિકેટર ભારતમાં આવીને રમે.
આ વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણી
આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. દેશની ૧૭ ટકા વસ્તી નવી સરકાર ચૂંટશે. પશ્ચિમ બંગાળ, તામીલનાડુ અને કેરળમાં ભાજપે કદી સરકાર બનાવી નથી. જ્યારે આસામમાં ત્રીજી વાર અને પોન્ડીચેરીમાં બીજી વખત સત્તા પર આવવાની ભાજપ કોશીષ કરશે. ૧૪ વર્ષથી મુખ્યમંત્રી રહેલા મમતા બેનર્જી સામે આ વખતે બીજેપી ટક્કર આપશે. જો આ વખતે ટીએમસી ચૂંટણી જીતી તો મમતા બેનર્જી રેકોર્ડ બ્રેક સતત ચોથીવાર મુખ્યમંત્રી બનશે. આ રીતે ચૂંટણી જીતનાર મમતા દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બની શકે. આ પહેલા જયલલીતા પાંચ વખત તામીલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તેઓ ૧૯૯૧થી ૨૦૧૬ સુધી મર્યાદીત સમયમાં જ મુખ્યમંત્રી રહ્યા હતા. આસામમાં ૧૦ વર્ષથી ભાજપ સત્તા પર છે. વડાપ્રધાન મોદી છ મહિનામાં ત્રણ વખત રાજ્યની મુલાકાતે આવી ગયા છે. કુલ ૧૨૬ બેઠકોમાંથી ૧૦૦ બેઠકો પર જીતવાની ભાજપને મહત્વાકાક્ષા છે. ભાજપને રોકવા માટે કોંગ્રેસ સહીત ૧૦ પક્ષોએ ગઠબંધન બનાવ્યું છે. સામ્યવાદી પક્ષ અને કેટલાક કોંગ્રેસ સાથે જોડાયા છે. તામિલનાડુ એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં છેલ્લા ૭ વર્ષથી ભાજપની કે કોંગ્રેસની સરકાર બની નથી.
સંઘના પહેલા પ્રચારકે પંજાબમાં તમામ માટે પંજાબી ભાષાની ભલામણ કરી હતી
સામાન્ય રીતે રાજ્યમાં સ્થાનિક ભાષાની વાત આવે છે ત્યારે ભાજપનું વલણ ખૂબ આક્રમક હોય છે. પરંતુ ઘણાને જાણીને નવાઇ લાગશે કે વર્ષો પહેલા પંજાબમાં ભાષા બાબતે આંદોલન શરૂ થયું હતું અને વિવિધ સંપ્રદાયો વચ્ચે તડ પડવા માંડી હતી એ વખતે શીખ નેતા સરદાર ચિંરજીવ સિંહએ ગુરુ ગોલવલકરનો સંપર્ક કર્યો હતો. એ વખતે ગોલવલકર પંજાબ આવ્યા હતા અને કહ્યું હતું કે, પંજાબમાં રહેતા તમામ શીખો, હિન્દુઓ અને મુસ્લિમોની માતૃભાષા પંજાબી છે અને એમણે પંજાબીને માતૃભાષા તરીકે સ્વીકારી લેવી જોઈએ એમના આ નિવેદને મલમનું કામ કર્યું હતું. સરદાર ચિંરજીવ સિંહે 'ઇહી જનમ તુમ્હારે લેખે' પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનું વિમોચન ૨૦૧૫માં થયું હતું. પુસ્તકનું વિમોચન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કર્યું હતું. ચિંરજીવ સિંહના ૮૫માં જન્મદીન નીમિત્તે પ્રમુખ ભાગવતે એમને ૮૫ લાખ રૂપિયા રોકડા ભેટમાં આપ્યા હતા. ચિરંજીવ સિંહે આ પૈસાનો ઉપયોગ શીખ ઇતિહાસના રીસર્ચ માટે કરવાની જાહેરાત કરી હતી. ૨૦૨૩માં ચિંરજીવ સિંહનું મૃત્યુ થયું હતું. ચિંરજીવ સિંહના એક પગલાને કારણે આજે સમગ્ર પંજાબની રાજ્યભાષા પંજાબી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના આડકતરા અત્યાચારો પણ વધ્યા
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી સતત કટ્ટરવાદીઓની આક્રમકતા વધતી જાય છે. બાંગ્લાદેશની લઘુમતી હિન્દુઓમાં ડરનો માહોલ છે. કેટલાક હિન્દુઓની હત્યા થઈ એ વિશે બધા જાણે છે પરંતુ કેટલીક સુક્ષ્મ રીતે હત્યાઓ થાય છે અને સરકાર એમાં ભાગીદાર છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ૨૦૨૬ માટે સત્તાવાર રજાઓની યાદી જાહેર કરી છે. આ યાદીને કારણે બાંગ્લાદેશમાં વિવાદ ઉભો થયો છે. પહેલા સરસ્વતી પૂજા સહિત હિન્દુ તહેવારો પર રજા જાહેર કરવામાં આવતી હતી. હવે ચાર મોટા તહેવારોની રજા રદ કરવામાં આવી છે. હિન્દુ તહેવારો ઉપરાંત બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસની રજાઓ પણ રદ કરવામાં આવી છે. હવે આ તમામ દિવસોએ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ રહેશે. રમઝાન અને ઇદ-ઉલ-ફીત્રની રજા ચાલુ રાખવામાં આવી છે. બીજો વિવાદ ભાષા શહિદ દિવસને કારણે થયો છે. બાંગ્લાદેશના નિર્માણમાં ૧૯૫૨માં થયેલા ભાષા આંદોલનનો ફાળો મોટો છે. આક્ષેપ થઈ રહ્યો છે કે, સરકાર ઇતિહાસમાંથી ભાષા આંદોલનને ભૂસી નાખવા માંગે છે.
અરવલ્લી પર્વતમાળા વિવાદ બાબતે ભાજપથી સંઘની વિચારધારા અલગ
અરવલ્લી પર્વતમાળા બાબતે સુપ્રિમ કોર્ટના પહેલા ચુકાદા પછી ખનન બાબતે ભાજપના મંત્રીએ કોર્ટના ચુકાદાની જાહેરમાં તરફેણ કરી હતી. ત્યાર પછી દેશ આખામાં અરવલ્લી પર્વતમાળાના ખનનનો વિરોધ થયો હતો. ત્યાર પછી સુપ્રિમ કોર્ટે ફરીથી પોતાના ચુકાદાને બદલીને ખનન પર રોક લગાવી દીધી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભાજપના પ્રવક્તાઓ ચૂપ રહ્યા હતા. હવે એવી વાત બહાર આવી છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પહેલેથી જ અરવલ્લી પર્વતમાળાના ખનનથી ચિંતીત હતો. સંઘના પ્રમુખ મોહન ભાગવતે એક પ્રવચનમાં અરવલ્લી પર્વતમાળાનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન જરૂરી છે. પર્યાવરણની સુરક્ષા માટેના ઉપાય ઝડપથી શરૂ કરવા જોઈએ. અરવલ્લી જેવા કુદરતી વિસ્તારને વિકાસને બહાને નષ્ટ કરી શકાય નહીં. વિશ્લેષકો એમ માની રહ્યા છે કે ભાજપના ટોચના નેતાઓ પણ સમજી ગયા છે કે, અરવલ્લી વિવાદ બાબતે સંઘના વિચારો ભાજપ વિરોધી પક્ષને મળતા આવે છે.
જેલ થવાથી સીઆઇએસએફના કર્મચારીને નોકરીમાંથી કાઢી નહીં શકાય
અલ્હાબાદ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કોઈક ફોજદારી મામલે ફક્ત ધરપકડ કરવાથી કે જેલમાં રહેવાથી સીઆઇએસએફ કે બીજા કોઈ પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નહીં શકાય. ગુનો પુરવાર થયા વગર આમ કરવું યોગ્ય નથી. કોર્ટે કહ્યું હતું કે, ફક્ત જેલમાં જવાથી શિસ્તભંગના પગલા લેવા કે નોકરીમાંથી કાઢી મૂકવા યોગ્ય નથી અને કાયદાની રીતે પણ ટકી શકે નહીં. જસ્ટીસ રાજન રોય અને જસ્ટીસ રાજીવ ભારતીની બેન્ચે કેન્દ્ર સરકારની ખાસ અપીલ ફગાવી દેતા સિંગલ જજનો ચુકાદો માન્ય રાખ્યો હતો. હત્યાના એક કેસના આરોપી સીઆઇએસએફ હેડ કોન્સ્ટેબલને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કોર્ટના કહેવા પ્રમાણે કર્મચારી જેલમાં ગયા હતા, પરંતુ ગુનો પુરવાર થયો નથી. અરજી કરનાર સામે ૨૦૧૯માં વિવિધ કલમો હેઠળ આરોપ મુકવામાં આવ્યા હતા.


