Get The App

દિલ્હીની વાત : પંજાબમાં કોંગ્રેસ વન-અપ, પૂર્વ મંત્રી કોંગ્રેસમાં જોડાયા

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પંજાબમાં કોંગ્રેસ વન-અપ, પૂર્વ મંત્રી કોંગ્રેસમાં જોડાયા 1 - image

નવીદિલ્હી : પંજાબમાં કોંગ્રેસ ફરીથી બેઠા થવાના પ્રયત્નો કરી રહી છે. પક્ષને મજબૂત બનાવવા માટે નવા સંગઠન મંત્રીઓની નિમણૂક થઈ છે. કોંગ્રેસને કેટલેક અંશે સફળતા પણ મળી છે. ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનિલ જોષી કોંગ્રેસ સાથે જોડાયા છે. અનિલ જોષી પંજાબના શિરોમણી અકાલી દળ - ભાજપ સરકારમાં મંત્રી હતા. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે જોષીના આવવાથી કોંગ્રેસને ફાયદો થશે. ૨૦૨૭ની શરૂઆતમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને હરાવી સત્તા મેળવી હતી. પંજાબમાં ફરીથી સત્તા મેળવવા માટે કોંગ્રેસના સિનિયર નેતાઓ ચિંતીત છે. અનિલ જોષીએ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી.

સંસદની 24 સ્થાયી સમિતિઓની રચના

લોકસભા સચિવાલયએ ૨૪ સ્થાયી સંસદીય સમિતિની રચના કરી છે. આ સમિતિ લોકસભા અને રાજ્યસભાના સભ્યો મળીને બનાવવામાં આવી છે. વાણિજ્ય, રક્ષા, શિક્ષા, આરોગ્ય અને નાણા જેવા અગત્યના ક્ષેત્રોની નીતિ તૈયાર કરવા માટે આ સમિતિઓ બનાવવામાં આવી છે. આ સમિતિઓમાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સુરક્ષા સમિતિમાં સભ્ય છે. જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા ગૃહ સમિતિના સભ્ય છે. નિશિકાંત દુબેને સંદેશ અને સૂચના પ્રસારણ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. શશી થરૂરને વિદેશ બાબતોના પ્રમુખ બનાવાયા છે. સુરક્ષા સમિતિના પ્રમુખ તરીકે રાધા મોહનસિંહ છે જ્યારે બસવરાજ બૌમ્બઇ, શ્રમ, વસ્ત્ર અને કૌશલ્ય વિકાસ સમિતિનું નેતૃત્વ કરશે. આમ તો આ તમામ સમિતિઓમાં વિરોધપક્ષના સભ્યો પણ સામેલ હોય છે, પરંતુ છેવટનો નિર્ણય સત્તાપક્ષના સભ્યો જ લેતા હોય છે.

તો ભાજપને ફાયદો થશે... થરૂર પછી બીજા કોંગ્રેસના નેતાના બોલ બદલાયા

'કોંગ્રેસના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ રાસીદ અલ્વીએ ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચીદમ્બરમની કડવી ટીકા કરી છે. એમણે કહ્યું છે કે,  પી ચીદમ્બરમએ ભૂતપૂર્વ કોંગ્રેસ સરકારની ટીકા કરીને ભાજપને ફાયદો કરાવ્યો છે. થોડા દિવસો પહેલા ચીદમ્બરમએ કહ્યું હતું કે ૨૬/૧૧ મુંબઈના આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પર હુમલો કર્યો નહોતો. ચીદમ્બરમએ પોતે પાકિસ્તાનને  કડક વળતો જવાબ આપવાની તરફેણમાં હતા. જોકે અમેરિકાના દબાણમાં આવીને તત્કાલીન સરકારે પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કર્યું નહોતું. ચીદમ્બરમના આ નિવેદન પછી દેશભરમાં વિવાદ થયો છે. અલ્વીએ કહ્યું છે કે, 'ચીદમ્બરમ કયા પુરાવાના આધારે કહે છે કે, સરકાર અમેરિકાના દબાણમાં કામ કરતી હતી? આવું નિવેદન ફક્ત ભાજપને ફાયદો કરાવવા માટે કરવામાં આવ્યું છે. ચીદમ્બરમાં ૧૬ વર્ષ પછી શા માટે આવો દાવો કરે છે?'

આઇપીએસ પ્રવીર રંજન સીઆઇએસએફના ડીજી બન્યા

આઇપીએસ પ્રવીર રંજનએ સીઆઇએસએફના ડિરેક્ટર જનરલનો હોદ્દો સંભાળી લીધો છે. ૧૯૯૩ની બેન્ચના ભારતીય પોલીસ સેવાના અધિકારી પ્રવીર એજીએમયુટી કેડરના છે. તેઓ ૨૦૨૪થી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. આ પહેલા તેઓ સંવેદનશીલ એરપોર્ટ સુરક્ષા ક્ષેત્રના વડા હતા. રંજનએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે ડીગ્રી મેળવી છે અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી મેળવી છે. એમણે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પબ્લિક મેનેજમેન્ટમાં માસ્ટર કર્યું છે. એમણે દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચમાં પણ કામ કર્યું છે તેમ જ સીબીઆઇમાં ડીઆઇ પણ રહ્યા છે. આઇપીએસ રંજનની ગણના ભાજપના કેટલાક નેતાઓના ખાસ માનીતા તરીકે થાય છે. એમ મનાય છે કે, અમિત શાહની ગુડ બુકમાં હોવાથી પ્રવીર રંજનને હંમેશા પ્રાઇમ પોસ્ટીંગ મળ્યું છે.

'નિવૃત્ત થયા પછી આ પ્રકારના લોભથી બચવું જોઈએ'

સુપ્રિમ કોર્ટના સિનિયર જસ્ટીસ પી એસ નરસિંમ્હાએ કહ્યું છે કે, નિવૃત્ત થયા પછી જજોએ ખુલીને વધુ પડતું બોલવાથી બચવું જોઈએ. એમનું કહેવું હતું કે ન્યાયાધીશોએ મોઢાથી વધુ બોલવાને બદલે પોતાના ચૂકાદાઓના માધ્યમથી બોલવું જોઈએ. આજે સોશ્યલ મીડિયાના જમાનામાં દરેક શબ્દોનું રીપોર્ટિંગ કરવામાં આવે છે. ન્યાયાધીશોએ પોતાના ચુકાદામાં લખેલી વાતો કરતા વધારે વાત કરવી જોઈએ નહીં. ખાસ કરીને નિવૃત્તી પછી ન્યાયાધીશોએ આવી લાલચથી બચવું જોઇએ.  જસ્ટીસ પી એસ નરસિંમ્હાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભૂતપૂર્વ સીજેઆઇ જસ્ટીસ ડી વાય ચન્દ્રચુડએ કરેલી કેટલીક વાતોને કારણે વિવાદ થયો છે. એ સિવાય સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ અભય એસ ઓકા પણ કોલેજિયમના નિર્ણયો બાબતે ઘણું બોલ્યા છે. જસ્ટીસ નરસિંમ્હાએ કહ્યું છે કે, 'આજે બોલાયેલો દરેક શબ્દ સમાચારમાં ચમકે છે અને વર્તમાન ન્યાયાધિશોને પ્રભાવિત કરી શકે છે. કેટલાક ન્યાયાધીશો નિવૃત્તી પછી એમ વિચારે છે કે હવે બોલવાનો સમય આવી ગયો છે.'

જેમને મારવાનો આરોપ છે તેઓ ખુદ આતંકવાદી હતા

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને એની ગેંગને કેનેડા સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. હવે આ બાબતે લોરેન્સના વકીલ રજની ખત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રજની ખત્રીએ કહ્યું છે કે મને મીડિયા દ્વારા ખબર પડી છે કે કેનેડા સરકારે આવો નિર્ણય લીધો છે. એમણે આવો નિર્ણય કેમ લીધો એની મને ખબર નથી. કેનેડા સરકારનું આ બેવડુ ધોરણ છે. જેમને મારવા માટે લોરેન્સને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે તેઓ પોતે આતંકવાદી હતા અને ભારતમાં વોન્ટેડ હતા.  લોરેન્સના નામે સોશ્યલ મીડિયા પર મૂકાતી પોસ્ટની જવાબદારી કોણે લીધી એની મને ખબર નથી. હમણા તો હું કાયદાકીય રીતે દરેક પાસાનો અભ્યાસ કરી રહી છું. કેનેડાનો કાયદો કેવો છે એનો પણ અભ્યાસ કરી રહું છું ત્યાર પછી કોઈ નિર્ણય લઈશ.

ખેડૂતો ભાજપમાં જોડાય તો જ એમનું દેવું માફ થશે? ઉદ્ધવ ઠાકરેનો ટોણો

મહારાષ્ટ્રમાં આવેલા પૂરને કારણે ઘણા ખેડૂતો બરબાદ થઈ ગયા છે. સરકાર એમની મદદે જવામાં ઉણી ઉતરી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરએ મહારાષ્ટ્રના પીડિત ખેડૂતોને સરકાર તરત મદદ કરે એવી માંગણી કરી છે. ઉદ્ધવએ કહ્યું છે કે, 'શેરડીની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ ટન ૫ રૂપિયા અને મુખ્યમંત્રી સહાય ફંડ માટે ૧૦ રૂપિયા એમ કુલ દર ટને ૧૫ રૂપિયા કપાત કરવામાં આવે છે. રાજ્ય પર અતિવૃષ્ટિનું સંકટ છે. મે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે.' ઠાકરેના કહેવા પ્રમાણે સરકાર ખેડૂતોના ખિસ્સા કાપીને મદદનું નાટક કરે છે. મુખ્યમંત્રી પબ્લિસીટી મેળવવામાં બીઝી છે. જ્યારે બીજા એક ઉપમુખ્યમંત્રી પેકેટ પર પોતાનો ફોટો મૂકે છે જ્યારે બીજા ઉપમુખ્યમંત્રી દેખાતા નથી.