Get The App

એફબીઆઇ ચિફ કાશ પટેલએ ભારતવાળી કરી

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
એફબીઆઇ ચિફ કાશ પટેલએ ભારતવાળી કરી 1 - image

નવીદિલ્હી: અમેરિકાની જાસુસી સંસ્થા એફબીઆઇના વડા ભારતીય મૂળના કાશ પટેલ છે. કાશ પટેલ ફરીથી વિવાદમાં ફસાયા છે. એવા સમાચાર આવ્યા છે કે, કાશ પટેલ એમની પ્રેમીકા સાથે પેન્સીલવેન્યા ખાતે એક કુસ્તી મેચ જોવા માટે સરકારી જેટમાં ગયા હતા. આપણા દેશમાં સરકારી વાહનોનો ઉપયોગ અથવા તો દુરઉપયોગ રાજકારણીઓ અને અધિકારીઓ કરતા રહે છે. કદાચ કાશ પટેલને અજુગતુ નહીં લાગ્યું હોય કે પોતાના અંગત કાર્યક્રમ માટે સરકારી વિમાનનો ઉપયોગ થઈ શકે નહીં. એફબીઆઇનું જેટ પહેલા કાશ પટેલની પ્રેમિકાને લેવા માટે નૈશવિલે ગયું હતું. કાશ પટેલ સામે આ આક્ષેપ એફબીઆઇના એક ભૂતપૂર્વ એજન્ટએ જ કર્યો છે. એમણે કાશ પટેલ અને એમની સ્ત્રી મિત્રની તસવીર પણ પોસ્ટ કરી છે.

એક મહિનામાં પાંચ શૂટઆઉટ, લોરેન્સ ગેંગનો આતંક

ભારતથી લગભગ ૧૧ હજાર કીલોમીટર દુર કેનેડાની જમીન પર ભારતીય ટાર્ગેટ પર છે. કોઈ શૂટર એમના ઘરે ગોળીઓનો વરસાદ કરે છે તો કોઈ આતશબાજી. કેનેડામાં કોમેડિયન કપીલ શર્માના કેઇપ્સ કેફે પર ફાયરીંગની ત્રીજી ઘટનાને ૧૫ દિવસ પણ નથી થયા ત્યારે એક બીજી ઘટના બની છે. ગેંગસ્ટરોએ ભારતીય મૂળના અબજપતિ વેપારી દર્શનસિંહ સહાસીની હત્યા કરી નાખી છે. હોલિવુડની ફિલ્મોની જેમ આખી ઘટના બની હતી. દર્શનસિંહ એમના ઘરમાંથી બહાર આવ્યા ત્યારે એક કારમા મારાઓ એમની રાહ જોઈને બેઠા હતા. દર્શનસિંહ પોતાની કાર લઈને નિકળ્યા ત્યારે એમનો પીછો મારાઓએ કર્યો અને એમની કાર રસ્તા વચ્ચે રોકીને ઓટોમેટીક હથિયારો દ્વારા એમને ભૂજી નાખ્યા હતા. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી છે. દર્શનસિંહ પાસે ખંડણીની માંગણી ઘણા સમયથી કરવામાં આવતી હતી.

કર્ણાટકમાં જાતિ આધારીત વસ્તી ગણતરીમાં જોડાવા ૪.૨૨ લાખ કુટુંબોનો ઇન્કાર

કર્ણાટક રાજ્યના પછાત આયોગએ જાતી આધારીત સર્વેક્ષણના આંકડા બહાર પાડયા છે. આયોગના જણાવ્યા પ્રમાણે કર્ણાટકની વસ્તી આશરે ૬.૮૬ કરોડ છે. સર્વેક્ષણમાં ૩૧ ઓક્ટોબર સુધી રાજ્યના લગભગ ૬.૧૩ કરોડ લોકોએ ભાગ લીધો હતો. જોકે આ સર્વેમાં ભાગ લેવા લગભગ ૪.૨૨ લાખ કુટુંબોએ ઇન્કાર કર્યો છે. ૩૪.૪૯ લાખ ઘર ખાલી મળ્યા છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારે આ સર્વેક્ષણ શરૂ કરાવ્યું હતું. આ સર્વેક્ષણ ૭મી ઓક્ટોબરે પૂરૂ થવાનું હતું પરંતુ ત્યાર પછી એની મુદત વધારીને ૩૧મી ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી. હજી સુધી આયોગ કામગીરી પૂરી કરી શક્યો નથી. જોકે હજી કેટલુંક સર્વેક્ષણ બાકી હોવાથી લોકોને આ સર્વેમાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે. જે લોકો ચૂકાઈ ગયા છે તેઓ ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે જાણકારી આપી શકે છે. સરકારનું કહેવું છે કે, આ જાણકારીનો ઉપયોગ સરકાર યોજના બનાવવામાં કરી શકે છે.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન કઈ રીતે શાકાહારી બન્યા

ઉપરાષ્ટ્રપતિ સીવી રાધાકૃષ્ણન વારાણસીના પ્રવાસે ગયા હતા. એમણે ત્યાં કેટલાક ઉદઘાટન પણ કર્યા હતા. પોતાના સંબોધનમાં એમણે એક સસ્પેન્સ ખોલ્યું હતું. એમણે કહ્યું હતું કે, 'આજથી ૨૫ વર્ષ પહેલા કાશીએ મારા વિચાર અને સંસ્કાર બદલી નાખ્યા હતા. અહીં દિવ્ય જ્યોતિ અને ઊર્જા છે. અહી આવનાર લાખો લોકોની જિંદગી બદલાઈ જાય છે. ધર્મ પર કેટલાક સમય માટે જોખમ આવે છે પરંતુ એ કાયમી હોતું નથી. વર્ષ ૨૦૦૦માં પહેલી વખત હું કાશી આવ્યો હતો. ત્યારે મે ઘણા મંદિરોમાં પૂજાપાઠ કર્યા હતા. ગંગા સ્નાન પણ કર્યું હતું. ત્યારે હું માંસાહારી હતો. જોકે અહીં આવ્યા પછી મારા જીવનમાં એટલું મોટું પરિવર્તન આવ્યું કે હું શાકાહારી બની ગયો.'

યાદવો પર ટીપ્પણી કરી તો ગોળી મારી દઈશ

ગોરખપુરથી ભાજપના સાંસદ અને અભિનેતા રવિ કિશનને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સાંસદના સેક્રેટરીને ફોન પર આપવામાં આવી છે. આ બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. અજયકુમાર યાદવએ સાંસદ રવિ કિશનના સેક્રેટરી શિવમ દ્વિવેદીને ફોન કર્યો હતો. ફોન પર ગાળાગાળી કરીને ધમકી આપતા કહ્યું હતું કે રવિ કિશન યાદવો પર ટીપ્પણી કરે છે એ માટે હું એમને ગોળી મારી દઈશ. સેક્રેટરીએ જ્યારે ખુલાસો કર્યો કે સાંસદે કદી કોઈ પણ જ્ઞાાતિની ટીકા કરી નથી ત્યારે અજય યાદવ ગુસ્સે થઈ ગયો હતો. આરોપીએ ભોજપુરી ગાયક ખેસારીલાલ યાદવને ટેકો જાહેર કર્યો હતો. જેમાં એમણે રામ મંદિરની જગ્યાએ હોસ્પિટલ બનાવવાની વાત કરી હતી. આરોપી  રામ મંદિર વિશે પણ એલફેલ બોલ્યો હતો.

રાજ્યનો દરજ્જો નહીં હોવો એ ફક્ત બહાનું

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજસિંહાના કહેવા પ્રમાણે જમ્મુ-કાશ્મીરની સરકાર પાસે બધી જ સત્તા છે. જો બધી સત્તા હોવા છતાં સરકાર કામગીરી નહીં કરતી હોય તો, ખરાબ પ્રદર્શન માટે રાજ્યનો પૂર્ણદરજ્જો નહીં હોવાનું કારણ આપી શકાય નહીં. સિંહાએ કહ્યું હતું કે યોગ્ય સમયએ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરી છે. જ્યારે ચૂંટણી આવી ત્યારે ખબર જ હતી કે ચૂંટણી કેન્દ્રશાસીત પ્રદેશની વિધાનસભા માટે થઈ રહી છે. સરકારે પોતાની સત્તાનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવો જોઈએ. જોકે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલાએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે આ લોકો રાજ્યને પૂર્ણ કક્ષાનો દરજ્જો આપતા શા માટે ડરે છે. એલજીએ ક્યારેક તો સુપ્રિમ કોર્ટ અને સંસદમાં જમ્મુ-કાશ્મીરના લોકોને આપવામાં આવેલા વચન બાબતે તો વાત કરવી જોઈએ.

હિન્દુ પત્નીની શ્રદ્ધા બાબતે ટીપ્પણી કર્યા પછી જેડી વેન્સ ફસાયા

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સના પત્ની ભારતીય મૂળના છે. પત્ની ઉષા વેન્સ ભવિષ્યમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એવી ઇચ્છા જેડી વેન્સે જાહેર કરી હતી. જેડી વેન્સની આ ટીપ્પણી પછી વિવાદ થયો છે. હકીકતમાં યુનિવર્સિટી ઓફ મીસીસીપીએ વેન્સને એક કાર્યક્રમમાં બોલાવ્યા હતા. એ વખતે એક મહિલાએ વેન્સને એમના પત્ની અને બાળકોના ધર્મ બાબતે સવાલ કર્યો હતો. એ વખતે વેન્સે કહ્યું હતું કે, એમના ત્રણ બાળકો ખ્રિસ્તી ધર્મ પાળે છે અને તેઓ ઇચ્છે છે કે એક દિવસ એમની પત્ની પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે. અમેરિકા સ્થિત હિન્દુઓએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. હવે વેન્સે પોતાના નિવેદન માટે ખુલાસો આપ્યો છે. એમણે કહ્યું છે કે એમની પત્ની ઉષાનો ધર્મ બદલાવાનો કોઈ ઇરાદો નથી. અમેરિકાના ઉપપ્રમુખે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ટ્રોલરો મારા વિરુદ્ધ હલકી ટીપ્પણીઓ કરી રહ્યા છે. મે વાત હળવી રીતે કરી હતી. મને જાણી જોઈને આ પ્રકારનો સવાલ પૂછવામાં આવ્યો હતો.'