નવીદિલ્હી : રાષ્ટ્રપતિનો કાફલો જ્યારે નિકળે છે ત્યારે આકર્ષક યુનિફોર્મ પહેરેલા ઉંચા અને તગડા ઘોડેસવાર જવાનો સૌથી વધુ ધ્યાન ખેંચે છે. રાષ્ટ્રપતિની સુરક્ષા ભારતની સૌથી જૂની રેજીમેન્ટ પ્રેસીડેંટ્સ બોડીગાર્ડ (પીજીબી)ના જવાનો સંભાળે છે. દેખાવમાં આ યુનિટ રોયલ અને શિસ્તબદ્ધ લાગે છે, પરંતુ એમની પસંદગી પાછળ ૨૫૦ વર્ષ જૂનો ઇતિહાસ છે. સૌથી અગત્યની વાત એ છે કે પીજીબીમાં હિન્દુ જાટ, હિન્દુ રાજપુત અને જાટ શીખના જવાનો જ હોય છે. યુનિટના અધિકારીઓ અને ક્લાર્કનો સ્ટાફ કોઈ પણ સંપ્રદાયનો હોય શકે છે. આ ખાસ યુનિટની શરૂઆત ૧૭૭૩માં વારાણસીમાં થઈ હતી. એ સમયના ગવર્નર વોરન હેસ્ટિંગ્સએ ખાસ પસંદ કરેલા ૫૦ ઘોડેસવાર જવાનોને યુનિટમાં લીધા હતા. ત્યાર પછી રાજા ચેતસિંહે બીજા ૫૦ ઘોડેસવાર જવાનોને સામેલ કર્યા હતા. આઝાદી પહેલા આ યુનિટમાં પંજાબી, મુસ્લિમ, શીખ અને રાજપુતનો સમાવેશ થતો હતો. ૧૯૪૭ના ભાગલા પછી મુસ્લિમ સૈનિકો પાકિસ્તાન ચાલ્યા ગયા જે પછી આ ખાલી જગ્યા જાટ હિન્દુઓએ ભરી. ત્યાર પછી આ પરંપરા ચાલી આવે છે.
ઇરાનના સુપ્રીમ લીડરની પસંદગી કઈ રીતે થાય છે
ઇરાનના સુપ્રિમ લીડર આયતુલ્લાહ અલી ખામેઇની ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં માર્યા ગયા છે. ૧૯૭૯માં આયાતુલ્લાહ ખોમેનીના નેતૃત્વમાં ઇસ્લામીક ક્રાંતિ પછી ઇરાનના બંધારણમાં સુપ્રિમ લીડરનો હોદ્દો બનાવવામાં આવ્યો હતો. આયતુલ્લાહ ખોમેની દેશના સર્વપ્રથમ સુપ્રિમ નેતા બન્યા હતા. ઇરાનના બંધારણની કલમ ૧૧૧ પ્રમાણે સુપ્રિમ લીડરના મૃત્યુ પછી સુપ્રિમ લીડર પરીષદની અને સુપ્રિમ લીડરની પસંદગી સુધી ત્રણ સભ્યોની ટીમ કામચલાઉ રીતે નેતૃત્વ સંભાળે છે. આ ટીમમાં દેશના રાષ્ટ્રપતિ, ન્યાયતંત્રના મુખ્ય ન્યાયાધીશ અને સુરક્ષા પરીષદના એક ન્યાયાધીશનો સમાવેશ થાય છે. ઇરાનના બંધારણ પ્રમાણે ફક્ત ૧ આયતુલ્લાહ જ દેશનો સર્વોચ્ચ નેતા બની શકે છે. જે શિયા મુસ્લિમનો ધાર્મિક નેતા હોય છે. ઇરાનમાં ટોચના ૮૮ ધર્મગુરુઓ મળીને સુપ્રિમ લીડરની પસંદગી કરે છે. દર આઠ વર્ષ ઇરાની નાગરીકો ધર્મગુરુઓની ટીમને ચૂંટે છે.
ન્યાયાધીશો ફરજ બરાબર નીભાવે તો એનસીઇઆરટીનો વિવાદ થાત નહીં : સિબ્બલ
એનસીઇઆરટીના પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનું ચેપ્ટર ન્યાયતંત્રને ટાર્ગેટ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. આ બાબતે જાણીતા સિનિયર એડવોકેટ કપીલ સીબ્બલે કેટલીક અગત્યની વાતો કરી છે. સીબ્બલના કહેવા પ્રમાણે યુવાનોને સમાજમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર વિશે જણાવવું જરૂરી છે. જોકે ફક્ત ન્યાયતંત્રના જ ભ્રષ્ટાચારની વાતો કરવામાં આવે તો એમને લાગશે કે ફક્ત ન્યાયતંત્રમાં જ ભ્રષ્ટાચાર છે. ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર વિશે થઈ રહેલી વાતો માટે કેટલાક ન્યાયાધીશો જવાબદાર છે. કારણ કે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે નીભાવતા નથી. કપીલ સીબ્બલે કહ્યું હતું કે, 'દરેક સંસ્થામાં કેટલાક ખોટા લોકો હોય છે જેઓ સંસ્થાનું નામ બદનામ કરે છે. એટલે આપણે એને અવગણી શકીએ નહીં અને એવું કહી શકીએ નહીં કે ભ્રષ્ટાચાર નથી. ભ્રષ્ટાચાર છે જ, પરંતુ આ ભ્રષ્ટાચારની વાત એકાએક ૮માં ધોરણના પુસ્તકમાં કઈ રીતે આવી ગઈ? જો ન્યાયાધીશોએ પોતાની ફરજ બરાબર નીભાવી હોતે તો આવા ચેપ્ટરની જરૂર પડતે નહીં.'
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની બેઠકો માટે ખેંચતાણ
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ૭ બેઠકો માટે ૧૬મી માર્ચે ચૂંટણી થવાની છે. એ જ દીવસે મતોની ગણતરી પણ થશે. આ ચૂંટણી માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ ચાલુ થઈ ગઈ છે. શીવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેએ ખુલાસો કર્યો હતો કે મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. એમના કહેવા પ્રમાણે જીતવા લાયક બેઠક એજ પાર્ટીને મળવી જોઈએ જેમની પાસે જરૂરી ધારાસભ્યોની સંખ્યા છે. આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ધારાસભ્યોની સંખ્યા અને ગઠબંધનની રોટેશન પોલીસી પ્રમાણે આ બેઠક શીવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ખાતામાં જ જવી જોઈએ. પક્ષના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ આ બાબતે નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સૌથી મોટો વિરોધ પક્ષ છે. નિર્ણય લેવાની સત્તા પણ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) પાસે હોવી જોઈએ. ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી હારી ગયેલા ભૂતપૂર્વ સાંસદ રાજન વિચારે અને વિનાયક રાઉત પણ રાજ્યસભાની ચૂંટણી લડવા માંગે છે.
કાંશીરામને માન આપીને અખિલેશની દલીતોને રીઝવવાની કોશિશ
બહુજન સમાજવાદી પાર્ર્ટી (બીએસપી)ના સ્થાપક કાંશીરામની જયંતી ૧૫મી માર્ચે છે. સમાજવાદી પાર્ટીએ આ દિવસે કેટલાક કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે. અખિલેશ યાદવએ પક્ષના પદાધિકારીઓને પત્ર લખ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલી સભાઓનું આયોજન કરવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં દલીત મોતને આકર્ષવા માટેના પ્રયત્નો અખિલેશ યાદવ કરી રહ્યા છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં સપા પછાત, દલીત અને મુસ્લિમ મતોને કેટલેક અંશે પોતાની તરફ કરવામાં સફળ રહી હતી. સપાએ ૩૭ બેઠકો પર જીત મેળવી હતી. હવે આ જ ફોર્મ્યુલાને આધારે અખિલેશ યાદવ ૨૦૨૭માં સત્તા પર આવવાની યોજના બનાવી રહ્યા છે. અખિલેશ યાદવ દલીતોને સંદેશો આપી રહ્યા છે કે સમાજવાદી પાર્ટી અને કાંશીરામ વચ્ચે જૂના સંબંધો છે. ભૂતકાળમાં સપા -બસપાએ હાથ મેળવીને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી હતી.
તીરૂપ્પરનકુદ્રમ મંદિરમાં દીવો પ્રગટાવવા બાબતે વિવાદ
તામીલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનએ તીરૂપ્પરનકુદ્રમ મંદિરમાં દીવો પ્રગટાવવાના વિવાદ બાબતે પોતાની સરકારનો બચાવ કર્યો છે. એમણે ખુલાસો આપ્યો છે કે વ્યક્તિગત શ્રદ્ધાએ રાજકારણ આગળ ઝુકવું જોઈએ નહીં. એમનું કામ પરંપરાની રક્ષા કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણા જ તીરૂપ્પરનકુદ્રમના અરૂલોમીગુ સુબ્રમણિયા સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાર પછી મદુરેઇમાં એક રેલીને સંબોધન પણ કર્યું હતું. એ વખતે એમણે દીવો પ્રગટાવવા બાબતે ડીએમકે સરકારને લોકોની લાગણીઓ બાબતે અસંવેદનશીલ ગણાવી હતી. એમણે કહ્યું હતું કે છેવટે ભક્તોની જ જીત થશે. વડાપ્રધાનના નિવેદન પછી સ્ટાલીનએ પોતાની સરકારનો બચાવ કરતો વીડિયો બહાર પાડયો હતો. સ્ટાલીનના કહેવા પ્રમાણે એક ધાર્મિક નેતા તરીકે નહીં, પરંતુ મુખ્યમંત્રી તરીકે એમણે મંદિરની પરંપરાને બચાવવાનું નક્કી કર્યું છે.
ટીએમસીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્યએ પક્ષનું નામ બદલવું પડયું
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ભરતપુર વિધાનસભાની બેઠકના ધારાસભ્ય હુમાયુ કબીરે પોતાના નવા પક્ષનું નામ બદલી નાખ્યુ છે. ચૂંટણી પંચે એમના પ્રસ્તાવીત પક્ષનું નામ રદ કર્યું હતું. ત્યાર પછી એમણે આ નિર્ણય લીધો છે. કબીરે શરૂઆતમાં એમના પક્ષનું નામ જનતા ઉન્નયન પાર્ટી (જેયુપી) રાખ્યું હતું. ચૂંટણી પંચનું કહેવું હતું કે આ નામથી એક રાજકીય પક્ષે અગાઉથી નોંધણી કરાવી છે. ત્યાર પછી કબીરે પક્ષનું નવું નામ 'આમ જનતા ઉન્નયન પાર્ટી (એજેયુપી) રાખ્યું છે. હુમાયુ કબીરએ બેલડાંગામાં એક મસ્જિદનો શીલાન્યાસ કરવાથી મમતા બેનર્જીએ એમને ટીએમસી પક્ષમાંથી હાંકી કાઢયા હતા. કબીરે કહ્યું હતું કે, તેઓ બાબરી મસ્જિદની ડિઝાઇનનું અનુકરૂણ કરીને નવી મસ્જિદ બનાવશે. એમના આ નિર્ણયને કારણે મોટો વિવાદ થયો હતો.


