Get The App

દિલ્હીની વાત : આરએસએસ પર પ્રતિબંધ મૂકવાના નિવેદનથી વિવાદ

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આરએસએસ પર પ્રતિબંધ મૂકવાના નિવેદનથી વિવાદ 1 - image

નવીદિલ્હી : કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલતી જીભાજોડી વધી ગઈ છે. રાજ્ય સરકારમાં મંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ એવું કહ્યું છે કે, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો આરએસએસ પર પ્રતિબંધ મૂકી દેશે. આ નિવેદન પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. પ્રિયંક ખડગેએ આરએસએસ ધર્મનિરપેક્ષતા અને સમાજવાદ વિરુદ્ધ હોવાનો આરોપ મૂક્યો હતો. એમણે કહ્યું હતું કે કોંગ્રેસે અગાઉ પણ બે વખત આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. કોંગ્રેસને આ પ્રતિબંધ દૂર કરવાનો અફસોસ છે. ખડગેના આ નિવેદનને ભાજપના નેતાઓએ ઇન્દિરા ગાંધીએ લાગુ કરેલી કટોકટી સાથે સરખાવ્યું છે. ભાજપના નેતાઓએ કહ્યું છે કે, આ નિવેદન કોંગ્રેસની માનસિકતા બતાવે છે.

મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત પછી રાજકારણ ગરમાયું

મધ્યપ્રદેશના ભાજપ પ્રમુખની જાહેરાત થઈ ગઈ છે. હેમંત ખંડેલવાલને પક્ષપ્રમુખ બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મોહન યાદવ, વર્તમાન પ્રદેશ પ્રમુખ વી ડી શર્મા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓએ ખંડેલવાલની નિયુક્તી કરી છે. મથુરામાં જન્મેલા ખંડેલવાલ ૨૦૦૮-૦૯ની પેટા ચૂંટણીમાં જીતીને સાંસદ બન્યા હતા. ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી તેઓ બેતુલ બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા. ૨૦૨૩માં પણ તેઓ બેતુલ ખાતેથી ચૂંટાયા હતા. ખંડેલવાલે સંગઠનમાં પણ કામ કર્યું  છે. ખંડેલવાલની નિમણૂક પછી બીજા રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ નથી. ત્યાના નેતાઓને પણ હવે આશા જાગી છે. થતી ચર્ચા પ્રમાણે નજીકના ભવિષ્યમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં પણ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે.

તેજપ્રતાપ યાદવ છ કલાક પ્રેમિકા અનુષ્કાના ઘરે રોકાયા

દેશમાં આજકાલ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવની લવસ્ટોરીની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે. તેજપ્રતાપ યાદવ લંગર ટોલી ચોરાહ નજીક આવેલા અનુષ્કા યાદવના ઘરે ગયા હતા. તેઓ આશરે છ કલાક સુધી અનુષ્કાના ઘરે રહ્યા હતા અને એના ઘરે જમ્યા પણ હતા. એ વખતે અનુષ્કાની સાથે એના કુટુંબના બીજા સભ્યો પણ હાજર હતા. તેજપ્રતાપ યાદવ અનુષ્કાના ઘરે હોવાની માહિતી મળતા પત્રકારો અને તસવીરકારો પણ ત્યાં પહોંચી ગયા હતા. તેજપ્રતાપે એમને કહ્યું હતું કે, મારો આ કુટુંબ સાથે સંબંધ છે. મને અહીં આવતો કોઈ રોકી નહીં શકે. તે વખતે અનુષ્કાના ભાઈ આકાશ યાદવ પણ ત્યાં હાજર હતા. ચૂંટણીનું વર્ષ હોવાથી લાલુ પ્રસાદ યાદવએ તેજપ્રતાપ યાદવ સાથેના સંબંધો કાપી નાખ્યા છે. હવે તેજપ્રતાપ વારંવાર કહે છે કે, પ્યાર કરવો કોઈ ગુનો નથી અને પ્યાર કરવાની કોઈ સજા હોઈ શકે નહીં.

સિદ્ધારમૈયા વિ. શિવકુમાર, ઠંડુ યુદ્ધ પરાકાષ્ટાએ

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની માંગ ફરીથી જોર પકડી રહી છે. હવે આ મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ બે દિવસ પહેલા જ આડકતરો ઇશારો કર્યો હતો. દિલ્હીથી ગયેલા કોંગ્રેસના નેતા રણદિપ સુરજેવાલ ઘણા ધારાસભ્યોને મળ્યા છે. હમણા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઇચ્છે છે કે, ધારાસભ્યો શાંત થઈ જાય અને જાહેરમાં ખેંચતાણ કરે નહીં. જોકે બીજી તરફ ડી કે શિવકુમારના સમર્થકો આરપારના મૂડમાં છે. કર્ણાટકમાં ૨૦૨૩ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી હતી. ચૂંટણીના પરિણામો પછી એવી ચર્ચા ચાલી હતી કે ડી કે શિવકુમાર મુખ્યમંત્રી બનશે. જોકે હાઇકમાન્ડે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવ્યા એ વખતે જોકે કોઈએ ખુલીને વિરોધ કર્યો નહોતો, પરંતુ હવે ડી કે શિવકુમારનું જૂથ સક્રિય થઈ ગયું છે.

પ્રશાંત કિશોરને કાબુમાં રાખવા આરજેડીની રણનીતિ

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બિહારના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. બધાની નજર જન સુરાજ પાર્ટી (જસપા)ના સ્થાપક અને પ્રમુખ પ્રશાંત કિશોર પર છે. સત્તાધારી પક્ષ આરજેડીનું એક જૂથ પ્રશાંત કિશોરની ઝડપને ધીમી કરવા માટે એક ખાસ રાજકીય રણનીતિ પર કામ કરે છે. રાજ્યના વિરોધ પક્ષ ઇન્ડિયા ગઠબંધનથી અલગ રીતે આરજેડીના આ નેતાઓ બસપા વિરુદ્ધ આક્રમક શૈલી અપનાવશે. આ માટેની તમામ તૈયારી થઈ ગઈ છે. 'બિહાર બદલાવ યાત્રા' પર નીકળેલા પ્રશાંત કિશોરએ ૧૦ દિવસ પહેલા ભાજપ પ્રમુખ અને સાંસદ દિલીપ જયસ્વાલ બાબતે થયેલી અંગત ટીપ્પણીની ચર્ચા પણ થઈ રહી છે. પ્રશાંત કિશોરએ કહ્યું હતું કે, જયસ્વાલને સોશ્યલ મીડિયાની કોઈ ખબર નથી. આ બાબતે પણ રાજકારણ ગરમાયું છે.

ભાજપના સાંસદએ મેઘા પાટકર અને પ્રકાશ રાજની હાજરીનો વાંધો લીધો

ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ સમીતીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભાજપના સાંસદો પણ હાજર હતા. મીટીંગમાં સામાજીક કાર્યકર અને આંદોલનકર્તા મેઘા પાટકર અને અભિનેતા તેમજ ભાજપ વિરોધી કાર્યકર્તા પ્રકાશ રાજને પણ બોલાવવામાં આવ્યા હતા. આ બંનેને જોતા જ ભાજપના સાંસદો આક્રમક થઈ ગયા હતા. એમણે મીટીંગનો બહિષ્કાર કર્યો હતો. છેવટે સમિતિની બેઠક અધવચ્ચે જ સમાપ્ત કરી દેવામાં આવી હતી. સમિતિની બેઠકમાં કઈ રીતે મેઘા પાટકર અને પ્રકાશ રાજને એમનો પક્ષ રજુ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા એની ચર્ચા થઈ રહી છે. ભાજપના પ્રવક્તાઓ મેઘા પાટકર અને પ્રકાશ રાજને રાષ્ટ્ર વિરોધી અને અર્બન નક્સલ ગણે છે.

ઉત્તર પ્રદેશમાં રીલોન્ચ પહેલા પ્રકાશ આનંદની અગ્ની પરીક્ષા થશે

બહુજન સમાજ પાર્ટીમાં પાછા ફર્યા પછી પક્ષના સુપ્રિમો માયાવતીએ આકાશ આનંદની રાજકીય આવડત ચકાસવાનું નક્કી કર્યું છે. આકાશ આનંદ સાથે વાકું પડતા માયાવતીએ એમને થોડા સમય માટે પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. હવે માયાવતીએ નક્કી કર્યું છે કે આકાશ આનંદને બિહારની જવાબદારી આપવી. બિહાર ચૂંટણીથી આકાશ આનંદની અગ્ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશમાં તેમનું ભવિષ્ય કેવું હશે એનો નિર્ણય લેવાશે. સત્તા મળી તો માયાવતી એમને ઉત્તર પ્રદેશમાં જોરશોરથી રીલોન્ચ કરશે. આકાશ આનંદ પર નજર રાખવા માટે માયાવતીએ પક્ષના કો-ઓર્ડીનેટર રામજી ગૌતમને જવાબદારી સોંપી છે. ઉત્તર પ્રદેશમાં પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે પણ આકાશ આનંદની તાકાત મપાઈ જશે.

ભાજપે હિમન્તાના કાફલા પર હુમલા માટે કોંગ્રેસને દોષી ઠેરવી

ભાજપે ગોલઘાટમાં આસામના મુખ્ય મંત્રી હિમન્તા બિસ્વા સર્માના કાફલા પર  થયેલા હુમલાની સખત ટીકા કરી હતી. ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકરોએ પાણીની બોટલો કાફલા પર ફેંકી હતી. ભાજપે આ ઘટનાને લોકશાહીના મૂલ્યો પર હુમલા તરીકે ગણાવ્યો અને કોંગ્રેસ પર રાજકીય હતાશાને કારણે નક્સલવાદ જેવી પ્રવૃત્તિ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપ આસામના જનરલ સેક્રેટરી રિતુપર્ણા બરુઆએ જણાવ્યું કે ભાજપના વિકાસ એજન્ડાનો સામનો કરવામાં નિષ્ફળ થયેલી કોંગ્રેસ નક્સલીઓ જેવું વર્તન કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ વિપક્ષમાં હોવા છતાં આવું વર્તન કરે છે તે આંચકાજનક છે, તે સત્તામાં હોત તો શું કરત એવો સવાલ તેમણે ઉપસ્થિત કર્યો.

- ઈન્દર સાહની