નવીદિલ્હી : નેશનલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ચૌધરી મહોમદ રમઝાનએ રાજ્યસભાના સાંસદ તરીકે સોંગદ લીધા હતા. રાજ્યસભામાં પહેલી વખત બોલતા મહોમદ રમઝાનએ પોતાના સાથીપક્ષને ઘેરવાની કોશિષ કરી હતી. આજકાલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભાજપ અને ચૂંટણી કમિશન સામે વોટચોરીનો આક્ષેપ મુકે છે. જોકે કોંગ્રેસના સાથી પક્ષ નેશનલ કોંગ્રેસ રાહુલ ગાંધીના આ આક્ષેપ સાથે સમંત નથી. મહોમદ રમઝાનએ કહ્યું હતું કે, 'અહીં તમામ લોકોએ કહ્યું કે ચૂંટણી નિષ્પક્ષ રીતે નથી થતી. હું બહુ દુર નહીં જાઉ પરંતુ મારા રાજ્યની વાત કરીશ. ૨૦૨૪માં ત્યાં ચૂંટણી થઈ અને ખૂબ જ નિષ્પક્ષ રીતે સરકાર બની હતી. આ સરકારનું નેતૃત્વ ઉમર અબ્દુલ્લા કરે છે. અમારા સાથીદાર તરીકે કોંગ્રેસ અને કેટલાક અપક્ષો છે. જમ્મુ-કાશ્મીરમાં અમારી સરકાર બહુમતીમાં છે.'
વિધાનસભામાં ચેતન આનંદે વિનાસંકોચ તેજસ્વીના પગ પકડયા
બિહાર વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ વિધાનસભામાં સોગંદ લીધા હતા. એ વખતે બાહુબલી અને ભૂતપૂર્વ સાંસદ આનંદ મોહનના પુત્ર અને નવીનગરથી ચૂંટાયેલા ધારાસભ્ય ચેતન આનંદએ પણ સોંગદ લીધા હતા. સોંગદ વિધિ પછી તેઓ વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા અને એમના પગ પકડીને આશિર્વાદ લીધા હતા. ૨૦૨૪માં બિહારમાં થયેલા સત્તાપરિવર્તન વખતે ચેતન આનંદ આરજેડી છોડીને એનડીએ સાથે જોડાયા હતા. આ વખતે પણ તેઓ જેડીયુની ટિકિટ પર નવીનગર ખાતેથી જીત્યા છે. તેજસ્વીના આશિર્વાદ લીધા પછી એમણે કહ્યું હતું કે તેજસ્વી મારા મોટા ભાઈ જેવા છે. મે પગે લાગીને નિતિશજીના પણ આશીર્વાદ લીધા હતા એજ રીતે વિજય ચૌધરીને પણ પગે લાગ્યો હતો. હું જેમને વડીલ માનું છું એ સૌને પગે લાગવામાં મને વાંધો નથી. રાજકારણમાં મતભેદ હોઈ શકે છે મનભેદ નહીં.
અલ-ફલાહ યુનિવર્સિટી પછી હવે ઇડીના રડાર પર આ ટ્રસ્ટ
ઇડીના અધિકારીઓએ મહારાષ્ટ્ર સ્થિત એક ટ્રસ્ટ અને એક યમનના નાગરીક સામે એફસીઆરએના ભંગ બદલ કાર્યવાહી કરી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે નંદરબાર જિલ્લા અને મુંબઈમાં કુલ એક ડઝન જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી જામીયા ઇસ્લામિયા ઇશાતુલ ઉલુમ ટ્રસ્ટ, યમનના નાગરીક અલ-ખદાની ખાલીદ ઇબ્રાહીમ સાલેહ અને બીજી કેટલીક વ્યક્તિઓ સામે થઈ રહેલી તપાસનો હિસ્સો છે. ઇડીની આ તપાસ પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ થઈ રહી છે. નંદરબાર પોલીસના અક્કલકુવા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી એફઆઇઆર અને ચાર્જશીટને આધારે આ તપાસ થઈ રહી છે. ઇડીએ ઘણા સ્થળોએ તપાસ કરી હતી. ગૃહમંત્રાલયે ૨૦૨૪માં જ આ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ રદ કરી દીધું છે.
લોરેન્સ માટે જાન આપવા તૈયાર સાથીદારો કેમ દુશ્મન બન્યા
પંજાબ - હરિયાણાના અંડરવર્લ્ડના એક જમાનાના લોરેન્સ બિશ્નોઇના ઇશારે મોટી ગેંગ કામ કરતી હતી. ગોલ્ડી બરાડ, રોહિત ગોડારા, શહેજાદ ભટ્ટી, દિપક ટીનુ જેવા કેટલાક ગેંગસ્ટર્સ બિશ્નોઇના વફાદાર હતા. જોકે છેલ્લા બે વર્ષોથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. લોરેન્સ બિશ્નોઇ હમણા અમદાવાદની સાબરમતિ જેલમાં કેદ છે. એક જમાનામાં લોરેન્સનો જમણો હાથ ઘણાતો ગોલ્ડી બરાડ હવે એનાથી દુર થઈ ગયો છે. એ સિવાય રોહિત ગોડારા અને શહજાદ ભટ્ટીએ પણ પોતાના રસ્તા અલગ કરી નાખ્યા છે. ઘણાને સવાલ એમ થાય છે કે લોરેન્સની નજીકની વ્યક્તિઓ એનાથી કેમ દુર થઈ ગઈ છે. લોરેન્સ અને ગોલ્ડીની ઓળખાણ કોલેજ સમયમાં થઈ હતી. ગોલ્ડીને ફ્રન્ટલાઇનમાં રાખીને લોરેન્સે ઘણા ઓપરેશન કર્યા હતા. સીધુ મુસેવાલા તેમજ બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનના ઘર પર ફાયરીંગ કરાવતી વખતે લોરેન્સ અને ગોલ્ડી સાથે હતા. ત્યાર પછી લોરેન્સ બિશ્નોઇને લાગ્યું કે એનો ભાઈ અનમોલ બિશ્નોઇ અમેરિકામાં પકડાઈ ગયો ત્યારે ગોલ્ડી બરાડે એને મદદ કરી નહોતી. ત્યાર પછી એમના સંબંધો વણસી ગયા હતા.
તેજસ્વી કેટલા દિવસ વિપક્ષના નેતા રહેશે એ જોઈશું : ભાજપનો ઘમંડ
બિહારમાં સરકાર તેમજ વિધાનસભામાં એનડીએની પકડ મજબૂત છે. ભાજપએ ગૃહમંત્રાલય ઉપરાંત સ્પિકર તરીકે પણ પોતાની વ્યક્તિ પસંદ કરી છે. તેજસ્વી યાદવને વિપક્ષના નેતા બનવાના અભિનંદન તો મળ્યા પરંતુ ભાજપના શાહનવાઝ હુસૈનએ વધુ પડતા અભિમાનમાં એવો ટોણો માર્યો હતો કે, હવે જોઈએ છીએ કે તેજસ્વી કેટલા દિવસ વિરોધપક્ષના નેતા તરીકે ટકી શકે છે. એમના કહેવા પ્રમાણે આરજેડીનું પતન થયું છે અને આરજેડીના લોકો જ તેજસ્વીને હવે નેતા તરીકે લાંબો સમય સ્વિકારશે નહીં. હુસૈનના કહેવા પ્રમાણે નિતિશકુમાર વિરોધપક્ષની લાગણી સમજે છે, પરંતુ જો તેજસ્વી માપમા નહીં રહે તો એ લાંબા સમય સુધી પદ પર રહેશે નહીં. એનડીએના કેટલાક સાથીપક્ષો ખાનગીમાં ફરિયાદ કરી રહ્યા છે કે બિહારમાં સત્તા પર આવ્યા પછી ભાજપના કેટલાક નેતાઓનો ઘમંડ વધી ગયો છે.
સ્કૂલો બંધ થશે... લોકો દેશ છોડશે : અર્થશાસ્ત્રીની ચેતવણી
દેશના જાણીતા અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલએ આગાહી કરી છે કે, સરકારે પેન્શન સ્ટ્રક્ચર પર ફરીથી વિચાર કરવો જોઈએ. એમણે ચેતવણી આપી છે કે, યુવાનોની ઘટતી વસ્તી ભવિષ્યમાં પેન્શન સ્કીમને અસ્થિર બનાવી દેશે. સાન્યાલના કહેવા પ્રમાણે જન્મદર લગાતાર ઘટી રહ્યો છે અને જન્મદરને કારણે મોટી સંખ્યાના લોકોને કરવામાં આવેલા પેન્શન બાબતના દાવાઓ ટકી નહી શકશે. એમણે કહ્યું હતું કે, 'રીટાયર્ડ લોકોને પેન્શનની ચૂકવણી વર્તમાન વર્કસ પર ટેક્સ લગાડીને કરવામાં આવે છે. તમે મોટી સંખ્યામાં લોકોને પેન્શન આપવાનું વચન આપ્યું છે અને બીજી તરફ યુવાનોની વસ્તી ઘટી રહી છે. આ પરિસ્થિતિમાં જેઓ કામ કરી રહ્યા છે એમના પર મોટા પાયે ટેક્સ લગાડવામાં આવશે એમને પોતાનો નહીં બીજી વ્યક્તિઓનો બોજો પણ ઉઠાવવો પડશે.' યાદ રહે કે સાન્યાલ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય છે.
શું ઘૂષણખોરો માટે રેડ કાર્પેટ પાથરવામાં આવે?
રોહગિયા ઘૂષણખોરો સાથે સંકળાયેલા એક કિસ્સાની સુનાવણી કરતી વખતે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને અરજી કરનાર બંનેને કડવા સવાલો કર્યા હતા. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, રોહગિયાઓની કાયદાકીય સ્થિતિ નક્કી કર્યા વગર એમના અધિકારોની ચર્ચા નહીં થઈ શકે. કોર્ટે એમ પણ પૂછયું હતું કે શું ભારત સરકારે એમને શરણાર્થી જાહેર કર્યા છે? સીજેઆઇએ સવાલ પૂછતા કહ્યું હતું કે, 'શું ઘૂષણખોરો માટે રેડ કાર્પેટ પાથરવામાં આવે?' ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યા બાગચી એક હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મે મહિનામાં દિલ્હી પોલીસે કેટલાક રોહગિયાની ધરપકડ કરી છે. ત્યાર પછી તેઓ ગુમ છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે જો એમને એમના દેશ ફરીથી મોકલાવના હોય તો સમગ્ર પ્રક્રિયા કાયદેસરની હોવી જોઈએ.


