નવીદિલ્હી : સંસદના ચોમાસુસત્રમાં બિહારના મતદારોની યાદી અને પુનઃનિરીક્ષણ સહિત કેટલાક મુદ્દાઓને લીધે તોફાન થઈ રહ્યું છે. દરરોજ વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે ચર્ચાની માંગણી કરીને વોકઆઉટ કરવામાં આવે છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને બીજા સાંસદો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે વેલમાં સીઆઇએસએફના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ બાબતે મલ્લિકાર્જૂન ખડગેએ વાંધો લીધો છે. ખડગેએ ઉપાધ્યક્ષને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે. વિરોધપક્ષો વતી ખડગેએ ઉપાધ્યક્ષ હરીવંશને પત્ર લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'અમને આઘાત લાગ્યો છે કે જ્યારે સાંસદો લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ગૃહની વેલમાં સીઆઇએસએફના જવાનોને બોલાવવામાં આવ્યા.'
છેવટે ભૂતપૂર્વ સીઆઇ ચંદ્રચુડએ સરકારી બંગલો ખાલી કર્યો
ભૂતપૂર્વ ચિફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડએ સરકારી બંગલો ખાલી કરી દીધો છે. નિવૃત્તી પછી થોડા સમય સુધી ભૂતપૂર્વ સીજેઆઇએ રહેઠાણ ખાલી નહી કરતા નાનકડો વિવાદ થયો હતો. આ બંગલો ભારતના વર્તમાન ચિફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા અને એમના કુટુંબ માટે રીઝર્વ રખાયો છે. ૫, કૃષ્ણ મેનન માર્ગ ખાતે આવેલા આ બંગલાની ચાવી ભૂતપૂર્વ સીજેઆઇ ચંદ્રચુડએ સંબંધીત વિભાગને આપી દીધી છે. સુપ્રિમ કોર્ટે એક મહિના પહેલા કેન્દ્ર સરકારને પત્ર લખીને આ રહેઠાણ ખાલી કરાવવા માટે કહ્યું હતું. હવે તેઓ તીનમૂર્તિ માર્ગ ખાતે આવેલા બંગલામાં રહેશે. ભૂતપૂર્વ સીજેઆઇની બંને પુત્રીઓ સ્પેશિયલ કેર ચાઇલ્ડ હોવાથી એમને બંગલો ખાલી કરતા વાર લાગી હતી.
હમણા ભાજપ નવા પ્રમુખની જાહેરાત નહીં કરે
જેપી નડ્ડાને બદલે ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક બાબતે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. પક્ષનું બંધારણ કહે છે કે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી ત્યારે જ થઈ શકે છે જ્યારે ૫૦ ટકા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંગઠનની ચૂંટણી પૂરી થઈ હોય. જાણવા મળેલી માહિતી પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી ભાજપનું ફોકસ શિફ્ટ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી જ ભાજપ હવે નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજશે. ૯મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. એ જ દિવસે સાંજે ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. એમ મનાય છે કે ઇન્ડિયા ગઠબંધન પોતાનો ઉમેદવાર ચૂંટણીમાં ઉભો રાખશે. જોકે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ જશે.
એસબીકે સિંહ દિલ્હીના નવા પોલીસ કમિશનર બનશે
સિનિયર આઇપીએસ ઓફિસર એસબીકે સિંહને દિલ્હી પોલીસ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. દેશના દરેક મોટા શહેરોમાંથી દિલ્હીના પોલીસ કમિશનરનું સ્ટેટસ અલગ ગણવામાં આવે છે. દિલ્હીના પોલીસ કમિશનરની નિમણૂક માટે વડાપ્રધાન અને ગૃહમંત્રીનો અભિપ્રાય છેવટનો ગણાય છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના હુકમ અનુસાર ૧૯૮૮ બેન્ચના એજીએમયુટી કેડરના અધિકારી એસબીકે સિંહ હવે દિલ્હીના પોલીસ કમિશનર રહેશે. સિંહે દિલ્હીના હોમગાર્ડસના ડીજી તરીકે પણ કામ કર્યું છે. દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય અરોરા તામિલનાડુ કેડરના હતા અને તેઓ હવે નિવૃત્ત થઈ ગયા છે. અરોરા રાકેશ અસ્થાનાની નિવૃત્તી પછી દિલ્હીના પોલીસ કમિશનર બન્યા હતા.
ચાર જિલ્લાઓના 7.6 લાખ મતદારોના નામ કપાયા
બિહારના સિમાંચલ વિસ્તારના ચાર જિલ્લા મહત્વપૂર્ણ ગણાય છે. અરરીયા, કિશનગંજ, પૂર્ણીયા અને કટીહાર જિલ્લાની મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામ દુર કરવામાં આવ્યા છે. આ બાબતે હવે રાજકીય ગરમીએ પણ જોર પકડયું છે. આ ચારે જિલ્લાઓ બાંગ્લાદેશ અને નેપાળની સરહદોને અડીને આવ્યા છે. અહીં મુસ્લિમ વસ્તી વધુ છે. ગેરકાદયદેસર ઘૂસણખોરી કરનારાઓ માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે. એક અહેવાલ પ્રમાણે અરરીયામાં ૧,૫૮,૦૭૨, કિશનગંજમાં ૧,૪૫,૬૬૮, પૂર્ણીયામાં ૨,૭૩,૯૨૦ અને કટીહારમાં ૧,૮૪,૨૫૪ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે. ચારે જિલ્લા મળીને કુલ ૭.૬ લાખ મતદારોના નામ યાદીમાંથી દુર કરવામાં આવ્યા છે. સિમાંચલની વિધાનસભાની ૨૪ બેઠકો પર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે રસાકસી રહેશે.
બિહારના કદાવર નેતા અમિત શાહને મળ્યા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. એમ મનાય છે કે શાહનવાઝ હુસૈન અને અમિત શાહની મુલાકાત બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે હતી. જાહેરમાં ભાજપ કહે છે કે વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી નિતિશકુમારના નેતૃત્વમાં એનડીએને જીત મળશે. જોકે રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે, નબળી તબિયતને કારણે નિતિશકુમાર ચૂંટણીમાં કેવો દેખાવ કરશે એના પર ભવિષ્યના મુખ્યમંત્રીની પસંદગીનો આધાર રહેશે. મુલાકાત પછી હુસૈનએ કહ્યું હતું કે, બિહારમાં અમિત શાહના આગમનની તૈયારી ચાલી રહી છે. ૮મી ઓગસ્ટએ પુનૌરા ધામમા અયોધ્યાની જેમ માતા સીતાના ભવ્ય મંદિરનો શીલાન્યાસ થશે. ઉપરછલ્લી રીતે નિતિશકુમાર પણ હસતુ મોઢુ રાખે છે, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતાઓની મુલાકાત પછી એમનું ટેન્શન વધે છે.
'મન કરે છે, થપ્પડ મારી દઉ'
તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ પત્રકારો વિશે આપેલા એક નિવેદનને કારણે વિવાદ થયો છે. રેડ્ડીએ કહ્યું હતું કે, મારૂ મન કરે છે કે હું પત્રકારોને થપ્પડ મારી દઉં. એમના આ નિવેદનની ખૂબ ટીકા થઈ છે અને પ્રેસ સંઘએ એમનો ખુલાસો પણ માંગ્યો છે. જોકે મુખ્યમંત્રી તરફથી હજી સુધી કોઈ ખુલાસો આવ્યો નથી. રેવંત રેડ્ડી તેલુગુ દૈનિક નવ તેલંગાણાની ૧૦મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગયા હતા. એ વખતે સંબોધન કરતા એમણે સિનિયર પત્રકારોની નિષ્ઠાના વખાણ કર્યા હતા અને યુવાન પત્રકારોને અભિમાની અને તોછડા કહ્યું હતું. એ જ વખતે એમણે વિવાદાસ્પદ નિવેદન પણ કર્યું હતું. રેડ્ડીએ કહ્યું હતું કે, 'સિનિયર પત્રકારો વિશ્લેષણ કરવા માટે પોતાની તબિયત અને કુટુંબને પણ દાવ પર લગાડી દે છે. લોકોની સમસ્યા સમજે છે અને વિવિધ સ્થળોએ ફરતા રહે છે. યુવાન પત્રકારોને કંઈ ખબર પડતી નથી.'


