નવીદિલ્હી : છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ લદ્દાખમાં વર્ચસ્વ જમાવવા માટે પ્રયત્ન કરે છે. ઘણી મહેનત પછી ભાજપે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં લદ્દાખની બેઠક જીતી હતી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જામયાંગ ત્સેરિંગ નામગ્યાલની જીત થઈ હતી. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે. પક્ષમાં આંતરીક નારાજગી છે. લદ્દાખની અસ્થિરતાને નજીકથી જોઇને સમજનાર ભાજપના નેતાઓ માને છે કે, લદ્દાખની સમસ્યા પ્રત્યે ભાજપે સંવેદનશીલતા બતાવી નથી. જે મતદારો ભાજપ પર વિશ્વાસ કરતા હતા તેઓ પણ હવે નારાજ છે. અવિભાજીત જમ્મુ - કાશ્મીર હંમેશા આરએસએસનો વૈચારીક પ્રોજેક્ટ રહ્યો છે. કોંગ્રેસને લેહથી દુર રાખવા માટે ભાજપ અને આરએસએસે લદ્દાખને કેન્દ્ર શાસીત પ્રદેશ જાહેર કર્યો હતો. સંઘએ લદ્દાખ બૌદ્ધસંઘને ટેકો પણ આપ્યો હતો. હવે લદ્દાખ બૌદ્ધસંઘ પણ ભાજપથી વિમુખ થઈ ગયું છે.
'એક દલિત બે દિવસ હેલિકોપ્ટરમાં ઉડયો એ પચ્યુ નહીં'
જનસુરાજ પાર્ટી (જેએસપી)ના નેતા પ્રશાંત કિશોર અને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના મંત્રી અશોક ચૌધરી વચ્ચે તૂ તૂ -મેં મેં ચાલુ થઈ ગઈ છે. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી પ્રશાંત કિશોર અશોક ચૌધરીને ટોણા મારી રહ્યા છે. હવે જવાબમાં અશોક ચૌધરીએ પ્રશાંત કિશોરનું નામ લીધા વગર ટીપ્પણી કરી છે કે, દલિત હેલિકોપ્ટરમાં બેસે એ બાબત આજે પણ કેટલાકને પસંદ આવતી નથી. એમણે કહ્યું હતું કે, એમણે બે દિવસ હેલિકોપ્ટરમાં પ્રવાસ કર્યો તો બધાની નજરમાં આવી ગયા. પ્રશાંત કિશોરએ અશોક ચૌધરી સામે સાંસદ પુત્રી શાંભવી ચૌધરી માટે લોકસભાની ટિકિટ ખરીદવાથી માંડીને ૨૦૦ થી ૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરવાનો અને કોન્ટ્રાક્ટોમાં ૫ ટકા કમિશન વસુલવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કોર્ટમાં કેસ કર્યો છે.
પહેલગામ હુમલા વખતે તમે વડાપ્રધાન હોતે તો શું કરતે?
ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇફતેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અને હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન એવૈસીએ ટીપ્પણી કરી હતી કે પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો મોકો હતો. જોકે કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે કાર્યવાહી અટકાવી દઈને રાષ્ટ્રની લાગણીને ઠેસ પહોચાડી છે. ઓવૈસીએ કહ્યું હતું કે, 'એક ભારતીય તરીકે હું કહેવા માંગુ છું કે, પહેલગામ હુમલા પછી પાકિસ્તાનને જવાબ આપવાનો સમય હતો. મને નવાઈ લાગે છે કે સરકારે પાકિસ્તાન સામેના હુમલા કેમ રોકી દીધા. પાકિસ્તાનને સબક શીખવવા આખા દેશમાં વાતાવરણ તૈયાર હતું, છતાં કંઈ કરવામાં આવ્યું નહીં. મને એમ નહીં પૂછો કે હુ જો વડાપ્રધાન હોત તો શું કરતે. હું વાસ્તવિક દુનિયામાં જીવું છું. મારું ધ્યેય વડાપ્રધાન બનવાનું નથી.'
લોજપા - આરના કયા સાંસદ વિધાનસભાની ચૂંટણી લડશે
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલા ચિરાગ પાસવાનના પક્ષ લોજપા - આરના કયા સાંસદ વિધાનસભાની ચૂંટણી લડશે એની ચર્ચા બિહારમાં થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ માંગણી કરી રહ્યા છે કે ચિરાગ પાસવાન વિધાનસભાની ચૂંટણી લડે. આ સ્પર્ધામાં જમોઇના સાંસદ અને ચિરાગ પાસવાનના બનેવી અરૂણ ભારતીનું નામ પણ છે. જોકે હજી સુધી કોઈ નામની જાહેરાત નથી થઈ. લોજપા - આરના બિહારમાં કોઈ ધારાસભ્ય નથી. પાર્ટીના પાંચ સાંસદ છે. હાજીપુરથી ચિરાગ પાસવાન, જમોઇથી અરૂણ ભારતી, ખગડિયાથી રાજેશ શર્મા, સમસ્તીપુરથી શાંભવી ચૌધરી અને વૈશાલીથી વિણાદેવી સાંસદ તરીકે છે. એમ મનાય છે કે, આ બધામાંથી કોઈ એક સાંસદને વિધાનસભાની ચૂંટણી લડાવવામાં આવશે.
લોરેન્સ બિશ્નોઇ ગેંગ પર સંકટ શરૂ
ભારત સરકારના 'ઓપરેશન લોરેન્સ બિશ્નોઇ'એ સલમાન ખાનના કુખ્યાત દુશ્મનની કમર તોડી નાંખી છે. લોરેન્સ બિશ્નોઇ હમણા અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે. બિશ્નોઇ ભલે જેલમાં હોય, પરંતુ કેનેડામાં એમની ગેંગ સક્રીય છે. હવે મોદી સરકારની માંગણીને કારણે કેનેડા સરકારે લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરી છે. આ નિર્ણયથી લોરેન્સ ગેંગની ઇન્ટરનેશનલ પકડ ઢીલી થઈ છે. કેનેડામાં સંતાયેલા લોરેન્સ ગેંગના ૮૮થી વધુ વોન્ટેડ ગુનેગારો હવે આતંકવાદી ગણાશે. થોડા દિવસોમાં એમનું પ્રત્યાર્પણ ભારતને કરવામાં આવે એવી શક્યતા છે. લોરેન્સ ગેંગની કેનેડામાં આવેલી તમામ મિલક્તો જપ્ત થશે. એને કારણે લોરેન્સ ગેંગની નાણાકીય તાકાત પણ ઓછી થશે. લોરેન્સ બિશ્નોઇ જેલમાં બેસીને કેનેડાની ગેંગ મારફતે ભારતમાં ખંડણીનું રેકેટ ચલાવે છે.
આરએસએસની માફક દુનિયાનું સૌથી જૂનુ સંગઠન કોણ
ભારતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સૌથી જૂનુ સંગઠન ગણાય છે. આરએસએસની સ્થાપના ૧૯૨૫માં ડો. કેશવ હેડગેવારે નાગપુરમાં કરી હતી. જોકે વૈશ્વિક દ્રષ્ટીથી જોઇએ તો આરએસએસ કરતા વધુ જૂના સંગઠનો પણ અસ્તિત્વમાં છે. ફ્રીમેસનરી દુનિયાનું સૌથી જૂનુ સામાજીક સંગઠન ગણાય છે. એના મૂળ ૧૪મી સદી સુધી પહોંચે છે. જ્યારે યુરોપમાં કામદારો અને શિલ્પકારોના સમૂહ એક સાથે થયા હતા ત્યારે ૧૭૧૭માં લંડન ખાતે એની સ્થાપના થઈ હતી. આજે પણ આ સંગઠન કાર્યરત છે. ધાર્મિક સંગઠનોની વાત કરીએ તો રોમન કેથોલિક ચર્ચ સૌથી જૂનું અને સૌથી મોટું સંગઠન છે. એની શરૂઆત પહેલી શતાબ્દીમાં થઈ હતી. વેટીકન શહેર એનું કેન્દ્ર છે. આજે પણ આ સંસ્થા સાથે કરોડો સભ્યો જોડાયેલા છે.
મહોમદ સાહેબ પર સપાના નેતાની ટીપ્પણીથી વિવાદ
સપા નેતા રાજકુમાર ભાટીએ એક ટીવી ચેનલ પરની ડિબેટમાં મહોમદ સાહેબ વિશે કરેલી ટીપ્પણીથી વિવાદ થયો છે. ભાટીએ હવે ખુલાસો કર્યો છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં એમણે લખ્યું છે કે, 'મહોમદ સાહેબ વિશે મેં કહેલી વાતોમાંથી એક નાનો હિસ્સો એડીટ કરીને કેટલાકે વાયરલ કર્યો છે. કેટલાક લોકોના મગજમાં એવી વાત છે કે, અમારો ધર્મ જ શ્રેષ્ઠ છે. જ્યારે બીજા ધર્મો ખરાબ છે. દેશ અને સમાજ માટે આ ખરાબ છે. સોશ્યલ મીડિયામાં મને ગાળ આપનારાઓમાંથી કેટલાક એવા છે કે જેમને હું જાણું છું. હવે આવા લોકો ઉઘાડા પડી ગયા છે. હું મહોમદ સાહેબને મહાન પુરુષ માનું છું.'


