Get The App

જંગલરાજની ઇમેજથી તેજસ્વીને દુર રાખવા લાલુના પ્રયત્નો

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
જંગલરાજની ઇમેજથી તેજસ્વીને દુર રાખવા લાલુના પ્રયત્નો 1 - image

નવીદિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં એનડીએના પક્ષોનો સૌથી મોટો મુદ્દો લાલુ પ્રસાદ યાદવની સરકાર વખતે બદનામ થયેલા જંગલરાજનો છે. જેલવાસ અને ખરાબ તબિયત પછી લાલુ પ્રસાદ યાદવ ચૂંટણી પ્રચારમાં ખાસ સક્રીય નથી. ઇન્ડિયા ગઠબંધને તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા છે. ઇન્ડિયા ગઠબંધનનો ચૂંટણી પ્રચાર તેજસ્વી યાદવની આસપાસ દેખાય છે. પક્ષના પોસ્ટરો અને બેનરોમાં લાલુ પ્રસાદ યાદવનું નામ કોઈ જગ્યાએ દેખાતું નથી. દરેક પોસ્ટરોમાં તેજસ્વી યાદવને બિહારનો હીરો બતાવવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવ હજી પણ આરજેડીના રાષ્ટ્રીય પ્રમુખ છે, પરંતુ ચૂંટણી કાર્યક્રમોમાં હાજર રહેતા નથી. પક્ષના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે લાલુએ આ રણનીતિ સમજી વિચારીને બનાવી છે. જો ઇન્ડિયા ગઠબંધન લાલુનો ચહેરો વધુ બતાવે તો જંગલરાજની યાદો પછી ફરે. લાલુએ પોતે જ ટીકાથી બચવા ચૂંટણીથી દુર રહેવાનું પસંદ કર્યું છે.

ગુના માટે વાસના નહીં પ્રેમ જવાબદાર સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે આર્ટીકલ ૧૪૨ હેઠળ મળેલી અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને એક વ્યક્તિની સજા રદ કરી છે. આ વ્યક્તિને પોક્સો એક્ટ હેઠળ સજા કરવામાં આવી હતી. પીડીતા સાથે ત્યાર પછી કરેલા લગ્ન અને કુટુંબજીવનને ધ્યાનમાં રાખીને ચુકાદો સભળાવવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટે અરજી કરનારને એની પત્ની અને બાળકોને કદી નહી છોડવા તેમજ જીવનભર ભરણપોષણ કરવાની શરત સમજાવી છે. જો તે એમા નિષ્ફળ જશે તો એણે ગંભીર પરિણામ ભોગવવા પડશે. જસ્ટીસ દીપાંકર દત્તા અને જસ્ટીસ ઓગસ્ટાઇન જ્યોર્જ મસીહની બેન્ચે અરજી કરનારને એક ગંભીર ગુના માટે દોષિત ઠેરવ્યો હતો. પરંતુ કેટલીક વિશિષ્ટ હકીકતો ધ્યાનમાં આવતા વ્યવહારીક ચૂકાદો આપ્યો હતો. પીડીતા પત્નીએ હવે એના બાળક સાથે શાંતિપૂર્વક જીવવા દેવાની વિનંતી કરી હતી.

જાતી આધારીત વસ્તી ગણતરીનું પરીક્ષણ શરૂ થયું

ભારતમા પહેલી વખત ડીજીટલ અને જાતી આધારીત વસ્તી ગણતરી કરવા માટેનું પરીક્ષણ શરૂ થયું છે. ગણતરી કરનાર એટલે કે એન્યુમરેટર પોતપોતાના ક્ષેત્રોમાં નાગરીકોના ઘરે જઈને ઓનલાઇન પોર્ટલ મારફતે માહિતી ભરવામાં એમને મદદ કરશે. આ અભ્યાસ સ્વગણના મોડેલની ઉપયોગીતા તપાસવા માટે કરવામાં આવશે. દેશની આ પહેલી ડીજીટલ વસ્તી ગણતરી હશે. સ્વતંત્ર ભારતમાં પહેલી વખત જાતી આધારીત ગણતરીનો સમાવેશ પણ કરવામાં આવશે. સ્વગણના પોર્ટલ અને મોબાઇલ એપને એકથી ૧૦ નવેમ્બર તેમજ ૧૦ થી ૩૦ નવેમ્બરની વચ્ચે મર્યાદીત ક્ષેત્રોમા ચકાસવામાં આવશે. દરેક ઘરદીઠ લગભગ ૩૦ પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં રહેનારની સંખ્યા, મકાનની બાંધણી, કુટુંબના મુખીયાનું નામ, રહેનાર વ્યક્તિઓની સંખ્યા, વિજળીની વ્યવસ્થા, શૌચાલયની સગવડથી માંડીને ટીવી, કોમ્પ્યુટર, વાહન વગેરેની જાણકારી પણ મેળવવામાં આવશે.

પત્રકારોના સવાલોથી સિદ્ધારમૈયા કેમ અકળાયા

કર્ણાટકના રાજકારણમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. શિવકુમારના ટેકેદારો સમયાંતરે શિવકુમાર મુખ્યમંત્રી બનવાની વાતો વહેતી મૂકે છે. ડી કે શિવકુમાર વિશે જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પૂછવામાં આવે છે ત્યારે એમની નારાજગી છૂપાવી શકતા નથી. એક જાહેર કાર્યક્રમ દરમિયાન એક પત્રકારે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાબતે સિદ્ધારમૈયાને પૂછયું ત્યારે એમણે ગુસ્સાનો સામનો કરવો પડયો હતો. સિદ્ધારમૈયાએ અકળાઈને જવાબ આપ્યો હતો કે ડી કે શિવકુમાર નવેમ્બર મહિનાથી મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળવાના છે એ વાતમાં તથ્ય નથી. કર્ણાટકમાં એવી વાત ચાલે છે કે, ૨૧મી નવેમ્બરે ડી કે શિવકુમાર મુખ્યમંત્રી તરીકે સોગંદ લેશે. પત્રકારે સિદ્ધારમૈયાને કહ્યું કે આવું એક છાપામાં છપાય છે ત્યારે સિદ્ધારમૈયાએ મોઢુ બગાડતા જવાબ આપ્યો હતો કે તેઓ તમામ અખબારો વાંચે છે પરંતુ કોઈ અખબારમાં આવા સમાચાર છપાયા નથી.

સ્વયં સેવકો પણ એસઆઇઆર માટે મદદ કરશે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરા થયા એ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં નક્કી થયું હતું કે, વિવિધ રાજ્યોમાં શરૂ થયેલા એસઆઇઆર અભિયાનમાં સંઘ પણ મદદ કરશે. રાષ્ટ્રહીત સાથે જોડાયેલા મુદ્દાઓ બાબતે સંઘના સ્વયં સેવકોએ ભાગ લેવો જોઈએ. એસઆઇઆર વખતે સંઘના કાર્યકરો સક્રિય રહેશે તો ઘૂષણખોરોની ઓળખ થઈ શકશે. ખાસ કરીને રોહગ્યા અને બાંગ્લાદેશી ઘૂષણખોરો બાબતે સંઘ ચિંતીત છે. બેઠકમાં સરસંઘચાલક ડો. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેની હાજરીમાં આ ચર્ચા થઈ હતી. બેઠકમાં સરકાર્યવાહએ ગુરુ તેગબાદુરના ૩૫૦માં શહીદ દિવસ અને ભગવાન બીરસા મુંડાની ૧૫૦મી જયંતી પર વ્યાખ્યાન આપ્યું હતું.

 કેજરીવાલના 'નવા શિશમહલ'નો વિવાદ

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ભાજપએ એક નવો શિશમહલ બનાવવાનો આક્ષેપ કર્યો છે. દિલ્હી ભાજપે ગુગલ અર્થ પરથી એક સેટેલાઇટ ફોટોગ્રાફ શેર કરીને આરોપ મૂક્યો છે કે, કેજરીવાલે હવે પંજાબમાં શિશમહલ તૈયાર કરાવ્યો છે. આપના રાજ્યસભા સાંસદ સ્વાતી માલીવાલે પણ આ આરોપને દોહરાવ્યો છે. જોકે આમ આદમી પાર્ટીએ આ આક્ષેપને ફગાવી દઈને એલોટમેન્ટ લેટર બતાવવાની ચેલેન્જ ફેંકી છે. દિલ્હી ભાજપએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, કેજરીવાલએ દિલ્હીનો શિશમહલ ખાલી કરીને પંજાબમાં નવો શિશમહલ બનાવ્યો છે. ચંદીગઢના સેક્ટર ૨માં મુખ્યમંત્રી ક્વોટામાંથી બે એકર જમીન પર સેવન સ્ટાર સરકારી બંગલો કેજરીવાલ માટે બનાવવામાં આવ્યો છે.

બગડેલી તબિયતને કારણે સંજય રાઉતએ લોકોને મળવાનું બંધ કર્યું

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતનું સ્વાસ્થય ઠીક નથી. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે લખ્યું છે કે એમની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરોની સલાહ છે કે એમણે કોઈને મળવું નહીં. સંજય રાઉત નરેન્દ્ર મોદીના મોટા ટીકાકાર છે. જોકે વડાપ્રધાનએ રાજકીય રીતે યોગ્ય રહેવા રાઉતને જલ્દી સારા થવાની શુભેચ્છા પાઠવી છે. રાઉતે લખ્યું છે કે, ૨૦૨૬ સુધીમાં એમની તબિયત ઠીક થાય એવું લાગે છે. એમણે લખ્યું હતું કે, 'તમે બધાએ મને પ્યાર આપ્યો છે અને મારા પર ભરોસો મુક્યો છે. જોકે મારી તબિયત ગંભીર છે અને મારી સારવાર ચાલી રહી છે. મને બહાર નહી નીકળવાની અને જાહેર જગ્યાઓ ઉપર નહી જવાની સલાહ આપવામાં આવી છે.'