Get The App

તામીલનાડુમાં કોંગ્રેસ - ડીએમકે વચ્ચે ગઠબંધન માટે ચર્ચા શરૂ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
તામીલનાડુમાં કોંગ્રેસ - ડીએમકે વચ્ચે ગઠબંધન માટે ચર્ચા શરૂ 1 - image

નવીદિલ્હી: તામીલનાડુમાં આવી રહેલી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને ડીએમકેએ તૈયારી શરૂ કરી દીધી છે. બંને પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી બાબતે ચર્ચા થઈ રહી છે. બેઠકોની વહેંચણી બાબતે કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે કેટલાક ભેદભાવ છે. સીટ શેરીંગ ફોર્મ્યુલા બાબતે ફરીથી વાતચીત શરૂ થશે. ગઠબંધનના ભવિષ્ય બાબતે કેટલાક દિવસોથી થઈ રહેલી અટકળો બાબતે હવે ડીએમકે - કોંગ્રેસ બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરશે. પહેલી બેઠક ચેન્નઇમાં ડીએમકેની ઓફિસ અન્ના અરીવાલયમમાં થશે. છેલ્લી વિધાનસભાની ચૂંટણી કરતા કોંગ્રેસ વધુ બેઠકો માંગે છે. ડીએમકે આ બાબતે તૈયાર નથી. છેલ્લી ચૂંટણીમાં ડીએમકેએ ૧૪૩ બેઠકો પર ચૂંટણી લડી હતી જેમાંથી ૧૩૩ બેઠકો પર એને જીત મળી હતી. કોંગ્રેસનું કહેવું છે કે હવે ડીએમકે જે ૪૦ બેઠકો પર હારી ગઈ હતી એમાંથી ૧૫ બેઠકો કોંગ્રેસને આપવી જોઈએ. જોકે હમણા તો ડીએમકે કોંગ્રેસની આ માંગણી સ્વિકારવા તૈયાર નથી.

મોદીના ઇઝરાયેલ પ્રવાસથી કોંગ્રેસ નારાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ઇઝરાયલ પ્રવાસથી કોંગ્રેસની નારાજગી ઘટતી નથી. પક્ષના કહેવા પ્રમાણે વડાપ્રધાનનો આ પ્રવાસ શરમજનક છે અને ખોટા સમયે કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે આ પ્રવાસ ભારતની ઇમેજ ખરાબ કરે છે અને તટસ્થ રહેવાની નીતિ પ્રત્યે શંકા ઉભી કરે છે. કોંગ્રેસના વિદેશ બાબતોના પ્રમુખ સલમાન ખુર્શીદે એક નિવેદન આપ્યું છે. ખુર્શીદે કહ્યું છે કે, ૨૫ અને ૨૬ ફેબુ્રઆરીએ પશ્ચિમ એશિયામા તણાવ વધી રહ્યો હતો અને સંઘર્ષની શરૂઆત પણ થઈ ગઈ હતી. આવા સમયે વડાપ્રધાનનો ઇઝરાયલ પ્રવાસ ચિંતાજનક છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે, ઇઝરાયેલ કરેલા શરૂઆતી હુમલા પછી એમનો દેશે પણ ઇરાનમાં સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. મોદીના પ્રવાસને કારણે એવી ઇમેજ પ્રસ્થાપિત થાય છે કે આપણો દેશ વગર ઉશ્કેરાટે આક્રમણની કાર્યવાહીને ટેકો આપી રહ્યો છે.

મુંબઈ - પૂણે એક્સપ્રેસવેની ઘટના પછી સરકાર જાગી

થોડા સમય પહેલા મુંબઈ - પૂણે એક્સપ્રેસવે પર એક ટેન્કરને અકસ્માત થતા ૩૬ કલાક સુધી ટ્રાફીક જામ રહ્યો હતો. રસ્તામાંથી ટેન્કરને હટાવવા માટેનું કોઈ આયોજન હતું નહીં. ટ્રાફીક જામમાં ફસાયેલા વાહનો માટે વૈકલ્પિક રસ્તાનું આયોજન પણ નહોતું. પ્રવાસીઓએ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. હવે સરકાર ઉંઘમાંથી જાગી છે. સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (ઓસઓપી) તૈયાર કરવાની શરૂઆત કરી છે. ઇમર્જન્સી વખતે તંત્ર મજબૂત કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. હાઇવે પરથી હેઝર્ડસ મટીરીયલ રીસપોન્સ યુનિટની સ્થાપના કરવામાં આવશે. ફાયર ફાઇટીંગ સીસ્ટમનને મજબૂત કરવામાં આવશે. ખાસ કરીને ટનલ વિસ્તારોમાં ફોમ, પાણી અને અન્ય ફાયર ફાઇટીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ઓડિશાની ચોથી રાજ્યસભા બેઠક કોણ જીતશે

આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઓડિશામાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસે ચોથી બેઠક માટે સંભવીત હોર્સ ટ્રેડીંગ એટલે કે ધારાસભ્યોની લે-વેચની શંકા જાહેર કરી છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે આ બેઠક ન તો ભાજપ કે ન તો વિપક્ષ બીજેડીને મળી શકે એટલી સંખ્યા છે. રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ભાજપની બે બેઠકો પર અને બીજેડીની ૧ બેઠક પર જીત નક્કી છે જોકે ચોથી બેઠક જીતવા માટે તમામ રાજકીય પક્ષો આયોજન કરી રહ્યા છે. ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમીટીના પ્રમુખ ભકતા ચરણદાસએ કહ્યું છે કે, 'રાજકારણમાં હોર્સ ટ્રેડીંગ રોકવું જરૂરી છે. રાજ્ય સભાની ચૂંટણીમાં કોઈ પ્રકારની લે-વેચ થવી જોઈએ નહીં.' રાજ્યમાં ભાજપ સત્તા પર હોવાથી એવો દાવો કરે છે કે ચોથી બેઠક પણ એજ જીતશે.

'અટપટા નિયમો સેન્સરશીપ કરતા વધુ ઘાતક'

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બીવી નાગરત્નાએ મીડિયાની સ્વતંત્રતા માટે એક અતિ અગત્યની વાત કરી છે. એમણે કહ્યું છે કે મીડિયા કોઈપણ રીતે ડર, દબાવ કે પ્રભાવમાં રહીને પોતાની જવાબદારી નીભાવી શકે નહીં. એમના કહેવા પ્રમાણે પ્રેસની સ્વતંત્રતા માટે સૌથી વધુ જોખમ સીધી સેન્સરશીપ નહીં, પરંતુ નિયમો અને લાયસેસીંગ સીસ્ટમ તેમજ આર્થિક નીતિઓ છે. પ્રેસને કાબુમાં રાખવાના પ્રયાસો પાછળ ફક્ત આર્થિક જ નહીં, પરંતુ રાજકીય કારણો પણ હોઈ શકે છે. કોઈપણ મીડિયા સરકારની ટીકા કરવા માટે સ્વતંત્ર હોવું જોઈએ. જોકે આર્થિક દબાણ એવું વાતાવરણ ઉભુ કરે છે કે ટીકા કરવી મુશ્કેલ થઈ જાય છે. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા માટે બંધારણ ખૂબ અગત્યનું છે.

ચૂંટણી પહેલા મમતાએ મહિલા મતદારોને આકર્ષવા પ્લાન બનાવ્યો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએઆગામી ચૂંટણી પહેલા મહિલાઓની સુરક્ષા મજબૂત કરવાપર ભાર મૂક્યો છે. એમણે બે અગત્યની જાહેરાતો કરી છે. મુખ્યમંત્રીએ સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મુકીને જણાવ્યું છે કે શહેરના મુખ્ય સ્થળોએ ઓલ વુમન પિંક બુથ સ્થાપિત કરવામાં આવશે. આ બુથ સાંજથી લઈને અરધી રાત સુધી ચાલુ રહેશે. આ બુથો પર હાજર મહિલા પોલીસ કર્મચારી મહિલાઓને સહાય કરવા અને એમની ફરિયાદ નિપટાવવા માટે તરત કાર્યવાહી કરશે. આ પિંક બુથો દ્વારા શહેરની મહિલાઓ જરૂર પડે ત્યારે સીધા મહિલા અધિકારીઓનો સંપર્ક કરી શકશે. આ સિવાય મુખ્યમંત્રીએ 'સાઇનીંગ' નામથી ઓલ વુમન મોબાઇલ પેટ્રોલિંગ ટીમો બનાવવાની જાહેરાત કરી છે. આ ટીમ રાત્રે ૮ વાગ્યાથી સવારે બે વાગ્યા સુધી શહેરના મુખ્ય રસ્તાઓ પર ફરતી રહેશે. કામ કરતી મહિલાઓ આ ટીમનો ઉપયોગ રાત્રે કરી શકશે.