નવીદિલ્હી : મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર નેતાઓએ દિલ્હી જઈને પક્ષના હાઇકમાન્ડ સાથે મીટીંગ કરી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાલના કહેવા પ્રમાણે પક્ષના સંગઠનની મજબૂતી માટે અને આગળની રણનીતી બાબતે ચર્ચા થઈ હતી. આગામી ત્રણ મહિનામાં શું કરવું એનું આયોજન પણ આ મીટીંગમાં થયું હતું. સપકાલે કહ્યું હતું કે, 'ગઠબંધન બાબતે અમે પહેલા નિર્ણય કરી ચૂક્યા છીએ કે રાજ્યનું સંગઠન બધુ નક્કી કરશે. મહારાષ્ટ્રના તમામ જિલ્લાના કાર્યકરો અને નેતાઓ સાથે અમે વાત કરીશું.' રાજ ઠાકરે વિશે એમણે કહ્યું હતું કે 'અમે ભારતના બંધારણમાં માનીએ છીએ. આર્ટીકલ ૮માં જે ૨૨ ભાષાઓનો ઉલ્લેખ છે એ તમામ ભાષાઓને અમે માન આપીએ છીએ. અમે બધાને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ. રાજ ઠાકરે અને કોંગ્રેસ વચ્ચે કોઈ સંબંધ નથી. અમે અમારી વિચારધારા પ્રમાણે ચાલીએ છીએ.'
સમાજવાદી પક્ષમાં આઝમ ખાન બાબતે તિરાડ
સીતાપુર જેલમાં કેદ સપા નેતા આઝમ ખાનને મળ્યા પછી એમના પત્ની તાજીન ફાતિમાએ આપેલા નિવેદન પછી સમાજવાદી પાર્ટી બે ભાગમાં વહેચાઈ ગઈ છે. મુરાદાબાદમાં સપા સાંસદ રુચિ વીરા અને ભૂતપૂર્વ સાંસદ ડો. એસ. ટી. હસન સામ સામે થઈ ગયા છે. પૂર્વ સાંસદના નિવેદન બાબતે રુચિ વીરાએ સવાલ કર્યો હતો કે તેઓ એહસાન ફરામોશ જેવો શબ્દ કઈ રીતે વાપરી શકે. ડો. એસ. ટી. હસનએ કહ્યું હતું કે એમના નિવેદનને રાજકીય કારણસર તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. બીજી તરફ આઝમના કુટુંબીઓ અને આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ) વચ્ચે સંબંધો ગાઢ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ સંબંધને દલીત - મુસ્લિમ સંગઠન તરીકે જોવામાં આવે છે.
પ્રેમિકા અનુષ્કા પર પહેલી વખત તેજપ્રતાપ યાદવનું નિવેદન
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને એની પ્રેમિકાને કારણે લાલુએ કુટુંબ અને પક્ષમાંથી કાઢી મૂક્યા છે. બિહારના રાજકારણમાં આજકાલ તેજસ્વી યાદવ કરતા તેજપ્રતાપ યાદવની ચર્ચા વધુ થઈ રહી છે. તેજપ્રતાપ યાદવએ અનુષ્કા યાદવ સાથેના ફોટોગ્રાફ વાયરલ કર્યા છે.
તેજપ્રતાપ યાદવએ હવે પહેલી વખત અનુષ્કા યાદવ સાથેના સંબંધો પર નિવેદન આપ્યું છે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેજપ્રતાપે કહ્યું છે કે, પ્રેમ બધા કરે છે. પ્યાર કીયા તો કીયા મે કોઈ ભૂલ કરી નથી. કુટુંબ અને પક્ષમાંથી મને ભલે કાઢયો હોય, પરંતુ પ્રજાના દિલમાંથી મને કોઈ કાઢી શકે નહીં. મે અનુષ્કાની તસવીરો સોશ્યલ મીડિયા પર મુકીને કોઈ ભૂલ કરી નથી.
વિધાનસભાની ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનને મોટો ફટકો
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે એનડીએ ગઠબંધન તેમજ ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ચૂંટણીનું વાતાવરણ જામતા કેટલાક નેતાઓ પક્ષ બદલી રહ્યા છે. કેટલાક પક્ષો બીજા પક્ષના નેતાઓને તોડીને પોતાની તરફ કરી રહ્યા છે. લોજપાના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ ચૂંટણીમાં સક્રીય છે. લોજપાના ભૂતપૂર્વ મહામંત્રી અને બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અચ્યુતાનંદ અને મહામંત્રી નવલ કિશોરથી તેમજ અમરેન્દ્રકુમાર ચૌધરી પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસએ આ પક્ષ પલટાને ખૂબ પ્રસિદ્ધી આપી છે અને બીજી તરફ ચિરાગ પાસવાનના સાથીદારો ચોંકી ઉઠયા છે. ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ પક્ષના અગત્યના નેતાઓએ કોંગ્રેસ તરફ મૂકેલી દોડને કારણે ચિરાગ પાસવાન ઝંખવાઈ ગયા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી પર અખિલેશ યાદવનો મોટો આક્ષેપ
ઉત્તર પ્રદેશના ઇટાવામાં બે યાદવ કથા વાચકોનું અપમાન કરીને એમને પીડિત કર્યા પછી વિવિધ રાજકીય પક્ષોએ આક્ષેપબાજી શરૂ કરી છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ પણ પાછળ રહ્યા નથી. અખિલેશ યાદવએ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર આક્ષેપો કર્યા છે. કથા વાચક ધીરેન્દ્ર શાસ્ત્રી અંદર ટેબલ પૈસા લેતા હોવાનો આક્ષેપ અખિલેશે કર્યો છે. ઇટાવાની ઘટનાનો ઉલ્લેખ કરતા અખિલેશએ કહ્યું છે કે, 'કેટલાક કથા વાચકો કથા કરવાના ૫૦ લાખ રૂપિયા લે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને કથા કરવા માટે પોતાના ઘરે બોલાવવાની હેશિયત કોઈની નથી. કથા વાચવાની એમની કીંમત કેટલી હશે એ કોઈ કહી શકે એમ નથી. તેઓ અંદર ટેબલ પૈસા લેતા નથી એવું જાહેર કરીને બતાવે. કથા તો દરેક સમાજના લોકો કરી શકે છે.'
જમ્મુ-કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાની મુશ્કેલી વધી શકે છે
જમ્મુ-કાશ્મીરમાં એક નવું ગઠબંધન બન્યું છે. આ ગઠબંધન ભવિષ્યમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને એમના પક્ષ નેશનલ કોન્ફરન્સ માટે જોખમી બની શકે છે. સજ્જાદ લોન પીપલ્સ કોન્ફરન્સ, હકીમ હુસૈની પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ અને ૨૦૨૪માં વિધાનસભાની ચૂંટણી લડનાર જમાત-એ-ઇસ્લામીએ મળીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગઠબંધન કરવા માટે હાથ મેળવ્યા છે. આ ગઠબંધનને પીપલ્સ એલાયન્સ ફોર ચેન્જ (પીએસી) નામ આપવામાં આવ્યું છે. સજ્જાદ લોનએ આ જાહેરાત કરી ત્યારે એમની સાથે યાસીન અને જસ્ટીસ એન્ડ ડેવલોપમેન્ટ ફ્રન્ટ (જેડીએફ)ના સ્થાપક શમીમ અહેમદ શોકર પણ હતા. જેડીએફ રાજકીય પક્ષએ જેને જમાત-એ-ઇસ્લામી જોકે બનાવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં એમણે ઉમેદવારો પણ ઉભા રાખ્યા હતા.
ભાજપના રાજા સિંઘએ રાજીનામુ આપ્યું
હૈદરાબાદના ત્રણ વખતથી વિધાયક રહેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ટાઈગર રાજા સિંઘ લોધએ ભાજપમાંથી રાજીનામુ આપતા પડદા પાછળથી રમત રમતા નેતાઓ પર અંગત હિતો ધરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના દાવા મુજબ ભાજપ હાઈકમાન્ડે પાર્ટી પ્રમુખ પદ માટે તેમના નામાંકનને મંજૂરી આપી હતી, પણ પછી તેમને સસ્પેન્શનની ધમકી આપીને નામાંકન પાછુ ખેંચવાની ફરજ પાડવામાં આવી હતી.
રાજા સિંઘે જણાવ્યું કે ૨૦૧૪થી તે અને તેમનો પરિવાર આતંકીઓનું લક્ષ્યાંક રહ્યો હોવા છતાં તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે. પણ તેલંગણામાં ભાજપને સત્તા પર આવતો રોકવા તેના જ નેતાઓ હવે પ્રભાવશાળી બન્યા છે. સિંઘે ખાસ કરીને પાર્ટીના નેતા કિશન રેડ્ડી સાથે તેમના વિખવાદની ફરિયાદ કરી.
- ઈન્દર સાહની


