નવીદિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને હજુ કેટલાક મહિનાની વાર છે, પરંતુ ભાજપે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. વિવિધ રાજ્યોની ચૂંટણીનું પ્લાનીંગ કરનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળની કમાન પણ સંભાળી રહ્યા છે. ૨૦૨૧માં બીજી મેએ બંગાળ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. આ વખતે પણ એપ્રિલ મહિનામાં મતદાન થઈ શકે છે. અમિત શાહે કોલકત્તામાં તમામ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ મીટીંગ કોલકત્તાની સોલ્ટ લેક હોટલમાં થઈ હતી. મીટીંગમાં વિરોધપક્ષના નેતા સુભેન્દ્ર અધિકારી અને પ્રદેશ પ્રમુખ સમીક ભટ્ટાચાર્ય હાજર રહ્યા હતા. મીટીંગમાં દિલીપ ઘોષની હાજરીથી ઘણાને નવાઈ લાગી હતી. અમિત શાહ એમને ખાસ મળ્યા હતા અને કેટલાક મુદ્દાઓ પર વાતચીત પણ કરી હતી. થતી ચર્ચા પ્રમાણે દિલીપ ઘોષ થોડા સમય પહેલા ભાજપ છોડવાની તૈયારીમાં હતા.
સુપ્રીમના હુકમ માટે એક-બે દિવસ રોકાત તો આકાશ નહીં તૂટી પડતે'
અલ્હાબાદ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટની એક કાર્યપદ્ધતિ વિશે સખત નારાજગી બતાવી છે. મેરઠ સાથે જોડાયેલી એક ફોજદારી પુનઃવિચાર અરજી પર સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, જ્યારે એડિશનલ સેસન્સ જજને ખબર હતી કે સંબંધીત કેસમાં સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપી દીધો છે તો ટ્રાયલ કોર્ટે લેખીત ચુકાદાની રાહ જોવી જોઈતી હતી. જો મામલો એક-બે દિવસ ટાળી દેવામાં આવતે તો કોઈ આકાશ તૂટી નહીં પડતે. જસ્ટીસ ક્ષીતીજ શૈલેન્દ્રની સિંગલ બેન્ચે હામીદ, અક્રમ અને દાનીશની ક્રિમિશનલ રીવીઝન અરજીનો સ્વિકાર કરીને મેરઠ સેશન કોર્ટે બહાર પાડેલા સમન્સને રદ કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે સીઆરપીસીની કલમ ૩૧૯ હેઠળ શક્તિનો ઉપયોગ ખૂબ સાવધાની સાથે કરવો જોઈએ. આ કિસ્સામાં ટ્રાયલ કોર્ટે વધુ પડતી ઉતાવળ બતાવી હતી.
ઝાંસીના ડેપ્યુટી કમિશનર સીબીઆઇના ટ્રેપમાં કઈ રીતે ફસાયા
દેશના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વારંવાર લાંચના કેસમાં પકડાતા રહે છે. એમનો પગાર તોતીંગ હોવા છતાં ઉપરની કમાણી કરી લેવાની લાલચ જતી નથી. સીબીઆઇ લખનૌની એન્ટી કરપ્શન બ્રાન્ચની ટીમે સીજીએસટી ઝાંસીમાં કરોડો રૂપિયાની કરચોરી બાબતે ભીનુ સંકેલવા માટે દોઢ કરોડ રૂપિયાની ડીલીગ કરી હતી. આ ડીલીગ લગભગ ૮ દિવસ ચાલી હતી. જોકે ફરિયાદી ડેપ્યુટી કમિશનર પ્રભા ભંડારીને પૈસા આપવા માંગતા નહોતા. એમણે અધિકારીને ફસાવવા માટે જાળ પાથરી હતી. સીબીઆઇએ પણ મોકો જોઈને આઠ દિવસ પછી પ્રભા ભંડારી સહીત એમના સહ કર્મચારીને પકડી લીધા છે. આ કાર્યવાહીને કારણે સમગ્ર ઉત્તર પ્રદેશમાં એની ચર્ચા થઈ રહી છે. સીબીઆઇના કહેવા પ્રમાણે એમણે પહેલેથી ઇનપુટ મેળવી લીધા હતા પરંતુ બીજા અધિકારીઓ અને કર્મચારીની મદદ લીધી નહોતી.
ઉલટી ગંગા, બે ટચૂકડા દેશોનો અમેરિકન નાગરીકો પર પ્રતિબંધ
સામાન્ય રીતે અમેરિકા વિવિધ દેશોના નાગરીકો પર પ્રતિબંધ મૂકે છે. હવે પશ્ચિમ આફ્રિકાના દેશોએ પણ અમેરિકાને બતાવી દેવા માટે એમના નાગરીકો સામે પ્રતિબંધ મૂક્યો છે. પશ્ચિમ આફ્રિકાના બે દેશોએ અમેરિકાના નાગરીકો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. મતલબ કે આ દેશોમાં અમેરિકન નાગરીક પ્રવાસ નહીં કરી શકે કારણ કે એમને વિઝા આપવામાં નહીં આવે. માલી અને બુર્કીના ફાસોએ કહ્યું છે કે તેઓ અમેરિકાના નાગરીકોને એમના દેશમાં ઘૂસવા નહીં દે. ટ્રમ્પ સરકારને આ વળતો જવાબ છે. થોડા દિવસો પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ બે દેશ સિવાય બીજા પાંચ દેશોના નાગરીકોને અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. અમેરિકા જેમને પોતાના દેશ માટે ખતરો સમજે છે એવા દેશોને બ્લેકલિસ્ટ કરે છે.
રોબર્ટથી મીરાયા સુધી, વાડ્રા ફેમીલીનું એજ્યુકેશન કેટલું છે
પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાથી માંડીને એમની દિકરી મિરાયા વાડ્રાના ભણતર વિશે વારંવાર ચર્ચા થતી રહે છે. પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાના વિવાહના સમાચાર બહાર આવ્યા પછી ફરીથી વાડ્રા પરિવાર ચર્ચામાં છે. રોબર્ટ વાડ્રાએ પોતાનું શરૂઆતનું શિક્ષણ નવી દિલ્હીના ધ બ્રિટીશ સ્કૂલમાંથી લીધું હતું. એમણે જોકે ડીગ્રી મેળવી નહોતી અને નાની ઉંમરે જ કુટુંબના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. એમનું કુટુંબ બ્રોન્ઝનો સામાન અને આર્ટીફિશયલ જ્વેલરીનો ધંધો કરતો હતો. પ્રિયંકા ગાંધીએ સ્કૂલના શિક્ષણની શરૂઆત દહેરાદુનની પ્રતિષ્ઠિત વેલ્હમ ગર્લ્સ સ્કુલથી કરી હતી. ત્યાર પછી સુરક્ષાને કારણે એમણે દિલ્હી ટ્રાન્સફર લીધી હતી. પ્રિયંકાએ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી કોલેજમાંથી સાયકોલોજીની ડીગ્રી મેળવી છે.
બુદ્ધીસ્ટ સ્ટડી પર એમણે માસ્ટર ડીગ્રી પણ મેળવી છે. રેહાન વાડ્રા શરૂઆતમાં દહેરાદુનની સ્કૂલમાં ભણ્યા હતા ત્યાર પછી તેમણે લંડનની યુનિવર્સિટીમાં પોલીટીકલ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. મીરાયા સ્કૂબા ડાયવીંગનો કોર્સ કરી રહ્યા છે.
નિતિશ કરતા એમના બંને ઉપમુખ્યમંત્રીઓ પાસે વધુ પૈસા
બિહાર સરકારના કેબિનેટ સચીવાલય વિભાગે મુખ્યમંત્રી નિતિશકુમાર અને એમની સરકારના મંત્રીઓની મિલકતો સાર્વજનીક કરી છે. મુખ્યમંત્રી નિતિશકુમાર પાસે ફક્ત ૨૦,૫૫૨ રૂપિયા રોકડ છે. મુખ્યમંત્રીના કુલ ત્રણ બેન્ક ખાતાઓમાં પણ મામુલી રકમ છે.
નિતિશકુમારની કુલ મિલકતો ૧૭,૬૬,૧૯૬ રૂપિયા છે. એમની પાસે બિહાર કો-ઓપ. હાઉસિંગ સોસાયટીમાં એક ફલેટ છે. એમના દિલ્હી સ્થિત ફલેટની બજાર કિંમત ૧ કરોડ ૪૭ લાખ રૂપિયા મનાય છે. અહેવાલ પ્રમાણે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પાસે ૧,૩૫,૦૦૦ રૂપિયા રોકડા છે. એમના અલગ અલગ બેન્ક ખાતાઓમાં લાખો રૂપિયા જમા છે. ડેપ્યુટી સીએમના પત્ની, પુત્ર અને પુત્રીના નામે પણ અલગ અલગ બેન્કમાં મોટી રકમ છે. સમ્રાટ ચૌધરી પાસે બોલેરો ન્યુ કાર તેમજ ૨૦૦ ગ્રામ સોનું છે. બીજા ડેપ્યુટી સીએમ વિજયકુમાર સિંહા પાસે ૮૮,૫૬૦ રૂપિયા રોકડા છે અને બીજા ખાતાઓમાં ૫૫ લાખ રૂપિયા જમા છે. એમની પાસે કેટલીક મોટી કંપનીઓના શેર પણ છે.
નવા વર્ષે પાકિસ્તાને શુભેચ્છાને બદલે ધમકી મોકલી
નવા વર્ષની શરૂઆતમાં જ પાકિસ્તાને એની ઔકાત બતાવી દીધી છે. પાકિસ્તાનના સેનાપ્રમુખ જનરલ આસીમ મુનીરએ ભારતનું નામ આપ્યા વગર ચેતવણી આપીને કહ્યું છે કે, પાકિસ્તાનની અખંડતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભંગ કરવામાં આવશે તો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન દેવામાં ડુબી ગયું છે. પાકિસ્તાનમાં વારંવાર હુલ્લડો થતા રહે છે ત્યારે આ પ્રકારના નિવેદનોને કારણે પાકિસ્તાનની ટીકા થાય છે. પાકિસ્તાન એમ માને છે કે બલુચીસ્તાનના બળવાખોરોને ભારત ઉત્તેજન આપે છે. બલુચીસ્તાન પર યોજાયેલા એક રાષ્ટ્રીય કાર્યક્રમમાં મુનીરે ઉપરનું નિવેદન આપ્યું હતું. મુનીર જાણે છે કે ભારતે કદી પાકિસ્તાનના પ્રદેશો પચાવી પાડવાની કોશિષ કરી નથી. જોકે પાકિસ્તાનના નેતાઓ ભારત વિરુદ્ધ નિવેદન કરે તો જ એમની લોકપ્રિયતા ત્યાં ટકી રહે છે.


