નવીદિલ્હી : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ અને ચૂંટણી નજીક આવી રહી હોય તમામ પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. આ ચૂંટણી માટે એવા ગઠબંધન બન્યા છે કે, તમામ રાજકીય સમીકરણો બાજુ પર મૂકાયા છે. ૨૦૨૨ના વર્ષમાં શિવસેનાના બે ભાગ થઈ ગયા હતા. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે બહુમતિ ધારાસભ્યોને લઈને અલગ થઈ એનડીએ સાથે બેસી ગયા હતા. એ વખતે શિંદે જૂથનો આક્ષેપ હતો કે, ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને શિવસેનાની વિચારધારા સાથે સમાધાન કર્યું છે. આ વિચારધારા બાલાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી બેઠકો પર ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ બંને સાથે થઈ ગયા છે. પક્ષના સિનિયર નેતાઓના કહેવા પ્રમાણે આ સમજૂતી ફક્ત સ્થાનિક સ્તરે છે અને એને રાજકીય સમીકરણ સાથે કોઈ લેવા દેવા નથી.
હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશે આપણી કોર્ટમાં અપીલ કરવી પડે
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસિનાને ફાંસીની સજા જાહેર થયા પછી ત્યાની વચગાળાની સરકાર ભારત પાસે શેખ હસિનાનું પ્રત્યાર્પણ માંગી રહી છે. અત્યાર સુધી બાંગ્લાદેશ સરકારે આ બાબતે ભારત સરકારને બે પત્રો પણ લખ્યા છે. ગયા અઠવાડિયે ભારતએ પણ બાંગ્લાદેશને આશ્વાસન આપ્યું હતું કે તે વિનંતીનો અભ્યાસ કરી રહી છે. એક જમાનામાં બાંગ્લાદેશના એમ્બેસેડર રહેલા પીનાક રંજન ચક્રવર્તિ આ જવાબનું પોતાની રીતે વિશ્લેષણ કરે છે. એમના કહેવા પ્રમાણે દ્વિપક્ષીય સમજૂતી બાબતે બાંગ્લાદેશ સરકારે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બાંગ્લાદેશ આપણી કોર્ટમાં અપીલ કરે, પુરાવા આપે, કેસ જીતે... પછી શેખ હસિનાને પરત મોકલવાની વાત થઈ શકે. શેખ હસિનાના પ્રત્યાર્પણ પહેલા આંતરરાષ્ટ્રીય કાયદાનો અભ્યાસ પણ કરવો જરૂરી બની રહેશે.
ભાજપમાં જોડાતા જ આપના નેતા રડી પડયા
દિલ્હી નગર નિગમ (એમસીડી)ની પેટા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ફટકો પડયો છે. પક્ષના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય રાજેશ ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે. બે વખત આપના ધારાસભ્ય રહી ચૂકેલા ગુપ્તા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને પક્ષની કર્ણાટક શાખાના પ્રભારી પણ હતા. રાજેશ ગુપ્તાએ આરોપ મૂક્યો છે કે, આપ અને અરવિંદ કેજરીવાલના પતનનું સૌથી મોટુ કારણ કાર્યકર્તાઓનો ઉપયોગ કરીને પડતા મૂકવાનો વ્યવહાર હતું. પોતાની પણ આપમાં કઈ રીતે અવગણના થઈ હતી અને અરવિંદ કેજરીવાલનો વ્યવહાર કઈ રીતે અપમાનીત હતો એ જણાવતા તેઓ રડી પડયા હતા. એ વખતે એમણે અરવિંદ કેજરીવાલને સલાહ પણ આપી દીધી હતી. જ્યારે આપની સ્થાપના થઈ ત્યારે ઘણા લોકોએ ખુશીથી અરવિંદ કેજરીવાલને સાથ આપ્યો હતો. જોકે એમણે બધાને દગો આપ્યો હતો, જેને કારણે એક પછી એક બધા સાથીઓ એમને છોડી ગયા હતા. આજે મારો નંબર આવ્યો છે. કેજરીવાલ જો પોતાનો સ્વભાવ નહીં બદલે તો રાષ્ટ્રીયસ્તરે પણ આમ આદમી પાર્ટીનું ધોવાણ નક્કી છે.
બિહારમાં સ્વતંત્ર ઓળખ માટે કોંગ્રેસની ઇચ્છા
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હાર પછી પટણા ખાતે કોંગ્રેસના નેતાઓની સતત બેઠક મળી રહી છે. બેઠકમાં જિલ્લા અધ્યક્ષો, કાર્યકારી અધ્યક્ષો, તેમજ વિવિધ સંગઠનોના પ્રમુખો સહિત બીજા નેતાઓને પણ બોલાવવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ મળેલી હાર પછી પક્ષે સંગઠનમાં નવેસરથી ફેરફાર કરવા જોઈએ. જિલ્લા સ્તરેથી મળતી માહિતી પ્રમાણે બુથ લેવલએ કોંગ્રેસની નબળાઈઓ ઘણી છે. પક્ષની નબળાઈ સુધારવા શું કરવું એની ચર્ચા પણ બંધબારણે થવી જોઈએ. જૂની ભૂલ સુધારવી પડશે. ૧૪મી ડિસેમ્બરે દિલ્હીમાં વોટ ચોરી સામે રાષ્ટ્રીય રેલીની તૈયારી બાબતે પણ ચર્ચા થઈ રહી છે. સ્થાનિક કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ માને છે કે બિહારમાં હવે કોંગ્રેસે પોતાની સ્વતંત્ર ઓળખ ઉભી કરવી પડશે.
'સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટીસ કરૂ છું...', વકીલની ફિસિયારી પર હાઇકોર્ટની ફટકાર
દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વની ટીપ્પણી કરતા કહ્યું છે કે, એક ન્યાયાધીશ કોઈપણ સ્તરની કોર્ટમાં હોય એમની સાથે અપમાનજનક વ્યવહાર નહીં થવો જોઈએ. કોર્ટે એક વકીલના વ્યવહાર બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. આ વકીલે જિલ્લા કોર્ટના જજ પર દબાણ લાવવાની કોશિષ કરી હતી. જસ્ટીસ ગીરીશ કથપાલિયાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે, બંધારણ કલમ ૨૨૭ હેઠળ હાઇકોર્ટની ફરજ છે કે જિલ્લા અદાલતોનું માન જળવાઈ રહે અને એમણે અપમાનતી નહી થવું પડે એ માટે પુરતી કાળજી રાખે. અરજી કરનાર સંદીપકુમારએ ટ્રાયલ કોર્ટે આપેલા ચૂકાદાને પડકારતા હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પ્રતિવાદીએ કરેલી વારંવારની અરજીઓ ટ્રાયલ કોર્ટે ફગાવી દઈને આવી અરજીઓ ફક્ત હેરાન કરવા માટે કરાતી હોવાનું કહ્યું હતું. જ્યારે જવાબનો હક બંધ કરવા બાબતે દલીલ થઈ રહી હતી ત્યારે અરજી કરનારના વકીલે મુદ્દત માગી હતી. વકીલે મોટા અવાજે વાત કરીને કહ્યું હતું કે પોતે સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટીસ કરે છે જ્યાં મુદત આપવામાં આવે છે. આ બાબતે હાઇકોર્ટે વકીલની ઝાટકણી કાઢી નાખી હતી.
અગત્યની બેઠકોમાં શશી થરૂરની ગેરહાજરી, કોંગ્રેસ બેચેન
કોંગ્રેસની કાર્યકારીણી સમિતિના સભ્ય તેમ જ સાંસદ શશી થરૂર સતત બીજી વખત પક્ષની અગત્યની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. થરૂરના આ વ્યવહારને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોનિયા ગાંધીની આગેવાની હેઠળ બોલાવવામાં આવેલી કોંગ્રેસની રણનીતિ બેઠકમાં શશી થરૂર હાજર રહ્યા નહોતા. સંસદના શિયાળુ સત્રની સ્ટ્રેટજી નક્કી કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. થોડા દિવસો પહેલા શશી થરૂર એસઆઇઆર મુદ્દે બોલાવવામાં આવેલી બેઠકમાં પણ હાજર રહ્યા નહોતા ત્યારે એમણે બીમારીનું બહાનું આપ્યું હતું. જોકે એના બીજા જ દિવસે નરેન્દ્ર મોદીના કાર્યક્રમાં હાજર રહ્યા હતા. ત્યાર પછી એમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા જેને કારણે પક્ષના સિનિયર નેતાઓ નારાજ થઈ ગયા હતા. ગેરહાજરી માટે થરૂરએ એવું કારણ આપ્યું હતું કે તેઓ એમના વયોવૃદ્ધ માતા પિતાને લઈને પ્રવાસે ગયા હતા.
મહારાષ્ટ્રમાં ઉલટી ગંગા, રાજ્ય ચૂંટણી કમિશન પર ફડણવીસ ભડક્યા
મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવી દેવાને કારણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નારાજ થઈ ગયા છે. એમણે રાજ્ય ચૂંટણી કમિશનની કડક ટીકા કરી છે અને કહ્યું છે કે ચૂંટણી અટકાવી દેવાનો કમિશનનો નિર્ણય સંપૂર્ણ રીતે ખોટો છે. બીન એનડીએ સરકારવાળા રાજ્યો ચૂંટણી કમિશનની ટીકા કરે એ સમજી શકાય એમ છે, પરંતુ ભાજપ પ્રત્યે કુણુ વલણ રાખનાર ચૂંટણી કમિશન માટે ભાજપના મુખ્યમંત્રીને વાંધો પડે એ વાતની ઘણાને નવાઈ લાગી છે. ફડણવીસે કહ્યું હતું કે છેલ્લી ઘડીએ ચૂંટણી અટકાવી દેવાથી ઉમેદવારો સાથે અન્યાય થાય છે કે જેઓ બધી તૈયારી કરી દીધી હોય છે. કરવામાં આવેલી અરજીઓને કારણે કેટલીક જગ્યાએ ચૂંટણી અટકાવી દેવાનો નિર્ણય બીજા ઉમેદવારો સાથે અન્યાય છે.


