નવીદિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરીફ લગાડવાની જાહેરાત કરી છે. ત્યાર પછી એમણે ભારતની અર્થવ્યવસ્થા મરી રહેલી હોવાનું નિવેદન પણ કર્યું હતું. આ નિવેદન સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહમત થયા હતા. જોકે ઇન્ડિયા ગઠબંધનના સાથીપક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના રાજ્ય સભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારતની ઇકોનોમીને મરેલી કહેવા બાબતે ડોનાલ્ડ ટ્રમ્પને ઝાટકી નાંખ્યા છે. શિવસેના સાંસદએ કહ્યું હતું કે, ભારતની ઇકોનોમી દુનિયાની પાંચ ઇકોનોમીમાંની એક છે અને એને મરેલી ઇકોનોમી કહેવું ટ્રમ્પનો અહંકાર અને અજ્ઞાાનતા બતાવે છે. ચતુર્વેદીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ભારતની ઇકોનોમી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. આંકડાઓ એ જ દર્શાવી રહ્યા છે.'
દિલ્હીની ગેરકાયદેસર કોલોનીઓમાં પણ એમસીડી કામ કરાવી શકશે
મુખ્યમંત્રી વિકાસ અને ધારાસભ્યોના ફંડથી થતા વિકાસ કાર્યોમાં તેજી લાવવા માટે દિલ્હી સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. દિલ્હી સરકારે ફરીથી એમસીડીને વિકાસની કામગીરી કરવાની છૂટ આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે, ધારાસભ્યો પોતાના ફંડમાંથી વિકાસના કામો કરવા માટે એમસીડી મારફતે કામ કરાવી શકશે. પહેલા આ કામ સિંચાઈ અને પુલ નિયંત્રણ વિભાગ અથવા દિલ્હી રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ પાસે જ કરાવી શકાતા હતા. દિલ્હી સરકાર હવે વિકાસના કામો માટે ડીસીઆર ૨૦૨૩ લાગુ કરી રહી છે. અત્યાર સુધી ડીસીઆર ૨૦૧૬ લાગુ હતો. રેખા ગુપ્તાએ કહ્યું હતું કે, હવે રાજધાની સહેલાઇથી 'વિકસીત દિલ્હી' તરફ આગળ વધશે.
તેજસ્વી યાદવ ગઈ ગુજરી ભૂલી ગયા
બિહાર વિધાનસભા ચૂંટણીને હજી થોડા મહિના બાકી છે. જોકે નેતાઓની આવ-જાવ ચાલુ થઈ ગઈ છે. કેટલાક જુના નેતાઓ પોતાના મૂળ સ્થાને ફરી રહ્યા છે. ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષ સામે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા રંજીત યાદવ ફરીથી આરજેડીમાં જોડાઈ ગયા છે. ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવએ એમને ફરીથી પક્ષમાં લીધા છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ સામે બળવો કરવા માટે એમને પક્ષખારીજ કરવામાં આવ્યા હતા. એમ મનાય છે કે એમના પાછા ફરવાથી કોસી ક્ષેત્રનું સંગઠન વધુ મજબૂત થશે. બૈજનાથપુર ખજુરી ગામના રહેવાસી રંજીત યાદવ છેલ્લા ઘણા વર્ષોથી પક્ષમાં સક્રીય રહ્યા હતા. સહરસાહમાં હવે ચૂંટણી વધુ રસપ્રદ બનશે.
મોટા અધિકારીઓ વચ્ચે કલેક્ટરે મુખ્યમંત્રીની માફી માગવી પડી
મધ્યપ્રદેશના અનુપપુરના કલેક્ટર હર્ષલ પંચોલીને એસપી સહિત બીજા અધિકારીઓની સાથે વાતચીત કરવાનું ભારે પડયું હતું. મુખ્યમંત્રી ડો. મોહન યાદવએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને કલેક્ટરને કહ્યું હતું કે, મને એવી વાત કરવાની ફરજ નહીં પાડો કે જેને કારણે શરમમાં મુકાવું પડે. ત્યાર પછી કલેક્ટર માફી માગવા માંડયા હતા. સમાધાન ઓનલાઇન કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી ચોમાસાના સમય દરમિયાન પુર કે બીજી કોઈ બિમારીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આ બેઠકમાં તમામ કલેક્ટરો અને કમિશનરો ઓનલાઇન જોડાયા હતા. બધાને સૂચના આપતી વખતે સીએમએ અનુપપુર કલેક્ટરની બીજા અધિકારીઓ સાથે વાતચીત કરતા સાંભળ્યા. મુખ્યમંત્રીએ કલેક્ટરને પૂછયું કે થોડા સમય પહેલા કયા વિષયો ઉપર વાતચીત થઈ રહી હતી. ત્યાર પછી મુખ્યમંત્રીએ કલેક્ટરને ખખડાવી નાંખ્યા હતા.
પ્રેમાનંદ મહારાજ બાબતે દિશા પટનીની બહેનનો ખુલાસો
બોલિવુડની અભિનેત્રી દિશા પટનીની બહેન ખુશ્બુ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટીવ છે. દેશ - દુનિયાની વિવિધ બાબતો પર એ પોતાનો અભિપ્રાય મુકે છે. હમણા જ એમણે આધ્યાત્મિક ગુરુ અનિરૂદ્ધાચાર્ય પર એમના મહિલા વિરોધી નિવેદનને કારણે ટીકાનો મારો ચલાવ્યો હતો. એનું આ નિવેદન સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયું હતું. કેટલાક લોકોએ એ વખતે એવી ટીપ્પણી કરી હતી કે ખુશ્બુએ જાણીતા આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. આ સંદર્ભ ખુશ્બુએ કહ્યું છે કે, આ વાત ખોટી છે. ખુશ્બુએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન લખ્યું છે કે, 'મને ખબર પડી છે કે, મારા વિશે ઓનલાઇન એક ખોટી વાર્તા ફેલાવવામાં આવી રહી છે. મારૂ નામ પુજ્ય આધ્યાત્મિક પુરુષ પ્રેમાનંદ મહારાજ સાથે જોડીને એમ કહેવામાં આવે છે કે મે એમની ટીકા કરી છે. આ વાત એકદમ ખોટી છે. મે પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી.'
ચૂંટણી પહેલા મમતા બેનર્જીની મોટી ચાલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, એમની સરકાર રાજ્ય આખામાં લગભગ ૪૦ હજાર દુર્ગાપુજા સમિતિઓને ૧.૧૦ લાખ રૂપિયાનું દાન આપશે. એમનો કર માફ કરવામાં આવશે અને ૮૦ ટકા વિજળી બિલ પણ માફ થશે. આ જાહેરાતને કારણે આયોજકો ખુશ થઈ ગયા છે. જોકે વિરોધ પક્ષો ટીકા કરીને કહે છે કે, ૨૦૨૬માં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને લોભાવવામાં આવી રહ્યા છે. પૂજા સમિતિઓના સંયોજકની બેઠકને સંબોધન કરતા બેનર્જીએ કહ્યું હતું કે, ગયા વર્ષે ૮૫ હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું હવે એ વધારવામાં આવ્યું છે. દુર્ગાપુજાના સાંસ્કૃતિક મહત્વને યુનેસ્કો દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. મમતાનું કહેવું છે કે, દુર્ગાપુજા એ ફક્ત એક ધાર્મિક આયોજન નથી. બંગાળની સંસ્કૃતિની ઓળખ છે. અમારા હૃદયનો ઉત્સવ છે.
તેજપ્રતાપ યાદવ લાલુપ્રસાદના લોહીના સોગંદ ખાઈ રહ્યા છે
પક્ષ અને પરીવારથી બેદખલ કરાયેલા તેજપ્રતાપ યાદવ લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વૈશાલીની મહુવા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત તેજપ્રતાપ યાદવ કરી ચૂક્યા છે. એમણે મહુવામાં જનસંવાદ બેઠકો પણ શરૂ કરી છે. આવી એક બેઠકમાં એમણે આરજેડીના ધારાસભ્ય મુકેશ રૌશનને બહુરૂપી કહ્યા છે. તેજપ્રતાપએ કહ્યું હતું કે તેઓ જ્યારે જ્યારે મહુવા આવે છે ત્યારે ત્યારે અહીના બહુરૂપી ધારાસભ્ય રડવા માંડે છે. જો હવે રડે તો તમે એને ચૂપ કરી દેજો. તેજપ્રતાપએ લાલુપ્રસાદ યાદવના સોગંદ ખાઈને કહ્યું હતું કે મારી નસોમાં લાલુનુ લોહી વહે છે. મને જીતાડવાનો મતલબ થાય છે કે લાલુપ્રસાદ યાદવને જીતાડવા. લાલુપ્રસાદએ મહુવાના લોકો માટે ઘણુ કામ કર્યું છે.


