Get The App

'જ્યાં સુધી જીવુ છું ત્યાં સુધી મતદાનનો હક ઝુટવવા નહીં દઉ'

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
'જ્યાં સુધી જીવુ છું ત્યાં સુધી મતદાનનો હક ઝુટવવા નહીં દઉ' 1 - image

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજકાલ ભારે ગુસ્સામાં છે. તેઓ મોદી સરકાર અને ભાજપ સામે સતત પ્રહાર કરતા રહે છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, ભાજપ ૫૦૦ માણસની ટીમ લઈને બંગાળ આવ્યો છે અને મતદારોના નામ મતદાતા યાદીમાંથી દુર કરવા માટે સર્વે થઈ રહ્યા છે. જોકે તેઓ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈપણ બંગાળીનો મતદાનનો હક ઝુટવવા દેશે નહીં. મમતાએ એમ પણ કહ્યું હતું કે ભાજપના ભાષાઇ આતંકવાદને સહન કરવામાં નહીં આવે. મમતા બેનર્જી આજકાલ પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા છે. મમતાએ કહ્યું હતું કે, 'તમારે પોતે તપાસ કરવી જોઈએ કે તમારૂ નામ મતદાર યાદીમાં છે કે દુર કરવામાં આવ્યું છે. તમારી પાસે આધારકાર્ડ હોવું પણ જરૂરી છે.'

સંઘ પ્રચારકો માટે અજય રાયનું વાંધાજનક નિવેદન

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતએ પત્રકારો સમક્ષ કરેલી વાતચીતમાં ડેમોગ્રાફી યોગ્ય રાખવા માટે દરેક ભારતીય કુટુંબમાં ત્રણ બાળકો હોવાની વાત કરી હતી. મોહન ભાગવતના આ નિવેદન પર ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અજય રાયએ પ્રતિક્રિયા આપી છે. એમણે ટોણો મારતા કહ્યું છે કે, મોહન ભાગવતએ સૌથી પહેલા પોતાના પ્રચારકોના લગ્ન કરાવી બાળકો પેદા કરવાનો હુકમ આપવો જોઈએ. મોહન ભાગવતના હુકમનું પાલન દરેક સંઘ પ્રચારકે કરવું જોઈએ. જેઓ લગ્ન વગર ફરી રહ્યા છે એમણે બાળકો પેદા કરીને દેશની ડેમોગ્રાફી સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાયએ કહ્યું હતું કે, '૭૫ વર્ષની ઉંમરે નિવૃત્ત થવાનો નિયમ ભાજપ અને સંઘના નેતાઓએ જ બનાવ્યો હતો. આ નિયમ ફક્ત અડવાણી અને મુરલી મનોહર નેતા જેવાઓને નિવૃત્ત કરવા માટે બનાવવામા આવ્યો હતો.'

રાહુલ ગાંધીની ખાનગી ટીમ બિહારમાં રેકી કરે છે

બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવએ મળીને વોટર અધિકાર યાત્રા શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની ખાનગી ટીમ રેકી કરી રહી છે. આ ટીમ બિહારમાં કોંગ્રેેસની જમીની હકીકતની સાથે કોંગ્રેસના જમા - ઉધાર પાસાઓ વિશે પણ તપાસ કરે છે. રેકી ટીમના સભ્યો કોંગ્રેસ સહીત મહાગઠબંધનના બીજા પક્ષના નેતાઓ અને કાર્યકર્ર્તાઓ સાથે સંબંધ બનાવીને વાત જાણવાની કોશિષ કરે છે. કોંગ્રેસના કયા નેતાઓ સક્રિય છે એની જાણકારી પણ મેળવવામાં આવી રહી છે. જે નેતાઓ ફક્ત દેખાડા પુરતુ કામ કરે છે એમને પાછલી હરોળમાં મૂકી દેવામાં આવશે. આ ટીમ ઓનલાઇન માહિતી દ્વારા એકબીજાના સંપર્કમાં રહે છે. ટીમમાં પોતાના ક્ષેત્રની જાણકારી રાખનારાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે.

અંગત જિંદગી પર ટીપ્પણી મામલે પૂજા પાલ ડીજીપીને મળ્યા

યોગી આદિત્યનાથના વખાણ કરવાને કારણે પક્ષખારીજ થયેલા સમાજવાદી પાર્ર્ટીના ધારાસભ્ય પૂજા પાલ ડીજીપી રાજીવ કૃષ્ણને મળ્યા હતા. એમને જ્યારથી પક્ષમાંથી દુર કરવામાં આવ્યા છે ત્યારથી એમની અંગત જિંદગી બાબતે કેટલાક લોકો ગંદી ટીપ્પણીઓ કરી રહ્યા છે. પૂજા પાલએ કુપ્રચાર કરનારાઓ સામે પગલા લેવાની માંગણી ડીજીપી સમક્ષ કરી હતી. ડીજીપીએ એમને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વસન આપ્યું છે. ખાસ કરીને પ્રયાગરાજ પોલીસને સૂચના આપવામાં આવી છે કે સોશ્યલ મીડિયામાં પૂજા પાલ માટે બીભત્સ ટીપ્પણીઓ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પૂજા પાલના ટેકેદારોએ કેટલાક ટ્રોલરો સામે કેસ પણ દાખલ કર્યા છે. પૂજા પાલનો આક્ષેપ છે કે, અખિલેશ યાદવની સૂચના પછી જ એમની સામે કેમ્પેઇન ચાલુ થયું છે.

આઇઆરએસ સમીર વાનખેડેના પ્રમોશન બાબતે અગત્યનો ચૂકાદો

આઇઆરએસ અધિકારી સમીર વાનખેડેને દિલ્હી હાઇકોર્ટે મોટી રાહત આપી છે. વાનખેડેને પ્રમોશન આપવા સામે વાંધો લેતી કેન્દ્ર સરકારની અરજી ફગાવી દેવામાં આવી છે. ન્યાયમૂર્તિ નવીન ચાવલા અને ન્યાયમૂર્તિ  મધુ જૈનની બેન્ચે કેન્દ્રીય પ્રશાસનીક ન્યાયાધીકરણનો હુકમ માન્ય રાખીને ચાર અઠવાડિયાની અંદર કેન્દ્ર સરકારને હુકમનો અમલ કરવા કહ્યું છે. કૈટએ વાનખેડેના પ્રમોશન સંબંધીત બંધ કવર ખોલવાની સૂચના સરકારને આપી હતી. સરકારને કહેવામાં આવ્યું હતું કે જો યુપીએસસી દ્વારા એમના નામની ભલામણ થાય છે તો એમને પ્રમોશન આપવામાં આવશે. યાદ રહે કે સમીર વાનખેડેએ ફિલ્મસ્ટાર શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ ડ્રગ્સ કેસમાં કરી હતી. એવું મનાય છે કે, ત્યાર પછી સમીર વાનખેડેની પાછળ એક જૂથ પડી ગયું હતું.

મહિલાઓનો પીછો કરનાર ધારાસભ્ય સામે એફઆઇઆર દાખલ

કેરળની પોલીસએ પલક્કડના ધારાસભ્ય રાહુલ મમકુટાથીલ સામે વિવિધ આરોપો હેઠળ કેસ કર્યો છે. ઇન્ટરનેટ મીડિયા ઉપર સ્ત્રીઓને ટ્રોલ કરીને હેરાન કરવાની ફરિયાદ પણ એમની સામે થઈ છે. નવાઇની વાત એ છે કે એક ધારાસભ્ય સામાન્ય ટ્રોલની જેમ વર્તણૂક કરતા હોવાથી કેરળના રાજકીય વર્તુળમાં ઉહાપોહ થઈ ગયો હતો. કેરળના મુખ્યમંત્રી પીનરાઇ વિજયનએ મમકુટાથીલ સામે પગલા લેવાનું આશ્વાસન આપ્યાના થોડા કલાકમાં જ ધારાસભ્ય સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ધારાસભ્ય સામે ડીજીપીને વિવિધ ફરિયાદો મળી હતી. તિરૂવંતપુરમની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે.

'હજી તો હું ૬૫ વર્ષની પણ નથી થઈ'

એક જમાનામાં દેશના સૌથી લોકપ્રિય નેતા ગણાતા ઉમા ભારતી છેલ્લા કેટલાક વર્ષોથી સમાચારમાં નથી. પોતાના આખા બોલા સ્વભાવને કારણે અડવાણીથી માંડીને મોદી સુધીનાને નારાજ કરી ચૂકેલા ઉમા ભારતીએ હવે એકાએક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ભાજપના સિનિયર નેતા ઉમા ભારતીએ કહ્યું છે કે, કોઈપણ રાજકીય પક્ષ રીટાયરમેન્ટની ઉંમર નક્કી કરી શકે છે, પરંતુ કોઈ એ નક્કી કરી શકતું નથી કે કોઈ વ્યક્તિ કેટલી ઉંમર સુધી કાર્યરત રહી શકશે. સમાજમાં યોગદાન આપવા માટે ઉંમરની કોઈ સીમા નથી. સમાજ માટે કામ કરવાની મારી હજી ઉંમર છે. ઉમા ભારતીએ કહ્યું હતું કે, 'હું ત્યારે ચૂંટણી લડીશ જ્યારે હું તૈયાર હોઈશ. મારી પાસે જનતાની તાકાત છે. વડાપ્રધાન મોદીએ ૬૫ વર્ષની ઉંમરે લોકસભાની ચૂંટણી લડી હતી. હું આગલા વર્ર્ષે ૬૫ વર્ષની થઈશ.'