નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ તકરાર નહીં હોવાનો સંદેશો આપવા માટે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાનું જૂનું વલણ બદલ્યું છે. કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનના બીજા સાથી પક્ષોને નારાજ નહીં કરવા માટે પીએમ - સીએમને દુર કરવા સંબંધી ૧૩૦માં બંધારણીય સુધારા બીલ સહિત બીજા ત્રણ બીલો માટે બનેલી સંયુક્ત સંસદીય સમિતિનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. ૩૦ દિવસ સુધી જેલમાં રહેલા વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીઓને પદ પરથી હટાવવા બાબતના બીલ બાબતે વિરોધ પક્ષોએ ઘણો વિરોધ કર્યો હતો. જોકે કોંગ્રેસનો આ નિર્ણય તૃણમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આપ અને શિવસેના દ્વારા જેપીસીના બહિષ્કારની જાહેરાત પછી કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના આરોપના ડરને કારણે અત્યાર સુધી કોંગ્રેસ જેપીસીનો બહિષ્કાર કરવા માંગતી નહોતી.
હેમંત બિશ્વા સરમાના ગઢમાં ઘૂષણખોરી
બીટીસી એટલે કે બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદની ચૂંટણીના પરિણામોથી ભાજપની ચિંતા વધી શકે એમ છે. ચૂંટણીમાં એનડીએના સાથીપક્ષ બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટએ ૫૦ ટકાથી વધારે બેઠકો જીતીને ભાજપના વર્ચસ્વને ચેલેન્જ કર્યું છે. જોકે ભાજપે તમાચો મારીને ગાલ લાલ રાખ્યો છે. ભાજપ આ જીતને પોતાના સાથી પક્ષની જીત ગણાવે છે, પરંતુ બીટીસીમાં ભાજપની બેઠકો ઘટી છે. છેલ્લા ૧૦ વર્ષથી ચાલી આવેલો ભાજપનો વિજયરથ પણ અટક્યો છે. બીટીસીની ચૂંટણીને ૨૦૨૬માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની સેમી ફાઇનલ માનવામાં આવે છે. મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમાએ ચૂંટણીમાં આક્રમક પ્રચાર કર્યો હતો. ચૂંટણી પહેલા સરમાએ બીપીએફ સાથે ગઠબંધનનો વિકલ્પ ખૂલ્લો રાખ્યો હતો. એમ કહેવાય છે કે, ભાજનો સાથી પક્ષ જ ભાજપ વિરોધી મુદ્દે ચૂંટણી લડયો હતો.
એશિયા કપ જીત બાબતે મૌલાના શાહબુદ્દીનએ શું કહ્યું
ઉત્તર પ્રદેશનું બરેલી શહેર છેલ્લા થોડા દિવસોથી સમાચારમાં છે. જુમ્માની નમાઝ પછી બરેલીમાં મોટાપાયે હિંસા થઈ હતી. બરેલીના કેટલાક ભાગોમાં કરફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો હતો. સામાન્ય માન્યતાથી વિપરીત બરેલીના લોકોએ એશિયા કપમાં ભારતની જીત પછી મોટાપાયે ખુશી મનાવી હતી. ટીકાઓનો સામનો કરી રહેલા મૌલાના મુફતી શાહબુદ્દીન રઝવીએ મોટુ નિવેદન આપ્યું છે. પાકિસ્તાન સામેની જીત બદલ એમણે ભારતીય ટીમને અભિનંદન આપવા ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને ગૃહમંત્રી મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લેવાના નિર્ણયને પણ યોગ્ય ગણાવ્યો છે. મૌલાનાએ કહ્યું છે કે, 'ભારતીય ટીમને મારી ડબલ શુભેચ્છા. પાકિસ્તાની મંત્રીના હાથે ટ્રોફી નહીં લેવાના નિર્ણય બદલ હું ભારતની ટીમને અભિનંદન આપું છું. આ એજ લોકો છે કે જેમણે ભારતમાં લોહી વહાવ્યું છે.
યુપી કેડરના આઇપીએસ પાસે ગૃહમંત્રાલયે જવાબ માંગ્યો
યુપી કેડર ૨૦૧૭ની બેન્ચના આઇપીએસ ડો. જી રામગોપાલ નાઇકએ અરૂણાચલ પ્રદેશમાં ડયુટી જોઇન્ટ નહીં કરવાને કારણે ગૃહમંત્રાલયે એમને નોટીસ ફટકારી છે. ૩૦ દિવસની અંદર પોતાનો બચાવ રજુ કરવાનું એમને કહેવાયું છે. ગયા વર્ષે એમની બદલી દિલ્હીથી અરૂણાચલ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમણે હજી સુધી ચાર્જ લીધો નથી. દિલ્હી પોલીસમાંથી છૂટા કર્યા પછી એમણે ૧૫ દિવસની અંદર અરૂણાચલ પ્રદેશમાં નોકરી જોઈન્ટ કરવાની હતી. એમણે અરૂણાચલ પ્રદેશ સરકારને કોઈ રીપોર્ટ પણ આપ્યો નથી. અરૂણાચલ પ્રદેશની સરકારે આ સમગ્ર બાબતને લઈને ગૃહમંત્રાલયને પત્ર લખ્યો હતો. આઇપીએસ અધિકારી છેલ્લા ૧૦ મહિનાથી ગૃહમંત્રાલયના પત્ર અને નોટીસનો જવાબ આપતા નથી. હવે ડો. જી રામગોપાલ નાઇક સામે ખાતાકીય તપાસ કરવાનો હુકમ ગૃહમંત્રાલયે કર્યો છે.
યતી નરસિંહાનંદએ મહાદેવ સામે શા માટે સોંગદ લીધા
ગાઝીયાબાદના શિવશક્તિ ધામ દાસના મંદીરના મહંત યતી નરસિંહાનંદ સરસ્વતી વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહે છે. હવે એમણે સોંગદ ખાધા છે કે તેઓ ભાજપ અને ભાજપના નેતાઓ સામે નિવેદનો નહીં આપે.
કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહની સમક્ષ યતીએ મહાદેવના સોંગદ ખાઇને જાહેર કર્યું હતું કે તેઓ હવે માપમાં રહેશે.
જાણકારો કહી રહ્યા છે કે યતીને ખ્યાલ આવી ગયો હતો કે ભાજપની ટોચની નેતાગીરી એમની ટીકાને હળવાશથી લઈ રહી નથી. ભૂતકાળમાં યતીએ ઇસ્લામ વિરુદ્ધ તેમજ ભાજપના નેતાઓ અને યોગી આદિત્યનાથ વિરુદ્ધ પણ બેફામ નિવેદનો કર્યા હતા. યતી નરસિંહાનંદનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહની બાજુમાં બેઠા છે અને માફી માગતા કહે છે કે, હું ગીરીરાજસિંહને સાક્ષી રાખીને આજે મારી મા અને મહાદેવના સોગંદ ખાઉ છું કે હવે ક્યારે પણ એમના પક્ષના નેતાઓ વિરુદ્ધ નિવેદન નહીં આપું.
સીજેઆઇના નિવેદનને કારણે રામ મંદિર ચૂકાદા વિરુદ્ધ અરજી થશે
અયોધ્યાના રામ મંદિર બાબતે સૂપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદા બાબતે ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ડી વાય ચન્દ્રચૂડએ આપેલી એક મુલાકાત પછી વિવાદ થયો છે.
ભૂતપૂર્વ સીજેઆઇ ચન્દ્રચૂડએ એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, બાબરી મસ્જિદનું નિર્માણ જ મૂળભૂત રીતે અપવિત્ર હતું. આ બાબતે વિવાદ થયો છે. પ્રો. જી મોહન ગોપલએ તો હવે રામમંદિરના ચૂકાદા વિરુદ્ધ અરજી દાખલ કરવાની વાત પણ કરી છે. એમના કહેવા પ્રમાણે ચન્દ્રચૂડના નિવેદનને આધારે ક્યુરેટીવ પીટીશન દાખલ થઈ શકે છે. પ્રો. એ કહ્યું હતું કે, 'ડી વાય ચન્દ્રચૂડએ જે વાત કરી છે એનો ઉલ્લેખ ચૂકાદામાં નથી. આ કારણે ચૂકાદા પર પૂન:વિચાર કરવાની અરજી દાખલ થઈ શકે છે.' જોકે કાયદાના જાણકારો પ્રોફેસરની વાત સાથે સંમત નથી. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે હવે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ગયું છે ત્યારે આ વિવાદને આગળ વધારવો યોગ્ય નથી.
આપના નેતાને ચેલેન્જ, સૂર્યકુમારએ એની હેસિયત બતાવી હવે તમારો વારો
આમ આદમી પાર્ટીના સિનિયર નેતા સૌરભ ભારદ્વાજએ થોડા દિવસો પહેલા એવી ટીપ્પણી કરી હતી કે, સૂર્યકુમાર યાદવની હેસિયત હોય તો ક્રિકેટમાંથી થયેલી કમાણીની રકમ પહેલગામના પીડિતોને આપે. પાકિસ્તાનને હરાવ્યા પછી સૂર્યકુમાર યાદવએ જાહેરાત કરી હતી કે સમગ્ર ટૂર્નામેન્ટમાં મળેલી રકમ તેઓ પહેલગામના પીડિતોને સમર્પીત કરે છે. સૂર્યકુમાર યાદવને પડકારનાર આપ નેતા હવે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.
ભાજપના કેટલાક નેતાઓ સહિત ક્રિકેટ ચાહકો કહી રહ્યા છે કે, હવે સૌરભ ભારદ્વાજએ પોતાના ૧ મહિનાનો પગાર પહેલગામના પીડિતોને સમર્પીત કરીને પોતાની હેસિયત બતાવવી જોઈએ. જોકે ભાજપના આ નેતાઓ ભૂલી ગયા હતા કે, સૌરભ ભારદ્વાજ હવે ધારાસભ્ય રહ્યા નથી.


