નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએનો ચૂંટણી ઢંઢેરો રજૂ કરવા માટે પટણાની એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી નિતિશકુમાર, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી, રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુષવાહા સહિત એનડીએના તમામ મુખ્ય નેતાઓ હાજર હતા. પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ એની થોડી મીનીટોમાં જ ચૂંટણી ઢંઢેરો જાહેર કરી તમામ નેતાઓ ત્યાંથી નીકળી ગયા હતા. એક પણ નેતાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી નહોતી. એનડીએની પીસીમાં કોઈપણ મોટા નેતાએ પત્રકારો સાથે વાતચીત કરી નહી એને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. એક એવી વાત છે કે એનડીએના વિવિધ પક્ષો વચ્ચે હજી પણ મનમેળ નથી. કેટલાક મુદ્દે નિતિશકુમાર પણ અમિત શાહથી નારાજ છે.
એસઆઇઆર મામલે બંગાળમાં વિરોધપક્ષ તૂટી શકે છે
બિહારમાં મતદાર યાદીના પુનઃનિરીક્ષણ (એસઆઇઆર) બાબતે ઇન્ડિયા ગઠબંધનમાં તીરાડ પડી શકે છે. તૃણમુલ કોંગ્રેસ અહીં એસઆઇઆરનો વિરોધ કરે છે. બીજી તરફ કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો મગનું નામ મરી પાડતા નથી. કોંગ્રેસ સંપૂર્ણ રીતે એસઆઇઆર વિરોધી નથી. પક્ષે ચૂંટણી કમિશનને એસઆઇઆર બાબતે કેટલાક સૂચનો આપ્યા છે. ચૂંટણી કમિશન આ સુધારા બાબતે સહમત નથી એટલા માટે પક્ષ એસઆઇઆરની પ્રક્રિયાનો વિરોધ કરે છે. પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ના પહેલા છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બિહારની માફક પશ્ચિમ બંગાળમાં પણ રાજકીય વાતાવરણ ઉત્તેજીત છે. છેલ્લા કેટલાક સમયથી મમતા બેનર્જી અને રાહુલ ગાંધી વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા મમતા બેનર્જી સોનિયા ગાંધીને મળવા ગયા હતા ત્યારે રાહુલ ગાંધીની વર્તણુક એમને યોગ્ય લાગી નહોતી.
તેજસ્વી સામેની ફરિયાદ રાબડી દેવી સુધી પહોંચી
બિહારના રાધોપુર વિધાનસભા વિસ્તારમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પોતાના નાના પુત્ર અને આરજેડીના ઉમેદવાર તેજસ્વી યાદવ માટે રોડ શો કર્યો હતો. રોડ શોમાં આરજેડીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ વિસ્તારમાં લાલુ પ્રસાદ યાદવના કુટુંબનું વર્ચસ્વ રહ્યું છે. અહીંથી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ ચૂંટાઈને આવ્યા છે. કાફલો મલીકપુર ગામ પહોંચ્યો ત્યારે એક મહિલા પોતાના અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રનો ઉલ્લેખ કરીને રાબડી દેવી સામે રડવા માંડી હતી. જોકે એક વૃદ્ધ વ્યક્તિએ એમ કહ્યું હતું કે, તમે રાધોપુર સાથે અન્યાય કરો છો. તમારો પુત્ર તેજસ્વી યાદવ ભાગ્યે જ અહીં દેખાય છે. તેજસ્વીની ફરિયાદ સાંભળીને રાબડી દેવી ક્ષણ ભર ચૂપ થઈ ગયા હતા. પછી પેલી વ્યક્તિને જવાબ આપ્યા વગર આગળ વધ્યા હતા.
પ્રચાર દરમિયાન અચાનક અનંતસિંહ અને પિયુષ વચ્ચે ટક્કર
બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પટણા જિલ્લાની મોકામા બેઠક પર જેડીયુ અને જનસુરાજ પક્ષના ઉમેદવારો વચ્ચે ટનાટની થઈ ગઈ હતી. જેડીયુના ઉમેદવાર અને બાહુબલી ગણાતા ભૂતપૂર્વ ધારાસભ્ય અનંતસિંહ અને જનસુરાજના ઉમેદવાર પિયુષ પ્રિયદર્શીના ટેકેદારો પ્રચાર દરમિયાન એકાએક સામસામે થઈ ગયા હતા. એ વખતે બંને પક્ષના ટેકેદારો વચ્ચે ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી. ત્યાર પછી વાત વધી ગઈ અને ફાયરીંગ તેમજ પથ્થરબાજી પણ થઈ હતી. પિયુષના ટેકામાં પ્રચાર કરી રહેલા બાહુબલી દુલારચંદ યાદવની હત્યા કરી દેવામાં આવી હતી. દુલારચંદ યાદવની હત્યા માટે પોલીસએ કુટુંબીઓના નિવેદનને આધારે અનંતસિંહ સહીત પાંચ લોકો સામે એફઆઇઆર દાખલ કરી છે. આ કિસ્સા પછી સમગ્ર વિસ્તારમાં તણાંવ થઈ ગયો હતો. રાજકીય નીરિક્ષકોનું જોકે માનવું છે કે, અગાઉની ચૂંટણીની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં બિહારમાં હિંસાનું પ્રમાણ ઓછું છે.
રેડ્ડી મંત્રીમંડળમાં અઝહરુદ્દીનના સમાવેશથી મોટો વિવાદ
ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ મંત્રીમંડળમાં સામેલ કર્યા છે. આ બાબતે ભાજપ અને ભારત રાષ્ટ્ર સમિતિએ વાંધો લીધો છે. એમનું માનવું છે કે, હાઇપ્રોફાઇલ જ્યુબિલી હિલ્સ પેટા ચૂંટણીને પ્રભાવિત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપએ અઝહરુદ્દીનને મંત્રીમંડળમાં સામેલ કરવાના નિર્ણયને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે. આ બાબતે ભાજપએ ચૂંટણી કમિશનને ફરિયાદ પણ કરી છે. ભાજપએ લીધેલા વાંધામાં કહ્યું છે કે આ નિર્ણય મતદારોના એક વર્ગને લલચાવવા માટે ખોટા ઇરાદાથી લેવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરએ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ. વિરોધ પક્ષો પૂછી રહ્યા છે કે ૧૧મી નવેમ્બરે યોજાનારી જ્યુબિલી હિલ્સ વિધાનસભા પેટા ચૂંટણી પહેલા જ મોહમ્મદ અઝહરુદ્દીનને અચાનક મંત્રી કેમ બનાવવામાં આવ્યા. ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં જ્યુબિલી હિલ્સ બેઠક પરથી અઝહરુદ્દીન હારી ગયા હતા.
વકીલોની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક ચૂકાદો
સુપ્રિમ કોર્ટે વકીલો - અસીલો વચ્ચેની ગુપ્તતા બાબતે ઐતિહાસીક ચૂકાદો આપ્યો છે. આ ચુકાદાને કારણે વકીલોને મોટી રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે, ઇડી, સીબીઆઇ જેવી કેન્દ્રીય એજન્સીઓ કે પોલીસ વકીલોને એમના અસીલો બાબતના કોઈ સવાલ પૂછી શકશે નહીં. થોડા સમય પહેલા કેટલાક વકીલોને તપાસ એજન્સીઓએ સમન્સ મોકલીને બોલાવ્યા હતા. આ બાબતે વિવાદ થતા સુપ્રિમ કોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી. કોર્ટના કહેવા પ્રમાણે વકીલ - અસીલ વચ્ચેની તમામ વાતચીત ગુપ્ત હોય છે. અસીલની પરવાનગી વગર વકીલને આ બાબતે સવાલ કરવો એ બંધારણીય હકનો ભંગ છે. કાયદો વકીલ અને અસીલ વચ્ચે થયેલી વાતચીતનું રક્ષણ કરે છે.
રેડ ચીલીઝએ સમીર વાનખેડેની અરજીનો વિરોધ કર્યો
આઇઆરએસ અધિકારી સમીર વાનખેડેએ 'બેડ્ઝ ઓફ બોલીવુડ' વેબ સીરીઝમાં પોતાની બદનક્ષી થઈ હોવાનો આક્ષેપ કરીને દિલ્હી હાઇકોર્ટમાં ફરિયાદ કરી છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનએ આ સીરીઝ ડિરેક્ટ કરી છે અને રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટએ સીરીઝ બનાવી છે. વાનખેડેના આક્ષેપોનો જવાબ આપતા પ્રોડકશન કંપનીએ કહ્યું છે કે, સીરીઝમાં વિવિધ પાત્રોનું ચિત્રણ વ્યંગ અને પેરોડી છે. એમનો ઉદ્દેશ કોઈનું અપમાન કરવાનો નથી. આ ઉપરાંત પ્રતિવાદી નંબર ૧ સામે મુકવામાં આવેલો આરોપ એ ક્લીપ માટે છે કે જે ફક્ત ૧ મીનીટ અને ૪૮ સેકન્ડથી લાંબી નથી. આ ક્લીપમાં એક પોલીસ અધિકારીને વધુ પડતા ઉત્સાહી બતાવવામાં આવ્યા છે. આ ક્લીપમાં કોઈ અપમાનજનક વાત નથી.


