Get The App

દિલ્હીની વાત : ટ્રમ્પના પાકિસ્તાનને ટેકા પછી કોંગ્રેસનો મોદીને ટોણો

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ટ્રમ્પના પાકિસ્તાનને ટેકા પછી કોંગ્રેસનો મોદીને ટોણો 1 - image

નવીદિલ્હી : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ બાબતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, 'અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હું હસ્તક્ષેપ કરી શકતો હતો, પરંતુ પાકિસ્તાન સાથે મારી સારી દોસ્તી છે. એમના પ્રધાનમંત્રી મહાન છે. એમની પાસે એક મહાન સેનાપતિ છે. એમની પાસે એક મહાન નેતા છે. આ બે વ્યક્તિ એવી છે કે જેમના પ્રત્યે મને ખુબ માન છે. પાકિસ્તાન સારી કામગીરી કરી રહ્યું છે.' અમેરિકાના વિદેશ વિભાગના અંડર સેક્રેટરી એલીસન કુકરે પણ કહ્યું છે કે 'તાલીબાન હુમલા વિરુદ્ધ પોતાની રક્ષા કરવાના હક્ક બાબતે અમેરિકા પાકિસ્તાનનું સમર્થન કરે છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.' પાકિસ્તાનને અમેરિકાના આ ખુલ્લા ટેકા બાબતે કોંગ્રેસે વડાપ્રધાનની ખિલ્લી ઉડાવી હતી. કોંગ્રેસે 'ભારતીય હગલોમસી'ને ફટકો પડયો હોવાનું કહ્યું છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે પોતાને વિશ્વ ગુરુ માનનારની અસલીયત ખુલ્લી થઈ ગઈ છે.

ભ્રષ્ટાચારના કેસમાં જીત મેળવ્યા પછી કેજરીવાલનો કોંગ્રેસ પર હુમલો

લીકર સ્કેમના કેસમાં નીચલી અદાલતે આપેલી રાહત પછી અરવિંદ કેજરીવાલ ફરીથી આક્રમક મૂડમાં આવી ગયા છે. એમણે ભાજપ પર તો પ્રહાર કર્યા છે પરંતુ કોંગ્રેસને પણ છોડી નથી. કોંગ્રેસે પણ આ બાબતે આપને કેટલાક સવાલ કર્યા હતા. કેજરીવાલે કોંગ્રેસને સવાલ પૂછયા હતા કે કેજરીવાલ તો જેલ ગયા પરંતુ રોબર્ટ વાડ્રા, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કદી જેલ ગયા? કોંગ્રેસ કયા મોઢે વાત કરે છે? એને શરમ નથી આવતી? કેજરીવાલના આ નિવેદનનો વળતો જવાબ કોંગ્રેસના સંદીપ દીક્ષિતે આપ્યો છે. સંદીપ દીક્ષિતે કહ્યું છે કે, 'હું વારંવાર કહું છું એ આજ હીનતા કેજરીવાલની છે. આ માણસ કહે છે કે એમના પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. શું તેઓ રાજકારણમાં આવ્યા ત્યારે સાચા આક્ષેપો કર્યા હતા? છેલ્લા ૧૫ વર્ષમાં કેજરીવાલે કરેલું એક પણ નિવેદન સાચુ હોય તો મને કહો.'

'અમેરિકાની વધુ નજીક જવુ ભારત માટે જોખમી'

આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત જોન મિયરશાઇમરએ ભારત - અમેરિકા સંબંધો વિશે ખુલીને વાત કરી છે. એમના કહેવા પ્રમાણે ચીન સામે અમેરિકા ભારતને મજબૂત સાથીદાર માને છે. જોકે આર્થિક દબાણ અને પ્રમુખ ટ્રમ્પની બદલાતી નીતિઓને કારણે બંને દેશોના સંબંધમાં તિરાડ પડી છે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. ભારતે પણ વિશ્વમાં પોતાનો પગદંડો જમાવવો છે. આવા સમયે ભારતનો અમેરિકા સાથેનો સંબંધ અગત્યનો છે અને થોડો જટીલ પણ છે. મિયરશાઇમરના કહેવા પ્રમાણે વેપાર નીતિ કોઈ નાનો મુદ્દો નથી, પરંતુ તણાવનું કારણ છે. એમણે કહ્યું હતું કે, 'પ્રમુખ ટ્રમ્પ પૈસા વસુલવાના બાદશાહ છે. એમનો મૂડ બદલાતો રહે છે. આ પરિસ્થિતિમાં ભારત માટે જરૂરી છે કે ભારત અમેરિકાની બહુ નજીક નહીં આવે. જો તમે આર્થિક રીતે અમેરિકા પર નિર્ભર થશો તો અમેરિકા પોતાના ફાયદા માટે એનો ઉપયોગ કરી શકે છે.'

કેજરીવાલને ક્લીનચીટથી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ડઘાઈ ગયા

કેજરીવાલ અને એના સાથીઓને લીકર સ્કેમ બાબતે ક્લીનચીટ મળવાથી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ડઘાઈ ગયા છે. દિલ્હીના રાજકારણીઓ આ ચુકાદા પછી આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. વિરોધપક્ષના નેતાઓએ કેન્દ્ર સરકારની કરેલી આકરી ટીકા પછી રેખા ગુપ્તાએ કહેવું પડયું છે કે, આ ચુકાદો તો નીચલી કોર્ટનો છે. અંતિમ નિર્ણય હાઇકોર્ટ લઈ શકે છે. નવાઈ લાગે એ રીતે રેખા ગુપ્તાએ આક્ષેપ કર્યો હતો કે, તપાસ દરમિયાન આરોપો સાથે છેડછાડ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મોબાઇલ ફોન તેમજ ડેટાનો નાશ કરવામાં આવ્યો હતો. જો સરકારની કહ્યાગરી એજન્સી સીબીઆઇના અધિકારીઓએ કેજરીવાલને બચાવવાનો પ્રયત્ન કર્યો હોય તો સરકાર આવા અધિકારીઓ સામે પગલા કેમ નથી લેતી? આ સવાલનો જવાબ રેખા ગુપ્તા પાસે નહોતો. એમણે તો કેજરીવાલની મજાક ઉડાવતા હોય એમ કહ્યું હતું કે કેજરીવાલના બુશર્ટની સાઇઝ ૪૨ છે અને તેઓ ૪૪ની સાઇઝ પહેરીને ફરે છે.

ભાજપને ટેકો આપવાનો ફાયદો, પવાર દંપતીને 25 હજાર કરોડના ગોટાળામાં ક્લીનચીટ

મુંબઈની ખાસ કોર્ટે ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબ્લ્યુ)ના રીપોર્ટને માન્ય રાખ્યો છે. આ રીપોર્ટમાં મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેંકની લોન વહેચણી સમયે આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આક્ષેપ ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને એમના પત્ની અને હમણાના ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવાર પર કરવામાં આવ્યો હતો. આ આરોપમાંથી પવાર દંપતીને ક્લીનચીટ આપી દેવામાં આવી છે. કોર્ટે ક્લોઝર રીપોર્ટને મંજૂરી આપતી વખતે કહ્યું છે કે, આ કિસ્સામાં ગુનો સાબિત થતો નથી. ખાસ કોર્ટે ઇઓડબ્લ્યુના સી સમરી રીપોર્ટને સ્વીકારી લીધો છે. અજીત પવાર સહિત બીજા ઘણા નેતાઓના નામ પણ આ ગોટાળામાં બહાર આવ્યા હતા. રાજકીય વર્તુળોમાં ગુસપુસ થાય છે કે એનસીપી (અજીત પવાર)ના ટેકાથી મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બની હોવાથી પવાર દંપતીના તમામ ગુના માફ થઈ ગયા.

કેરળના મૌલવીની હિન્દુ ભક્તો માટે ખાસ અપીલ

કેરળના પલિયમ ઇમામ વીપી સુહૈબ મૌલવીની એક અપીલ સોશયલ મીડિયા તરફથી વાયરલ થઈ રહી છે. દેશમાં જ્યારે કોમવાદનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આ મૌલવીએ ભાઈચારાનો સંદેશો આપતી અપીલ કરી છે. આગામી અટ્ટુકલ પોંગલ તહેવાર વખતે હિન્દુ શ્રદ્ધાળુઓ માટે મસ્જિદો અને મુસ્લિમ ઘરો ખોલી નાખવા માટે મૌલવીએ અપીલ કરી છે. સોશ્યલ મીડિયા પર આ અપીલને કેરળની અસલી કહાની તરીકે ગણાવવામાં આવે છે. દર વર્ષે કેરળના તિરુવનંતપુરમ સ્થિત અટ્ટુકલ ભગવતી મંદિરમાં અટ્ટુકલ પોંગલનો તહેવાર ૧૦ દિવસ સુધી મનાવવામાં આવે છે. ત્રીજી માર્ચથી આ તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ તહેવાર વિશ્વભરમાં મહિલાઓના સૌથી મોટા આયોજન તરીકે ગણાય છે. આ તહેવાર માટે આખા રાજ્યમાંથી વિવિધ ઉંમરની લાખો મહિલાઓ ભેગી થઈને અનુસ્થાનમાં ભાગ લે છે.

વિવાદિત પુસ્તક પ્રકાશીત કરનાર એનસીઇઆરટીના ડિરેક્ટર કોણ છે

જ્યારે પણ સ્કૂલના પુસ્તકોમાં ફેરફાર થાય છે કે નવો સિલેબસ લાગુ કરવામાં આવે છે તો લોકોનું ધ્યાન એનસીઇઆરટી તરફ જાય છે. આ સંસ્થાના પ્રમુખ પ્રો. ડીપી સકલાની છે. આજકાલ એમનું નામ ચર્ચામાં છે. એનસીઇઆરટી દેશની અગત્યની શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થા સ્કૂલો માટેનો અભ્યાસક્રમ નક્કી કરે છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં બાળકો એનસીઇઆરટીના પુસ્તકોનો અભ્યાસ કરે છે. સકલાનીનો જન્મ ૧૯૬૩ની ૧લી જાન્યુઆરીએ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ ખાતે થયો હતો. સકલાનીને શરૂઆતથી જ ઇતિહાસના વિષયમાં રસ હતો. આ રસને કારણે એમની કારકિર્દી બની. ૧૯૯૬માં એમણે પીએચ.ડી.ની ડીગ્રી મેળવી હતી. એનસીઇઆરટીમાં જોડાતા પહેલા તેઓ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર  રહી ચૂક્યા છે. ૨૦૨૨માં તેઓ એનસીઇઆરટીના ડિરેક્ટર બન્યા હતા.