નવી દિલ્હી : ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા ઘણા સમયથી લંબાઈ રહી છે. એમ મનાય છે કે ભાજપના નેતાઓ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ વચ્ચે કોઈ એક નામ પર સમજૂતી થતી નથી. સૂત્રો જોકે કહે છે કે, ટૂક સમયમાં આ સહમતી થવાની સંભાવના છે. ભાજપના બંધારણ પ્રમાણે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી ત્યારે જ થઈ શકે જ્યારે ઓછામાં ઓછા ૧૯ રાજ્યોના પ્રમુખોની નિમણૂકો થઈ ચૂકી હોય. અત્યાર સુધીમાં પક્ષે ૩૭માંથી ફક્ત ૧૪ રાજ્યોમાં પ્રમુખની નિમણૂક કરી છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોમાં હજી પક્ષ પ્રમુખો નિમાયા નથી. ૧૮ રાજ્યોમાં જિલ્લા પ્રમુખોની ચૂંટણી કયાં તો થઈ ગઈ છે અથવા તો છેલ્લા તબક્કામાં છે. આગલા થોડા અઠવાડિયામાં ૧૯ રાજ્યોનો આંકડો પુરો થઈ જશે.
કોલેજિયમ સિસ્ટમને બહારના તત્વો પ્રભાવિત કરે છે
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ દિપાંકર દત્તાએ કોલેજિયમ સિસ્ટમ અને ન્યાયાધિશોની નિમણૂકની પ્રક્રિયા પર પ્રભાવ પાડનાર બહારના તત્વો બાબતે ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયાધિશોજ ન્યાયાધિશોની નિમણૂક કરે છે એ માન્યતાની એમણે તીખી ટીકા કરી છે. જસ્ટીસના કહેવા પ્રમાણે આ ધારણા સદંતર ખોટી છે. એમના કહેવા પ્રમાણે આવા તત્વો સાથે કડકાઈ બતાવવી જોઈએ. જસ્ટીસ દિપાંકર દત્તાએ કહ્યુ હતું કે, 'આપણે સમાજને બતાવવાની જરૂર છે કે જો જજોની નિમણૂક જજો જ કરતા હોતે તો સુપ્રિમ કોર્ટ કોલેજિયમની દરેક ભલામણોનો અમલ થયો હોત, પરંતુ એમ થતું નથી.' એક ઉદાહરણ આપતા એમણે કહ્યું હતું કે, કઈ રીતે એક વકીલને ન્યાયાધિશ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ એ વાતને ૬ વર્ષ થઈ ગયા હોવા છતા હજી સુધી એ નિર્ણયનો અમલ થયો નથી.
દિલજીત દોસાંજની ટીપ્પણી પર અભિજીત ભટ્ટાચાર્યની પ્રતિક્રિયા
એક્ટર અને ગાયક દિલજીત દોસાંજની રજુ થયેલી ફિલ્મ 'સરદારજી-૩'માં પાકિસ્તાની એક્ટ્રેસ હનિયા આમીર કામ કરતી હોવાથી દેશભરમાં એમનો વિરોધ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર એક્ટરનો 'દિલ-લુમીનાટી ટુર કોન્સર્ટ'નો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એમણે ટ્રોલર્સને જવાબ આપ્યો છે. દિલજીતએ એક કોન્સર્ટમાં ટીકાકારોને જવાબ આપતા કંઈક આ પ્રકારનું કહ્યું હતું કે 'સભીકા ખૂન સામિલ હૈ ઇસ મીટ્ટીમે, કીસીકે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ' દિલજીતની ટીપ્પણી સામે જાણીતા ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ પ્રતિક્રિયા આપી છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એમણે દિલજીતની ક્લિપ સાથે પોતાની ક્લિપ જોડી છે જેમાં એમણે કહ્યું છે કે 'હિન્દુસ્તાન હમારે બાપ કા હૈ... હિન્દુસ્તાન હમારે બાપ કે બાપ કે પૂર્વજોકા હૈ'
અખિલેશ યાદવના ટ્વીટ પછી કૌભાંડ શરૂ થયું
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવએ સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં એમણે પોતાના પિતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સ્વ. મુલાયમસિંહ યાદવની યાદમાં બની રહેલા સ્મારકને મદદ કરવા દાન કરવાની અપીલ કરી હતી. આ પોસ્ટ પછી સપાના નામ પર સોશ્યલ મીડિયા પર કૌભાંડ શરૂ થઈ ગયું છે. કેટલીક વ્યક્તિઓએ પોતાનો બેન્ક ખાતા નંબર અને યુપીઆઇ જાહેર કરીને રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી દીધું છે. છેવટે સપાના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર લખવુ પડયું કે દાન ઉઘરાવવા અમે કોઈ બેન્ક એકાઉન્ટ નંબર જાહેર કર્યો નથી. સમાજવાદી પક્ષના નામે પૈસા ઉઘરાવતા લોકોથી સાવધાન રહેવું.
સિનિયર અધિકારીઓના સંતાનોને અનામતનો લાભ શા માટે મળે
દેશના ૫૨માં મુખ્ય ન્યાયાધિશ ભૂષણ રામકૃષ્ણ ગવઇએ કહ્યું છે કે, એસસી-એસટીમાં ક્રિમિલયેરનો સિદ્ધાંત લાગુ કરવાને માન્યતા આપવાનો નિર્ણય એમની જિંદગીનો અગત્યનો નિર્ણય હતો. સામાજીક ન્યાયના સંદર્ભમાં આ નિર્ણય એક અતિ મહત્ત્વનો હતો. એમણે કહ્યું હતું કે, 'ઉચ્ચ હોદ્દા પર બેઠેલા એસસી-એસટી જ્ઞાાતિના અધિકારીઓના બાળકોને અનામત માટે યોગ્ય ગણવા એ અનામતની મૂળભૂત ભાવનાને નબળી કરે છે.' પોતે એનો જ લાભ લઈને આ હોદ્દા પર પહોંચ્યા હોવાની વાત પણ એમણે કરી છે. ચીફ સી જે આઇ ગવઇએ ન્યાયતંત્રના અયોગ્ય અતિક્રમણ સામે ચેતવણી આપી છે. એમણે કહ્યું છે કે, 'ન્યાયીક સક્રિયતા હોવી જોઈએ, પરંતુ ન્યાયીક આતંકવાદ નહીં. સંસદ કાયદો બનાવે છે અને કાર્યપાલિકા એને લાગુ કરે છે. ન્યાયપાલિકા બંધારણીય યોગ્યતા નિશ્ચિત કરે છે.'
સંઘ બાબતે શશી થરૂરનું કુણુ વલણ
છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસના સાંસદ શશી થરૂરનો ઝોક ભાજપ તરફ વધી રહ્યો છે. થરૂરના એક પછી એક આવેલા નિવેદનો પરથી લાગે છે કે, એમની વિચારધારા બદલાઈ રહી છે. દેશમાં બંધારણ વિરુદ્ધ મનુસ્મૃતિની થઈ રહેલી ચર્ચા સંદર્ભે શશી થરૂરે આપેલા નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં ગુસપુસ ચાલુ થઈ ગઈ છે. થરૂરે કહ્યું છે કે, આરએસએસ અને ભાજપ હવે બદલાઈ ગયા છે. એમણે એમની જૂની વિચારધારા પાછળ મૂકી દીધી છે. થરૂરના આ નિવેદનને કારણે કોંગ્રેસના કેટલાક નેતાઓને માઠુ લાગ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર લખ્યુ છે કે આરએસએસ -ભાજપ બંધારણ નહીં, મનુસ્મૃતિ ઇચ્છે છે. તેઓ ગરીબોનો અધિકાર ઝૂટવી લેવા માંગે છે.
ચૂંટણી લડનાર આઇપીએસ કુવર વિજય પ્રતાપ સિંહ કોણ છે
આમ આદમી પાર્ટીએ અમૃતસર નોર્થના ધારાસભ્ય કુવર વિજય પ્રતાપ સિંહને પક્ષમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. એમની સામે અશિસ્ત તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ છે. કુવર વિજયએ અકાલી નેતા વિક્રમ સિંહ મજીઠિયાની ધરપકડ સંદર્ભે પોતાના પક્ષ પર જ સવાલો કર્યા હતા. જોકે આ સિવાય પણ બીજા ઘણા કિસ્સા છે જેને કારણે આપની નેતાગીરી એમનાથી નારાજ હતી. બિહારના ગોપાલગંજ જિલ્લાના રહેવાસી કુવર વિજય પંજાબ કેડરના ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી છે. કુવર વિજય જ્યારે અમૃતસરના આઇજી હતા ત્યારે બોર્ડરના જિલ્લાઓમાં સારી કામગીરી કરી હતી. એમને રાષ્ટ્રપતિ પૂરસ્કારથી સન્માનીત કરવામાં પણ આવ્યા હતા. ૨૦૧૫ના વર્ષમાં કોટકપુરા અને બહિવલ કલામાં થયેલા ગોળીબારની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઇટીના તેઓ ચીફ હતા.


