Delhi ni Vaat

વિપક્ષોની આપત્તિને અવસરમાં બદલવા સરકારની તૈયારી

By GS Team
17 Jul 20265 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્ર પહેલા રાજકીય સમીકરણો બદલાયા છે. કોંગ્રેસ સામે વિરોધપક્ષોની એકતા ટકાવી રાખવાનો પડકાર છે. સરકારે 7 બીલ રજૂ કરવાનો એજન્ડા નક્કી કર્યો છે. નીટ, પેપર લીક જેવા મુદ્દાઓ પર વિરોધ પક્ષો સરકારને ઘેરશે. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાને હટાવી અનુરાગ કુમારને નવા કમિશનર બનાવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિપક્ષોની આપત્તિને અવસરમાં બદલવા સરકારની તૈયારી

નવીદિલ્હી: સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં અચાનક બદલાયેલા રાજકીય સમીકરણોની અસર દેખાશે. સત્રની શરૂઆત પહેલા ઇન્ડિયા બ્લોકના બે મુખ્ય પક્ષો તૃણમુલ કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)માં ભારે તોડફોડ થઈ હતી. બંને પક્ષોએ મોટી સંખ્યામાં સાંસદો ગુમાવ્યા છે. તામિલનાડુ વિધાનસભાના પરિણામો પછી ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે તડ પડી છે. આ કારણે કોંગ્રેસ સામે વિરોધપક્ષોની એકતા ટકાવી રાખવાની ચેલેન્જ મુખ્ય હશે. બીજી તરફ જે રીતે વિપક્ષની એકતા તૂટી રહી છે એને કારણે એનડીએ સરકાર ઉત્સાહમાં છે. મહિલા અનામત તેમજ સિમાંકન સિવાય જેલમાં જનાર પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, મંત્રી એ પદ છોડવા બાબતના બંધારણ સુધારણા બીલ પહેલેથી જ ચર્ચામાં છે. ૨૦૧૪માં થયેલા સત્તા પરિવર્તન પછી મોદી સરકારે છેલ્લા સત્રમાં પહેલી વખત મજબૂત વિપક્ષનો સામનો કરવો પડયો હતો. સંખ્યાબળ ઓછુ હોવાથી કેટલાક બીલો પસાર કરવામાં સરકારને નિષ્ફળતા મળી હતી.
ચોમાસા સત્રમાં સરકાર સાત બીલ લાવશે
૨૦મી જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસા સત્ર માટે સરકારે એજન્ડા નક્કી કરી દીધો છે. લોકસભામાં ૭ બીલ રજુ થવાના છે. આ બીલોમાં વંદેમાતરમના અપમાન અને વિદેશી દાનના કાયદામાં ફેરફાર જેવા બીલોનો સમાવેશ પણ થાય છે. યાદીમાં હજી સુધી બંધારણ સુધારણા બીલ, જેમ કે સિમાંકન કે મહિલા અનામત બીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ૧૩મી ઓગસ્ટ સુધી ચાલનારા ચોમાસા સત્રમાં કોંગ્રેસ સહિત બીજા વિરોધ પક્ષો નીટ, પેપર લીક, બીજી પરીક્ષામાં થયેલી ગરબડ, અયોધ્યા દાન વીવાદ, ઇ-૨૦ ઇંધણ અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓએ સરકારને ઘેરવાની તૈયારી કરી છે. ૨૫ દિવસો સુધી ચાલનારા સત્રમાં ૧૯ બેઠકો થશે. દિલ્હીના કર્તવ્ય ભવનમાં એનડીએના નેતાઓ ભેગા થયા હતા. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, શીવરાજ સિંહ ચૌહાણ અને લલનસિંહ જેવા બીજા કેટલાક નેતાઓએ રજુ થનારા બીલો વિશે ચર્ચા કરી હતી.
સંસદના નવા સત્રમાં કેટલાક મોટા નિર્ણયો થશે
કેન્દ્ર સરકાર ૧૮મી લોકસભાના ૮માં સત્રમાં કેટલાક અગત્યના બીલો લાવવાની તૈયારીમાં છે. આ સત્રમાં સરકાર નવા પાંચ બીલો લાવી શકે છે જ્યારે જૂના બે બીલો પર પણ ચર્ચા થવાની છે. આ તમામ બીલો ટેક્સ વ્યવસ્થા, ન્યાયતંત્ર, નાગરીકોની નોંધણી, રાષ્ટ્રીય સન્માન તેમ જ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સહીત બીજા કેટલાક અગત્યના ક્ષેત્રોને લગતા હશે. ઇન્કમટેક્સ સુધારા બીલ દ્વારા ટેક્સ સંબંધી જોગવાઈઓમાં ફેરફાર થવાની શક્યતા છે. સુપ્રિમ કોર્ટે સાથે જોડાયેલા બીલનો ઉદ્દેશ સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા બાબતને કાયદાકીય રૂપ આપવાનો છે. આ સિવાય જન્મ અને મૃત્યુ સુધારા બીલ ૨૦૨૬ પણ સરકારના એજન્ડામાં છે. આ બીલ દ્વારા જન્મ અને મૃત્યુથી સાથે જોડાયેલા રેકોર્ડ આધુનિક અને પારદર્શિત ડીજીટલ બનાવવામાં આવશે.
જંતર મંતર પર અવર જવર વધી
જંતર મંતર પર છેલ્લા ઘણા દિવસોથી આંદોલન કરી રહેલા કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો અને સોનમ વાંગચૂકની ખબર કાઢવા માટે ફિલ્મસ્ટારો અને નેતાઓ આવી રહ્યા છે. સોનમ વાંગચૂકની તબિયત માટે હાઇકોર્ટે ચિંતા દર્શાવ્યા પછી સપા સાંસદ ડિમ્પલ યાદવ, કોંગ્રેસ નેતા શશી થરૂર, આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સહિત પક્ષના નેતાઓ સોનમ વાંગચૂકને મળવા આવ્યા હતા. સંગીતકાર વિશાલ દદલાની, અભિનેતા સયાજી શિંદે, અભિનેતા અતુલ કુલકર્ણી અને લેખિકા શોભા ડે પણ આંદોલનસ્થળે આવ્યા હતા. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિષેક દિપકે જંતર મંતર પર રાહુલ ગાંધીને બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે કોંગ્રેસે સ્ટ્રેટજી પ્રમાણે રાહુલ ગાંધીએ આંદોલન સ્થળે જવાનું ટાળ્યું હતું. કોંગ્રેસ માને છે કે, પેપર લીક મુદ્દે આંદોલનની શરૂઆત કોંગ્રેસે કરી હતી અને હવે કોંગ્રેસે અભિષેક દિપકેને જશ આપવા માંગતી નથી.
૭૦ વર્ષથી ઉપરના કેદીઓ માટે સારા સમાચાર
સુપ્રિમ કોર્ટે દેશના તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપતા કહ્યું છે કે, ૭૦ વર્ષથી વધુ ઉંમરના, અસાધ્ય બિમારી કે ગંભીર બિમારીથી પીડિત, શારીરિક રૂપે અપંગ કેદીઓને માનવીય ધોરણે સમય પહેલા છોડી દેવા માટે ત્રણ મહિનાની અંદર એક સ્પષ્ટ નીતિ તૈયાર કરવી. જસ્ટીસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેચે આ હુકમ 'નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી' (એનએલએસએ) ની જાહેર હીતની અરજી પર કર્યો હતો. અરજી પ્રમાણે દેશભરના કેદીઓ માટે દયાને આધારે છોડી દેવા માટે એક સમાન દિશાનિર્દેશ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જેલોમાં વૃદ્ધો અને શારીરિક રૂપે નબળા કેદીઓની સંખ્યા સતત વધી રહી છે. ઘણા કેદીઓ ગંભીર બિમારીથી પીડાય છે જેમને જેલમાં યોગ્ય સારવાર મળતી નથી. આવા કેદીઓને જેલમાં રાખવા એ બંધારણના આર્ટિકલ ૧૪ અને આર્ટિકલ ૨૧નો ભંગ છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર બાબતે પણ આ યોગ્ય નથી.
'મહાપ્રભુ જગન્નાથ'ની રીલીઝ પરનો પ્રતિબંધ હટયો
સુપ્રિમ કોર્ટે એનીમેટેડ ફિલ્મ 'મહાપ્રેભુ જગન્નાથ'ની રીલીઝને મંજૂરી આપી દીધી છે. આ એનીમેટેડ ફિલ્મ ૨૮ જુલાઈ કે ત્યાર પછી દેશભરમાં રીલીઝ થઈ શકશે. સુપ્રિમ કોર્ટ ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ધાર્મિક તહેવાર વખતે તણાવ વધારવા માંગતી નહોતી. આ પહેલા ઓડીસા હાઇકોર્ટે ફિલ્મની રીલીઝ પર સ્ટે આપ્યો હતો. ફિલ્મના ટ્રલર અને ભગવાન જગન્નાથના ચિત્રણ બાબતે વિરોધ થયો હતો. કેટલાક સામાજીક અને ધાર્મિક સંગઠનોએ આરોપ લગાડયો હતો કે ફિલ્મમાં ભગવાન જગન્નાથ અને એમની સાથે જોડાયેલી પરંપરાઓનું ચિત્રણ ધાર્મિક માન્યતાઓથી વિપરીત છે. આ ફિલ્મ કરોડો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી શકે એમ છે. રથયાત્રાના તહેવાર દરમિયાન જો આ ફિલ્મ રીલીઝ કરવામાં આવતે તો કાયદાની પરિસ્થિતિ કથળી શકે એમ હતું.
દિલ્હી પોલીસ કમિશનર તરીકે સતીશ ગોલચાને દૂર કરાયા
કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લઈને દિલ્હીના પોલીસ કમિશનર પદેથી સતીશ ગોલચાને એકાએક દુર કર્યા છે. એમની જગ્યાએ અનુરાગ કુમારને નવા પોલીસ કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. અનુરાગ કુમાર પહેલા ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઇબીના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે હતા. એમને એપોઇટમેન્સ કમિટિ ઓફ કેબિનેટએ આઇબીમાંથી હટાવીને મૂળ કેડર એજીએએમયુટીમાં પરત મોકલ્યા હતા. એક દિવસ પછી જ એમને દિલ્હી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા. અનુરાગ કુમાર ૧૯૯૪ બેચના આઇપીએસ અધિકારી છે અને એમની કારકીર્દી દિલ્હી પોલીસથી જ શરૂ થઈ હતી. તેઓ દિલ્હીના કેટલાક જિલ્લાઓમાં ડીસીપી એટલે કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે કામ કરી ચૂક્યા છે. સતીશ ગોલચા ૨૦૨૭ના એપ્રિલ મહિનામાં નિવૃત્ત થવાના છે પરંતુ સમય પહેલા જ એમને પોસ્ટ પરથી દુર કરવામાં આવ્યા છે.