ઇથેનોલ બાબતે સરકારનું પીઆર અભિયાન નિષ્ફળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ સાથે 20 ટકા ઇથેનોલનું મિશ્રણ થઈ રહ્યું હોવાની વાત ઘણા સમયથી ચર્ચાય છે. હવે દેશમાં સોશ્યલ મીડિયા પર પ્રશ્ન પૂછાઈ રહ્યા છે કે, પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને કારણે વાહનોની એવરેજ ઓછી થઈ રહી છે. સરકાર એક તરફ એમ કહે છે કે ઇથેનોલનું પેટ્રોલમાં મિશ્રણ પ્રાયોગીક રીતે થઈ રહ્યું છે. સરકારના જવાબથી લોકોને સંતોષ નહી થતા હવે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પીઆર અભિયાન શરૂ કર્યું છે. દેશની વિવિધ યુટયુબ ચેનલોને તેઓ મુલાકાત આપીને પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વિશ્વ આખામાં થતું હોવાનું જણાવે છે. એમનો પ્રચાર છે કે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને કારણે ભારતના પર્યાવરણનો બચાવ થાય છે અને કાર્બનનું ઉત્સર્જન ઓછું થાય છે. જોકે કેન્દ્ર સરકારના આ પીઆર અભિયાનનો ખાસ ફાયદો થતો હોય એમ લાગતું નથી. લોકો પૂછી રહ્યા છે કે કોઈપણ પ્રકારના પૂરતા વૈજ્ઞાનિક પુરાવા વગર ઇથેનોલના ગુણ ગાવાનું જરૂરી શા માટે બન્યું છે. જો જાણે અંદરખાને એવુ ચર્ચાઇ રહ્યું છે કે ઇથેનોલ મુદ્દે નિતીન ગડકરી જેટલા બદનામ થાય તે નરેન્દ્ર મોદીના હિતમાં છે અને માટે જ ગડકરીના દિકરાને ઇથેનોલ બનાવવાના લાયસન્સની મંજુરી અપાઇ રહી છે.
રાહુલના ખાસ ચેન્ની કેમ નારાજ થયા
પંજાબ કોંગ્રેસમાં આંતરક કલહ ચરમસીમાએ છે. રાહુલ ગાંધીના ખાસ ગણાતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની રીસાઇને બેઠા છે. પંજાબ કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા છે. આ બાબતે જ્યારે પંજાબ ભાજપના નેતાઓને પૂછવામાં આવ્યું ત્યારે એમણે એવો જવાબ આપ્યો હતો કે ભાજપમાં બધાનું સ્વાગત છે. ભૂતકાળમાં જ્યારે પંજાબ કોંગ્રેસમાં વિવાદ થયો હતો ત્યારે રાહુલ ગાંધીએ ૨૦૨૧માં તત્કાલીન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું રાજીનામું લઈ લીધું હતું. ત્યાર પછી અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા હતા, પરંતુ એનાથી ભાજપને કોઈ ફાયદો થયો નહતો અને આજે અમરિંદર સિંહ ભૂલાઈ ગયા છે. અમરિંદર સિંહને બદલે રાહુલ ગાંધીએ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે આ ચન્ની જ રાહુલ ગાંધીને આંખો બતાવે છે.
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના નિર્ણયને હાઇકોર્ટે અટકાવ્યો
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે ૫૨ ફોજદારી કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. હાઇકોર્ટે આ નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ કેસોમાં ૨૦૨૨માં આલંદમાં થયેલા કોમવાદી હુલ્લડોનો કેસ પણ સામેલ છે. કોર્ટને લાગ્યું છે કે સરકારે આ કેસને પરત લેવાની કાર્યવાહીમાં કાયદાકીય નિયમોનું પાલન કર્યું નથી. આ કારણે હાઇકોર્ટે કેબિનેટના નિર્ણયને હવે પછીની સુનાવણી સુધી અટકાવી દીધો છે. આ નિર્ણય પછી રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટકરાવ ઉભો થયો છે. જે કેસો પરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એમાં ખેડૂતો, કન્નડ સંગઠનના કાર્યકર્તાઓ અને બીજા દેખાવકારો વિરુદ્ધ થયેલા કેસોનો સમાવેશ પણ થાય છે. હાઇકોર્ટે ગીરીશ ભારદ્વાજ વિરુદ્ધ કર્ણાટક સરકાર કેસમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, પહેલી નજરે એમ લાગે છે કે સરકારે સીઆરપીસીની કલમ ૩૨૧નો ઉપયોગ યોગ્ય રીતે નથી કર્યો.
રામ મંદિર વિવાદનું રાજકારણ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિરોધ પક્ષો અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરની દાણચોરીના વિવાદનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટી આ મુદ્દે યુટર્ન લેતી દેખાય છે. રામ મંદિર આંદોલન વખતે જ્યારે સમાજવાદી પાર્ટી સત્તામાં હતી ત્યારે કારસેવકો પર ગોળીબાર કરવાથી મોટો વિવાદ થયો હતો. આ પ્રસંગ પછી ભાજપએ રામ મંદિર આંદોલનને રાજકીય મુદ્દો બનાવ્યો હતો. હવે સમય બદલાયો છે. સમાજવાદી પાર્ટી ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર ચઢાવામાં થેયલી ગરબડ માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો મુદ્દો ઉમેરવાની છે. હવે સમાજવાદી પાર્ટી અયોધ્યાને સીયારામ ધામ તરીકે વિકસીત કરવાની જાહેરાત કરશે. મતલબ કે સમાજવાદી પાર્ટી હવે હિન્દુ મતદારોને ખુશ કરવા માટે સોફ્ટ હિન્દુત્વનો ઉપયોગ કરશે એમ લાગી રહ્યું છે.
ભાજપ પ્રમુખનું સંપૂર્ણ ધ્યાન ઉત્તર પ્રદેશ પર
ભાજપ પ્રમુખ બન્યા પછી નિતિન નવીન પહેલી વખત ઉત્તર પ્રદેશમાં બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. એમ મનાય છે કે, આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ખૂબ અગત્યની છે. ઉત્તર પ્રદેશમાં સરકાર અને સંગઠન વચ્ચે યોગ્ય સંકલન નહીં હોવાનું કહેવાય છે. નિતિન નવીન આ ખામી દુર કરવા માંગે છે. તેઓ જમીનીસ્તરે જાણવા માંગે છે કે સંગઠનમાં કઈ ખામીઓ છે. ચૂંટણી પહેલા પક્ષના કાર્યકરોને કઈ રીતે ઉત્સાહીત કરી શકાય તેમજ ચૂંટણીમાં કયા મુદ્દાઓને આવરી લેવા એનો નિર્ણય નિતિન નવીન કરશે. નિતિન નવીન જિલ્લા પ્રમુખો, શક્તિ કેન્દ્ર પ્રભારીઓ, પ્રદેશના સિનિયર અધિકારીઓ સહીત કોર ગુ્રપના નેતાઓને પણ મળશે. નિતિન નવીનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ હમણા જ પોતાની નવી ટીમ બનાવી છે અને રાજ્યમાં રામ મંદિર દાનચોરીનો વિવાદ ચરમસીમાએ છે.
દિલ્હીમાં વિશ્વભરના ટેક્સટાઇલ નિષ્ણાંતો ભેગા થશે
ભારતની વસ્ત્રપરંપરા હવે લૂમ્સ અને કપડા સુધી સિમિત નથી રહી, પરંતુ આધુનિક ટેક્નીક, નવીનતા અને વૈશ્વિક વેપારની નવી ઓળખ બની ચૂકી છે. હવે દિલ્હીમાં ૧૪ થી ૧૭ જુલાઈ સુધી અત્યાર સુધીનું સૌથી મોટુ ટેક્સટાઇલ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. ભારત મંડપમમાં આયોજીત 'ભારત ટેક્સ ૨૦૨૬'માં વિશ્વભરના ટેક્સટાઇલ નિષ્ણાંતો આવશે. આ આયોજન દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક વૈશ્વિક મંચ બની રહેશે. અહીં ખેતરમાંથી મળતા કુદરતી રેસાઓથી લઈને મશીનમાં તૈયાર થતા અને વિદેશી બજારોમાં નિકાસ થતા કપડા ઉદ્યોગના નમૂના જોવા મળશે. લગભગ ૧૬ લાખ સ્કવેર ફીટમાં ફેલાયેલા આ મેળામાં ૧,૬૦૦ થી વધુ સ્ટોલ હશે. ૭,૦૦૦ થી વધારે વૈશ્વિક ખરીદનાર, ૧.૩૦ લાખથી વધુ વેપારીઓ અને ૨૦ હજારથી વધુ ઉત્પાદકો પણ આ મેળામાં ભાગ લેશે.
પહેલીવાર ઇડીએ કબજે કરેલા વિમાનની હરાજી
દેશમાં પહેલી વખત ઇડીએ મની લોન્ડરીંગ કેસમાં કબજે કરેલા એક વિમાનની હરાજી કરી છે. હૈદ્રાબાદ ઝોનલ ઓફિસે હોકર ૮૦૦-એ વિમાનને ૩ કરોડ રૂપિયામાં વેચી દીધું છે. ૭૯૨ કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપી અમરદિપ કુમાર અને એની કંપની સાથે જોડાયેલા કેસોમાં આ વિમાન જપ્ત કરવામાં આવ્યું હતું. ઇડીનું કહેવું છે કે, હરાજીથી મળનારી રકમનો ઉપયોગ રોકાણકારોને ન્યાય આપવા કરવામાં આવશે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે જ્યારે કોઈ વિમાનની હરાજી કરવામાં આવી હોય. આ વિમાન ૭મી માર્ચ ૨૦૨૫ના રોજ ઇડીએ પાડેલા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આ વિમાન જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપીઓ સામે પીએમએલએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.









