35 વર્ષ પછી પણ રાહુલ માતાનુ દર્દ ભૂલ્યા નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : સોનિયા ગાંધીની આત્મકથા 'બિલોન્ગિંગઃ અ જર્ની ઓફ લવ'નું પ્રકાશન નવેમ્બર મહિનામાં થવાનું છે. આ પ્રસંગ માટે રાહુલ ગાંધીએ પોતાની માતાના સંઘર્ષ, સાહસ અને અંગત જીવન યાદ કરીને લાગણીશીલ સંદેશો લખ્યો છે. આત્મકથામાં સોનિયા ગાંધીનું બાળપણ, રાજીવ ગાંધી સાથે થેયલો પ્રેમ અને લગ્ન, ગાંધી પરિવારમાં પ્રવેશ, ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના મૃત્યુ, રાજકારણમાં આવવાના કારણો અને ૨૦૦૪માં વડાપ્રધાન પદ જતુ કરવા જેવા મહત્વપૂર્ણ પ્રસંગોનો સમાવેશ થાય છે.
આ પુસ્તક દ્વારા સોનિયા ગાંધી છ દસક દરમિયાન ભારતના સામાજીક અને આર્થિક ક્ષેત્રે થયેલા ફેરફાર બાબતે પોતાના અંગત અનુભવો જણાવશે. પુસ્કતકમાં રાજીવ ગાંધીની હત્યા બાબતે પણ લંબાણથી જણાવવામાં આવ્યું છે. અમેરિકી પ્રકાશક પેંગ્વીન રેન્ડમ હાઉસએ જાહેરાત કરી હતી કે આ પુસ્તક ૧૦ની નવેમ્બરે પ્રકાશિત થશે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે 'મા, મેં તમને અને પાપાને ૩૫ વર્ષ પહેલા સાથે જોયા હતા. પાપાના ગયા પછી મેં તમને જિંદગીનો સામનો કરતા જોયા છે.'
ચૂંટણી પહેલા ભાજપ - અકાલીદળ વચ્ચે ગઠબંધન શક્ય
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને શિરોમણી અકાલીદળ વચ્ચે ફરીથી ગઠબંધન બાબતે ચર્ચા થઈ રહી છે. અકાલીદળના નેતા અને બઠીદાના સાંસદ હરસીમરત કૌર બાદલના નિવેદનો પછી બંને પક્ષો સાથે આવે એવી શક્યતા વધી છે. સંઘરૂરમાં અકાલીદળના ભૂતપૂર્વ પ્રમુખ સંત હરચંદ સિંહ લોંગોવાલની વરસીના પ્રસંગે થયેલા કાર્યક્રમમાં હરસીમરત કૌર બાદલએ લોકોને સંબોધીત કર્યા હતા. એમણે કહ્યું હતું કે જો પહેલાની જેમ સમજૂતી થઈ શકે તો સ્કીલ્ડ યુનિવર્સિટીની માંગણી જેવા નાના કામો ઝડપથી થશે. દિલ્હીથી વિકાસના કામો પંજાબ સુધી પહોંચે એ જરૂરી છે. ગઠબંધન વિશે પૂછવામાં આવતા એમણે કહ્યું હતું કે આ બાબતે જાહેરાત કરવાનું કામ એમનું નથી. સમય આવશે ત્યારે જાણ કરવામાં આવશે. હમણા જ શિરોમણી અકાલીદળના પ્રમુખ સુખબીર સિંહ બાદલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
સિમાંકન બાબતે મુખ્યમંત્રી વિજય નરમ પડયા
કેન્દ્ર સરકાર કોઈપણ હિસાબે નવા સિમાંકનનું બીલ સંસદમાં પસાર કરાવવા માંગે છે. આ માટે સરકારને બેતૃત્યાંસ બહુમતીની જરૂર છે. અત્યાર સુધી આ બાબતે વિરોધ કરનાર તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયનો અભિપ્રાય હવે બદલાયો હોય એમ લાગે છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે રાત્રે ૧૧.૩૦ વાગ્યે વિજયએ કરેલી મુલાકાતની ચર્ચા પણ દિલ્હીમાં થઈ રહી છે. એમ મનાય છે કે અમિત શાહે વિજયને એવી દરખાસ્ત આપી છે કે, દક્ષિણના તમામ રાજ્યોની લોકસભા બેઠકો પણ ઉત્તરના રાજ્યો જેટલી જ વધારવામાં આવશે. બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી ડી કે શિવકુમાર પોતાના જુના નિર્ણયને વળગી રહ્યા છે. લોકસભાની હમણાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી વધવી જોઈએ નહીં એવો એમનો અભિપ્રાય છે.
'વિદ્યાર્થીઓ કરતા વધુ સુવિધાઓ તો નેતાઓના કૂતરાને મળે છે'
કોકરોચ જનતા પાર્ટીનું હવે પછીનું નિશાન મહારાષ્ટ્રના શિક્ષામંત્રી છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ મહારાષ્ટ્રની સ્કૂલો વિશે કહ્યુ હતું કે, સ્કૂલોની હાલત જોતા શિક્ષણમંત્રી દાદા ભૂસેએ રાજીનામું આપી દેવું જોઈએ. મહારાષ્ટ્રની સ્કૂલોમાં મૂળભૂત સુવિધાઓ પણ નથી. મહારાષ્ટ્રની સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ કરતા તો નેતાઓના કૂતરાઓને વધુ સુવિધા મળે છે. દિપકેએ ૨૦મી ઓગસ્ટે લાતુરની ઔસા જિલ્લામાં આવેલી ઉજાની ગામની સ્કૂલની મુલાકાત લીધી હતી. સીજેપી છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં 'સ્કૂલ સુધારો' અભિયાન ચલાવી રહી છે. સીજેપીના કાર્યકરો ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સ્કૂલોની હાલત લોકો સમક્ષ મૂકી રહ્યા છે. સ્કૂલોની આ હાલત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રીઓને જવાબદાર ગણવામાં આવે છે. કેન્દ્રમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મેળવ્યા પછી હવે દિપકેનો આત્મ વિશ્વાસ વધ્યો છે અને બીજા રાજ્યોના શિક્ષણ મંત્રીઓના રાજીનામા લેવાની તૈયારી કરે છે.
ગોપાલ મંડલ કોંગ્રેસમાં જોડાઈ શક્યા નહીં
જેડીયુના ભૂતપૂર્વ ધારાસભ્ય ગોપાલ મંડલ ૨૦મી ઓગસ્ટે કોંગ્રેસમાં જોડાવાના હતા. નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે તેઓ પટણા પહોંચ્યા હતા, પરંતુ સભ્ય બનવાનો કાર્યક્રમ રદ થઈ ગયો હતો.
મંડલે આ પાછળનું કારણ આપતા કહ્યું હતું કે, 'આજે (૨૦મી ઓગસ્ટે) હું પક્ષમાં જોડાવાનો હતો…. અમારા પોસ્ટરો પણ લાગી ગયા હતા. દિલ્હીમાં મે હાઇકમાન્ડ સાથે વાત કરી હતી તો મને કહેવામાં આવ્યું હતું કે આવતી કાલે જ પક્ષમાં જોડાઈ જાવ. જોકે આજે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતી હોવાથી કાર્યક્રમ લંબાઈ ગયો.' એક જમાનામાં નિતિશકુમારના વિશ્વાસુ ગણાતા ગોપાલ મંડલ હવે જેડીયુથી એટલા માટે નારાજ છે કે જેડીયુનો સંપૂર્ણ કંટ્રોલ ભાજપ પાસે આવી ગયો છે. નિતિશકુમારનું પક્ષમાં કંઈ ચાલતુ નથી.
સીટની ક્લીનચીટ પછી ચંપત રાયનો ધડાકો
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદીરના ચઢાવાની દાનચોરી મામલે એસઆઇટીએ ચંપત રાયને ક્લીનચીટ આપી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભૂતપૂર્વ મહામંત્રી ચંપત રાયએ મોટો ધડાકો કર્ર્યો છે. ચંપત રાયએ મંદિર નિર્માણ સમીતીના અધ્યક્ષ - ચેરમેન અને ભૂતપૂર્વ આઇએએસ અધિકારી નૃપેન્દ્ર મિશ્રા વિરુદ્ધ નવ પાનાનું નિવેદન જાહેર કર્યું છે અને કેટલાક ગંભીર સવાલો પૂછયા છે. ચંપત રાયનું કહેવું છે કે ૨૦૧૯માં સુપ્રિમ કોર્ટના ચુકાદા પછી અત્યાર સુધી મંદિર નિર્માણમાં જે કઈ થયું છે એ નૃપેન્દ્ર મિશ્રાની ઇચ્છા પ્રમાણે જ થયું છે. બીજી કોઈપણ વ્યક્તિનો નિર્ણય કે સલાહ માનવામાં આવતા નહોતા. બાંધકામ માટે એલએન્ડટીની પસંદગી તેમજ પ્રોજેક્ટ સલાહકાર તરીકે ટાટા (ટીસીઇ)ની પસંદગી પણ નૃપેન્દ્ર મિશ્રાએ જ કરી હતી. થયેલા વિવાદ માટે પણ નૃપેન્દ્ર મિશ્રા જ જવાબદાર છે.
એફઆઇઆર મામલે રાહુલ ગાંધી - ભાજપ આમને સામને
જંતર મંતર પર આંદોલન વખતે વિદ્યાર્થી સાહિલ લોચબને પેલેટ ગનથી ઘાયલ કરવાના આરોપ બાબતે રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી આજે સાહિલ સાથે સંસદ માર્ચ સ્થિત ડીસીપી ઓફિસે પહોંચ્યા હતા અને એફઆઇઆર નોંધવાની માંગણી કરી હતી. બીજી તરફ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદએ રાહુલ ગાંધીના પગલા વિશે સવાલો કર્યા હતા. સુપ્રિમ કોર્ટે બનાવેલી હાઇ પાવર્ડ કમીટીની તપાસ ચાલુ હોવાની વાત એમણે કરી હતી. ગોળી ચલાવવામાં આવી છે કે નહીં એનો નિર્ણય તપાસ પછી થવાનો જ છે. રાહુલ ગાંધીએ જોકે કહ્યું હતું કે, પ્રદર્શન વખતે પેલેટ ગન ચલાવવામાં આવી હતી કે નહીં એની સાબિતી સાહિલના શરીરમાં જ છે. સાહિલના શરીરમાં ૨૦૦થી વધુ પેલેટના નિશાન છે. અમારી માંગણી છે કે એફઆઇઆર દાખલ કરીને તપાસ કરનાર અધિકારીનું નામ જણાવવામાં આવે.




