Delhi ni Vaat

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ સમગ્ર વિપક્ષ એક સાથે

By GS Team
24 Sep 20265 mins read
TukuTouch Logo
ચૂંટણી કમિશનમાં મતભેદોના અહેવાલોથી વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર પ્રહારો તેજ કર્યા છે. NCP (શરદ પવાર) એ તાત્કાલિક સર્વપક્ષીય બેઠકની માંગ કરી છે. મેઘાલયના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા. TMC થી અલગ થયેલા સાંસદોએ 'નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI) બનાવી છે, જેમાં યુસુફ પઠાણ ઉપાધ્યક્ષ બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ સમગ્ર વિપક્ષ એક સાથે

નવીદિલ્હી : ચૂંટણી કમિશનમાં કહેવાતા મતભેદોના સમાચાર બહાર આવ્યા પછી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ઉપર વિરોધ પક્ષોએ હુમલો તેજ કર્યો છે. એનસીપી (શરદ પવાર)એ આ બાબતે તાત્કાલીક સર્વ પક્ષીય બેઠક બોલાવવાની માંગણી કરી છે. પક્ષના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું છે કે આ ફક્ત કોઈ એક રાજકીય પક્ષનો મુદ્દો નથી. દેશના દરેક નાગરીકના બંધારણીય હકો સાથે જોડાયેલો મામલો છે. સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સામ્યવાદી પક્ષ અને બીજા વિરોધપક્ષના નેતાઓએ પણ ચૂંટણી કમિશનની કાર્યપદ્ધતિ અને એસઆઇઆર બાબતે પ્રશ્નો કર્યા છે. સુપ્રિયા સુલેએ કહ્યું છે કે, ચૂંટણી કમિશનમાં મતભેદોના સમાચાર ખૂબ જ ગંભીર છે અને આ બાબતે તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને ચર્ચા કરવી જોઈએ. જો વ્યવસ્થા જ નબળી પડે તો દેશમાં કોના પર ભરોસો મૂકી શકાય.
રાજ્યસભાના ઉમેદવાર યુપીની ચૂંટણી ધ્યાનમાં રાખીને નક્કી થશે
રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આગલી વખતની જેમ આ વખતે પણ ભાજપના ૮ સભ્યો રાજ્યસભામાં જઈ શકે છે. સવાલ એ છે કે ભાજપ કોને રાજ્યસભામાં મોકલવા માંગે છે. એમ મનાય છે કે આગલા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી થશે. કેન્દ્ર સરકારના મંત્રી તેમજ બીજા કેટલાક નામ રીપીટ થઈ શકે છે. જાતિગત સમીકરણ સાચવવા માટે કેટલાક નવા ચહેરાને પણ મોકો મળશે. ધારાસભ્યોની સંખ્યાને આધારે ભાજપ ૭ બેઠકો જીતી શકે છે. બીજા સાથીપક્ષોની મદદ લઈને અને કાવાદાવા કરીને ૮મી બેઠક પણ ભાજપ જીતી શકે છે. ડો. દિનેશ શર્મા આંદમાન-નીકોબારના ઉપરાજ્યપાલ બન્યા છે. એમની બેઠક ખાલી થઈ રહી છે. સીમા દ્રિવેદીની બેઠક પણ ખાલી થશે. હમણા જ રાષ્ટ્રીય મહામંત્રી બનેલા હરીશ દ્વિવેદી મજબૂત દાવેદાર છે. અર્ચના મિશ્રાની દાવેદારી પણ ચર્ચાઈ રહી છે. આ ત્રણમાંથી કોઈ એક બ્રાહ્મણને રાજ્યસભામાં મોકલવામાં આવશે.
મેઘાલયના ૮ ધારાસભ્યો યુડીપી છોડી ભાજપમાં જોડાયા
કેન્દ્રીય મંત્રી કિરેણ રીજીજુ અને ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રાની હાજરીમાં મેઘાલયના ૮ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. થોડા દિવસો પહેલા આ તમામ ૮ ધારાસભ્યોએ અમિત શાહ સાથે મીટીંગ કરી હતી. અમિત શાહે એમને ૨૦૨૮ની ચૂંટણી પહેલા મેઘાલયમાં કોલસા ખનન, ખાસી ભાષાને દરજ્જો આપવા જેવા સ્થાનીક મુદ્દાઓ પર કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. ભાજપમાં જોડાયેલા લખમેન રીમુઇ ૨૮ વર્ષના છે. તેઓ ૩ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ૨૦૧૮માં તેઓ મેઘાલય સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. પીયુષ મહજ ૩૫ વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. તેઓ ૨ વખત ધારાસભ્ય રહ્યા છે. કીરમેન શ્યલ્લા ૩૮ વર્ષના છે. તેઓ ૨ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ રાજ્ય સરકારમાં મંત્રી પણ હતા. મેથ્યુ કુરબાહ પહેલી વખત ધારાસભ્ય બન્યા છે. યુડીપી મેઘાલયની સ્થાનિક પાર્ટી છે. હવે ભાજપ મેઘાલયમાં બીજા નંબરનો સૌથી મોટો પક્ષ બન્યો છે.
યુસુફ પઠાણ એનસીપીઆઇના ઉપાધ્યક્ષ બન્યા
ટીએમસીથી અલગ થયેલા સાંસદોએ 'નેશનાલિસ્ટ સીટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (એનસીપીઆઇ) બનાવી છે. પક્ષે પોતાના રાષ્ટ્રીય પદાધિકારીઓની નિમણૂક કરી છે. જ્યોતિ પ્રકાશ ચેટર્જી અધ્યક્ષ બન્યા છે જ્યારે યુસુફ પઠાણને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. યુસુફ પઠાણની સાથે અબુતાહીર ખાન, દીપક અધિકારી દેવ, જગદીશ ચંદ્ર વર્મા બસુનીયા, રચના બેનર્જી અને ચંદ્રીમાં પાંજાને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જાહેર થયેલી યાદીમાં ૬ વાઇસ પ્રેસીડન્ટ, ૬ જનરલ સેક્રેટરી, ૧૨ સેક્રેટરી, ૧ ટ્રેઝરર અને ૧ જોઇન્ટ ટ્રેઝરરનો સમાવેશ થાય છે. મમતા બેનર્જીને વફાદાર રહેવાના સોંગધ ખાનાર યુસુફ પઠાણ હવે એકાએક પક્ષના સિનિયર પદાધિકારી બની ગયા છે. એનસીપીઆઇ માટે મજબૂત સંગઠન બનાવવું જરૂરી બની ગયું હતું.
શેખ અબ્દુલ્લાની જયંતી પર રજા જાહેર કરવા માંગ
જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. શાસક પક્ષ નેશનલ કોન્ફરન્સએ વિધાનસભામાં મોટી માંગણી મૂકી છે. નેશનલ કોંગ્રેસે કહ્યું છે કે પક્ષના સ્થાપક શેખ મોહમદ અબ્દુલ્લાની જયંતી પર એક જમાનામાં સાર્વજનિક રજા રાખવામાં આવતી હતી એ ફરીથી શરૂ કરવામાં આવે. નેશનલ કોન્ફરન્સના નેતાઓનું કહેવું છે કે શેખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર માટે ઘણો ભોગ આપ્યો હતો. નેશનલ કોન્ફરન્સના નેતા મુબારક ગુલનું કહેવું છે કે એમની જયંતીને દિવસે રજા જાહેર કરીને એમને શ્રદ્ધાંજલી આપવી જોઈએ. નેશનલ કોન્ફરન્સના સભ્યોએ ગૃહમાં કહ્યું હતું કે આધુનિક જમ્મુ-કાશ્મીર બનાવવામાં શેખ અબ્દુલ્લાનો મોટો ફાળો છે. ૧૩ જુલાઇનો શહીદ દિવસ અને ૫ ડિસેમ્બરનો શેર-એ-કાશ્મીર શેખ મોહમદ અબ્દુલ્લાની જયંતીને સત્તાવાર રજાની યાદીમાંથી દુર કરવામાં આવી હતી. આ માંગણીને પીડીપીએ પણ સમર્થન આપ્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિને કારણે શેખને તાત્કાલીન વડાપ્રધાન જવાહર લાલ નહેરૂએ જેલ ભેગા કર્યા હતા.
તૃણમુલમાં વિભાજન પછી બંગાળ ચૂંટણીના સમીકરણ બદલાયા
બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર છઠ્ઠી ઓક્ટોબરે થનારી પેટા ચૂંટણી પર બધાની નજર છે. તૃણમુલ કોંગ્રેસના વિભાજન પછી વિરોધપક્ષના રાજકારણમાં બદલાયેલા સમીકરણની પરીક્ષા થશે. એક તરફ મમતા તૃણમુલ અને અરૂપ રાયના નેતૃત્વવાળુ જૂથ પોતાને તૃણમુલના વારસદાર હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને સામ્યવાદીઓ તૃણમુલના નબળા પડેલા જનાધાર વચ્ચે પોતાની જગ્યા બનાવવાની કોશિષ કરે છે. નંદીગ્રામમાં મમતા તૃણમુલના ઉમેદવાર સંચીતા પ્રધાન ડે એ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ત્યાર પછી મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવાર મીલન પ્રધાનને સમર્થન આપ્યું છે. જોકે આંદોલન સાથે સંકળાયેલા એક કેસમાં મીલન પ્રધાનની ધરપકડ થઈ છે. બીજી તરફ અરૂપ રાયના જૂથે ડેમોક્રેટીક તૃણમુલ કોંગ્રેસના મોહમદ એતેશામૂલ હક્કને ઉમેદવાર બનાવ્યા છે.
કેતનની હત્યા પછી સીયાએ ચેટજીપીટી પર શું સર્ચ કર્યું હતું
પુણેની સીયા ગોએલ પર એના મંગેતર કેતન અગ્રવાલની હત્યાનો આરોપ છે. પોલીસે આ કેસમાં ૫,૦૫૩ પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટ પ્રમાણે ૨૦૨૬ની ૧૮મી જૂને કેતનને લોહાગઢ કિલ્લા પર લઈ જઈને ત્યાંથી ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો હતો. હત્યા પછી કેતનના પરીવાર સમક્ષ સીયાએ દુઃખી દેખાવાની જરૂર હતી. સીયાએ આ માટે ઓનલાઇન પર એ જાણવાની કોશિષ કરી હતી કે દુઃખ કઈ રીતે વ્યક્ત કરવામં આવે છે અને વધુ દુઃખી કઈ રીતે દેખાવું. આ સર્ચની જાણકારી ડીજીટલ સાબીતીઓની તપાસ દરમિયાન જાણવા મળી હતી. કેતનના મૃત્યુ પછી સીયાએ ચેટજીપીટી અને બીજા ઓનલાઇન ોત દ્વારા શોધવાની કોશીષ કરી હતી કે કુટુંબ સામે આવે ત્યારે કેવા પ્રકારનો વ્યવહાર કરવો અને ડરને કઈ રીતે દુર રાખવો.