ઇડીના અધિકારીઓએ કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : એક જમાનામાં જેમ ઇન્કમટેક્સ વિભાગ કે સીબીઆઇનો ઉપયોગ વિરોધીઓને ડરાવવા માટે થતો હતો, એમ આજકાલ રાજકીય વિરોધીઓને ટાર્ગેટ કરવા માટે ઇડીનો ઉપયોગ થાય છે. ઇડી વિશેની વાતો સંભળીને સામાન્ય માણસ પણ ઇડીના નામથી ફફડે છે. આ ડરનો ઉપયોગ ઇડીના કેટલાક અધિકારીઓ પણ બેફામ બનીને કરતા રહે છે. જોકે ક્યારેક ઇડીના અધિકારીઓનો પગ કુંડાળામાં પડી જાય ત્યારે જોવા જેવી થાય છે. મુંબઈ પોલીસે ઇડીના બે અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઇડીના આ અધિકારીઓએ એક વેપારીને મનીલોન્ડરીંગની તપાસ કરીને ફીટ કરવા ધમકી આપી હતી. એમની પાસે ૨.૭૫ કરોડ રૂપિયાની વસૂલી પણ કરવામાં આવી હતી. આ બંને અધિકારીઓ ઇડીની જયપુર ઓફિસમાં ફરજ બજાવતા હતા. આસિસ્ટન્ટ ડાયરેક્ટર મોહિત ગર્ગ અને એનફોર્સમેન્ટ ઓફિસર દેવેન્દ્ર કુમાર ગુપ્તા સામે બીજી પણ ફરિયાદ થવાની શક્યતા છે.
મિલન પ્રધાનની ધરપકડ મામલે રાહુલ - ઋતબ્રત વચ્ચે મૌખીક જંગ
પશ્ચિમ બંગાળમા પૂર્વ મીદનાપુર જિલ્લાના નંદીગ્રામ વિધાનસભા મતક્ષેત્રમાં પેટા ચૂંટણી થઈ રહી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ટીએમસીના ઉમેદવાર હટી ગયા હતા. હવે કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને તૃણમુલ કોંગ્રેસના બળવાખોર જૂથનું નેતૃત્વ કરતા ઋતબ્રત બેનર્જી વચ્ચે સોશ્યલ મીડિયા પર જંગ છેડાઈ ગયો છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમુલ કોંગ્રેસના ભૂતપૂર્વ ઉમેદવાર સંચીતા દે પ્રધાન પહેલા નંદીગ્રામ પેટા ચૂંટણીમાં ઉમેદવાર હતા. નવાઈની વાત એ છે કે, સંચીતા દે પ્રધાનએ નામાંકન પાછુ ખેંચ્યા પછી કોંગ્રેસના ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ આ બાબતે પ્રધાનની ધરપકડને રાજકીય બદલો અને લોકશાહીની હત્યા ગણાવી હતી. એની સામે ઋતબ્રતએ પલટવાર કરીને કહ્યું હતું કે, કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે.
કોંગ્રેસમાં પરત ફરવાની અટકળો વચ્ચે અદિતી સિંહ યોગીને મળ્યા
રાય બરેલી સદરથી ભાજપના ધારાસભ્ય અદિતી સિંહ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. આમ તો ચૂંટાયેલા ધારાસભ્ય મુખ્યમંત્રીને મળે એ બહુ નવાઈ લાગવા જેવી વાત નથી, પરંતુ અદિતી સિંહ યોગી આદિત્યનાથ સાથે હસીહસીને વાત કરતા હતા એવી તસવીર જાહેર થઈ ત્યારે કેટલાકને નવાઈ લાગી હતી. કારણ એ હતું કે અદિતી સિંહ કોંગ્રેસમાં પરત ફરવાના છે એવી વાત ઘણા દિવસથી ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭માં છે. ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે ભાજપથી નારાજ અદિતી સિંહ પક્ષ છોડીને કોંગ્રેસમાં જઈ શકે છે. ભાજપમાં અદિતી સિંહને ખાસ મહત્વ મળતું નથી. સોશ્યલ મીડિયામાં પણ આ વાત ખૂબ ચગી હતી. મુખ્યમંત્રી અને અદિતી સિંહના ફોટોગ્રાફ્સ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સોશ્યલ મીડિયા એક્સ પર મૂકવામાં આવ્યા હતા.
હાઇકોર્ટના રીટાયર્ડ જજે પીએમ કેર ફંડમાં કરોડ રૂપિયા આપવાથી ચકચાર
ન્યાયતંત્રના ઇતિહાસમાં પહેલી વખત આવુ બન્યુ છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટના જસ્ટીસ અવિનીદ્ર કુમાર સિંહએ પોતાની રીટાયર્ડમેન્ટને દિવસે, મળનારી પીએફની રકમ પીએમ કેર ફંડમાં આપી દીધી છે. આ રકમ નાની નહોતી, પરંતુ ૧ કરોડ જેટલી હોવાથી ન્યાયતંત્રમાં ચર્ચા થઈ રહી છે. નિવૃત્તીના દિવસે વિદાય સમારંભમાં બોલતી વખતે જસ્ટીસ સિંહ લાગણીશીલ થઈ ગયા હતા. એમણે બે મુખ્ય નિર્ણયો જાહેર કર્યા હતા. પહેલી જાહેરાત એ હતી કે એમને પીએફ ફંડમાંથી મળનારા ૧ કરોડ રૂપિયા તેઓ પીએમ કેર ફંડમાં આપી દેશે. બીજી જાહેરાત એ હતી કે એમના પત્ની મૃત્યુ પછી અંગદાન કરશે. જસ્ટીસ સિંહે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે એમની કારકીર્દી ૩૭ વર્ષની રહી છે. ન્યાયાધીશોના વર્તુળમાં જસ્ટીસ સિંહની ઇમેજ હકારાત્મક છે.
જેપીસીની બેઠકમાં ઓમ બીરલાએ બે આમંત્રીત સાંસદોને કેમ બોલાવ્યા
વિવાદાસ્પદ એફસીઆરએ સુધારા બીલ ૨૦૨૬ની તપાસ કરી રહેલી જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી (જેપીસી)ની પહેલી બેઠક પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાએ રાજ્યસભાના બે સભ્યોને 'વિશેષ આમંત્રીત સભ્ય' તરીકે નિમંત્રણ આપ્યું છે. પહેલી વખત એવું બન્યું છે કે જેપીસીની પહેલી બેઠક પહેલા બે ખાસ આમંત્રીત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હોય. જાવેદ અલી ખાન અને જેમ્સ પાંગસાંગ કોંગકલ સંગમાંને જેપીસીમાં આમંત્રીત સભ્યો તરીકે બોલાવવામાં આવ્યા છે. જાવેદ અલી ખાન સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે. સંગમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના સાસંદ છે. જેપીસીની પહેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયના પ્રતિનિધિ સમીતીના સભ્યોને બીલ સંદર્ભે જાણકારી આપશે. અગાઉ આ બીલ લોકસભામાં લાવવાનું નક્કી થયું હતું, પરંતુ ત્યાર પછી બીલને જેપીસી પાસે મોકલી આપવામાં આવ્યું હતું. કેરળ વિધાનસભા પહેલા આ બીલ લોકસભામાં લાવવામાં આવતે તો વિવાદ થવાની શક્યતા હતી
પુર્ણ રાજ્યનો દરજ્જો અને લદ્દાખ
લદ્દાખમાં ફરીથી પુર્ણ રાજ્યના દરજ્જા માટેની માંગણી જોર પકડી રહી છે. કેન્દ્ર સરકાર અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત સફળ થઈ શકી નથી. વાતચીત નિષ્ફળ ગયા પછી સોનમ વાંગચૂકે કહ્યું હતું કે હવે ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે પદયાત્રા કાઢવામાં આવશે. ઘણાને નવાઈ લાગે છે કે કેન્દ્રશાસિત પ્રદેશને જો સંપુર્ણ રાજ્યનો દરજ્જો મળે તો કેવા ફેરફાર થઈ શકે? પુર્ણ રાજ્યનો દરજ્જાનો અર્થ થાય છે એક સ્વતંત્ર રાજ્ય. જે પોતે નિર્ણયો લેવા સ્વતંત્ર છે. પુર્ણ રાજ્ય ક્ષેત્રોમાં વિધાનસભા હોય છે, મુખ્યમંત્રી તેમજ મંત્રી પરિષદ ચૂંટવાનો અધિકાર લોકોને હોય છે. કેન્દ્ર સરકારથી અલગ પોતાના કાયદા બનાવવાનો અધિકાર પણ રાજ્ય સરકાર પાસે હોય છે. લદ્દાખમાં હમણા કોઈ વિધાનસભા નથી.
'કોર્ટોના ચુકાદા ટીકા અને તપાસથી ઉપર નથી'
દેશના ચીફ જસ્ટીસ સુર્યકાંતએ અગત્યની વાત કરી છે.
એમણે કહ્યું છે કે, કોર્ટો ખુદ પોતાને તપાસ અને સુધારાની ઉપર રાખીને લોકોનો વિશ્વાસ જીતી શકે નહીં. કોર્ટોએ પોતાને તપાસથી ઉપર રાખવી જોઈએ નહીં. કોર્ટોએ પણ સુધારા માટે ટીકાની તૈયારી રાખવી જોઈએ. જોકે હમણા જ એનસીઇઆરટીના એક પુસ્તકમાં છપાયેલા એક પ્રકરણને કારણે સુપ્રિમ કોર્ટે સુઓમોટો કરીને પ્રકરણ રદ કરાવ્યું હતું. એમ લાગે છે કે સીજેઆઇ સુર્યકાંત આ કિસ્સા માટે જ ટીપ્પણી કરી રહ્યા હતા. સીજેઆઇનું એમ પણ કહેવું હતું કે, કામકાજમાં પારદર્શિતાનો મતલબ એ નથી થતો કે, ખુલ્લી કોર્ટો અને સાર્વજનિક સુનાવણી. ચૂકાદા માટેના કારણોની પણ તપાસ થઈ શકે છે. જેમના વિરુદ્ધ ચૂકાદો આવે છે એમને જાણવાનો સંપૂર્ણ હક છે કે ચૂકાદો કયા કારણોને લઈને આપવામાં આવ્યો છે.




