Delhi ni Vaat

રાહુલ ગાંધીના નિવાસસ્થાને દિવાળી પાર્ટી, જૂનિયર ગાંધીઓનો દબદબો

By GS Team
7 Nov 20265 mins read
TukuTouch Logo
નવીદિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસે દિવાળી પાર્ટી યોજી. પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા, તેમના પુત્ર રેહાન અને તેની મંગેતર અવિવા બેગ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. રાહુલ ગાંધી કુર્તા-પાયજામામાં જોવા મળ્યા. સોનિયા ગાંધીએ કટોકટી માટે સંજય ગાંધીને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે, રાજીવ ગાંધી તેના વિરોધમાં હતા અને સંજયે ઇન્દિરા ગાંધીને ગેરમાર્ગે દોર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધીના નિવાસસ્થાને દિવાળી પાર્ટી, જૂનિયર ગાંધીઓનો દબદબો

નવીદિલ્હી : રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કોંગ્રેસના દરેક મુખ્યમંત્રીઓ, સાંસદો અને સિનિયર નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમાં પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા છવાઈ ગયા હતા. પ્રિયંકા ગાંધી પોતાના પુત્ર રેહાન વાડ્રા અને એમની મગેતર અવિવા બેગ સાથે નજરે આવ્યા હતા. અવિવા બેગ ફોટોગ્રાફર છે. ૨૦૨૫માં રેહાન અને અવિવાની સગાઈ થઈ હતી. સગાઈ રણથંભોરમાં ખુબ જ સાદાઈથી કરવામાં આવી હતી. રાહુલ ગાંધી પોતાના કાયમી ટીર્શર્ટને બદલે કુર્તા પાયજામામાં નજર આવ્યા હતા. કોંગ્રેસના સિનિયર નેતાઓ પ્રિયંકા ગાંધીના પુત્ર તેમજ પુત્રી સાથે પોતાની ઓળખાણ આપવા માટે પડાપડી કરતા હતા. કોંગ્રેસના અતિ પીઢ નેતાઓ જેવા કે દિગ્વીજય સિંહ અને અશોક ગેહલોત ખાસ રેહાન વાડ્રા સાથે સંબંધ બનાવવાની કોશિષ કરતા દેખાયા હતા.
કટોકટી માટે સોનિયા ગાંધીએ સંજય ગાંધીને જવાબદાર ગણાવ્યા
કોંગ્રેસ સંસદીય પક્ષના પ્રમુખ સોનિયા ગાંધીએ કટોકટી માટે ઇન્દિરા ગાંધીનો બચાવ કર્યો છે. એક મુલાકાતમાં એમણે કહ્યું છે કે, રાજીવ ગાંધી કટોકટીના સંપૂર્ણ વિરોધમાં હતા જોકે સંજય ગાંધીએ ઇન્દિરા ગાંધીને એવું ઠસાવ્યું હતું કે જો કટોકટી લાગુ કરવામાં નહીં આવે તો વિરોધ પક્ષો હાવી થઈ જશે. કટોકટી લાગુ કરવાના વિરોધાભાસને કારણે એ વખતે ગાંધી કુટુંબમાં ભેદભાવ પણ થયા હતા. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, 'ઇમરજન્સી પછી મને ખબર પડી કે એ વખતે ખરખેર શું થયું હતું. જોકે કટોકટી દરમિયાન જે કઈ થયું એ બધું બંધારણીય રીતે કરવામાં આવ્યું હતું. જો સંજય ગાંધીને કાબુમાં રાખવામાં આવ્યા હોતે તો આટલું મોટુ નુકસાન અટકાવી શકાતે.'
પહેલા અમિત શાહ સાથે મુલાકાત, પછી શરદ પવાર સાથે ગુફ્તગુ
એનસીપી (અજીત પવાર) બે જૂથમાં વહેંચાયેલું નજરે પડે છે. એક તરફ મરહુમ અજીત પવારના પત્ની સુનેત્રા પવાર છે જ્યારે બીજી તરફ પ્રફુલ પટેલ અને છગન ભૂજબળનું જૂથ છે. પ્રફુલ પટેલનું જૂથ અમિત શાહને મળ્યું ત્યારે એવી વાતચીત ચાલી હતી કે, એમના જૂથને રાજ્ય સરકારમાં મહત્વના હોદ્દા આપવામાં આવે.
જોકે સૂનેત્રા પવારએ ત્યાર પછી એનસીપી (અજીત પવાર)ના તમામ ધારાસભ્યોને બોલાવીને મીટીંગ કરી મામલો ઠંડો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવાર બીમાર પડયા અને હોસ્પિટલમાં દાખલ થયા. હોસ્પિટલમાં એમને મળવા માટે સૌથી પહેલા પ્રફુલ પટેલ પહોંચ્યા હતા. પ્રફુલ પટેલ અને શરદ પવાર વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો લીક કરવામાં આવ્યો હતો. આ વાતચીત સાંભળીને એવું લાગે કે એનસીપીના બંને ઘટકો ફરીથી એક થવા જઈ રહ્યા છે. એમ મનાય છે કે જો સુનેત્રા પવાર ઝડપથી એમના વિરોધી જૂથને સંભાળી નહીં લે તો, વિરોધી જૂથના ધારાસભ્યો ભાજપ નહીં તો એનસીપી (શરદ પવાર) સાથે જઈ શકે એમ છે.
વસ્તી ગણતરી પહેલા બેવડી ગણતરીની શંકા દુર કરવાની તૈયારી
વસ્તી ગણતરીના બીજા તબક્કા પહેલા વસ્તી ગણતરીના બ્લોકોની ભૌગોલીક સરહદો ઠીકઠાક કરવામાં આવશે. પહેલા ચરણમાં રહી ગયેલા રહેવાસી વિસ્તારોને ઓળખીને વ્યવસ્થિત કરવામાં આવશે. કોઈ ગામ, વસ્તી, મકાન કે રહેઠાણના વિસ્તારો છૂટી જવા અથવા તો બે વખત એમની ગણના થવાની શંકા દુર કરવામાં આવશે. દેશમાં લગભગ ૨૪.૨૫ લાખ મકાનની યાદીના બ્લોકોનું ડીજીટીકરણ પુરુ થયું છે.
ભારતના રજીસ્ટાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનની ઓફિસએ તમામ વસ્તી ગણતરી કરનાર અધિકારીઓને કહ્યું છે કે આ કામ ૨૫મી નવેમ્બર પહેલા પુરુ કરે. વસ્તી ગણતરી કરનાર અધિકારીઓ સામે સૌથી મોટો પડકાર બ્લોકોમાં હમણાની વિસંગતીઓ દુર કરવાનો છે. કેટલાક સ્થળે નજીકના બે મકાનોની યાદી તેમજ બ્લોકોની સરહદો એક બીજાને ઓવરલેપ કરે છે આ કારણે એક જ વિસ્તારમાં બે વખત ગણતરી થવાની શંકા છે.
'ઇ-૨૦ બન્યુ ૪૨૦' ઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલમાં ઇથેનોલની માત્રા બાબતે કેન્દ્ર સરકારને ભીસમા લીધી છે. એમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને આક્ષેપ કર્યો છે કે, દેશમાં પેટ્રોલના નામે લોકોને નક્કી કરેલી માત્રા કરતા વધુ ઇથેનોલ આપવામાં આવે છે. એમણે આને 'ઇ-૨૦ બન્યુ ૪૨૦' ગણાવીને કહ્યું છે કે આને કારણે સામાન્ય માણસને મોટુ નુકસાન થાય છે. મોદી સરકાર પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મેળવવાની વાત કરે છે પરંતુ હકીકત કંઈક બીજી જ છે.
કર્ણાટક સરકારે ૭ જિલ્લામાં પેટ્રોલના નમૂના લઈને પ્રયોગશાળામાં તપાસ કરાવી ત્યારે ખબર પડી હતી કે, પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ ૨૬ થી ૩૧ ટકા જેટલું હતું. આઇઓસીએલ, એચપીસીએલ, ડીટીસીએલ, નાયરા અને સેલ જેવી સરકારી અને ખાનગી કંપનીઓના પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
કેરલમ કિસ્સો, અભિનેતાઓ પર આક્ષેપ કરનાર ડોક્ટર ભાગી ગયો
કેરલમમાં એક વિચિત્ર ઘટના બની છે. શારીરિક શોષણના કેસમાં આરોપી ડોક્ટર પર ઘણી મહિલાઓએ આક્ષેપ કર્યા છે. આ ડોક્ટરે પહેલા મલિયાલમ અભિનેતા અતુલિયા ચંદ્રન અને બીબીન પેરમપલ્લી પર માર મારવાનો અને લૂટી લેવાનો આરોપ મૂક્યો હતો. જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે ડો. જેન્સન વર્ગીસના બે મોબાઇલ ફોનની તપાસમાં ઘણી મહિલાઓ સાથે એમની અંગત પળોના વીડિયો અને ફોટોગ્રાફસ મળ્યા છે. વર્ગીસ સામે શારીરિક શોષણનો કેસ દાખલ થયા પછી તેઓ ફરાર થઈ ગયા છે. મોબાઇલ ફોન પરથી મળી આવેલા ડિજિટલ પુરાવાઓના આધારે પોલીસે વધુ તપાસ કરવાનું નક્કી કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે વીડિયો અને ફોટોગ્રાફસમાં દેખાતી મહિલાઓ જો આગળ આવીને ફરિયાદ કરે તો આ મામલામાં બીજો કેસ પણ દાખલ કરવામાં આવશે.
પાકિસ્તાને ભગવંત માનને ખાસ આમંત્રણ આપ્યું
પાકિસ્તાને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને વિઝા આપવાની ઓફર કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભગવંત માનને વિઝા આપવા બાબતે વિચાર કરવા તૈયાર છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા સજ્જાદ હૈદરએ મીડિયાને આ વાત કહી હતી. ભગવંત માને હમણા જ કહ્યું હતું કે એમને આ મહિનાના અંતમાં વિશ્વ પંજાબી સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સંમેલન લાહોરમાં યોજાવાનું છે. જોકે ભારત સરકાર માનને પાકિસ્તાન જવાની સહમતી આપે કે નહીં એ અલગ સવાલ છે. ભગવંત માનએ પંજાબ વિધાનસભામાં પાકિસ્તાનના આમંત્રણ વિશે વાત કરી હતી. એમણે પાકિસ્તાન જવાની પરવાનગી બાબતે કેન્દ્ર સરકારને ટોણો પણ માર્યો હતો અને કહ્યું હતું કે, 'તેઓ મને જાપાન કે ફ્રાન્સ જવા દેતા નથી તો પાકિસ્તાન કઈ રીતે જવા દેશે?'