Delhi ni Vaat

બાબા રામદેવએ પાટલી બદલી?

By GS Team
18 Aug 20265 mins read
TukuTouch Logo
બાબા રામદેવે નવીદિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા દેશમાં વધતા ગોટાળા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી, જોકે બાદમાં બાળકોને શિક્ષણ પર ધ્યાન આપવા જણાવ્યું. બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પુનાવાલાએ પક્ષના કેટલાક ટોચના નેતાઓથી નારાજ થઈને રાજીનામું આપ્યું. કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારનું આરએસએસ પ્રત્યેનું વલણ બદલાયું છે, તેઓ હવે પ્રતિબંધની વિરુદ્ધમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાબા રામદેવએ પાટલી બદલી?

નવીદિલ્હી : બાબા રામદેવની આર્થિક સફળતા પાછળ ભાજપની મદદ જવાબદાર છે. ઉત્તરાખંડમાં જ્યારે ભાજપની સરકાર હોય છે ત્યારે એમને જમીનની લહાણી સિવાય બીજી મદદ પણ કરવામાં આવે છે. બાબા રામદેવ જાણીતા થયા ત્યાર પછી સતત ભાજપની મદદે આવતા રહ્યા છે. હવે એમણે એકાએક કેટલાક ચોકાવનારા નિવેદનો આપ્યા છે. એમણે પત્રકારો સાથેની વાતચીતમાં આ પ્રમાણે કહ્યું હતું 'દેશમાં ગોટાળા વધી ગયા છે…. આ ગોટાળા દુર કરો…. નહીં તો બાબા રામદેવે ફરીથી આંદોલન કરવું પડશે….' કેટલાકને લાગે છે કે બાબા રામદેવને મોદી સરકારથી મોહભંગ થઈ ગયો છે. કયાં તો એમણે સમય પારખીને સઢ બદલ્યું છે. જોકે ત્યાર પછીના થોડા કલાકોમાં જ એમણે એમ કહ્યું હતું કે, બાળકોને આંદોલન કરવા માટે ઉશ્કેરવા જોઈએ નહીં એને કારણે એમના ભણતરને અસર થશે. બાબા રામદેવ કદાચ દુધ અને દહીંમાં પગ રાખવા માંગતા હોય કે જેથી ભવિષ્યમાં વિરોધપક્ષ સત્તા પર આવે તો પણ એમને વાંધો આવે નહીં.
કયા નેતાઓથી ત્રાસીને શહેઝાદે ભાજપ છોડયું
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પુનાવાલા પૂરતો અભ્યાસ કર્યા પછી ટીવી ડિબેટમાં આવતા હતા. ભાજપના બીજા પ્રવક્તાઓ કરતા તેઓ વધુ સફળ પ્રવક્તા હતા. એમ કહેવાય છે કે ભાજપના કેટલાક ટોચના નેતાઓને શેહઝાદ પુનાવાલાની લોકપ્રિયતા ખૂંચતી હતી. એમને હેરાન કરવાનું ચાલુ થયું હતું. શહેઝાદએ પરિસ્થિતિ બાબતે ભાજપના કેટલાક નેતાઓને વાકેફ કર્યા હતા, પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું નહોતું. શહેઝાદે પક્ષ છોડવાની જાહેરાત થોડા દિવસો પહેલા કરી હતી, પરંતુ એમને મનાવવામાં આવ્યા નહોતા. હવે શેહઝાદએ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનને લાંબો પત્ર લખીને વિધિસરનું રાજીનામું આપી દીધું છે. પક્ષ છોડવા માટે પુનાવાળાએ આથક અને વ્યક્તિગત કારણો આપ્યા છે. જોકે એમણે દેખાડા પુરતુ લખ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપની વિચારધારાને હંમેશા ટેકો આપતા રહેશે.
કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારનું વલણ બદલાઈ રહ્યું છે
જ્યારે કર્ણાટકમાં સિદ્ધારમૈયાને બદલીને કોંગ્રેસ હાઇકમાન્ડે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા ત્યારે એમ મનાતું હતું કે, ડીકે શિવકુમાર સિદ્ધારમૈયા કરતા વધુ આક્રમક બનીને ભાજપ સામે લડત આપશે. જોકે ડીકે શિવકુમારના આર્થિક વ્યવહારોની ચોટલી ભાજપ પાસે હોવાથી તેઓ સેઇફ રમત રમતશે એમ પણ કેટલાક માનતા હતા. હવે આ માન્યતા સાચી પડતી લાગી રહી છે. ડીકે શિવકુમારે ચોખ્ખુ કહી દીધું છે તેઓ આરએસએસ પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં નથી. એમણે આરએસએસને આશ્વાસન આપ્યું છે કે એણે ડરવાની જરૂર નથી. એમણે કહ્યું હતું કે, જો કોઈ સંગઠન કોઈ કાર્યક્રમ માટે સરકાર પાસે પરવાનગી માગશે તો એમને સહમતી આપીને તમામ મદદ કરવામાં આવશે. સિદ્ધારમૈયા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આરએસએસ સહેલાઈથી કાર્યક્રમો કરી શકતું નહોતું.
અવધ ઓઝાને ભાજપમાંથી ટીકીટ જોઈતી હતી
જાણીતા કોચિંગ ગુરુ અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અવધ ઓઝાએ એકાએક યુ ટર્ન માર્યો છે. હવે તેઓ આરએસએસના વખાણ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે એમને તો ભાજપની ટીકીટ પર ચૂંટણી લડવી હતી. અવધ ઓઝા આરએસએસના મુખપત્ર પાંચજન્યના એક કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. અવધ ઓઝા ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી આપની ટીકીટ પર દિલ્હીના પટપડગંજથી લડયા હતા. એમને ભાજપ તરફથી અલ્હાબાદ બેઠક પર લડવુ હતું, પરંતુ મેળ પડયો નહોતો. હવે એકાએક એમને લાગે છે કે આરએસએસની વિચારધારા વધુ યોગ્ય છે. તેઓ ભૂતકાળમાં પહોંચી જઈને અટલ બિહારી વાજપેયીએ શરૂ કરેલી યોજનાઓના વખાણ પણ કરી રહ્યા છે. ઓઝાનું કહેવું છે કે તેઓ આપ તરફથી ચૂંટણી લડયા ત્યારે પણ એમની વિચારધારા આરએસએસ જેવી જ હતી.
આઇએએસ રીંકુ સિંહનું વિવાદાસ્પદ નિવેદન
સ્વતંત્રતા દિવસે એક કાર્યક્રમમાં આઇએએસ અધિકારી રીંકુ સિંહ રાહીએ કરેલું નિવેદન સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં તેઓ શહીદ એ આઝમ ભગત સિંહ પર ટીપ્પણી કરતા સંભળાય છે. એમણે કહ્યું હતું કે, આજના સમય પ્રમાણે ભગત સિંહ સૌથી મોટા મૂર્ખ હતા. તેઓ કદી સારા બાળક બની શક્યા નહોતા. જોકે એમણે કરેલી સમગ્ર ટીપ્પણીમાંથી માત્ર કેટલાક અંશ પસંદ કરીને વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા પછી આઇએએસ અધિકારી પર સોશ્યલ મીડિયામાં ટીકાનો વરસાદ વરસ્યો છે. કેટલીક વ્યક્તિઓએ આ ટીપ્પણીને શહિદ ભગત સિંહનું અપમાન ગણાવ્યું છે. જોકે કેટલાક એમ કહી રહ્યા છે કે એમના સમગ્ર નિવેદનને ધ્યાનમાં રાખીને જોવું જોઈએ.
'આર્ટીકલ ૩૭૦ હટાવ્યા પછી પણ કાશ્મીરમાં આતંકવાદ યથાવત'
કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દુર કરવાને પોતાને મોટી સિદ્ધી ગણાવે છે. જોકે સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અબુ આઝમીનું માનવું છે કે દેશમાં વિકાસ અને ભાઇચારાની જરૂર છે નહીં કે વિભાજનની. ૧૯૪૭માં જ્યારે ભારત આઝાદ થયું હતું ત્યારે એવી આશા હતી કે કાશ્મીર ભારતની સાથે રહેશે. પાકિસ્તાને એ વખતે ભારત પર હુમલો કર્યો હતો એ વખતે કાશ્મીરને મદદની જરૂર હતી. કાશ્મીરના નેતાઓએ ભારત સરકારનો સંપર્ક કર્યો હતો. ભારતના નેતાઓએ કાશ્મીરની સુરક્ષા માટે સૈન્ય મોકલ્યું હતું. એ વખતે એક શરત આર્ટીકલ ૩૭૦ લાગુ કરવાની હતી. સરકારે ૩૭૦ દુર કર્યા પછી ખીણ વિસ્તારમાં આતંકવાદ નાબુદ થઈ જશે એવી વાતો કરી હતી, પરંતુ ગયા વર્ષે જ કાશ્મીરમાં આતંકવાદીઓએ ૨૬ લોકોને મારી નાખ્યા છે. કાશ્મીરનો વિકાસ પણ અટકી પડયો છે.
'નાલસાર જવાનો સવાલ જ નથી'
દેશના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) સૂર્યકાંતે નેશનલ એકેડમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રીસર્ચ (નાલસાર) 'યુનિવર્સિટી ઓફ લો'ના દિક્ષાંત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનવાનું નિમંત્રણ સ્વીકાર્યું નથી. વિદ્યાર્થીઓના એક સમૂહએ કાર્યક્રમમાં એમની હાજરીનો વિરોધ કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વિવાદમાં ટાપસી પુરાવી એટલે વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. જોકે સમય પારખી ગયેલા સીજેઆઇએ વિવાદ નહીં વધારવા માટે પોતે જ કાર્યક્રમમાંથી ખસી જવાનું નક્કી કર્યું હતું. એમણે કહ્યું હતું કે, દિક્ષાંત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનવા માટે નાલસારનું આમંત્રણ એમણે કદી સ્વીકાર્યું નહોતું. નાલસાર જવાનો સવાલ જ નથી. ચાર દિવસ પહેલા નાલસાર યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે સીજેઆઇ એમના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનવાના છે. જોકે વારંવાર થતા વિવાદને કારણે સીજેઆઇએ પારોઠના પગલા ભર્યા છે.