Delhi ni Vaat

દિલ્હીની વાત : Delhi ni vat

By GS Team
12 Jul 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં 'એક દેશ, એક ચૂંટણી' માટે સંસદની સંયુક્ત સમિતિની બેઠક મળી હતી. 2029 સુધીમાં દેશમાં એકસાથે ચૂંટણી કરવાનો અમલ શક્ય બને તે માટે સમિતિ ધારાસભ્યોની સમીક્ષા કરી રહી છે. સમિતિના સભ્યોના મતે, 99% હિતધારકોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. વારંવાર થતી ચૂંટણીઓથી દેશને 7 લાખ કરોડનું નુકસાન થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીની વાત : Delhi ni vat

2019 લોકસભાની ચૂંટણી 'વન નેશન - વન ઇલેક્શન' હેઠળ થવાની શક્યતા
નવીદિલ્હી: સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષએ કહ્યું છે કે, એક સાથે ચૂંટણી કરવા સંબંધે સમિતિ ધારાસભ્યોની સમીક્ષા કરી રહી છે. આ સમિતિ એવી વ્યવસ્થા તૈયાર કરવા કામ કરી રહી છે કે જેને કારણે ૨૦૨૯ લોકસભાની ચૂંટણી સુધીમાં 'એક દેશ, એક ચૂંટણી'નો અમલ શક્ય બને. ગોવામાં સમિતિની બે દિવસ માટે બેઠક મળી હતી. સમિતિના સભ્યોના કહેવા પ્રમાણે સિવિલ સોસાયટીના હીતધારકો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે એમાંથી લગભગ ૯૯ ટકાએ 'એક દેશ, એક ચૂંટણી'ના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. વારંવાર થતી ચૂંટણીઓને કારણે દેશે ૭ લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. સમિતિએ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત ઘણા રાજ્યોની મુલાકાત લીધી હતી અને ત્યાં સિવિલ સોસાયટી ઉપરાંત શિક્ષણ શાસ્ત્રીઓ અને બંધારણના નિષ્ણાંતો સાથે મુલાકાત કરી હતી.
'રાષ્ટ્રગીત ફિલ્મનો હિસ્સો હોય તો ઊભા થવાની જરૂર નથી'
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત, રાજ્યગીત અને વિદેશગીત બાબતે નવી સૂચના જાહેર કરી છે. સૂચનામાં કાર્યક્રમો, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના સામૂહિક પઠન બાબતે પણ સૂચના આપવામાં આવી છે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે દર્શકો સાવધાનની મુદ્રામાં ઊભા થશે. જોકે જ્યારે કોઈ ન્યૂઝ રીલ કે ડોક્યુમેન્ટ્રીમાં રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે દર્શકોએ ઊભા થવાની જરૂર નથી. કારણ એ છે કે, ઊભા થવાથી ફિલ્મના પ્રદર્શનમાં ખલેલ પડી શકે છે. અને રાષ્ટ્રગીતની ગરીમા વધવાને બદલે અવ્યવસ્થા ઉભી થશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું છે કે રાષ્ટ્રગીત ગાતી વખતે ઉચ્ચારો સાચા થવા જોઈએ. મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો અને રાજ્યપાલોની ઓફિસો માટે પણ રાષ્ટ્રગીત વગાડવા સંદર્ભે નિયમો જાહેર કર્યા છે.
ટીએમસી માટે નવો પડકાર
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી ભાજપએ શરૂ કરેલું ઓપરેશન ટીએમસી હવે વિસ્તરતું જાય છે. તૃણમુલ કોંગ્રેસની તકલીફો ઓછી થતી નથી. રાજ્યસભાના સાંસદો પક્ષ છોડી ગયા હોવાથી ટીએમસીને મોટો ફટકો પડયો છે. હવે રાજ્યસભાના સાંસદ તબ્રત બેનર્જી પોતાનું સંગઠન ઉભુ કરી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ રૂકમણી મલીકે પણ ટીએમસી છોડવાનું નક્કી કર્યું છે. રૂકમણીએ રાજ્યસભાના સ્પીકરને ઇમેલ દ્વારા પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. થતી ચર્ચા પ્રમાણે ટીએમસીના બીજા રાજ્યસભા સાંસદો પણ પક્ષ છોડી શકે છે. પક્ષના સંગઠનમાં પણ ઘણા તડા પડી ગયા છે. તબ્રત બેનર્જીના જૂથનું સંખ્યાબળ દરરોજ વધી રહ્યું છે. આ જૂથે પોતાની નવી વર્કીંગ કમીટી પણ બનાવી છે.
'સિદ્ધિવિનાયક મંદિરમાં લૂંટની તપાસ કેમ નહીં'
અયોધ્યાના શ્રીરામ મંદિરમાં થયેલી દાન ચોરી બાબતે વિરોધપક્ષો સરકારને ભીસમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા છે. હવે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ વળતો ઘા કર્યો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના આક્ષેપોનો જવાબ આપતા એકનાથ શિંદેએ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે. એમણે સવાલ કર્યો છે કે સિદ્ધિવિનાયક મંદિરમાં થયેલી કહેવાતી લૂંટની તપાસ તત્કાલીન સરકારે કેમ કરાવી નહોતી. અયોધ્યાના રામ મંદિરમાં થયેલા આર્થિક ગોટાળાની ઘટનાને કારણે રામ ભક્તો દુઃખી છે અને આ માટે જે જવાબદાર હશે એમની સામે સખત કાર્યવાહી પણ થશે, પરંતુ જે લોકો આજે ટીકા કરી રહ્યા છે એમના સાથીદારોએ અને એમણે સિદ્ધિવિનાયક મંદિરના દાનપાત્ર લૂંટવાનું પાપ કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી મુખ્યમંત્રી હતા ત્યારે સિદ્ધિવિનાયક મંદિરોના ટ્રસ્ટની નિમણૂક એમણે કરી હતી.
બાંકીપુર પેટા ચૂંટણીમાંથી ભાજપના ઉમેદવાર શા માટે ખસી ગયા
બિહારના પટણા શહેરમાં આવેલી બાંકીપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી છે. આ બેઠક પરથી ચૂંટાયેલા નિતિન નવીન ભાજપ પ્રમુખ બનવાથી આ બેઠક ખાલી થઈ છે. વર્ષોથી આ બેઠક પર ભાજપનું પ્રભૂત્વ રહ્યું છે. પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી અભિષેક કુમાર સિન્હાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. હવે સિન્હાએ એકાએક ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું છે. આ પાછળનું કારણ એમણે કૌટુંબિક સમસ્યા બતાવ્યું છે. ત્યાર પછી ભાજપે નિરજ કુમાર સિંહાને ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક પર જનસુરાજના સ્થાપક પ્રશાંત કિશોર પણ ચૂંટણી લડી રહ્યા છે. પ્રશાંત કિશોરએ એવી ટીપ્પણી કરી હતી કે હવે લોકો પાસે વિકલ્પ આવી ગયો છે એટલે ભાજપના ઉમેદવાર જીતે એવી શક્યતા નથી. અભિષેક કુમાર સિન્હા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અને ભારતીય જનતા યુવા મોરચાના પટણા શહેરના પ્રમુખ છે. અભિષેક કુમારના લાલુ પ્રસાદ યાદવ સાથેના અંગત સંબંધો બહાર આવતા એમણે પારોઠના પગલા ભર્યાં હોવાનું મનાય છે.
વાયનાડના ભિષણ ભુસ્ખલનની ટ્રેજડી
કેરળના વાયનાડમાં ૭મી જુલાઈએ ટનલ નિર્માણના સ્થળે ભિષણ ભુસ્ખલન થયું હતું.
ભુસ્ખલનને કારણે મોટી દુર્ઘટના થઈ હોવા છતાં દેશનું ધ્યાન આ ઘટના પર ખાસ પડયું નથી. હવે ધીરે ધીરે ગંભીર ઘટનાઓ બહાર આવી રહી છે. ભુસ્ખલન થયા પછી હિમાચલ પ્રદેશના રહેવાસી વિક્રમ રાણા ગુમ થઈ ગયા હતા અને એમની શોધ પાંચમા દિવસે પણ ચાલુ છે. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), ફાયર એન્ડ રેસક્યુ, પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ અને સામાજીક સંગઠનોની ટીમો મીનાચીપુઝા નદી અને મલબામાં શોધ અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધી ૭ વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે, પરંતુ વિક્રમ રાણાનો અતોપતો નથી. ભુસ્ખલન થવાથી નદીમાં કાદવ અને કાંપ ધસી આવવાથી નદીનું પાણી પારદર્શક રહ્યું નથી.
પિતાએ ડોક્ટર પુત્રીનો ડર દુર કર્યો
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બીવલી સ્થિત કેડીએમસીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં છઠ્ઠી જુલાઈએ ડોક્ટરો પર હુમલો થયો હતો. આ બનાવનો વિડિયો વાયરલ થતા સમગ્ર દેશમાં બનાવની ટીકા થઈ હતી.
હવે પીડિત મહિલા ડોક્ટરના પિતાએ ગંભીર આરોપ મૂક્યો છે. એમનું કહેવું છે કે આરોપીઓને બચાવવાની કોશિષ થઈ રહી છે. એમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરી છે કે તમામ ડોક્ટરો, ખાસ કરીને મહિલા ડોક્ટરોની સુરક્ષા બાબતે કાળજી લેવામાં આવે. હવે એમને ફક્ત ન્યાયપાલીકા પાસેથી જ ન્યાયની અપેક્ષા છે. જે ડોક્ટર પર શારીરિક હુમલો થયો હતો એમનું નામ ડો. સુષ્ટી બાવીસકર છે. એમના પિતા ડો. મહેન્દ્ર બાવીસકર માને છે કે હુમલો કરનાર શિવસેના (એકનાથ શિંદે)નો કોર્પોરેટર હોવાથી એમને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.