મોહન ભાગવતના નિવેદન પછી દિપકેનો વળતો ઘા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : રાષ્ટ્રીય સ્વય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે વિદ્યાર્થી આંદોલન બાબતે જે નિવેદન આપ્યું છે એનો જવાબ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ આડકતરી રીતે આપ્યો છે. દિપકેએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે 'ટુ હુમ ઇટ મે કંસર્ન… (જેમણે સમજવું છે, એ સમજી જાય) આટલા લખાણની સાથે ભાગવતના નિવેદનની પોસ્ટ દિપકેએ મૂકી છે. ખરેખર તો દિપકેનો ટોણો ભાજપના નેતાઓ માટે છે કે જેમણે વિદ્યાર્થીઓના આંદોલનને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું હતું. કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ભાગવતના નિવેદનની ચર્ચા થઈ હતી. દિપકે સહિતના બીજા નેતાઓનું પણ માનવું છે કે મોહન ભાગવતના અને ભાજપના પગ નીચે રેલો આવ્યો હોવાથી હવે તેઓ યુવા વર્ગને આકર્ષિત કરવા નાટક રહી રહ્યા છે. જોકે જેન ઝી ભાગવતની વાત પર વિશ્વાસ કરે એ શક્ય નથી.'
પંજાબમાં ફરીથી ભાજપ - અકાલી હાથ મેળવી શકે છે
પંજાબ વિધાનસભાની ચૂંટણીને હવે થોડા મહિના બાકી રહ્યા છે. સીરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલએ દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. લાંબા સમય પછી બંને પાર્લામેન્ટ હાઉસમાં મળ્યા હતા. બંને નેતાઓની આ મુલાકાત પછી રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. અકાલી દળ સાથે ભાજપ ફરીથી ગઠબંધન કરી રહ્યું હોવાની વાતો શરૂ થઈ ગઈ છે. મોદી - સુખબીરની મુલાકાત પછી આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ટોણો મારતા લખ્યું હતું કે, 'ના ના કરતે પ્યાર તુમહી સે કર બેઠે… તો શું હવે ચંદા ચોર પાર્ટી અને અનાદર પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ રહ્યું છે?' કેજરીવાલના આ ટોણાનો જવાબ સુખબીર બાદલે આપ્યો હતો અને કહ્યું હતું કે શું તમને તમારૂ વચન યાદ છે કે પંજાબમાં ૨૦ હજાર કરોડનો ગેરકાયદેસર ખનન તમે બંધ કરાવશો? તમારી બધી ગેરંટી ગટરમાં ફેંકવા લાયક છે.
પ્રશાંત કિશોર અને સુનેત્રા પવાર વચ્ચેની મુલાકાતથી ભાજપ ચિંતીત
જનસુરાજ પાર્ટી (જેએસપી)ના સ્થાપક પ્રશાંત કિશોર અને એનસીપી (અજીત પવાર)ના પ્રમુખ તેમજ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવાર વચ્ચે મીટીંગ થઈ હતી. ત્રણ મહિનામાં પ્રશાંત કિશોરે સુનેત્રા સાથે આ બીજી વખત મીટીંગ કરી હતી. આ મીટીંગથી મહારાષ્ટ્ર સરકારની એનસીપી (અજીત પવાર) સાથે જોડાયેલો સાથી પક્ષ ભાજપ નારાજ થયો છે. ભાજપનું માનવું છે કે, એનસીપી (અજીત પવાર) મહાયુતિ સરકારનો હિસ્સો છે અને એટલે પ્રશાંત કિશોર સાથે વાતચીત કરવી યોગ્ય નથી. છઠ્ઠી ઓગસ્ટે મુંબઈમાં સુનેત્રા પવારના સરકારી રહેઠાણ 'દેવગીરી' ખાતે પ્રશાંત કિશોર અને પવાર વચ્ચે પાંચ કલાક સુધી મીટીંગ ચાલી હતી. આ મીટીંગમાં પવારના પુત્ર પાર્થ પવાર પણ હાજર રહ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે, એનસીપી (અજીત પવાર) પ્રશાંત કિશોરને રાજકીય સલાહકાર બનાવવા માંગે છે.
ઝારખંડના વિદ્યાર્થીઓના સમર્થનમાં મૈથીલી ઠાકુર
ઝારખંડમાં જેપીએસસી - જેએસએસસીના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ વિરોધ પ્રદર્શનને ભાજપના અલીનગર વિધાનસક્ષા ક્ષેત્રના ધારાસભ્ય મૈથીલી ઠાકુરે ટેકો જાહેર કર્યો છે. મૈથીલી ઠાકુરનું કહેવું છે કે હેમંત સરકારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવી જોઈએ અને એમની ફરિયાદ સાંભળવી જોઈએ. વિદ્યાર્થીઓનો વિરોધ અહિંસક છે. હું વિદ્યાર્થીઓથી પ્રભાવિત થઈ છું. છેલ્લા કેટલાક દિવસોથી ઝારખંડના વિદ્યાર્થીઓના આંદોલનનો વ્યાપ વધી રહ્યો છે. મૈથીલી ઠાકુરનું માનવું છે કે, સોશ્યલ મીડિયા પર જોવા મળતા વીડિયો, ભાષણો અને પોસ્ટથી જાણવા મળે છે કે, વિદ્યાર્થીઓનો વ્યવહાર પ્રશંસનીય છે. મને આશા છે કે સરકાર જલ્દી એમની વાત સાંભળશે. મૈથીલી ઠાકુર સોશ્યલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
જસ્ટીસ યશવંત વર્મા વિરુદ્ધની અરજીથી સુપ્રિમ કોર્ટ નારાજ
કરોડો રૂપિયાની સળગી ગયેલી રોકડ રકમથી ચર્ચામાં આવેલા દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ યશવંત વર્મા વિરુદ્ધની અરજી સાંભળવાનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. એ વખતે સુપ્રિમ કોર્ટે અરજી કરનારની ટીકા પણ કરી હતી. અરજી ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, આ અરજી ફક્ત સસ્તી પ્રસિદ્ધ માટે દાખલ કરવામાં આવી છે. અરજી કરનારે યશવંત વર્મા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવા અને કોર્ટને દેખરેખ હેઠળ એસઆઇટીની તપાસ માંગી હતી.
રોકડ કૌભાંડ પછી જસ્ટીસ વર્મા સામે તપાસ કરવા માટે એક કમીટીની નિમણૂક થઈ જ હતી. જસ્ટીસ પી એસ નરસિંમ્હા અને જસ્ટીસ આલોક અરાધેની બેંચે અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો હતો. આ પહેલા દલીલ કરતા અરજી કરનારે કહ્યું હતું કે જસ્ટીસ વર્માએ ભલે રાજીનામું આપી દીધું હોય, પરંતુ એમની જવાબદારી ઓછી થતી નથી.
દક્ષિણ આફ્રિકાએ હાઇ કમિશનરને પાછા કેમ બોલાવ્યા
ભારતમાં દક્ષિણ આફ્રિકાના હાઇ કમિશનર અનીલ સુખલાલને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. એમના પર આક્ષેપ છે કે તેઓ રાષ્ટ્રપતિ જૈકબ જુમા અને ભારતીય મૂળના એક વેપારી વચ્ચે થયેલી બેઠકમાં હાજર રહ્યા હતા. આ વેપારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી રોનાલ્ડ લમોલાએ કહ્યું હતું કે, સુખલાલને પૂછપરછ માટે પાછા બોલાવવામાં આવ્યા છે. જુમા અને સુખલાલની સાથે હરીદ્વારમાં ૨૬મી જુને વિવાદીત વેપારી અજય ગુપ્તાની તસવીરો બહાર આવી હતી. જોકે સુખલાલનું માનવું છે કે આ એક ઔપચારીકતા છે અને ચિંતાનું કોઈ કારણ નથી. તેઓ બે દિવસ પછી દિલ્હી પરત ફરશે. દક્ષિણ આફ્રિકામાં રાજદ્વારીઓ કોઈપણ વિવાદાસ્પદ વ્યક્તિને મળી શકતા નથી.
રાહુલ વિરુદ્ધ અરજી કરનારને સીબીઆઇએ પૂછપરછ માટે બોલાવ્યા
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આવકથી વધારે મિલકત હોવાનો આરોપ મૂકનાર ભાજપના સભ્ય વિઘ્નેશ શીશીરને સીબીઆઇએ પૂછપરછ માટે બોલાવ્યા છે. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે મે મહિનાની ૧૨મી તારીખે આ બાબતે બંધ બારણે બે કલાક સુધી સુનાવણી કરી હતી. જસ્ટીસ આર એસ ચૌહાણ અને જસ્ટીસ બી આર સિંહની બેંચે કહ્યું હતું કે, સીબીઆઇએ જણાવ્યું છે કે, એમને અરજી કરનારની ફરિયાદ મળી ગઈ છે અને ૮ અઠવાડિયામાં કોર્ટમાં જવાબ રજૂ કરશે. શીશીરે રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના નેતાએ આવક કરતા વધુ મિલકતો ભેગી કરી છે. આ ફરિયાદની તપાસ સીબીઆઇ અને ઇડી પાસે કરાવવાની માંગણી કરવામાં આવી હતી. અગાઉ ન્યાયાધીશોએ કહ્યું હતું કે જો અરજી કરનાર શીશીરની ફરિયાદ મળી હોય તો કાયદા પ્રમાણે સત્ય તપાસવું જોઈએ. બેંચે સીબીઆઇ તેમજ ઇડી સિવાય કેન્દ્ર સરકારના મહેસુલ વિભાગ, નાણા મંત્રાલય, કોર્પોરેટ બાબતોના મંત્રાલય જેવા વિભાગોને પણ રાહુલ ગાંધી વિરુદ્ધ થયેલી ફરિયાદનો જવાબ આઠ અઠવાડિયામાં આપવા કહ્યું હતું.









