પંજાબ ચૂંટણી પહેલા કોંગ્રેસીઓ સંગઠીત થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : છેલ્લા ઘણા સમયથી પંજાબ કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી હતી. કેટલાક સિનિયર નેતાઓએ પોતાનો ચોકો અલગ કર્યો હતો. પંજાબમાં કોંગ્રેસની ટક્કર આમ આદમી પાર્ટી સાથે છે. હાઇકમાન્ડની સમજાવટ પછી હવે પંજાબ કોંગ્રેસના નેતાઓ સંગઠીત થઈ રહ્યા છે. પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને લુધિયાણાના સાંસદ અમરિંદર સિંહ રાજા વડીંગ સહિત પક્ષના સિનિયર નેતાઓ જલંધરના સાંસદ ચરણજીત સિંહ ચન્નીની 'યુવાની સંભાળ સાયકલ યાત્રા'ના કાર્યક્રમમાં સામેલ થયા હતા. ખન્ના ખાતે આયોજીત આ કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્રના નેતાઓની હાજરીને કારણે મજબૂત સંદેશો ગયો છે. થોડા દિવસો પહેલા જ એટલે કે ૧૩મી નવેમ્બરે લુધિયાણામાં ચન્નીના એક કાર્યક્રમમાં વડીંગ અને એમના બીજા ટેકેદારો ગેરહાજર રહ્યા હતા.
સોનિયા ગાંધીના બાળપણના ઘરમાં સંગ્રહાલય બનશે
છ વર્ષ પહેલા સોનિયા ગાંધીના ઇટલી સ્થિત બાળપણના ઘરને ખરીદીનાર ભારતીય વેપારી સુખદેવ સિંહ કંગ ત્યાં એક સંગ્રહાલય બનાવવા માંગે છે. સંગ્રહાલયમાં ગાંધી પરિવારની કેટલીક વસ્તુઓ મૂકવા માટે સુખદેવ સિંહ ભારત આવી ગાંધી પરિવારને મળવા માંગે છે. કંગએ જણાવ્યું હતું કે, 'આ મકાનનું નામ મે 'ઇન્ડિયન હાઉસ' રાખ્યું છે અને ત્યાં તિરંગો ધ્વજ પણ ફરકાવ્યો છે. બહાર એક તકતી મૂકવામાં આવી છે જેના પર લખવામાં આવ્યું છે 'સોનિયા ગાંધીનું જન્મ સ્થળ' સોનિયા ગાંધીનું પુસ્તક હમણા જ પ્રકાશિત થયું છે અને પુસ્તકમાં એમના બાળપણની ઘણી વાતો છે. સોનિયા ગાંધીના ઇટાલીના બાળપણ વિશે વધુ જાણવાની ઉત્સુકતા એમના ચાહકોમાં છે. સુખદેવ સિંહ કંગએ જ્યારે ઇટલીનું મકાન ખરીદ્યું હતું ત્યારે એમને ખબર નહોતી કે પુસ્તકને કારણે ભારતના લોકોમાં પણ ઇટલીના ઘર વિશે જાણવાની ઉત્સુકતા વધી જશે.'
'નિતિશ સેતુ'ના નામકરણ પર રાજકારણ
બિહારના 'કચ્ચી દરગાહ - બિદુપુર' છ લેન પુલનું નામ જનતાદળ (યુનાઇટેડ) નેતા નિતિશકુમારના નામ પરથી 'નિતિશ સેતુ' રાખવામાં આવ્યું છે. જોકે કોંગ્રેેસે આ બાબતે વાંધો લીધો છે. કોંગ્રેસનું કહેવું છે કે, પુલનું નામ શીખોના દસમાં ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ રાખવાની જરૂર હતી. કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેડાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે. એમનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે શીખ સંપ્રદાયના લોકોની લાગણી ઘવાઇ છે. એમનો આરોપ છે કે પૂલનું નામ 'નિતિશ સેતુ' રાખીને ભાજપ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને રાજકારણમાંથી બહાર રાખવાની કોશિષ કરે છે. આ પૂલનું નામ પહેલા ગુરુ ગોવિંદ સિંહના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો પછી આ નિર્ણય બદલવામાં કેમ આવ્યો?
સંસદ મુલતવી રાખવાની જાહેરાત નહીં થતા કોંગ્રેસ લાલઘુમ
સંસદનું ચોમાસુ સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થયાને ૧૦૦ દિવસ પુરા થયા છે. આમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિમાંકન બીલ પસાર કરવા લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશનું કહેવું છે કે, દેશના હિતમાં લોકસભાની હમણાની સંખ્યા અને રાજ્યોના હિસાબથી બેઠકોનું માળખું જેમના તેમ રાખવામાં આવે. આ સાથે જ મહિલાઓ માટે એક તૃતિયાંશ અનામત પણ લાગુ કરવામાં આવે. આ વ્યવસ્થા ત્યાં સુધી રહેવી જોઈએ જ્યાં સુધી 'વિક્સીત ભારત'નું લક્ષ્ય સિદ્ધ નહીં થાય. રમેશે લખ્યું હતું કે, 'સંસદના ચોમાસુ સત્રને અનિશ્ચિત મુદત સુધી સ્થગીત કરવામાં આવ્યું છે જે મુલતવી રાખવાની જાહેરાત હજી સુધી થઈ નથી. કોઈને ખબર નથી કે સિમાંકન બીલમાં શું હશે. જુનુ બીલ ૧૭મી એપ્રિલે રદ કરવામાં આવ્યું હતું. કોઈપણ રાજકીય પક્ષ સાથે ગંભીર ચર્ચા સરકારે કરી નથી.'
મેટા સામે યુથ કોંગ્રેસને શું વાંકુ પડયું
સોશ્યલ મીડિયાની અગ્રેસર કંપની મેટા અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ટક્કર ગંભીર બની છે. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પદાધિકારીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ લોક કરવાના વિરોધમાં કાર્યકરોએ હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામ સ્થિત મેટાની ઓફિસ પર દેખાવો કર્યા હતા. હૈદરાબાદના રાયદુર્ગમ સ્થિત આઇટી પરિસરમાં ઉગ્ર પ્રદર્શન અને તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે ૨૧ જેટલા યુથ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી. કંપનીએ છેવટે કોંગ્રેસના બે મોટા નેતાઓના એકાઉન્ટ ફરીથી શરૂ કર્યા પછી કોંગ્રેસે મેટા પર રાજકીય પક્ષપાતનો આરોપ મૂક્યો છે અને ચેતવણી આપી છે. મેટાની કોર્પોરેટ ઓફિસોમાં તોડફોડ થયાના સમાચાર પણ આવી રહ્યા છે. યુથ કોંગ્રેસના કહેવા પ્રમાણે મેટાએ ભાજપના ઇશારે કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ ખોટી રીતે બ્લોક કર્યા હતા.
મણીપુરમાં ઝેરી દારૂથી હાહાકાર
છેલ્લા ઘણા વર્ષોથી મણીપુરમાં વિવિધ સંપ્રદાયો વચ્ચે હિંસક તોફાનો ચાલી રહ્યા છે. હિંસા અટકવાનું નામ લેતી નથી ત્યારે હવે મણીપુરથી બીજા મોકાણના સમાચાર આવ્યા છે. મણીપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીધા પછી ૧૩ લોકોના મૃત્યુ થયા છે અને ૩૦૦થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. ખાસ કરીને પહાડી જિલ્લાના ચકપિકારોંગ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓએ આ ઝેરી દારૂ પીધો હતો. દારૂ પીવાથી બિમાર પડેલા લોકોને ઇન્ફાલની કેટલીક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. દારૂને કારણે મીથેનોલ પોઇઝનીંગની અસર થવાથી લોકોના મૃત્યુ થયા હતા. સ્થિતિ પર નજર રાખવા માટે સરકારે એક ખાસ ટીમ બનાવી છે. ચાર જેટલી રેપીડ રિસપોન્ડ ટીમ પણ બનાવવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં મેટ્રો સ્ટેશનના નામ નક્કી કરવા માટે છ સભ્યોની કમીટી બની
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેટ્રોનું નેટવર્ક ઝડપથી ફેલાઈ રહ્યું છે. મેટ્રો સ્ટેશનના નામ નક્કી કરવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુંબઈ, પુણે અને નાગપુર મેટ્રોપોલિટન ક્ષેત્રોમાં મેટ્રો રેલવે સ્ટેશનોના નામ નક્કી કરવા તેમ જ સંભવીત નામો બદલવા માટેની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં છ સભ્યોની કમીટી બનાવવામાં આવી છે. ભાજપના દિલ્હીમાં બેઠેલા નેતાઓનું માનવું છે કે, મેટ્રો સ્ટેશનોના નામ નક્કી કરવા માટે સાંસ્કૃતિક અને ઐતિહાસીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ ઉપરાંત કોઈપણ રીતના રાજકીય વિવાદ થવા જોઈએ નહીં. મેટ્રો સ્ટેશનોનું નામકરણ એક સંવેદનશીલ વિષય બની ગયો છે. કેટલીક વખત એવા નામો પસંદ થાય છે કે જેને કારણે વિવાદ થાય છે અને લોકોમાં વિરોધ જોવા મળે છે.




