રાહુલ ગાંધીની વધતી રાજકીય તાકાતથી ભાજપ ચિંતીત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : લગભગ એક દશક સુધી રાહુલ ગાંધીની અવગણના કર્યા પછી ભાજપ હવે આ મહિનાથી રાહુલ ગાંધીને ગંભીરતાથી લઈ રહ્યું છે. ભાજપે હવે રાહુલ ગાંધી સામે દેશ વ્યાપી મોરચો ખોલ્યો છે. વિરોધ પક્ષોની એકતા જોઈને હવે ભાજપએ 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન સાથે દેશભરમાં પદયાત્રા શરૂ કરી છે. પક્ષના આ અભિયાનમાં રાજ્યના મુખ્યમંત્રીઓથી માંડીને કેન્દ્રના નેતાઓ પણ જોડાય છે. કોંગ્રેસના કાર્યકરો છેલ્લા મહિનાઓથી આક્રમક થઈ રહ્યા છે એ જોતા ભાજપના ટોચના નેતાઓ ચિંતીત છે. ખાસ કરીને રામ લીલા મેદાનમાં વિરોધપક્ષની રેલી પછી ભાજપની થીંક ટેન્કે હવે આક્રમક થવાનું નક્કી કર્યું છે. રામ લીલા મેદાનમાં આવેલી વ્યક્તિઓમાંથી મોટા ભાગના કોંગ્રેસના કાર્યકરો હતા. આ રેલીમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પહેલી વખત એક સાથે જોવા મળ્યા હતા.
જ્ઞાાનેશ કુમારની મુશ્કેલી વધી, ૨૦ વર્ષ જૂના કેસમાં તપાસ થશે
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર ફરીથી વિવાદમાં ફસાઈ ગયા છે. કેરલમમાં એમની વિરુદ્ધ ૨૦ વર્ષ જૂના એક લાંચના કેસની તપાસનો રસ્તો ખૂલી ગયો છે. રાજ્ય સરકારના ભૂતપૂર્વ પીડબ્લ્યુડી સેક્રેટરી રહેલા જ્ઞાાનેશ કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોની તપાસ ફરીથી કરવાની મંજૂરી વીજીલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરોએ આપી દીધી છે. આરોપ છે કે ૨૦૦૬માં કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટે પ્રોજેક્ટ હેઠળ રસ્તા બનાવવાનું કામ પૂરુ થયા પછી વળતર ચૂકવવા માટે એમણે બે કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. મંત્રી રમેશ ચેન્નીથલાએ કહ્યું હતું કે જ્ઞાાનેશ કુમાર સામે તપાસ કરવાની મંજૂરી મળી ગઈ છે. જ્યારે વીજીલન્સે સરકાર પાસે તપાસની મંજૂરી માંગી હતી ત્યારે આ બાબતે કાયદાકીય સલાહ લેવામાં આવી હતી.
નેશનલ કોન્ફરન્સ સંકટમાં
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કરેલા લગ્નની ચર્ચા આજકાલ ખૂબ થાય છે. જોકે હવે ઉમર અબ્દુલ્લા રાજકીય સંકટમાં આવી પડયા છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી ચૂંટાયેલા સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મહેંદીએ નેશનલ કોન્ફરન્સ છોડવાની જાહેરાત કરી દીધી છે. રુહુલ્લાહનો આરોપ છે કે મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાએ ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીમાં લોકોને કલમ ૩૭૦ બાબતે આપેલા વચનો પૂરા કર્યા નથી. રુહુલ્લાહ બડગામથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નેશનલ કોન્ફરન્સના ૨૫ ધારાસભ્યોએ પણ પક્ષને ૧૪ દિવસની મુદત આપી છે. જો એમની માંગણીઓ પુરી નહીં થાય તો ધારાસભ્યોએ સરકારમાંથી સમર્થન ખેંચી લેવાની ધમકી આપી છે. બળવાખોર ધારાસભ્યોએ એક પ્રતિનિધિ મંડળ બનાવ્યું છે. આ પ્રતિનિધિ મંડળ ઉમર અબ્દુલ્લા અને ફારૂખ અબ્દુલ્લાને મળીને માંગણીઓનું આવેદન પત્ર આપશે.
સોનમ વાંગચૂકની સ્કૂલ પર લદ્દાખ વહીવટી તંત્રની કાર્યવાહી
થોડા દિવસો પહેલા લદ્દાખના એક્ટીવીસ્ટ સોનમ વાંગચૂક સામે લીકર વેપારીઓએ દેખાવો કર્યા હતા. હવે વાંગચૂકની સામે લદ્દાખના વહીવટી તંત્રએ એમની સંસ્થા હિમાલયન ઇન્સ્ટીટયુટ ઓફ ઓલ્ટરનેટીવ્સની સ્કૂલને નોટીસ આપી છે. વહીવટી તંત્રએ લેહ સ્થિત ડેઝર્ટ ફલાવર્સ સ્કૂલની તમામ ગતીવીધીઓ રોકવાનો હુકમ કર્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના છેવટના ફેસલા સુધી આ સ્ટે ચાલુ રહેશે. લેહની મામલતદાર ઓફિસે આ નોટીસ મોકલી છે. આ નોટીસ એચઆઇએએલના સહ સંસ્થાપક અને સીઇઓ ગીતાજલી જે આંગમોના નામે મોકલવામાં આવી છે. ગીતાજલી સોનમ વાંગચૂકના પત્ની છે. નોટીસમાં કહેવામાં આવ્યું છે કે, ડેઝર્ટ ફલાવર્સ સ્કૂલમાં જરૂરી સંમતી કે મંજૂરી વગર કલાસીસ અને બીજી પ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવી હતી.
અમિતાભ બુલેટપ્રુફ કાચ પાછળ દેખાયા પછી ફિલ્મ સંગઠને વડાપ્રધાનને પત્ર લખ્યો
મેગા સુપર સ્ટાર અમિતાભ બચ્ચન દર રવિવારે એમના જુહ ખાતેના બંગલે ભેગા થતા ચાહકોનું અભિવાદન ઝીલવા કેટલીક મીનીટો માટે બંગલાના ગેટની બહાર ઉભા રહે છે. છેલ્લા રવિવારે જ્યારે અમિતાભ બચ્ચન એમના ચાહકોને મળવા ખાસ બનાવેલા સ્ટેજ પર આવ્યા ત્યારે એમની આગળ બુલેટપ્રુફ કાચ રાખવામાં આવ્યો હતો. એમ મનાય છે કે લોરેન્શ બિશ્નોઇ ગેંગના હીટ લિસ્ટમાં જેમના નામો છે એમા અમિતાભ બચ્ચનનું નામ પણ હોવાથી પોલીસે એમને સુરક્ષા વધારવાની સલાહ આપી હતી. આ બાબતે ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસીએશન (એઆઇસીડબ્લ્યુએ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખી અમિતાભ બચ્ચન અને એમના પરિવારની સીક્યુરીટી વધારવા માટેની માંગણી કરી છે. એઆઇસીડબ્લ્યુએ લાંબા સમયથી ચાલી આવતી અમિતાભ બચ્ચનની ચાહકોને મળવાની પરંપરાનો ઉલ્લેખ પણ કર્યો છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો
એનસીપી (અજીત પવાર)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવાર આજકાલ ચિંતીત છે. પક્ષના કેટલાક નેતાઓ એમને કહ્યા વગર જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા ગયા એ એમને પસંદ આવ્યું નથી. સુનેત્રા પવારે પક્ષના ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી. આ બેઠક દક્ષિણ મુંબઈ સ્થિત એમના રહેઠાણએ રાખવામાં આવી હતી. બેઠકમાં એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૦૨૯ની ચૂંટણીમાં પક્ષ વધુમાં વધુ બેઠક જીતશે. બેઠકમાં મંત્રીઓ સહિત લગભગ ૫૦ ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં એમના પુત્રો પાર્થ અને જય પણ હાજર રહ્યા હતા. મુંબઈ એનસીપી (અજીત પવાર)ના પ્રમુખ જીશાન સિદ્દીકીએ કહ્યું હતું કે, બેઠકમાં હાજર રહેલા તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને પદાધિકારીઓએ સુનેત્રા પવારના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નેહા બોરાના નિવેદન બાબતે કોંગ્રેસના મૌન પર સવાલો
ઓલ ઇન્ડિયા સ્ટૂડન્ટ્સ એસોસીએશન (એઆઇએસએ)ના પ્રમુખ નેહા બોરા છેલ્લા કેટલાક સમયથી વિરોધ પક્ષના આંદોલનનો ચહેરો બની રહ્યા છે. નેહા બોરાનો એક જૂનો વીડિયો હમણા બહાર આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મંદીરોમાં બ્રાહ્મણ મહિલાઓ સુરક્ષીત નથી, કારણ કે પૂજારીઓ મંદીરમાં બળાત્કાર કરે છે. ભાજપના પ્રવક્તાએ આ વીડિયો ન્યૂઝ ચેનલો પર દર્શાવ્યો હતો. પ્રવક્તાએ કહ્યું હતું કે નેહા બોરા તો રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી રાજકારણની પોસ્ટર ગર્લ છે. નેહા બોરાનો આ વીડિયો બહાર આવ્યા પછી હિન્દુવાદી નેતાઓ ઇન્ડિયા ગઠબંધનને ટાર્ગેટ કરી રહ્યા છે. નેહા બોરાને સનાતન ધર્મને બદનામ કરનાર ગણવામાં આવે છે. એમનું કહેવું છે કે વિચારધારા કોઈપણ હોય બધા મંદીરો અને બધા પૂજારીઓને બદનામ કરવાનું યોગ્ય નથી. શું નેહા બોરા બીજા ધર્મ માટે આ રીતે વાત કરી શકે છે?




