'પોતાના પ્રદર્શન પર ભાજપ અભિમાન નહીં કરે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ૧લી નવેમ્બરે વિરોધ પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામુ માગવા માટે દિલ્હીમાં રેલી કરી રહ્યા છે. રેલીની તૈયારી માટે મોટા ભાગના વિરોધપક્ષના નેતાઓ આજે દિલ્હીમાં મળ્યા હતા. મીટીંગ પછી કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપને ચેતવણી આપી હતી. કર્ણાટકમાં એમએલસી ચૂંટણીના પરિણામ બાબતે ખડગેને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે, અમે હજી પણ બેલેટ પેપરથી મતદાનની માંગણી કરીએ છીએ. ભાજપ જીતી રહ્યું છે એટલે અમે મેદાન છોડી દેવાના નથી. એક સમયે ભાજપની સંસદમાં બે જ બેઠકો હતી…. કોઈક વાર આવું થાય છે. ભાજપને એનું અભિમાન હોવું જોઈએ નહીં. જો ભાજપમાં હિંમત હોય તો સંસદભંગ કરીને બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરાવે.
'હવે નાગપુર ભાજપનો નહીં, કોંગ્રેસનો ગઢ છે'
નાગપુર ડિવીઝન ગેજ્યુએટ્સ ચૂંટણી વિસ્તારની ચૂંટણી જીતનાર કોંગ્રેસના નેતા અભિજીત વણજારીએ કહ્યું છે કે, છેલ્લા છ વર્ષમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને વિદ્વાનો સાથે સતત જોડાઈ રહેવાને કારણે તેઓ ફરીથી ચૂંટાઈ આવ્યા છે. એમના કહેવા પ્રમાણે હવે નાગપુર ભાજપનો ગઢ રહ્યો નથી અને કોંગ્રેસનો ગઢ બની ગયો છે. નાગપુરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની વડી કચેરી આવી છે. આરએસએસની સ્થાપના પણ નાગપુરમાં થઈ હતી. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી નાગપુરથી ચૂંટણી જીતે છે, પરંતુ હવે વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે. વણજારીનું કહેવું છે કે ગેજ્યુએટ્સ સાથે જોડાયાલા પ્રશ્નો હલ કરવાને કારણે લોકોએ એમને સાથ આપ્યો છે. ગેજ્યુએટ્સનો એક અલગ મતવિસ્તાર હોય છે. ચૂંટણી પરિણામો એટલા માટે અગત્યના છે કે નાગપુરમાં કોંગ્રેસની જીત ખુબ મુશ્કેલ ગણાતી હતી. મહારાષ્ટ્ર વિધાનપરિષદની ચૂંટણીમાં ૫માંથી ૩ બેઠકો પર ભાજપની હાર થઈ છે.
બહુ બોલકા સંજય રાઉતે છેવટે માફી માંગી
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત એમના બહુ બોલકા સ્વભાવને કારણે ઘણી વખત તકલીફમાં મુકાયા છે. થોડા દિવસો પહેલા એમણે સીજેઆઇ સૂર્યકાંત વિરુદ્ધ ટીપ્પણી કરતી પોસ્ટ મૂકી હતી. જોકે હવે એમણે સુપ્રિમ કોર્ટની માફી માંગી લીધી છે. રાઉતે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે તેઓ કોઈપણ શરત વગર, પોતાની ઇચ્છાથી માફી માંગી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે સંજય રાઉતને અવમાનનાની નોટીસ આપ્યા પછી સંજય રાઉતે માફી માંગવી પડી છે. પોતાના માફીનામામાં સંજય રાઉતે કોર્ટની ગરીમા અને અધિકારના સન્માનની વાત કહી છે. એમણે કહ્યું છે કે સુપ્રિમ કોર્ટની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાના મહત્વને તેઓ સમજે છે. કોર્ટનું અપમાન કરવાનો કે ન્યાય તંત્રની ગરીમા અને સ્વતંત્રતા ઓછી કરવાનો એમનો કોઈ ઇરાદો નહોતો. જોકે સંજય રાઉતની મુશ્કેલી ઓછી થઈ નથી. સુપ્રિમ કોર્ટે એમને કોર્ટ સમક્ષ હાજર થવા કહ્યું છે.
આરએસએસએ અમેરિકામાં કયા નામે રજીસ્ટ્રેશન કરાવ્યું
આરએસએસએ અમેરિકામાં 'આરએસએસ ફ્રેન્ડ્ઝ'ના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજીસ્ટ્રેશન એક્ટ (એફએઆરએ) હેઠળ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસમાં આ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આરએસએસ વિદેશમાં પોતાની શાખ વધારવાનો પ્રયત્ન કરે છે. આરએસએસના શુભચિંતકોએ અમેરિકામાં સંગઠનનો વ્યાપ વધારવા આ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં જ્યોર્જિયાનું એડ્રેસ છે જ્યારે 'આરએસએસ ફ્રેન્ડ્ઝ'ને નવી દિલ્હીના કેશવકુંજ ખાતે આવેલા સંઘને 'ફોરેન પ્રિન્સિપલ' બતાવવામાં આવ્યા છે. સમૂહનું કહેવું છે કે આરએસએસ ફ્રેન્ડ્ઝનું આરએસએસ સાથે કોઈ જોડાણ નથી કે કોઈ એગ્રીમેન્ટ નથી. આરએસએસ ફ્રેન્ડ્ઝ પોતાની પ્રવૃત્તિ અને બીજી માહિતીનો ખુલાસો કરશે. આરએસએસ ફ્રેન્ડ્ઝની મુખ્ય એક્ટીવીટી માહિતીની આપલે, એજ્યુકેશનલ, પબ્લિક રીલેશન્સ અને કોમ્યુનીટી એંગેજમેન્ટ એક્ટીવીટીસ રહેશે.
ભાભા એટોમિકનો કોમ્પ્યૂટર એન્જિનિયર સાધુ બની ગયો
સોશ્યલ મીડિયા પર આજકાલ ગંગોત્રીના ડુગરો વચ્ચે રહેલા એક સન્યાસીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સન્યાસી બનતા પહેલા આ યુવાન ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર (બીએઆરસી)નો કોમ્પ્યૂટર એિન્જિનિયર હતો. ૨૦૦૨માં બીટેક અને ત્યાર પછી એમટેક કરનાર આ યુવાને લાખો રૂપિયાના પેકેજ અને શહેરની ચકાચોંધ છોડીને સન્યાસી બનવાનું નક્કી કર્યું હતું. બીએઆરસીના બોસે એમને શોધવા માટે ફોન કર્યો ત્યારે બાબાએ એમને જવાબ આપ્યો કે તેઓ તો હવે સાધુઓ સાથે રહે છે. બોસે એમને કહ્યું હતું કે, તું શું પાગલ થઈ ગયો છે? આ વીડિયો ઇન્સ્ટાગ્રામ અને યુટયુબ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો યુવાનના સાહસ અને જિંદગીને અલગ નજરે જોવાના દ્રષ્ટિકોણના વખાણ કરી રહ્યા છે. બાબાનું કહેવું છે કે લોકો મોટી પોસ્ટ અને પૈસાની રેસમાં છે ત્યારે અસલ જિંદગી કઈક અલગ જ છે.
નસીરૂદ્દીન શાહના વીડિયો પછી રાજકીય ધમાલ
ફિલ્મ અભિનેતા નસીરૂદ્દીન શાહએ એક વીડિયો બનાવીને પોતાની જાતને દિમાગી નક્સલ ગણાવી છે. યાદ રહે કે થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંબોધનમાં કહ્યું હતું કે જંગલમાં રહેતા નક્સલોનો સફાયો થઈ ગયો છે. હવે કેટલાક દિમાગી નક્સલો બાકી છે એમનો સફાયો કરવો જરૂરી છે. એમ લાગે છે કે નસીરૂદ્દીન શાહે કોઈક નબળી ક્ષણે પોતે દિમાગી નક્સલ છે કે અર્બન નક્સલ છે એવું કબુલ કરીને પોતાના વિરોધીઓને મોકળુ મેદાન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુએ નસીરૂદ્દીન શાહની ટીકા કરતા એમને જોખમી અર્બન દિમાગી નક્સલ ગણાવ્યા હતા. એમના કહેવા પ્રમાણે નસીરૂદ્દીન શાહના વિચારો ભારતીય લોકતંત્ર માટે ખૂબ ખતરનાક છે. અભિનેતાએ વીડિયોમાં કેન્દ્ર સરકાર પર દેશની શિક્ષણ વ્યવસ્થા બરબાદ કરવાનો આરોપ મૂક્યો હતો. રીજીજુએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે પહેલા તેઓ નસીરૂદ્દીન શાહનું સન્માન કરતા હતા, પરંતુ હવે એમનું મૂળભૂત ચરિત્ર બહાર આવ્યું છે.
આઝમ ખાન અને પુત્ર અબ્દુલાને રાહત
બે પાન કાર્ડ રાખવાના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાન અને એમના પુત્ર અબ્દુલા આઝમને રાહત આપી છે. કોર્ટે બંનેની સજા મુલતવી રાખીને એમની જામીન અરજી મંજૂર કરી દીધી છે. જસ્ટીસ સ્મિત ભોપાલની સિગલ બેચએ આ ચૂકાદો આપ્યો છે.
છેલ્લી સુનાવણી વખતે બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આઝમ ખાન અને અબ્દુલા આઝમએ ટ્રાયલ કોર્ટે ફરમાવેલી સજા અને એમને દોષિત ઠેરવ્યા હતા, એને ચેલેન્જ કર્યા હતા. એમણે સજા મોકુફ રાખવા માટે અને જામીન આપવા માટે પણ કોર્ટને વિનંતી કરી હતી. હાઇકોર્ટે આ તમામ માંગણીઓ મંજૂર રાખી છે. જોકે હાઇકોર્ટે એમને નિર્દોષ ગણવાની માંગણી નામૂજર કરી દીધી છે. આઝમ ખાન અને અબ્દુલા આઝમ પર આક્ષેપ હતો કે એમણે બે અલગ અલગ જન્મ તારીખવાળા પાન કાર્ડ બનાવીને દુરઉપયોગ કર્યો હતો.




