Delhi ni Vaat

નીતિન નવીનના પ્રમુખપદે ભાજપની બેઠક મળી

By GS Team
30 Sep 20265 mins read
TukuTouch Logo
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે પક્ષ કાર્યાલયમાં વિવિધ રાજ્યોના પ્રભારીઓ અને સહપ્રભારીઓની પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠન વિસ્તાર, ચૂંટણી તૈયારીઓ, અને લોકો સુધી પહોંચવાની યોજનાઓ પર ચર્ચા થઈ. 65 જેટલા પ્રભારીઓ હાજર રહ્યા હતા. બીજી તરફ, મહારાષ્ટ્રમાં દુષ્કાળ વચ્ચે લોકાયુક્ત માટે ₹1.32 કરોડની લક્ઝરી ગાડીઓ ખરીદવા મુદ્દે વિવાદ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નીતિન નવીનના પ્રમુખપદે ભાજપની બેઠક મળી

નવીદિલ્હી : નવી દિલ્હીમાં ભાજપ પક્ષના કાર્યાલયમાં વિવિધ રાજ્યોના પ્રભારીઓ અને સહપ્રભારીઓની પહેલી બેઠક મળી હતી. બેઠકના અધ્યક્ષ તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન હતા. આ બેઠકમાં સંગઠનનો વિસ્તાર, ચૂંટણીની તૈયારીઓ અને લોકો સુધી પહોંચવાની યોજનાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક શરૂ થતા પહેલા નવીનએ પક્ષના મુખ્ય મથક ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડીત દીનદયાલ ઉપાધ્યાયની તસવીરો પર ફૂલ ચઢાવીને શ્રદ્ધાંજલી આપી હતી. આ બેઠકમાં લગભગ ૬૫ જેટલા પ્રભારીઓ અને સહપ્રભારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બીએલ સંતોષ, ઉત્તર પ્રદેશના પ્રભારી વિનોદ તાવડે, સુનીલ બંસલ, સ્મૃતિ ઇરાની, વિક્લબ ડેબ, હરીશ દ્રિવેદી, સંજય ભાટીયા, સતીષ પુણીયા અને ગજેન્દ્ર પટેલ સહિત બીજા નેતાઓ પણ હાજર હતા. આવનાર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ વિશે વિગતવાર ચર્ચા થઈ હતી.
મહારાષ્ટ્રમાં દુષ્કાળ વચ્ચે લોકાયુક્તો માટે કરોડોની લક્ઝરી ગાડીઓ
મહારાષ્ટ્ર સરકારના સામાન્ય શાસકીય વિભાગએ લોકાયુક્ત કાર્યાલયના ૪ સભ્યો માટે લક્ઝરી ગાડીઓ ખરીદવા ૧.૩૨ કરોડ રૂપિયા મંજૂર કરવાથી ભારે વિવાદ થયો છે. દર ગાડી માટે ૩૩ લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ઓર્ડરમાં ઇનોવા - હાઇક્રોસ મોડલ ખરીદવાનું નક્કી થયું છે. હમણા જ લોકાયુક્ત તરીકે સોંગદ લેનારા સભ્યોને આ ગાડી આપવામાં આવી છે. લોકાયુક્ત અને ભૂતપૂર્વ જસ્ટીસ સુનિલ શુક્રેની અધ્યક્ષતાવાળી આ પેનલમાં ભૂતપૂર્વ જસ્ટીસ સૂરેન્દ્ર તાવડે અને સુવર્ણા કેવલે તથા ભૂતપૂર્વ ડીજીપી રશ્મી શુક્લા અને ભૂતપૂર્વ આઇએએસ અધિકારી ઓમ પ્રકાશ ગુપ્તાનો સમાવેશ થાય છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે દુષ્કાળની ગંભીર સ્થિતિ છે. રાજ્યના ૩૫૮માંથી ૨૫૬ તાલુકામાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. આવા સમયે સરકારે કરકસરને બદલે બેફામ ખર્ચ કરતા ભારે ટીકા થઈ રહી છે.
સીઇસી સામે રાષ્ટ્રવ્યાપી આંદોલનની તૈયારી
દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમીટી (સીડબ્લ્યુસી)ની બેઠકમાં તમામ ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય એજન્ડા એસઆઇઆરમાં થયેલા ગોટાળાની ચર્ચા કરવાનો હતો. કોંગ્રેસ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનને દેશ વ્યાપી કઈ રીતે બનાવવું એ બાબતે સીડબ્લ્યુસીની બેઠકમાં ચર્ચા થઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારને એમના હોદ્દા પરથી હટાવવા માટે અને કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા પક્ષની રણનીતિ ઘડવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં થઈ રહેલી કોંગ્રેસ કાર્ય સમીતિની બેઠકમાં પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા.
સીએમ વિજયના 'ડ્રીમ પ્રોજેક્ટ'નો
વિરોધ માછીમારોએ કર્યો
મુખ્યમંત્રી વિજયનો પક્ષ તામિલનાડુમાં સત્તા પર આવ્યો ત્યાર પછી સચીવાલયનું સ્થાન બદલીને ચેન્નઇના દરિયા કિનારે લઈ જવાનું નક્કી થયું છે. આ પ્રોજેક્ટ મુખ્યમંત્રી વિજયનો માનીતો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો વિરોધ તામિલનાડુના રાજકીય પક્ષો કરી રહ્યા છે. ડીએમકે તેમજ એઆઇએડીએમકે અને સામ્યવાદીઓ તેમજ વીસીકે પણ વિરોધમાં જોડાયા છે. હવે માછીમાર સંપ્રદાયના લોકોએ પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. પટ્ટીનાપક્કમના માછીમાર કૃષ્ણનએ વિજય સરકારના પ્રસ્તાવ બાબતે નિરાશા દર્શાવીને કહ્યું હતું કે, માછીમાર સંપ્રદાયની ઘણી પેઢીઓ આ વિસ્તારમાં રહે છે અને માછલી પકડવાનું કામ કરે છે. અમને લાગ્યુ કે એમજીઆર પછી મુખ્યમંત્રી વિજય માછીમારોના મિત્ર હશે. જોકે અહીં સચીવાલય કોમ્પલેક્ષ બનાવવાના એમના નિર્ણયથી અમને આંચકો લાગ્યો છે.
વિસ્તરણ માટે ઇન્ડિયન ઓઇલને
બંગાળ સરકાર જમીન આપશે
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન પછી ભાજપે હવે કેટલાક નિર્ણયો ઝડપથી લેવા માંડયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને આશ્વાસન આપ્યું છે કે, હલ્દીયામાં લાંબા સમયથી આયોજીત યોજના માટે જમીન મેળવવા સરકાર મદદ કરશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પોતાની રીફાઇનરી સાથે પેટ્રો કેમિકલ કોમ્પ્લેક્સનો વિકાસ કરવાની યોજના બનાવી રહી છે. વિસ્તરણ માટે ૧૭૫ એકર જમીનની જરૂર પડશે. આમાંથી ૮૫ એકર જમીન હલ્દીયા વિકાસ પ્રાધીકરણ પાસે પહેલાથી જ મેળવી લેવામાં આવી છે. બાકીની જમીન શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટના હલ્દીયા ડોક કોમ્પ્લેક્સના માધ્યમથી મેળવાશે. મુખ્યમંત્રી શુભેંદુ અધિકારીનું કહેવું છે કે, એમણે પોર્ટના અધિકારીઓ સાથે આ મુદ્દાની ચર્ચા કરી છે જેથી આઇઓસીને જરૂરી જમીન આપી શકાય. કંપની પણ હલ્દીયા વિસ્તારમાં ડેવલપમેન્ટ માટે વિચાર કરી રહી છે.
દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતો સાથે ભેદભાવનો આક્ષેપ
કોંગ્રેસના સિનિયર નેતા વિજય વડેટ્ટીવારે મહારાષ્ટ્ર સરકાર પર દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતો સાથે રાજકીય ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો છે. એમના કહેવા પ્રમાણે રાજ્ય સરકારે પ્રદેશના ટૂંકા વિસ્તારોની યાદીમાં મંત્રીઓના મત વિસ્તારને પ્રાથમિકતા આપી છે, જ્યારે વિરોધપક્ષોના મત વિસ્તારોને બાદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએ આપેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના ૩૩ મંત્રીઓમાંથી ૨૮ મંત્રીઓના તાલુકાઓનો સમાવેશ દુષ્કાળગ્રસ્ત વિસ્તારની પહેલી યાદીમાં થયો હતો. જ્યાં વિરોધપક્ષનું વર્ચસ્વ છે એ વિસ્તારના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે. વડેટ્ટીવારએ કહ્યું હતું કે, 'દુષ્કાળ પર રાજકારણ કરતા સરકારને શરમ આવવી જોઈએ. મંત્રીઓએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતી વખતે વિરોધપક્ષના ધારાસભ્યોના વિસ્તારો અવગણ્યા હતા.' ચંદ્રપુર જિલ્લાના બ્રહ્મપુરી તાલુકાનો વિસ્તાર દુષ્કાળનો સામનો કરી રહ્યો હોવા છતાં સરકારની યાદીમાં નથી.
'ગુનાઓ મહિલાઓ સામે અને દંડીત પણ મહિલાઓ જ'
લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન બહાર પાડીને મહિલાઓની સુરક્ષાની માંગણી કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યો છે. એમણે યુવાનો અને જેન ઝીને આ વિરોધ પ્રદર્શનોમાં સામેલ થવાની અપીલ કરી છે. દિલ્હીમાં એક યુવતી પર થયેલા દુષ્કર્મ બાબતે રાહુલ ગાંધીએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલા ગુનાઓમાં મહિલાઓને જ દંડીત કરવી જોઈએ નહીં. જે ગુનેગાર છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, 'આખા દેશમાં મહિલાઓ રસ્તા પર ચાલતા ડરે છે. એમને પોતાનું શોષણ થવાનો તેમજ એમની સાથે દુષ્કર્મ થવાનો ડર લાગે છે. સરકાર કહી રહી છે કે તમે ઘરમાં જ રહો. આ પુરુષપ્રધાન વ્યવસ્થા છે. જે પીડિતોને જ આરોપી બનાવે છે અને ગુનેગારોનો બચાવ કરે છે.'