કોંગ્રેસના વિરોધથી ભાગવતનો અમેરિકા પ્રવાસ વિવાદમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ૨૫ ઓગસ્ટથી અમેરિકા, કેનેડા અને યુકેના પ્રવાસે જવાના છે. પ્રવાસ દરમિયાન તેઓ મૂળ ભારત નિવાસીઓ સાથે સંવાદ કરવાના છે. કોંગ્રેસના મહામંત્રી અને સાંસદ જયરામ રમેશના આક્ષેપ પ્રમાણે દેશની ઘણી આઇઆઇટીના ડિરેક્ટરોને કહેવામાં આવ્યું છે કે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરે કારણ કે તેઓ અમેરિકામાં ભાગવત સાથે મીટીંગ કરી શકે. વિદેશમાં મૂળ ભારતીયો સાથે જોડાયેલા સ્થાનિક સંગઠનો અને સંસ્થાઓ ભાગવતને આમંત્રીત કરે એ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આરએસએસનું કહેવું છે કે ભાગવતનો પ્રવાસ સંઘના શતાબ્દી વર્ષને કારણે ગોઠવાયો છે. આરએસએસના પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે અગાઉ કહ્યું હતું કે ભાગવતનો વિદેશ પ્રવાસ વિદેશની સંસ્થાઓ અને ત્યાના સંગઠનોએ ગોઠવ્યો છે.
જોસેફ વિજયની સરકાર બેકફુટ પર કેમ આવી
તામિલનાડુમાં વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા રોકવાના નિર્ણય બાબતે વિજયની સરકાર બેકફુટ પર આવી ગઈ છે. આ હુકમનો ભારે વિરોધ થયા પછી ટીવીકેએ હુકમ પાછો ખેંચી લીધો છે. પહેલા જોસેફ વિજયની સરકારે વિદ્યાર્થીઓને સામ્યવાદ અને સીજેપી જેવા સંગઠનો દ્વારા થતા વિરોધ પ્રદર્શનથી દુર રહેવાની વાત કહી હતી. આ વાત જાણતા જ કોકરોચ જનતા પાર્ટી આક્રમક બની ગઈ હતી. તામિલનાડુ સરકારનો હુકમ સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને અસર કરનારો હતો. અધિકારીઓ અને સત્તાધિશોને ડાબેરીઓ તેમજ કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને અટકાવવા માટે કહેવામાં આવ્યું હતું. જંતર મંતર ખાતે જે રીતે કોકરોચ જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કેન્દ્ર સરકારે છેવટે નમતુ જોખવું પડયું હતું એમાંથી શીખીને વિજય સરકારે પણ પારોઠના પગલા ભર્યા છે.
બસના ભાડાથી સ્કૂલની શીફટીંગ સુધી, જેન આલ્ફા પણ રસ્તા પર
બસના ભાડામાં વધારો, સ્કૂલોને શહેરની બહાર લઈ જવાની યોજના અને ચાર સંસ્થાઓને કેન્દ્રીય વિદ્યાલય સીસ્ટમ હેઠળ લાવવાનો પ્રસ્તાવ, આ ત્રણ બાબતોમાં સમાનતા નથી. જોકે મધ્યપ્રદેશમાં આ ત્રણે વાતને કારણે એક સરખી પ્રતિક્રિયા જોવા મળી છે. સ્કૂલના વિદ્યાર્થીઓને જેન આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે. જેન આલ્ફા હવે સ્કૂલ બહાર નીકળીને સત્તાધિશો સામે વિરોધ પ્રદર્શન કરવા માંડયા છે. આમાંથી કોઈપણ વિરોધ પ્રદર્શનનું આયોજન કોઈ છાત્રસંઘ, શિક્ષક સંગઠન કે રાજકીય પાર્ટીના કાર્યકરોએ કર્યું નથી. આ બધા વિરોધ પ્રદેશનની આગેવાની બધા સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી છે. પહેલું વિરોધ પ્રદર્શન વીદીસા જિલ્લાના સીરોજં બસ સ્ટેન્ડ પર કરવામાં આવ્યું હતું. કન્યા હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિનીઓ જે :ટ પરથી બસમાં આવજા કરતી હતી ત્યાંના ખાનગી બસ ઓપરેટરોએ ભાડુ ૧૦ :પિયાથી વધારીને ૨૫ :પિયા કરી નાખ્યું હતું. આ જ રીતે બીજા નિર્ણયોના વિરોધ પ્રદર્શનો અલગ અલગ જિલ્લાઓમાં શ: થયા છે. મધ્યપ્રદેશની ભાજપ સરકાર ટેન્શનમાં આવી ગઈ છે.
આરજેડીએ અપનાવી 'એકલા ચાલો' નીતિ
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના કાર્યકારી પ્રમુખ તેજસ્વી યાદવ લોકભવન માર્ચના બહાને વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં આવી ગયા છે. નવાઈની વાત એ છે કે સીવાન ફાયરીંગનો તેજસ્વી યાદવ વિરોધ કરી રહ્યા છે એ કિસ્સામાં તો એકે-૪૭ થી ફાયરીંગ કરનાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીવાનના એસપીની બદલી પણ કરી નાખવામાં આવી છે. સવાલ એ છે કે બનાવ બન્યાના આટલા દિવસ પછી તેજસ્વી યાદવ કેમ રસ્તા પર ઉતર્યા છે? રાજ્યમાં જ્યારે વિવાદાસ્પદ બનાવો બની રહ્યા હતા ત્યારે તેજસ્વી યાદવ વિદેશ હતા. વિદેશથી આવીને હવે એમણે પોતાનું અલગ વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું છે. નવાઇ એ વાતની છે કે તેજસ્વી યાદવના વિરોધ પ્રદર્શનમાં મદદે બીજા કોઈ રાજકીય પક્ષો આવ્યા નથી. તેજસ્વી યાદવે બીજા વિરોધ પક્ષોને સાથે રહેવા માટે પણ કહ્યું નથી. તેજસ્વીનો કોંગ્રેસને મેસેજ છે તે તેઓ હવે બિહારમાં એકલે હાથે જ એનડીએનો વિરોધ કરશે.
સાવરકરના પ્રપોત્રના નિવેદન પછી ભાજપ ચૂપ
વીર સાવરકરના પ્રપોત્ર સત્યકી સાવરકરએ એવું કહ્યું છે કે, નાથુરામ ગોડસે આરએસએસ સાથે સંકળાયેલા હતા. આ નિવેદન પછી કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસે આરએસએસ પાસે સ્પષ્ટતા માંગી છે. સત્યકી સાવરકરએ રાહુલ ગાંધી સામે દાખલ કરેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે સત્યકીએ આ નિવેદન કર્યું હતું. મહારાષ્ટ્ર કોગ્રેેસના પ્રવક્તા સચીન સાવંતએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, મહાત્મા ગાંધીની હત્યા પછી આરએસએસ હંમેશા કહે છે કે, ગોડસે બંધુઓને સંઘ સાથે કોઈ લેવાદેવા નહોતી. હવે આરએસએસએ આ બાબતે જવાબ આપવો જોઈએ. નવાઈની વાત એ છે કે બહુ બોલકા ભાજપના પ્રવક્તાઓ પણ એકાએક ચૂપ થઈ ગયા છે. એમની પાસે ખૂલાસો આપવા માટે કોઈ મુદ્દો નથી અથવા તો તેઓ ડઘાઈ ગયા છે.
એનડીએ સાથે જોડાવાના આમંત્રણ બાબતે દિપકેનો કટાક્ષ
રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેને એનડીએ સાથે જોડાવાની અપીલ કરી હતી. આ બાબતે હવે અભિજીત દિપકેએ પ્રતિક્રિયા આપી છે. યાદ રહે કે રામદાસ આઠવલેનો પક્ષ એનડીએનો હિસ્સો છે. આ બાબતે દિપકેએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'પરંતુ હજી એક મહિના પહેલા તો હું તમારા માટે દેશદ્રોહી હતો.' આમ તો રામદાસ આઠવલે ઘણી બધી વાતો હળવી રીતે કરતા રહે છે, પરંતુ આ વખતે એમને સમગ્ર એનડીએ વતી બોલવાનું ભારે પડી ગયું છે. આઠવલેએ અભિજીત દિપકે આંબેડકર વાદી હોવાનું પણ કહ્યું હતું. અગાઉ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પણ આડકતરી રીતે કોકરોચ જનતા પાર્ટીને ટેકો આપ્યો હતો જેને કારણે ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ હતી.
રેલવે સ્ટેશનો પર એફડીએની કાર્યવાહી કેટલી ગંભીર
આજકાલ દેશમાં ફુડ સેફ્ટી બાબતે કેટલેક ઠેકાણે કાર્યવાહી થઈ રહી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન (એફડીએ) હવે રેલવે સ્ટેશનો પર મળતી ખાણીપીણીની તપાસ કરી રહી છે. બધા જાણે છે કે રેલવે સ્ટેશનો પર જે ખાદ્ય સામગ્રી બને છે એ ભાગ્યે જ ખાવા લાયક હોય છે. માખીથી બણબણતા વાતાવરણમાં ગંદા હાથથી કારીગરો ખુલ્લામાં બટાટા વડા કે સેન્ડવીચ બનાવતા હોય છે. વર્ષો પછી એફડીએની ઉંઘ ઉડી છે અને પશ્ચિમ રેલવેના કોમર્સીયલ ડીપાર્ટમેન્ટ સાથે મળીને મુંબઈ રેલવે સ્ટેશન સહિતના બીજા સ્ટેશનોએ ૪૦ થી વધુ ફુડ સ્ટોલો બંધ કરાવવામાં આવ્યા છે. આ વાતને બહોળી પ્રસિદ્ધિ આપવામાં આવી છે. હવે જોવાનું રહે છે કે ખરેખરે એફડીએની કાર્યવાહી કેટલો સમય ચાલે છે અને રેલવે સ્ટેશનો પર મળતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સુધરેલી રહે છે.




