જેન-ઝી નામની મત બેન્ક બચાવવા ભાગવત મેદાનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : કોકરોચ જનતા પાર્ટીના આંદોલન સામે ઝૂકી જતા મોદી સરકારે ૧૨ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મંત્રી પાસેથી રાજીનામું લેવાની ફરજ પડી હતી. આ આંદોલનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી સરકારની નીતિઓના કારણે જેન-ઝીમાં મોદી સરકાર પ્રત્યે નારાજગી વધી રહી છે. આવા સમયે જેન-ઝી નામની મત બેન્ક બચાવવા માટે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મેદાનમાં આવ્યું છે. આ કારણથી જ સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે સંવાદ સાધ્યો હતો. ઉપરાંત આગામી સમયમાં પણ મોહન ભાગવત ૧૦૦ જેટલા શહેરોમાં યુવાનો સાથે સંવાદ સાધવાના છે. આ સંવાદનો મુખ્ય આશય આગામી ચૂંટણીઓમાં જેન-ઝી નામની મતબેન્ક ભાજપથી દૂર ના જાય તેમ માનવામાં આવે છે. જેન-ઝીન માટે જાહેરમાં નિવેદનો આપી જેન-ઝીના નવા નેતાઓને સરકાર સાથે તાલમલ કરાવવાનું પાછલા બારણે આયોજન કરાવાઈ રહ્યું છે તેવું દિલ્હીના પાવર કોરીડોરમાં ચર્ચાઈ રહ્યું છે.
સજા પછી દિલ્હીમાં તરૂણ તેજપાલની ફરી ચર્ચા
એક જમાનામાં જેમના પત્રકારત્વએ દેશભરમાં ચર્ચા જગાવી હતી એ તરૂણ તેજપાલ ફરીથી ચર્ચામાં છે. ૨૦૧૩માં એમના પર બળાત્કારની ફરિયાદ દાખલ થઈ હતી. જોકે ગોવાની નીચલી કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ચૂકાદા સામે ગોવા સરકાર હાઇકોર્ટમાં ગઈ હતી. હવે મુંબઈ હાઇકોર્ટની ગોવા બેંચે તરૂણ તેજપાલને દોષીત જાહેર કરીને ૧૦ વર્ષની સખત કેદની સજા જાહેર કરી છે. તરૂણ તેજપાલ પર આરોપ હતો કે એમના મેગેઝીનના એક કાર્યક્રમ દરમિયાન ગોવાની સેવન સ્ટાર હોટલની લીફટમાં એમણે જૂનિયર રીપોર્ટર સાથે બે વખત કુકર્મ કર્યું હતું. હાઇકોર્ટના ચુકાદા વખતે હાજર રહેલા તરૂણ તેજપાલે જજને વિનંતી કરી હતી કે એમની ઉંમર ૬૨ વર્ષની છે અને એમને પત્ની અને બે પુત્રીઓ હોવાથી એમના પર દયા રાખવામાં આવે. કોર્ટની બહાર નિકળીને એમણે પત્રકારોને કહ્યું હતું કે 'આ એક રાજકીય કાવતરુ છે અને સરજીલ ઇમામ અને ઉમર ખાલીદની જેમ મને પણ ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.'
'ન્યાયીક અધિકારી સરકારી કર્મચારી નથી'
સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ન્યાયીક અધિકારી એટલે કે ન્યાયાધીશો સરકારી કર્મચારી હોતા નથી, પરંતુ એક ખાસ વર્ગમાં એમની ગણના થાય છે. જિલ્લા જજોની નિવૃત્તીની ઉંમર ૬૦થી વધારીને ૬૨ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી હતી. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટીસ જોય માલ્ય બાગચી અને જસ્ટીસ વી મોહનાની બેંચે આ વાત ત્યારે કરી કે જ્યારે કેટલીક રાજ્ય સરકારોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટે ૨૨ જુલાઈએ હાઇકોર્ટોને કહ્યું હતું કે, ન્યાયાધીશોની નિવૃત્તી વય વધારવા બાબતે ચોક્કસ સમયમાં નિર્ણય કરે. જ્યાં હાઇકોર્ટ અને રાજ્ય સરકાર આ બાબતે સહમત થતા હોય ત્યાં ન્યાયાધીશોની નિવૃત્તી વય વધારવાની સહમતી આપે. કોર્ટે પોતાના હુકમમાં કહ્યું હતું કે ન્યાયાધીશો સરકારી કર્મચારી નથી. ભલે એમની નિમણૂક રાજ્ય સરકાર કરતી હોય.
મહેબુબા મુફ્તી સંકટમાં
શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કરતી વખતે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાનો આરોપ પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)ના પ્રમુખ મહેબુબા મુફતી પર મુકાતા તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. મહેબુબા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે જમ્મુમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પક્કા ડંગા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં સામાજીક કાર્યકર્તા નિરજ શર્માએ મુફ્તી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ શ્રીનગરમાં આવેલા પીડીપી કાર્યાલયની બહાર કેન્દ્ર સરકારે રદ કરેલા આર્ટીકલ ૩૭૦ને ફરી લાગુ કરવા દેખાવો કર્યા હતા. એ વખતે એમણે રાષ્ટ્રધ્વજ ઊંધો પકડયો હતો. આ પ્રસંગનો વીડિયો દેશભરમાં વાયરલ થયો હતો. ફરિયાદીનું માનવું છે કે, મહેબુબા મુફ્તીએ જાણી જોઈને ઝંડા પરનો કેસરી રંગ નીચે આવે એ રીતે પકડયો હતો.
શશી થરૂર ફરીથી વિવાદમાં
કોંગ્રેસના સાંસદ શશી થરૂર એમના બોલકા સ્વભાવ માટે જાણીતા છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ હાઇકમાન્ડ એમનાથી નારાજ રહે છે, કારણ કે થરૂર આડકતરી રીતે ભાજપના કેટલાક નિર્ણયને વખાણે છે. હવે શશી થરૂર ફરીથી એક વિવાદમાં સપડાયા છે. મુંબઈમાં યુવાનો પર કેન્દ્રીત યુથ કોન્ફરન્સમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત હાજર રહેવાના છે. તેઓ જેન ઝીને સંબોધન કરવાના છે. આ કાર્યક્રમમાં શશી થરૂર પણ હાજર રહેવાના છે. જ્યારે કોંગ્રેસના ટેકેદારોએ આ બાબતે એમની ટીકા કરી ત્યારે થરૂરે સોશ્યલ મીડિયા એક્સ પર ખૂલાસો મૂકવો પડયો હતો. એમણે કહ્યું હતું કે, આ વિદ્યાર્થીઓનું આંદોલન છે, નહીં કે આરએસએસનું. યુથ કોન્ફરન્સમાં એમની ભાગીદારીને આરએસએસ સાથે કોઈ લેવાદેવા નથી. મોહન ભાગવતના સંબોધન પછીના સેશનમાં તેઓ હાજર રહેવાના છે.
પપ્પુ યાદવની મુશ્કેલી વધી
અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફ પપ્પુ યાદવ મુશ્કેલીમાં મૂકાયા છે. પ્રયાગરાજમાં એમની વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ થયો છે. ભાજપના નેતા સુશીલકુમાર મિશ્રાની ફરિયાદને આધારે કોર્ટે કેસ દાખલ કરવાનો હુકમ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કેટલીક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે પપ્પુ યાદવને ૧૧મી ઓગસ્ટે હાજર થવા માટે નોટીસ મોકલી છે. ફરિયાદીનો આરોપ છે કે, સંસદમાં પ્રદર્શન વખતે ધાર્મિક લાગણી દુભાય અને સમાજમાં ખોટો સંદેશો જાય એવું વર્તન સાંસદનું હતું. થોડા દિવસો પહેલા પપ્પુ યાદવે સંસદ પરીસરની બહાર દાન ચોરી મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પપ્પુ યાદવ સાધુની વેશભૂષામાં દેખાયા હતા. ફરિયાદીનું માનવું છે કે આ પ્રદર્શનમાં સાધુ-સંતો અને ધાર્મિક પરંપરાઓને અપમાનજક રીતે બતાવવામાં આવ્યા હતા.
'સુખબીર બાદલ તો પહેલેથી જ પતી ગયા છે, મને મુખ્યમંત્રી માન સામે લડાવો'
પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે તેમ તેમ પંજાબનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડીંગએ મોટી જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મુખ્યમંત્રી ભગવંત માન સામે લડવા તૈયાર છે. વડીંગે કોંગ્રેસના જ એક નેતાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો કે, એમણે શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ વિરુદ્ધ ચૂંટણી લડવી જોઈએ. વડીંગનું માનવું છે કે અકાલી નેતા તો પુરા થઈ ગયા છે. જો મારે સ્પર્ધા જ કરવાની હોય તો ભગવંત માન સામે મને મૂકો. પક્ષનું હાઇકમાન્ડ નક્કી કરશે કે કોણે ક્યાંથી ચૂંટણી લડવી, પરંતુ જો મારે નક્કી કરવાનું હોય તો હું ચોક્કસ માન સામે જ લડીશ. વડીંગ પહેલા મુખ્તસર જિલ્લાની ગીદ્દડબહા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભગવંત માન હમણા સંગરૂર જિલ્લાની ધૂરી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
બીએસપીના એક માત્ર ધારાસભ્ય નહીં રહ્યા
ઉત્તર પ્રદેશના રાજકારણમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના સિનિયર નેતા અને બલિયા જિલ્લાની રસડા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ઉમાશંકર સિંહ ઉત્તર પ્રદેશના ખૂબ જ જાણીતા રાજકારણી હતા. દલિત મતદારો પર એમની મજબૂત પકડ હતી. તેઓ બીએસપીના એક માત્ર ધારાસભ્ય હતા. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં બીએસપીનો દેખાવ ખૂબ નબળો રહ્યો હતો ત્યારે પણ ઉમાશંકર સિંહ મોટા માર્જીનથી જીત્યા હતા. ઉમાશંકર સિંહના પિતા ગુરાહુ સિંહ ભારતીય લશ્કરમાં રહી ચૂક્યા હતા. ઉમાશંકર સિંહ પહેલી વખત ૨૦૧૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રસડા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. ત્યાર પછી ૨૦૧૭ અને ૨૦૨૨માં તેઓ લગાતાર બે વખત ધારાસભ્ય બન્યા હતા. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે અને બીએસપીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે ઉમાશંકર સિંહની ખોટ માયાવતીને પડશે એ નક્કી છે.









