તમામ કેન્દ્રીય મંત્રીઓને દિલ્હીમાં રહેવા આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીઓ સાથે બે દિવસની 'ચિંતન બેઠક' કરવાના છે. ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે થનારી આ બેઠકમાં સરકારની કામગીરી, નીતિ અને સુધારા સાથે જોડાયેલા કેટલાક અગત્યના મુદ્દાઓ પર વિચારણા થશે. તમામ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓને આવતા અઠવાડિયે દિલ્હીમાં રહેવાનો આદેશ થઈ ગયો છે. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીઓનો સમાવેશ થશે કે નહીં એ હજી નક્કી નથી. બેઠકમાં કેટલાક મંત્રીઓ પોતાના મંત્રાલયોની કામગીરી અને અલગ અલગ ક્ષેત્રોમાં થયેલા સુધારાનું પ્રેઝન્ટેશન કરી શકે છે. આ મીટીંગમાં એવી પણ ચર્ચા થઈ શકે છે કે સરકારની નીતિઓનું શ્રેષ્ઠ અને અસરદાર રીતે અમલીકરણ થઈ શકે. સરકારની નીતિઓનો ફાયદો સામાન્ય વ્યક્તિ સુધી પહોચે એ બાબતે વડાપ્રધાન પૂછપરછ કરી શકે એમ છે. વડાપ્રધાન મોદીએ પહેલા પણ કહ્યું છે કે સામાન્ય લોકોનું જીવન સહેલુ બને એ માટે તમામ મંત્રાલયે પ્રયત્ન કરવા જોઈએ.
લદ્દાખના નેતાઓને ઉમર અબ્દુલ્લાની સલાહ
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ લદ્દાખના નેતાઓને સલાહ આપી છે. એમની સલાહ છે કે, જમીન તેમજ નોકરીઓ સંબંધેના એમના પ્રશ્નો બાબતે કેન્દ્ર સરકારના મૌખીક આશ્વાસનો પર વિશ્વાસ કરે નહીં. એમના કહેવા પ્રમાણે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારના મૌખીક આશ્વાસનોથી હજી સુધી કઈ મળી શક્યું નથી. લદ્દાખના પોતાના મુદ્દા છે જ્યારે જમ્મુ-કાશ્મીરના મુદ્દા અલગ છે. એમણે કહ્યું હતું કે, 'એક મિત્ર અને શુભચિંતક તરીકે મારી લદ્દાખના નેતાઓને એટલી જ સલાહ છે કે કેન્દ્ર સરકારના આશ્વાસન પર ભરોસો કરે નહીં. જ્યાં સુધી એમને લેખિત અને સહી કરેલા દસ્તાવેજો નહીં મળે ત્યાં સુધી કોઈ વાત માનવી નહીં. અમે પોતે કેન્દ્ર સરકારનો ભોગ બન્યા છીએ. અમને પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પછી તરત જ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. લગભગ બે વર્ષ વિતી ગયા હોવા છતા પણ હજી કઈ થયું નથી.
એસઆઇઆર પછી દિલ્હીમાં ૪૭.૫ લાખ નામ દુર થયા
દિલ્હીમાં એસઆઇઆરની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતીએ ચાલે છે. ૩૧મી ઓગસ્ટ સુધી મતદાતા યાદીમાંથી લગભગ ૪૭.૫ લાખ નામ દુર કરવામાં આવ્યા છે. વાંધા ફોર્મ ભરવાના ૧૫ દિવસ થઈ ગયા હોવા છતાં હજી ૬૨,૫૮૩ લોકોએ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરવા માટે ફોર્મ ૬ ભર્યું છે. ચૂંટણી કમિશનનું માનવું છે કે જેમના નામ દુર થયા છે એમાંથી ઓછામાં ઓછા ૧૦ ટકા લોકો એટલે કે ૪.૭૫ લાખ લોકો વાંધા ફોર્મ ભરશે. જોકે ડ્રાફ્ટ નોંધ જાહેર થતા પહેલા દિલ્હીમાં ૨.૧૨ લાખ ફોર્મ ૬ જમા થઈ ચૂક્યા હતા. શરૂઆતી વાંધા અરજી પછી ઝડપ ધીમી પડી છે. જિલ્લાસ્તરે પણ આવેદનના આંકડાઓમાં મોટુ અંતર છે.
'સાંસ્કૃતિક પ્રદુષણ' અટકાવવા આરએસએસએ ખાસ જૂથ બનાવ્યું
બે વર્ષ પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતએ ઓટીટી પ્લેટફોર્મ પરથી પ્રસારીત થતી કેટલીક સામગ્રીને નૈતીક પતનનું કારણ ગણાવ્યું હતું. હવે ઓટીટી પરથી ફેલાતા 'સાંસ્કૃતિક પ્રદુષણ'ને કઈ રીતે કાબુમાં લઈ શકાય એ માટે આરએસએસએ એક ખાસ જૂથ બનાવ્યંપ છે. આ જૂથમાં ઘણા લોકોને સામેલ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ કુલપતિ અને શિક્ષા તેમજ સાંસ્કૃતિકના ક્ષેત્રમાં કામ કરનાર સંઘના પ્રચારકોને પણ આ જૂથમાં સામેલ કરવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા આ જૂથ બનાવવામાં આવ્યું છે. ગયા મહિને આ જૂથની પહેલી બેઠક મળી હતી. આ જૂથ અનૌપચારીક સમૂહ છે અને એ એક પ્રસ્તાવ તૈયાર કરવાનું છે. ત્યાર પછી કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય અને કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓને આ પ્રસ્તાવ મોકલવામાં આવશે.
હવે દવા વેચાણ બાબતે સરકાર વધુ કડક
વિકસીત દેશોની સરખામણીએ આપણા દેશમાં વગર પ્રિસ્ક્રિપ્સનએ મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવી આસાન છે. કેટલાક નાના નગરોમાં તો દર્દી ડોક્ટર પાસે જવાને બદલે દવા વિક્રેતા પાસે પહોંચી જઈ પોતાની તકલીફનું વર્ણન કરી સીધી દવા મેળવી લે છે. કેટલીક દ્રષ્ટિએ સામાન્ય માણસ માટે આ ઉપયોગી પણ છે, પરંતુ હવે સરકાર આ બાબતે વધુ કડક થઈ રહી છે. હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્સન વગર મેડિકલ સ્ટોર્સમાંથી દવા મેળવવું અઘરું બનશે. સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આ સંબંધે એક નોટીફિકેશન જાહેર કર્યું છે. મંત્રાલયની જાહેરાત પ્રમાણે શીડયુલ એચ, એચ-૧ અને એક્સ શ્રેણીની દવાઓ ખુબ સંવેદનશીલ છે. આમા એન્ટીબાયોટીક્સ, સાઇકોટ્રોપીક દવા, નશો કરાવે એવી દવાઓ અને પેઇનકિલરનો સમાવેશ થાય છે. આવી દવાઓનો ગેરઉપયોગ ગંભીર જોખમ બની શકે છે.
૨૫ વર્ષ સજા ભોગવ્યા પછી દારા સિંહને રાહત નહીં
ઓસ્ટ્રેલિયાના મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને એમના બે સગીર પુ્ત્રોની હત્યાના કેસમાં ઉમર કેદની સજા ભોગવી રહેલા દારા સિંહ ઉર્ફે રવિન્દ્રકુમાર પાલની સજા માફ કરવાની અરજી ઓડિસા રાજ્ય સરકારે નકારી દીધી છે. આ બાબતની જાણકારી ઓડિસા સરકારે સુપ્રિમ કોર્ટને પણ આપી દીધી છે. જસ્ટીસ મનોજ મિશ્રા અને જસ્ટીસ વિજય બિશ્નોઇની બેંચે રાજ્ય સરકાર તરફથી હાજર વકીલને કહ્યું હતું કે, દારા સિંહની માફીની માંગણી કરતી અરજી રદ કરવાનો હુકમ ૩૧મી ઓગસ્ટે કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આપેલી માહિતી પછી સુપ્રિમ કોર્ટની બેંચે સુનાવણી સ્થગીત કરી દીધી હતી. જોકે ઓડિસા સરકારને પણ દારા સિંહને કેદ મુક્ત કરવાનો કોઈ ઇરાદો નહોતો. એમ કહેવાય છે કે એક જમાનામાં ઓડિસા ભાજપના નેતાઓ જ દારા સિંહને માફી આપવાની તરફેણ કરતા હતા. જોકે હવે સત્તામાં આવ્યા પછી આ નેતાઓ વિવાદમાં પડવા માંગતા નથી.
એફસીઆરએના દુરઉપયોગ બદલ કાર્યકર્તા પર કેસ
સીબીઆઇએ અરૂણાચલ પ્રદેશના વકીલ અને ચળવળકર્તા ભાનુ તાતક સામે વિદેશી ધન પ્રાપ્ત કરવા બાબતે કેસ દાખલ કર્યો છે. આરોપ એવો છે કે એમણે સંશોધન માટે કોઈપણ જાતનું પ્રમાણપત્ર લીધા વગર વિદેશી નાણુ પ્રાપ્ત કર્યું હતું. વિદેશથી દાન મેળવનારાએ એફસીઆરએ કાયદા હેઠળ નિયમોનું પાલન કરવાનું હોય છે. તાતક સિયાંગ ઇન્ડીજીનસ ફાર્મસ ફોરમ (એસઆઇએફએફ)ની સલાહકાર છે. અરૂણાચલ પ્રદેશની સિયાંગ નદી પર બનનાર ૧૨,૫૦૦ મેગાવોટની યોજનાનો વિરોધ તેઓ કરી રહ્યા હતા. આ ઉપરાંત દીબાંગ નદી પર પ્રસ્તાવિત ૨૮૮૦ મેગાવોટ વિજળી પરીયોજના વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ પણ એમણે કર્યું હતું. જે રીતે ગુજરાતમાં નર્મદા યોજનાનો વિરોધ મેઘાપાટકર કરતા હતા એ જ રીતે ભાનુ તાતક દેશને ફાયદો કરાવનારી યોજનાઓનો વિરોધ કરી રહ્યા છે.




