Delhi ni Vaat

'વોટ ચોરી પછી હવે હકની ચોરી' : રાહુલ ગાંધી

By GS Team
7 Nov 20265 mins read
TukuTouch Logo
નવીદિલ્હીમાં લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ચૂંટણીમાં ગોલમાલ કરવાનો અને મતદાન અધિકાર છીનવી લેવાનું કાવતરું કરવાનો આરોપ મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી લલન સિંહના નિવેદન બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મોદી સરકાર કરોડો નામો વોટર લિસ્ટમાંથી કાપી રહી છે. આ સિલસિલો નહીં રોકાય તો ભાજપ વિરુદ્ધના લોકોના નામ કપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વોટ ચોરી પછી હવે હકની ચોરી' : રાહુલ ગાંધી

નવીદિલ્હી : લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ચૂંટણીમાં ગોલમાલ કરવાનો અને લોકોના મતદાન અધિકાર ઝૂટવી લેવાનું કાવતરૂ કરવાનો આરોપ મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફ લલન સિંહએ આપેલા નિવેદન પછી રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે. લલન સિંહે કહ્યું હતું કે, સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની ઓળખ હવે આધાર કાર્ડને બદલે વોટર આઇડીથી કરવામાં આવશે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, મોદી સરકારના મંત્રીની જાહેરાત એક બહુ મોટુ કાવતરૂ છે. એસઆઇઆરના નામ પર કરોડો નામ વોટર લીસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા છે. જો આ સીલસીલો રોકવામાં નહીં આવે તો હજી પણ નામો કપાશે. જે લોકો ભાજપ વિરુદ્ધના છે એમના નામ કપાઈ રહ્યા છે. વોટર લીસ્ટ એક નિષ્પક્ષ ચૂનાવ કમિશનના હાથમાં હોવું જોઈએ.
નારાજ ધારાસભ્યને ફારૂક અબ્દુલ્લા મનાવશે
નેશનલ કોન્ફરન્સના ઘણા ધારાસભ્યો નારાજ છે. આ ધારાસભ્યો જો બળવો કરે તો નેશનલ કોન્ફરન્સમાં મોટુ ભંગાણ પડી શકે એમ છે. સમય પારખીને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડો. ફારૂક અબ્દુલ્લાએ એવો બચાવ કર્યો છે કે પક્ષમાં ફૂટ પડવાની સંભાવના નથી. પાર્ટી એકજૂથ છે. જો ધારાસભ્યોને કોઈ તકલીફ હશે તો એનું નિરાકરણ લાવવામાં આવશે. ધારાસભ્યને જે ફરીયાદ હતી એ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના ધ્યાનમાં આવી છે. મુખ્યમંત્રીએ પણ એમને આશ્વાસન આપ્યું છે કે એમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. બીજી તરફ ગુરેજના ધારાસભ્ય નઝીર અહમદ ખાનએ પણ કહ્યું હતું કે, ધારાસભ્યની બેઠક પછી સોશ્યલ મીડિયા પર ગપ્પાબાજી થઈ રહી છે કે પક્ષ તૂટી રહ્યો છે.
'માફી દિલથી માંગી છે કે ફક્ત કાગળ પર'
સુપ્રિમ કોર્ટે કેરળ પ્રદેશ કોંગ્રેસ સમીટી (કેપીસીસી)ના પદાધિકારીઓને નોટીસ મોકલી છે. કોર્ટે જવાબ માંગ્યો છે કે ભારતના મુખ્ય ન્યાયાધિશ સૂર્યકાંતને નિશાન બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવેલી એક પોસ્ટ માટે એમની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કેમ કરવામાં નહીં આવે. વકીલ વીનીત જિંદલ દ્વારા દાખલ કરવામાં આવેલી એક રીટ પીટીશન પર જસ્ટીસ અરવિંદ કુમાર અને જસ્ટીસ વિપુલ પંચોલીની બેંચ સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કેરાલા પાંખએ સોશ્યલ મીડિયા એક્સ પર લખેલી એક પોસ્ટની નોંધ લઈને કેરાલા કોંગ્રેસ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. કેરલ કોંગ્રેસના વકીલનો બચાવ હતો કે મુકવામાં આવેલી પોસ્ટ પદાધિકારીઓની મંજૂરી વગર અપલોડ થઈ હતી અને વગર શરતે માફી પણ માંગી લેવામાં આવી હતી. જોકે આ દલીલનો જવાબ આપતા કોર્ટે કહ્યું હતું કે, 'આ માફી ફક્ત કાગળ પરની માફી છે કે દિલથી માંગવામાં આવી છે?'
હવે સીજેપી કોચીમાં 'સર' વિરુદ્ધ આંદોલન કરશે
કોકરોચ જનતા પાર્ટીએ કેરળના કોચીમાં એસઆઇઆર વિરુદ્ધ આંદોલન કરવાની જાહેરાત કરી છે. સીજેપીએ ફરી એક વખત મતદાર યાદીમાં થયેલા ફેરફારને રદ કરવાની માંગણી કરી છે. એસઆઇઆર રદ કરવા ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારનું રાજીનામું પણ માંગવામાં આવશે. 'કોચીમાં જંતર મંતર' નામથી આ પ્રદર્શન રાજેન્દ્ર મેદાનમાં સાંજે ૪ વાગ્યાથી શરૂ થશે. પ્રદર્શનમાં સીજેપીના સંસ્થાપક અભિજીત દિપકે પણ હાજર રહેશે. આ ઉપરાંત સીજેપીના દક્ષિણ ઝોન પ્રમુખ વિજય મલંગી અને રાષ્ટ્રીય મહામંત્રી આફરીન નવઝા પણ આજે કોચીના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. દિલ્હીમાં કેટલાક એવી ચર્ચા કરી રહ્યા છે કે છેલ્લા થોડા દિવસોથી જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અંતર વધતુ જાય છે એનાથી અભિજીત દિપકે વ્યથીત છે. અભિજીત દિપકે કોંગ્રેસને મેસેજ આપવા માંગે છે કે અમે તમારા રાજ્યમાં પણ આંદોલન કરી શકીએ એમ છીએ.
સીએમ હિંમતના પરિવારને જોખમ? ઝુબીનના મૃત્યુ સાથે કનેકશન?
આસામમાં ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ બાબતે નવો રાજકીય વિવાદ થયો છે. ઝુબીન ગર્ગના મૃત્યુ માટે જવાબદાર આરોપીઓને જામીન મળી ગયા છે. નારાજ થયેલા લોકો મુખ્યમંત્રી હિંમત બિશ્વા સરમાના ઘરને ઘેરાવ કરવાની ધમકી આપે છે. સરમાના કહેવા પ્રમાણે બે મુખ્ય આરોપીઓને જામીન મળ્યા છે તો એમાં એમનો શું વાંક. એમના ઘરને ઘેરાવ કરવાની ધમકીને કારણે એમણે એમના કુટુંબ પર જાનનું જોખમ હોવાનું કહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ બાબતે સુપ્રિમ કોર્ટ જશે અને ગૌહટ્ટી હાઇકોર્ટમાં પણ આ મામલો લઈ જશે. આ ધમકીની જાણકારી કોર્ટને પહોંચાડવા માટે એમણે કાયદા વિભાગને કહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયને બદલે એમના અંગત રહેઠાણને ઘેરવાની ધમકી આપવાની વાત અતિ ગંભીર છે. સરમાનું માનવું છે કે, એક ધારાસભ્યની આગેવાની હેઠળ કેટલાક લોકોએ રાજ્યમાં અશાંતિ ફેલાવવાનું કાર્ય કરે છે.
ગોકુલ ડેરી બાબતે હવે રાજ ઠાકરે પણ મેદાનમાં
ગોકુલ ડેરી બોર્ડમાં ૫ વધારાના ડિરેક્ટરોની નિમણૂકના નિર્ણય બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ભાજપની ટીકા કરી છે. એમણે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે ભાજપ ગદી રમત રમે છે. એમનો આક્ષેપ છે કે, જો ભાજપ લોકશાહીનું સન્માન કરતી હોત તો આ પગલુ લેતે નહીં. એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ પણ ગોકુલ ડેરી મામલે ભાજપની ટીકા કરી હતી અને ત્યાર પછી હવે રાજ ઠાકરેએ પણ કોંગ્રેસના સૂરમા સૂર પૂરાવ્યો છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના નેતાએ ભાજપને 'વિચિત્ર પાર્ટી' ગણાવી છે. ભાજપ જે 'લોકતંત્ર બચાવ' આંદોલન કરી રહ્યું છે એના પર પણ રાજ ઠાકરેએ કટાક્ષ કર્યો હતો. એમણે કહ્યું હતું કે, ભાજપ સત્તા પર છે આમ છતાં વિરોધ પક્ષો વિરુદ્ધ મોરચો કાઢે છે.
સુપ્રિમ કોર્ટે તરૂણ તેજપાલને રાહત આપી નહીં
તહલકા મેગેઝિનના ભૂતપૂર્વ તંત્રી તરૂણ તેજપાલને ૨૦૧૩ના બળાત્કાર કેસમાં સુપ્રિમ કોર્ટે આંચકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે તેજપાલને થયેલી ૧૦ વર્ષની જેલની સજા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે. તેજપાલે સજા મોકુફ કરવાની માંગણી કરીને અરજી કરી હતી. એમનું કહેવું હતું કે, કેસમાં એવી કેટલીક હકીકતો છે જે વિશે હાઇકોર્ટે યોગ્ય રીતે વિચાર કર્યો નથી. જોકે સુપ્રિમ કોર્ટે મળેલા પુરાવાઓ, ઇમેલ અને સંદેશાઓ જોયા પછી માન્યુ હતું કે તેજપાલને થયેલી સજા પર સ્ટે આપવા માટેનું કોઈ પ્લેટફોર્મ નથી. એ સાથે જ તેજપાલની અરજી ફગાવી દેવામાં આવી હતી. એનો મતલબ એ થાય કે હમણા તો તેજપાલની સજા કાયમ જ રહશે. સુપ્રિમ કોર્ટની બેંચમાં જસ્ટીસ એમ એમ સુંદરરેશ અને જસ્ટીસ પ્રસંન્ના બી વરાલએ હતા. તેજપાલે બોમ્બે હાઇકોર્ટના ચૂકાદાને ચેલેન્જ કર્યો હતો.