સીમાંકન બીલ મામલે એનસીપી પછી ડીએમકેએ પણ રાગ બદલ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી: લોકસભામાં બેઠકો વધારવા અને મહિલા અનામત કાયદો લાગુ કરવા માટે સરકાર બંધારણ સુધારણા બીલ પાસ કરાવવા માંગે છે. આ માટે સરકારને બેતૃતિયાંશ બહુમતીની જરૂર છે. આ દિશામાં સરકાર સફળ થતી હોય એમ લાગી રહ્યું છે. લોકસભામાં ડીએમકેના ૨૪ સાંસદો છે. ડીએમકેએ પૂર્વશરત રાખતા કહ્યું છે કે જો સરકારના નવા સિમાંકનથી તામિલનાડુ અને બીજા દક્ષિણના રાજ્યોના હીતોને નુકસાન નહીં થાય તો તેઓ વાતચીત માટે તૈયાર છે. ડીએમકેના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે સરકારે દરેક રાજ્ય વિશેની માહિતી આપવી જોઈએ. દક્ષિણના રાજ્યોને નુકસાન થવું નહીં જોઈએ. જો અમને આ બાબતે ગેરંટી આપવામાં આવે તો અમારો નિર્ણય બદલીશું. થોડા દિવસો પહેલા એનસીપી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલેએ પણ લગભગ આ પ્રકારની જ વાત કરી હતી.
એનડીએએ સંસદીય પક્ષની બેઠકનું નામ બદલ્યું
શેક્સપીયરએ ભલે એમ કહ્યું હોય કે નામમાં શું બળ્યું છે, આપણા રાજકારણીઓ આ વાત સાથે સંમત થતા નથી. રસ્તાઓ અને સ્ટેડિયમોથી માંડીને પૂલો સુધીના નામ બાબતે આપણે ત્યાં વિવાદ થતો રહે છે. એનડીએને કારણે કેટલાક નાના પક્ષો પણ હમણા સત્તાનો આનંદ લઈ રહ્યા છે. અંદરખાને કેટલોક વિરોધ હોવા છતાં નાના પક્ષો ભાજપની વાત ચૂપચાપ માની લે છે. હવે ભાજપના એક નેતાના કહેવાથી એનડીએ સંસદીય પક્ષની બેઠકનું નામ 'મંગલ મિલન' રાખવામાં આવ્યું છે. જોકે સત્તાના સ્વાર્થએ એનડીએના નેતાઓ મળે છે ત્યારે એમની દ્રષ્ટિએ તો બધુ મંગળ જ મંગળ હોય છે. દર મંગળવારે એનડીએના સંસદીય દળની બેઠક મળે છે. ૨૧મી જુલાઈએ સવારે ૯ઃ૩૦ વાગ્યે સંસદ ભવનમાં જ્યારે બેઠક મળશે ત્યારે વડાપ્રધાન મોદી બેઠકને સંબોધન કરવાના છે.
વાંગચૂક હોસ્પિટલમાં, હવે મોરચો પત્ની સંભાળશે
૨૦ દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા વાંગચૂકને દિલ્હીની પોલીસે એક છૂપુ ઓપરેશન કરીને હોસ્પિટલ સફદરગંજમાં દાખલ કર્યા છે.
બે દિવસ પહેલા દિલ્હીના તત્કાલીન પોલીસ કમિશનર સતિશ ગોલચાને હટાવીને અનુરાગ કુમારને ગોઠવવામાં આવ્યા ત્યારે જ લાગતું હતું કે સરકાર હવે જંતર મંતર ખાતે એક્શન લેશે. જુના પોલીસ કમિશનરની કાર્યવાહીથી હોમ ડીપાર્ટમેન્ટ ખુશ નહોતું. નવા કમિશનરે આવતાની સાથે જ સપાટો બોલાવ્યો.
હાઇકોર્ટની સૂચનાને નામે સોનમ વાંગચૂકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હવે આંદોલન નેતા વીહીન થઈ નહી જાય એ માટે સોનમ વાંગચૂકના પત્ની ગીતાંજલી અંગમો મેદાનમાં ઉતર્યા છે. ગીતાંજલીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'મહેરબાની કરીને સોનમ વાંગચૂકને મોઢા મારફતે કે નસથી કોઈ પણ પ્રકારનો ખોરાક આપવામાં આવે નહીં. એમના જીવને જોખમ છે. હવે મોરચાની આગેવાની હું લઈશ.'
લઘુમતી આયોગના નવા પ્રમુખની પસંદગી પાછળનું રાજકારણ
રાષ્ટ્રીય લઘુમતી આયોગના પ્રમુખ તરીકે હરજીત સિંહ ગ્રેવાલની પસંદગી થઈ છે. ગ્રેવાલ પંજાબ ભાજપના સિનિયર નેતા છે અને રાજ્યમાં તેઓ લઘુમતી કમીટીના સભ્ય પણ છે. ગ્રેવાલને લઘુમતી આયોગની જવાબદારી સોપવા પાછળ ભાજપનું રાજકારણ છે.
પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે શીખ સમુદાયને પોતાના તરફ કરવા માટે ભાજપે શીખ સમુદાયની વ્યક્તિની પસંદગી લઘુમતી આયોગમાં કરી છે. અત્યાર સુધી પંજાબમાં ભાજપની ઇમેજ હિન્દુ પક્ષ તરીકેની રહી છે.
પંજાબમાં કદી ભાજપનો પાયો મજબૂત થઈ શક્યો નથી. આજ કારણે ભાજપે રવનીત સિંહ બીટ્ટુને મહત્ત્વ આપ્યું તો કેપ્ટન અમરિંદર સિંહનો સાથ પણ લીધો હતો. નરેન્દ્ર મોદી જ્યારે પંજાબના પ્રવાસે હતા એ જ વખતે ગ્રેવાલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
'મે જે સહન કર્યું છે, ભગવાન કરે તમારા કુટુંબની મહિલા સાથે ન થાય'
ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને કૌસાંબીની ચાઇલ વિધાનસભાના ધારાસભ્ય પૂજા પાલ સપા પ્રમુખ અખિલેશ યાદવ પર બરાબરના બગડયા છે.
પૂજા પાલે અતિક અહમદ અને મુખ્તાર અંસારીનો ઉલ્લેખ કરીને અખિલેશ યાદવને ઘેર્યા હતા. હવે ફરીથી સોશ્યલ મીડિયા મારફતે એમણે સપા પ્રમુખ પર સવાલોનો મારો ચલાવ્યો છે.
એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'અખિલેશ યાદવજી તમે આજે કઈ રીતે પછાતો અને મહિલાઓની વાત કરી રહ્યા છો? હું પછાત પાલ સમાજમાંથી છું. હું એક મહિલા છું અને તમારા પક્ષમાંથી ધારાસભ્ય પણ રહી હતી. મરા પતિના ખૂનીનો જ્યારે સફાયો થયો ત્યારે મે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભિનંદન આપ્યા તો તમે મને પક્ષમાંથી કાઢી મૂકી હતી. તમારા કાકા રામગોપાલ યાદવે કહ્યું હતું કે જ્યારે સપા સત્તા પર આવશે ત્યારે અતિક અહમદને મારનારાઓને સજા કરશે. આ નિવેદન માટે તમે તમારા કાકાને કઈ કહ્યું નહોતું. તમને ફક્ત યાદવ અને મુસ્લિમોની ચિંતા છે.'
ટીએમસીના ભૂતપૂર્વ સાંસદો ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા
તૃણમુલ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા સુખેંદુ શેખર રાય, સુસ્મિતા દેવ અને પ્રકાશ ચીક બડાઈક બંગાળમાંથી ભાજપની ટિકિટ પર રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. જોકે આ તો અપેક્ષીત જ હતું, કારણ કે જ્યારે એમણે તૃણમુલ કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો અને સાંસદ તરીકે રાજીનામાં આપ્યા હતા ત્યારે જ ભાજપ સમક્ષ પૂર્વ શરત મૂકી હતી કે એમને પરત રાજ્યસભામાં મોકલવામાં આવે. હમણા બંગાળમાંથી રાજ્યસભામાં ભાજપના બે સાંસદો છે.
પ્રદેશ પ્રમુખ સમીક ભટ્ટાચાર્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રાહુલ સિંહા. રાજ્યમાં તૃણમુલ કોંગ્રેસ હારી ગઈ ત્યારે જ ત્રણે સાંસદો ટીએમસીમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. બંગાળી અભિનેત્રી કોયલ મલ્લીકે પણ રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ ભાજપની ટિકિટ પર રાજ્યસભામાં જશે એ નક્કી છે.
યુકેમાં એનડી બર્નહેમ વગર ચૂંટણીએ વડાપ્રધાન ચૂંટાયા
યુકેમાં ફરીથી એકવાર એવું થવા જઈ રહ્યું છે જે બીજા દેશોમાં શક્ય નહીં હોય. અહીં કોઈ સામાન્ય ચૂંટણી નહીં થઈ, કોઈએ મત નહીં આપ્યો, છતાં દેશને નવા પ્રધાનમંત્રી મળી ગયા.
લેબર પાર્ટીના સિનિયર નેતા અને માન્ચેસ્ટરના ભૂતપૂર્વ મેયર એનડી બર્નહેમ આવતી કાલે બ્રિટનના વડાપ્રધાન તરીકે સોગંદ લેશે. હમણાના વડાપ્રધાન કીયર સ્ટાર્મરની જગ્યાએ બર્નહેમ વડાપ્રધાન બનશે. સ્ટાર્મરએ ગયા મહિને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી પક્ષની અંદર નવા નેતા પસંદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ મુકાબલામાં બર્નહેમ એક માત્ર ઉમેદવાર હતા, જેમને લેબર પાર્ટીના ૪૦૧ સાંસદોમાંથી ૩૪૯ સાંસદોનો ટેકો હતો. બ્રિટનની સંસદીય પ્રણાલી મુજબ વડાપ્રધાનની પસંદગી સીધી જનતા નથી કરતી. જે પક્ષના સાંસદો વધુ હોય એ પક્ષના વડાપ્રધાન બને છે. જો કાર્યકાળની વચમાં જ પક્ષ કોઈ નેતા બદલે તો નવેસરથી ચૂંટણીની જરૂર પડતી નથી.









