ચૂંટણી કમિશનના વિવાદોનો રસીક ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ચૂંટણી કમિશનમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા કમિશનરો વચ્ચેના મતભેદોની વાત નવી નથી. કમિશનમાં એકથી વધુ કમિશનરોની નિમણૂક થવાની પ્રથા શરૂ થઈ ત્યારથી આંતરીક ખટપટની વાતો બહાર આવી છે. ખાસ કરીને ટીએન શેષનનો કાર્યકાળ વધુ વિવાદાસ્પદ રહ્યો હતો. શેષનએ એમએસ ગીલ અને જીવીજી કૃષ્ણમૂર્તિ જેવા કમિશનરો માટે નારાજગી જાહેર કરી હતી. શેષનએ આ બંનેને ઇલેકશન કમિશનની ઓફિસના બે ગધેડાઓ પણ કહી દીધા હતા. ત્યાર પછી એન ગોપાલ સ્વામી અને નવીન ચાવલા વચ્ચે પણ ૨૦૧૯માં વિવાદ થયો હતો. ૧૯૮૯ના ઓક્ટોબર મહિનામાં એક કરતા વધુ કમિશનરોની નિમણૂક ચૂંટણી કમિશનમાં થવા માંડી. એ વખતે આર વી એસ પેરી શાસ્ત્રી મુખ્ય ચૂંટણી કમિશનર હતા અને એસ એસ ગનાઓઆ અને વી એસ સીગલ ચૂંટણી કમિશનરો હતા ત્યારે શાસ્ત્રી આ વ્યવસ્થાથી ખાસ ખુશ થયા નહોતા.
અત્યાર સુધી એસઆઇઆરમાં કેટલા નામ કપાયા
ભારતના વિવિધ રાજ્યોમાં એક વર્ષ કરતા વધુ સમયથી એસઆઇઆર બાબતે વિરોધ પક્ષો સરકારને ભીસમાં લેતા રહ્યા છે. એસઆઇઆરની સમય મર્યાદા અને પદ્ધતિ બાબતે મોટો વિવાદ છે. રાજકીય પક્ષોનો આક્ષેપ છે કે ચૂંટણી કમિશન મનસ્વી રીતે મતદારોના નામ કાપે છે. મોટા પાયે મતદારોના દસ્તાવેજોમાં ખામી બતાવીને એમનો મતાધિકાર ઝુટવાઈ રહ્યો છે. એસઆઇઆરને કારણે ઉત્તર પ્રદેશમાં ૨.૦૪ કરોડ, બિહારમાં ૪૭ લાખ, પશ્ચિમ બંગાળમાં ૫૮ લાખ, તામીલનાડુમા ૭૪ લાખ, મધ્યપ્રદેશમાં ૩૫ લાખ, રાજસ્થાનમાં ૩૧ લાખ, ગુજરાતમાં ૬૮ લાખ, ઓડિસામાં ૨૦ લાખ, કેરળમાં ૯ લાખ અને છત્તિસગઢમાં ૨૫ લાખ જેટલા મતદારો કપાયા છે. એક પણ અપવાદ વગર તમામ વિરોધ પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું માગ્યુ છે. સુપ્રિમ કોર્ટમાં પણ એસઆઇઆર પ્રક્રિયાની કાયદેસરતાને ચેલેન્જ કરવામાં આવી છે.
ચૂંટણી કમિશનના ખુલાસા સામે થરૂરના કેટલાક તીખા સવાલ
એક રાષ્ટ્રીય અખબારે ચૂંટણી કમિશનમા ચાલતી ગરબડ અને ખેંચતાણ વિશે અહેવાલ છાપ્યા પછી ચૂંટણી કમિશને પોતાના તરફથી એક ખુલાસો બહાર પાડયો હતો. આ ખુલાસાથી નારાજ થયેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂરએ સામે કેટલાક સવાલો પૂછયા છે. જ્ઞાાનેશ કુમાર સિવાયના બીજા બે ચૂંટણી કમિશનરોએ જે ૧૪ વાંધાઓ લીધા હતા એ ખરેખર રેકોર્ડ પર છે કે નહીં એ જણાવો. ફોર્મ ૬ની કાયદેસરતા કેટલી છે? ખાસ કરીને કમિશનરોને જે વાંધા મળ્યા છે ત્યાર પછીની પરિસ્થિતિ શું છે? મતદાતાઓના આંકડાઓનું કેન્દ્રીકરણ થયું છે કે નહીં? ગોવાના જે ૯૭ મતદારોનો વિવાદ થયો છે એ બાબતે મુખ્ય ચૂંટણી કમિશનરએ કોઈ ખુલાસો કર્યો છે ખરો? જે મતદારોના નામ ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા છે એ માટે કોઈ પદ્ધતિ અમલમાં મૂકી છે ખરી? કેબીનેટ સેક્રેટરીને કયા સંજોગોમાં ફરિયાદ કરવામાં આવી હતી?
અમિત શાહના સરકારી કાર્યક્રમ બાબતે યુએનમાં ફરિયાદ
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા એમના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે. મહુઆ મોઇત્રાનું માનવું છે કે જ્યારે જ્યારે અમિત શાહ બંગાળમાં કાર્યક્રમ માટે આવે છે ત્યારે એમની સુરક્ષામાં કોઈપણ મુસ્લિમ અધિકારી ન હોય એનું ધ્યાન રાખે છે. એમની સુરક્ષા માટેની ટીમમાં કોઇપણ આઇએએસ કે આઇપીએસ અધિકારી હોતા નથી. મોઇત્રાએ હવે આ બાબતે યુએનના લઘુમતી બાબતોના સભ્ય પ્રો. નિકોલસ લેબરાને ફરિયાદ કરી છે. એમની ફરિયાદ છે કે શાહની મુલાકાત દરમિયાન ત્રણ વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમમાંથી દુર કરવામાં આવ્યા હતા. આ ત્રણે અધિકારીઓ મુસ્લિમ છે. આવી બાબતોની ફરિયાદ યુએનમાં કરવાથી કોઈ ફેર પડતો નથી એ બધા જાણે છે. જોકે મોઇત્રાને હંમેશા સમાચારમાં રહેવાની આદત હોવાથી એમણે આ મુદ્દો ઉઠાવ્યો હોય એ બની શકે.
રાહુલ ગાંધીએ સાહિલના કુટુંબીઓ સાથે વાતચીત કરી
આઇઆઇટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યાનો બનાવ વિવાદાસ્પદ બની રહ્યો છે. હવે આ બાબતે રાજકીય પક્ષોએ પણ ઝુકાવ્યું છે. લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ સાહિલના કુટુંબ સાથે ફોન પર વાતચીત કરીને એમને ન્યાય અપાવવા માટે બધુ જ ઘટતુ કરવાનું આશ્વાસન આપ્યું છે. સાહિલના કુટુંબે આઇઆઇટી બોમ્બેના સંચાલકો અને કેટલાક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાની તપાસ મુંબઈ પોલીસની ક્રાઇમબ્રાન્ચ કરી રહી છે. સાહિલના કુટુંબીજનોએ કેટલાક લોકોની ધરપકડની માંગણી પણ કરી છે. સાહિલના કુટુંબીજનોનું કહેવું છે કે એમના પુત્રની આત્મહત્યાના થોડા દિવસો પહેલા ફોન પર એનું અપમાન કરવામાં આવ્યું હતું. સાહિલના માતા-પિતાએ પ્રો. સુર્યનારાયણ દુલાની ધરપકડની માંગણી પણ કરી છે.
શબરીમાલા પ્રસાદની ગુણવત્તા બાબતે કોર્ટ નારાજ
ટીડીબીએ કેરળ હાઇકોર્ટને કહ્યું હતું કે શબરીમાલામાં પ્રસાદ બનાવવાના યુનિટના નિરીક્ષણ વખતે એફએસએસએઆઇ તરફથી થયેલા સૂચનો પ્રમાણે સ્વચ્છતા અને જીવાતોથી બચાવ માટે તેમજ સ્ટોરેજની નબળાઈઓ દુર કરવા માટે જરૂરી પગલા લેશે. શબરીમાલામાં પ્રસાદ બનાવતા યુનિટમાં એફએસએસએઆઇના નિરીક્ષણમાં સ્વચ્છતાનો અભાવ અને જીવાતોથી સુરક્ષીત રાખવાના પગલાઓમાં ખામી દેખાઈ હતી. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સંસ્થામાં બે વખત તપાસ કરવામાં આવી હતી. તૈયાર કરવામાં આવેલા રીપોર્ટમાં પ્રસાદ બનાવનારી સંસ્થાને ૧૮૨માંથી ૯૧ માર્ક આપવામાં આવ્યા હતા. જસ્ટીસ રાજા વિજય રાઘવન વી અને કે વી જયકુમારની બેંચે કહ્યું હતું કે, સુધારા પછી વેરીફીકેશનની પણ જરૂર છે. ખાસ કરીને સ્વચ્છતા, પ્રસાદ બનાવવાના સાધનો, ડોક્યુમેન્ટેશન, પ્રસાદ બનાવનારને ટ્રેનીંગ અને ઓડીટ સાથે જોડાયેલી જરૂરીયાતો પર પૂરતુ ધ્યાન આપવું.
ભાજપ સાંસદના પત્નીએ જ ટ્રેન યાત્રાને ત્રાસદાયક ગણાવી
કર્ણાટકના બેગલુરુ દક્ષિણથી ચૂંટાયેલા ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાના પત્ની અને કર્ણાટક સંગીતની ગાયીકા શિવશ્રી કંડપ્રસાદએ પોતાના ટ્રેન પ્રવાસ બાબતે એક સોશ્યલ પોસ્ટ મૂકી છે. એમણે પોતાના ટ્રેન પ્રવાસને ત્રાસદાયક અને ખુબ જ દુઃખદ ગણાવ્યો હતો. એમણે લખ્યું છે કે ટ્રેનની ૬૫ બેઠકોવાળા કોચમા લગભગ ૪૦ જેટલા આઢેડ ઉંમરના પુરુષો હતા. આ પુરુષો પાંચ કલાકની યાત્રા દરમિયાન સતત મોટા અવાજે વાતો કરીને જોરશોરથી હસતા હતા. શિવશ્રીનું કહેવું છે કે, કલાકારો માટે શાંતિ જરૂરી હોય છે જોકે આ પ્રવાસમાં એમને શાંતિ મળી નહોતી. એમણે આ યાત્રાને ફક્ત પોતાની મુશ્કેલી નહીં, પરંતુ સાર્વજનિક સ્થળો પર લોકોના વ્યવહાર અને નાગરીકોની જવાબદારી સાથે જોડીને સમજવા માટે કહ્યું હતું. ટીટીઇને ફરિયાદ પછી પણ એમની સમસ્યાનો અંત આવ્યો નહોતો.




