Gujarat

સુરત: લિંબાયતમાં ટેમ્પામાં કેટર્સના સામાન પર બેસેલા બે યુવાનને કરંટ લાગ્યો, એકનું મોત

By GS Team
13 Dec 20212 mins read
This article was originally published on 13 Dec 2021
સુરત: લિંબાયતમાં ટેમ્પામાં કેટર્સના સામાન પર બેસેલા બે યુવાનને કરંટ લાગ્યો, એકનું મોત

સુરત, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર

નવસારી થી લગ્ન પ્રસંગના ઓર્ડર માંથી પરત ફરતી વખતે લિંબાયતના મહાપ્રભુ નગર પાસે રવિવારે રાત્રે એક ટેમ્પો કેટર્સનો સામાન પર બેસેલા બે યુવાન મજૂરોને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાનનું મોત થયું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ રાજસ્થાનના અજમેરના વતની અને હાલમાં પાંડેસરામાં આશાપુરી ખાતે ગોવાલક નગર નજીક હીરા દર્શન સોસાયટીમાં રહેતા 52 વર્ષીય સલીમમુશરફ અબ્દુલહક ખાન, તેના 27 વર્ષીય પુત્ર મોહમંદ જુમન અને બીજો પુત્ર મોહમંદ શેરુ(ઉ - વ- 21) સહિત અન્ય મજુરો સાથે ગત તારીખ નવમીએ નવસારીના મરોલી રોડ પર લગ્ન પ્રસંગના ઓર્ડરમાં ગયા હતા. 

જોકે પ્રસંગ પુરો થતા રવિવારે રાત્રે ટેમ્પોમાં કેટરર્સનો સામાન મૂક્યો હતો અને ટેમ્પામાં અને સામાન ઉપર 8 થી 10 વ્યક્તિઓ બેસીને લિંબાયતમાં મયુરનગર ખાતેના કેટરર્સનો ગોડાઉનમાં આવવા નીકળ્યા હતા. તે વખતે ગોડાઉનની આગળની ગલીમાં વીજલાઈન વાયર કેટરર્સના સામાન ઉપર બેસેલો મોહમંદ જુમનને માથાના ભાગે અડી જતા કરંટ લાગતા નીચે પટકાયો હતો. જોકે જુમનની સાથે સુરેશ માળી નામના મજુરને પણ કરંટનો ઝટકો લાગ્યો હતો. જેના લીધે ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી.

મોહમદ જુમનને તાકીદે 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સલીમમુશરફે જણાવ્યું હતું કે ટેમ્પા ચાલકને ઉભા રહેવા માટે કહ્યું હતું છતાં તે ઊભો રહ્યો ન હતો. લોકોની ભીડનો લાભ ઉઠાવી ટેમ્પો ચાલક ભાગી ગયો હતો. મોહમદ જુમન મજુરી કામ કરતો હતો તેના પિતા અને ભાઈ છૂટક મજૂરી કામ કરે છે. આ અંગે લિંબાયત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.